ફિલ્મ-રિવ્યુ : માંઝી-ધ માઉન્ટન મૅન

માંઝી એક, પહાડ અનેક, પહાડ ચીરીને રસ્તો બનાવનારા માણસની આ ભગીરથ દાસ્તાન આપણા મનને વીંધી નાખે એવા કેટલાક સવાલો પણ પૂછે છે


manjhi

જયેશ અધ્યારુ


સતત બાવીસ વર્ષ સુધી એકલપંડે હથોડી અને છીણી લઈને પહાડ ચીરીને રસ્તો બનાવવા મચી પડેલા માણસને તમે શું કહેશો? ધૂની, પાગલ, દૃઢનિશ્ચયી, એકલવીર કે પછી સાચો પ્રેમી? કંઈ પણ કહો; વાત છે જબરદસ્ત, શાનદાર, અફલાતૂન. ‘રંગરસિયા’ પછી આપણા ગુજરાતી ફિલ્મમેકર કેતન મહેતાએ સતત બીજી બાયોપિક બનાવી છે. અહીં કેતનભાઈએ પોતાની ટેવ મુજબ ક્રીએટિવ લિબર્ટીના નામે ફૅક્ટ્સ સાથે છૂટછાટો પણ લીધી છે અને વાર્તાને થોડી ફિલ્મી પણ બનાવી છે, પરંતુ ફિલ્મના માંઝી નવાઝુદ્દીન સિદ્દીકીને કારણે આ ફિલ્મ અવશ્ય જોવી પડે એવી ફિલ્મોની યાદીમાં તો બેશક છે જ. સાથોસાથ એ કેટલાક એવા સવાલો પણ ખડા કરે છે, જેના જવાબ આપણી સરકારોથી લઈને આપણે પોતાની જાત સુધી દરેકે શોધવાના છે.

એકલો જાને રે

નામ એનું દશરથ માંઝી (નવાઝુદ્દીન સિદ્દીકી). બિહારના ગયા જિલ્લાના ગેહલૌર ગામમાં આઝાદી પહેલાં જન્મેલું ફરજંદ, પરંતુ જન્મ તેનો એવા વર્ણમાં જેને અડવામાં પણ કહેવાતા સવર્ણોને હાથે કાંટા ઊગે. ફાગુનિયા (રાધિકા આપ્ટે) સાથે લગ્ન થયાં એ તેનું સૌથી મોટું સૌભાગ્ય, પરંતુ માણસ સાથે રમત રમવામાં ઉપરવાળાને બહુ મજા આવે. આ ગામની આડે એણે એવો પહાડ બનાવી દીધો છે કે સીધી લીટીમાં માંડ પાંચ-સાત કિલોમીટર છેડે આવેલા વઝીરગંજ ગામે જવું હોય તોય સિત્તેર કિલોમીટરનો આંટો મારવો પડે. એમાં એક દિવસ પહાડ ક્રૉસ કરતાં ફાગુનિયાનો પગ લપસ્યો અને... દેવદાસની જેમ હતાશ થઈને દારૂના રવાડે ચડી જવાને બદલે માંઝીએ પહાડની બાયપાસ સર્જરી શરૂ કરી. છેક બાવીસ વર્ષ આ દંગલ ચાલ્યું.

વન મૅન આર્મી

જરા લમણે આંગળી ફેરવીને વિચારીને કહો કે હિન્દી ફિલ્મોમાં તમે છેલ્લે ગામડું ક્યારે જોયેલું? જાણે આખો દેશ સંપૂર્ણપણે અર્બન થઈ ગયો હોય એમ આપણી ફિલ્મોમાંથી ગામડાં ગાયબ થઈ ગયાં છે. આ ફિલ્મ એમાં સુખદ અપવાદ છે. સાઠથી એંસીના દાયકાનું માત્ર ગામડું જ નહીં, એની સાથે રહેલા અડધો ડઝન પ્રશ્નો પણ મહેતાસાહેબે રમતા મૂકી દીધા છે. જેવું એક થોડી ઑફબીટ ફિલ્મની સાથે થાય છે એ જ રીતે અહીં પણ એકબીજાથી તદ્દન ઑપોઝિટ પ્રતિભાવો આવ્યા છે. એક વર્ગ માંઝી પર અને ખાસ તો પરકાયાપ્રવેશમાં ગજબનાક માસ્ટરી ધરાવતા નવાઝુદ્દીન સિદ્દીકી પર ઓવારી ગયો છે. બીજા લોકોએ પોતાનું માઇક્રોસ્કોપ આ ફિલ્મના ફૉલ્ટ્સ શોધવા પર ફોકસ કર્યું છે. તેમણે કચ-કચ કરી છે કે ફિલ્મ ધીમી છે, ડિરેક્ટર કેતન મહેતાએ હકીકતો સાથે છેડખાની કરી છે, શરૂઆતના ભાગમાં બિનજરૂરી કૉમેડી ઉમેરીને ગંભીર વાતને ફિલ્મી બનાવી દીધી છે, ફિલ્મનું પ્રોડક્શન નબળું છે, નવાઝુદ્દીનની દાઢીથી લઈને સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને જમીનદાર જેવાં પાત્રો સાવ નકલી તથા કૅરિકેચરિશ લાગે છે અને અબવ ઑલ દશરથ માંઝીના ભગીરથ કાર્યને પૂરતો ન્યાય નથી કર્યો. હૉલીવુડની ફિલ્મો જોઈને બેઠેલા લોકોએ તો માત્ર થોડી સમાનતા ધરાવતા બે સીનને કારણે જ માંઝીને ‘૧૨૭ અવર્સ’ તથા ‘ફૉરેસ્ટ ગમ્પ’ સાથે સરખાવી દીધી છે. જો એવું જ હોય તો અહીં ફિલ્મના એક દૃશ્યમાં માંઝીને ટ્રેનમાંથી પ્લૅટફૉર્મ પર ફેંકી દેવામાં આવે છે, એ દૃશ્યને ગાંધીજીના પ્રિટોરિયા સ્ટેશને થયેલા અનુભવ સાથે પણ સરખાવવું જોઈએ. પરંતુ દશરથ માંઝીએ જેમ પોતાનું ધ્યાન ક્યારેય પહાડ પરથી હટાવ્યું નહીં એમ આપણે પણ ન હટાવીએ તો કેટલીયે વસ્તુઓ તીરની જેમ કાળજે ખૂંપી જાય છે.

ઍક્ચ્યુઅલી, અહીં ફિલ્મમાં માંઝી જે તોડે છે એ પહાડ એક જાયન્ટ મેટાફર છે. સામાજિક બહિષ્કારનો એક એવો પહાડ જે એક માણસને ઊંચો અને બીજાને નીચો બનાવે છે. એવો પહાડ જે માણસને માણસ નહીં પણ સાવ તુચ્છ જંતુ બનાવીને મૂકી દે. એવો પહાડ જેની પાછળ ઢંકાયેલા લોકો આજે પણ સત્તાસ્થાને બેઠેલાઓને દેખાતા નથી, જેની નીચે કચડાઈ મરતા લોકોની કોઈને દરકાર નથી. આપણા દેશની સડી ગયેલી સિસ્ટમનો એવો પહાડ જેની એક તરફ બનતાં કાયદા-જોગવાઈઓ પેલે પાર વસતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે જ નહીં. આપણે કહીએ કે દેશ આઝાદ થયો, પણ એ જ દેશનો ગરીબ જો પગમાં જૂતાં પહેરવાની વાત કરે તો તેના પગમાં ઘોડાની નાળ જડી દેતાં પણ જમીનદારો અચકાય નહીં. પહાડની ટોચે બેઠેલો એક વર્ગ નીચે તળેટીમાં રહેલા લોકોને કાયમ દબાવીને જ રાખે, તેમની સ્ત્રીઓને બાપીકી જાગીર સમજે, વિકાસનાં ફળ તેમના સુધી પહોંચવા જ ન દે, સ્કૂલ-દવાખાનાં-પાણી-વીજળી જેવી પાયાની સગવડોને પણ લક્ઝરી બનાવી દે અને સૌથી ખરાબ, દાયકાઓના આ અપમાનને કારણે જ્યારે સમાજનો એ કચડાયેલો વર્ગ એવું માની બેસે કે કદાચ એ સગવડો-સમાનતા આપણા માટે છે જ નહીં. ફિલ્મમાં સરકાર અસ્પૃશ્યતા નિવારણનો કાયદો પસાર કરી દે એ પછી નવાઝુદ્દીન જ્યારે ગામના ઉચ્ચ વર્ગની વ્યક્તિને સ્પર્શી લે તો પણ તેને ઢોરમાર મારવામાં આવે છે એટલું જ નહીં, તે પછી ઘરે આવીને પોતાના સાથીદારો સાથે આ વાતને એ રીતે હસી કાઢે છે જાણે આ અન્યાય તો હવે કોઠે પડી ગયો છે. અહીં આ વાત ભલે ચાલીસેક વર્ષ પહેલાંની હોય, પરંતુ આજે હવે એવો કોઈ અન્યાય અસ્તિત્વ ધરાવતો નથી એવો દાવો કોઈ કરી શકે એવી સ્થિતિ નથી ત્યારે એક મેઇન સ્ટ્રીમની ફિલ્મ આ મુદ્દા ખાસ્સી બોલ્ડ રીતે રજૂ કરે એ વાતે ડિરેક્ટર કેતન મહેતાને દાદ આપવી જોઈએ. આવાબધા અન્યાયોનો ભોગ બનેલો કોઈ માણસ બંદૂક પકડી લે તો કેવી સ્થિતિ સર્જા‍ય એની એટલે કે નક્સલિઝમની પણ અહીં વાત છે. માંઝીએ બંદૂકને બદલે હથોડો પકડ્યો એટલે જ આજે તે દંતકથા બની ગયો છે અને બિહારમાં તેનાં લોકગીતો ગવાય છે.

દશરથ માંઝીના પાત્રને ઘોળીને પી ગયેલો નવાઝુદ્દીન હીરો કરતાં એક વિક્ટિમ વધારે લાગે છે અને એમાં જ તેની સફળતા છે. પોતાના સ્વમાન માટે જાગ્રત એવી પત્ની તરીકે રાધિકા આપ્ટે પર્ફેક્ટ છે. તેને જોઈને લાગે કે આવી સ્ત્રી માટે માંઝી પહાડનાં બે ફાડિયાં કરી નાખે એમાં નવાઈ નથી. જમીનદારના રોલમાં તિગ્માંશુ ધુલિયા અને તેમના જ પડછાયા જેવો અભિનેતા પંકજ ત્રિપાઠી, બન્ને પોતાનાં ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’નાં જ પાત્રોનું રિપીટેશન કરે છે. અહીં માંઝીના પિતાનો રોલ કરનારા અદાકાર અશરફુલ હક થોડા સમય પહેલાં જ અવસાન પામ્યા છે. તેમની કદાચ આ છેલ્લી ફિલ્મ હશે. જે કારણસર લોકોને આ મૂવી ફિલ્મી લાગી છે એ લવ-સ્ટોરીનો ભાગ જો આવો કળાત્મક રીતે ન પેશ થયો હોત તો આ ફિલ્મ માંઝી પરની વધુ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનીને રહી જાત.

અહીં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં (લાંબા સમયે) દીપા સાહી પણ દેખાયાં છે, પરંતુ ગરીબોના જ ખભા પર ઊભાં રહીને ગરીબી હટાવોની વાત કરતાં એ ઇન્દિરાજીને જોઈને હજી સુધી કોઈ કૉન્ગ્રેસીને મરચાં નથી લાગ્યાં એ આપણા જેવા વિવાદપ્રિય દેશમાં આશ્ચર્યની વાત છે. એક ગરીબના તાજમહલ જેવી આ સ્ટોરીનું મ્યુઝિક પણ સરસ ગામઠી ફ્લેવર આપે છે.

શાનદાર ઝબરદસ્ત ઝિન્દાબાદ

ઘણીયે ત્રુટિઓ છતાં આવી સત્વશીલ ફિલ્મો આપણે ત્યાં બહુ ઓછી બને છે. આવી ફિલ્મો બનતી રહે એટલા માટે એ કમર્શિયલી સફળ થાય એ અત્યંત જરૂરી છે. એક માણસ જો જીદ પકડી લે તો પહાડ પણ મારગ કરી આપે છે એ વાતની પ્રતીતિ કરાવતી આ દાસ્તાન થિયેટરમાં અવશ્ય જોવી જ જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK