ફિલ્મ-રિવ્યુ : માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ

વ્હીલચૅર પર ઇન્દ્રધનુષ, બેધડકપણે એવું કહી શકાય કે આ ફિલ્મથી આપણું સિનેમા ગુણવત્તાનાં કેટલાંય પગથિયાં એકસાથે ચડી ગયું છે

margarita

જયેશ અધ્યારુ

કેટલીયે બાબતો આપણને કોઈ પણ જાતના સવાલ કર્યા વિના, એનો બીજો ઍન્ગલ તપાસ્યા વિના જ ગળથૂથીની જેમ ગળાવી દેવામાં આવી હોય છે. જેમ કે શારીરિક અક્ષમતા અને સેક્સ્યુઍલિટી. ફિઝિકલી ચૅલેન્જ્ડ લોકો પ્રત્યે આપણે સહાનુભૂતિ દાખવીશું, ડિફરન્ટ્લી એબલ્ડનો દંભ પણ કરીશું; પણ અંતે તો તેમને બાપડા-બિચારાનું લેબલ લગાવીને હાંસિયામાં જ ધકેલી દઈશું. એ પછી તેમની શારીરિક-માનસિક ઇચ્છાઓ, તેમનાં સંવેદનો પણ હરકોઈ વ્યક્તિના જેવાં જ હોય છે. એ બધું જ સિફતપૂવર્‍ક અભેરાઈએ ચડાવી દઈશું અને સેક્સ્યુઍલિટી તો આમેય આપણા માટે કોઈ ચેપી રોગ જેવો જ વિષય બનીને રહી ગયો છે. એમાંય હોમોસેક્સ્યુઍલિટી કે એનાથીયે આગળ વધીને બાઇસેક્સ્યુઍલિટીની વાત આવે એટલે તો જાણે મધપૂડા પર પથરો ફેંકવો. પરંતુ થૅન્ક ગૉડ, આપણી પાસે શોનાલી બોઝ જેવાં ફિલ્મમેકર્સ છે જે આ બન્ને વિષયોને ભેગા કરીને પણ એક અફલાતૂન, ભારોભાર સંવેદનશીલ ફિલ્મ બનાવી શકે છે.

સાત રંગ જિંદગીના

ઓગણીસ વર્ષની લૈલા (કલ્કિ કોચલિન) સેરિબ્રલ પૉલ્ઝીથી પીડાય છે. બૅટરીથી ચાલતી વ્હીલચૅર વિના ક્યાંય જઈ શકતી નથી અને મોંમાંથી શબ્દો પણ યોગ્ય રીતે નીકળે નહીં. પરંતુ તેના વિચારો, સંવેદનો, તેની ટૅલન્ટ વ્હીલચૅરની મોહતાજ નથી. તે કૉલેજના રૉક બૅન્ડ માટે ગીતો કમ્પોઝ કરે છે, લેટેસ્ટ ટેક્નૉલૉજી વાપરે છે. તેના જથ્થાબંધ દોસ્તારો છે. મિત્રો બનાવવામાં કે જીવન જીવવામાં તે ક્યારેય પોતાની શારીરિક વિવશતાને વચ્ચે આવવા દેતી નથી. તેની ફૅમિલી પણ મજાની છે. પપ્પા પંજાબી સરદારજી છે, મમ્મી શુભાંગિની દામલે (રેવતી) મરાઠી છે. એક ક્યુટ નાનો ભાઈ છે. ઘરમાં એક શારીરિક અક્ષમ વ્યક્તિને ઉછેરી રહ્યાં છે એવો કોઈ ભાર ક્યાંય વર્તાતો નથી. બસ, તેમની લાઇફ-સ્ટાઇલ એ રીતે ગોઠવાઈ ગયેલી છે. ક્યાંય કોઈ ફરિયાદ, કડવાશ કે દયાની અપેક્ષા જોવા ન મળે.

પરંતુ ઉંમરને કારણે લૈલા પોતાના શરીરમાં સળવળતી જાતીયતા બાબતે ખાસ્સી ઉત્સુક છે. એક છોકરા પ્રત્યેનો ક્રશ-ભંગ થયા પછી તે અમેરિકાની વાટ પકડે છે અને સીધી ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં ક્રીએટિવ રાઇટિંગના કોર્સમાં ઍડ્મિશન લઈ લે છે. ત્યાં તેની મુલાકાત થાય છે બંગલાદેશી-પાકિસ્તાની ખાનુમ (સયાની ગુપ્તા) નામની જોઈ ન શકતી યુવતી સાથે. આ સ્માર્ટ સ્વતંત્ર યુવતી સાથેની ગાઢ મિત્રતામાં તેને ખ્યાલ આવે છે કે તે તો હોમોસેક્સ્યુઅલ છે એટલું જ નહીં, પોતાની અંદર પણ લેસ્બિયનિઝમનાં બી પડેલાં છે. પરંતુ બીજા એક પ્રસંગે તેને ખ્યાલ આવે છે કે તે પુરુષો પ્રત્યે પણ એટલું જ આકર્ષણ ધરાવે છે. મતલબ કે લૈલા બાઇસેક્સ્યુઅલ છે. ત્યાં જ અમેરિકાથી ભારત આવ્યા પછી લૈલાને ખબર પડે છે કે...

માટીના ચાકડે પોલાદી વિચારો

શોનાલી બોઝની ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’ માત્ર ૧૦૧ મિનિટની જ ફિલ્મ છે, પણ એમાં ખરલ પર ઘૂંટાતી દવાની જેમ ધીમે-ધીમે એક પછી એક વિચારો ઘૂંટાતા જાય છે. એ પણ જરાય મેલોડ્રામેટિક બન્યા વિના. ‘શમિતાભ’માં અક્ષરા હાસન કહે છે તેમ અહીં ક્યાંય હૅન્ડિકેપ્ડ મશ મતલબ કે શારીરિક અક્ષમતાના નામે ખોટા લાગણીવેડા નથી. ફિલ્મમાં એક કૉમ્પિટિશનમાં પોતાના ગીતને એટલા માટે અવૉર્ડ મળે છે કે એ ગીત એક અક્ષમ યુવતીએ રચ્યું છે ત્યારે સ્ટેજ પરથી લૈલા પોતે જ નિર્ણાયકને ગુસ્સામાં  મિડલ ફિંગર બતાવી દે છે. રોજિંદી લાઇફ હોય કે અમેરિકા એકલાં રહીને ભણવાનું હોય, લૈલા બધી વાતે સ્વાવલંબી છે. તેની મમ્મી રેવતી પણ ક્યાંય સમાધાન કર્યા વગર તેના ઉછેરમાં ક્યાંય કચાશ રાખતી નથી. ઈવન તેને કૉલેજ લાવવા-લઈ જવા માટે રેવતી પોતે જ રોજ મેટાડોર ચલાવે છે. ઇન ફૅક્ટ, મેટાડોર ચલાવતી રેવતીનું દૃશ્ય એટલું પાવરફુલ લાગે છે કે આપણા શરીરમાં શેર લોહી ચડી જાય. ફિઝિકલી ચૅલેન્જ્ડ લૈલા પોતાની દયા ખાઈને સહાનુભૂતિ ઉઘરાવતાં કે પોતાને જ ઉતારી પાડતાં વાક્યો બોલે ત્યારે તેને તેની મિત્ર ખાનુમ તરત જ ચોપડાવે છે, તુમ હમેશા અપની બેઇઝ્ઝતી ક્યોં કરતી હો? મુઝે મૌકા દો...

હા, અભિનેત્રી સયાની ગુપ્તાએ ભજવેલું ફિલ્મનું ત્રીજું સશક્ત પાત્ર ખાનુમ. એ છોકરી જોઈ નથી શકતી; પણ દયાની ભીખ માગવાને બદલે એકલી રહે છે, ભણે છે, મ્યુઝિયમમાં-પબમાં જાય છે અને સરકારની સામે વિરોધ-પ્રદર્શનોમાં બાંયો પણ ચડાવીને ઊભી રહે છે. પોતાની સેક્સ્યુઍલિટીનો રૂઢિચુસ્ત પરિવારમાં એકરાર કરી ચૂકી છે.

પચરંગી લાગણીઓની વચ્ચે સ્વસ્થતા પણ એટલી જ શિદ્દતથી વહેતી રહે છે. પોતાની દીકરી પૉર્ન સાઇટ્સ જુએ છે, તેને કોઈ છોકરો ગમે છે કે બાઇસેક્સ્યુઅલ છે એ જાણવાની વેળાએ ગુસ્સે થઈ ગયેલી રેવતી થોડા સમય પછી અત્યંત સ્વસ્થતાથી પરિસ્થિતિ સ્વીકારી પણ લે છે. પ્રેમનો અસ્વીકાર હોય કે જાતીયતાનો અનુભવ હોય, સ્વજનને ગંભીર બીમારીનું નિદાન હોય કે તેનું મૃત્યુ હોય, અહીં ક્યાંય મૈં હી ક્યોં? ટાઇપની મગજમારી નથી.

શરીરમાં ઈશ્વરે છોડેલી ત્રુટિઓને ટેક્નૉલૉજી કેવી સરસ રીતે ભરી આપે છે એ પણ અહીં મસ્ત રીતે વ્યક્ત થયું છે. લૈલા જાતે ચલાવી શકાય એવી બૅટરીપાવર્ડ વ્હીલચૅર વાપરે છે. ખાનુમ વિઝ્યુઅલને ઑડિયોમાં કન્વર્ટ કરી આપતી ડિવાઇસ વાપરે છે. ટાઇપ કરેલા શબ્દોને ઑડિયોમાં બદલી આપતું લેટેસ્ટ આઇપૅડ ખરીદવા માટે પોતાનાં નાનીએ આપેલી સોનાની ચેઇન વેચી નાખતાં પણ લૈલા અચકાતી નથી. એક પણ શબ્દ બોલ્યા વિના આપણા અને અમેરિકા જેવા દેશોમાં ટાઉન-પ્લાનિંગમાં શારીરિક અક્ષમ લોકો પ્રત્યેના અપ્રોચમાં કેવો ડિફરન્સ છે એ પણ સમજાય છે.

પાવરફુલ પર્ફોર્મન્સ

લૈલાના પાત્રમાં કલ્કિ કોચલિન એટલી સ્વાભાવિક લાગે છે, એક સેકન્ડ માટે પણ એવું લાગતું નથી કે તે ઍક્ટિંગ કરી રહી છે. બૉડી-લૅન્ગ્વેજ, અસ્પક્ટ ઉચ્ચારો, ચહેરાના હાવભાવ આ બધામાં કલ્કિનું પર્ફેક્શન ઑસ્કરવર્ધી છે. આપણે ગર્વ લેવા જેવી વાત છે કે આપણી પાસે રેવતી જેવી સશક્ત અભિનેત્રી છે. કૅરિંગ છતાં સખત મમ્મી, આખા ઘરને એક તાંતણે બાંધી રાખતી ગૃહિણી, પતિની અનિચ્છા છતાં વિદેશી ધરતી પર દીકરીને ભણવા મોકલતી માતા, ત્યાં તેને સેટ કરવા માટે એકેએક વસ્તુની ગોઠવણ કરવાની તેની ચીવટ, એક વિદેશી પાસે પોતાની અટકના સાચા ઉચ્ચારનો આગ્રહ રાખતી સ્વાભિમાની સ્ત્રી અને જીવલેણ બીમારીમાંય હાર ન માનવાનો અડીખમ ઍટિટ્યુડ, એમ છતાં ક્લાસિકલ મ્યુઝિકના શોખ થકી જાળવી રાખેલું પોતીકાપણું... આ બધા જ શેડ્સ રેવતીએ અત્યંત ઑથોરિટીથી રિફ્લેક્ટ કર્યા છે. ‘ક્વીન’ ફિલ્મમાં જે રીતે લિઝા હેડન યાદ રહી ગયેલી એમ અહીં બોલકી આંખોવાળી બિન્દાસ સયાની ગુપ્તા પ્રભાવિત કરી જાય છે. ફિલ્મની લાગણીઓનો પડઘો પાડતું મ્યુઝિક પણ જસ્ટ પર્ફેક્ટ છે.

એક સેરિબ્રલ પૉલ્ઝીથી પીડાતા બાળકને ઉછેરવાનો ડિરેક્ટર શોનાલી બોઝનો જાણે પર્સનલ અનુભવ હોય એવી ઑથોરિટીથી તેમણે આ આખો વિષય હૅન્ડલ કર્યો છે. એક નાની ચમચીની ડિઝાઇનથી લઈને જરાય દૃશ્યો ર્ચોયા વિના શારીરિક અક્ષમતાની સેક્સ્યુઍલિટી સુધીની બાબતો તેમણે અત્યંત ચીવટ અને સ્વસ્થતાથી બતાવી છે.

પણ એક સેકન્ડ

‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’ ટિપિકલ બૉલીવુડિયન ફિલ્મ નથી. અહીં યુવાન દીકરીને માતા નવડાવે છે, દીકરી પણ માતાને સાબુ ચોળી આપે છે, બે સ્ત્રી વચ્ચેનાં ઉત્કટ પ્રણયદૃશ્યો છે, યુવતી પૉર્ન સાઇટ જુએ છે-હસ્તમૈથુન કરે છે, પોતાના માટે વાઇબ્રેટર નામનું

સેક્સ-ટૉય ખરીદવા જાય છે... અલબત્ત, આ બધું જ એકદમ ડિગ્નિટીથી ફિલ્માવવામાં આવ્યું છે. તેમ છતાં તમારા મોંમાંથી હાય-હાય નીકળી જતું હોય તો જરા સાચવવું. વાર્તા પણ એ રીતે કહેવાઈ છે કે બધી વાતોનું સ્પૂન-ફીડિંગ કરી આપવાને બદલે આપણે જાતે સમજી જવું પડે. ૧૦૧ મિનિટની જ હોવા છતાં સામાન્ય ફાસ્ટ પેસ્ડ ફિલ્મો જોવા ટેવાયેલા લોકોને આ ફિલ્મ સ્લો પણ લાગશે.

ચિયર્સ

કમિંગ ઑફ એજ પ્રકારની આ ફિલ્મ જોઈને સુખદ આશ્ચર્યનો એક ઝટકો એ પણ લાગે કે વાતે-વાતે કાતર ચલાવતું આપણું સેન્સર બોર્ડ આ ફિલ્મને પાસ કરી દેવા માટે આટલું મેચ્યૉર ક્યારે થઈ ગયું? જે હોય તે, જેમને ખરેખરું સિનેમા જોવાનો શોખ હોય તેમણે તો અઢળક લાગણીઓને સ્વસ્થતાભેર વ્યક્ત કરતી આ ફિલ્મ જરાય મિસ ન જ કરવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK