ફિલ્મ-રિવ્યુ : મૈં ઔર ચાર્લ્સ

ચોર, પોલીસ અને વાયડાઈ, આ ફિલ્મ કરતાં ચાર્લ્સ શોભરાજનું વિકીપીડિયા-પેજ વધારે થ્રિલિંગ છે

mai aur charlesડિરેક્ટર પ્રવાલ રામનની ‘મૈં ઔર ચાર્લ્સ’ના એક દૃશ્યમાં જેલની અંદર બાકાયદા પાર્ટી ચાલી રહી છે. આખી જેલ કોઈ નાઇટ-ક્લબમાં કન્વર્ટ થઈ ગઈ છે અને ડફોળ જેલર એક માદક યુવતીને ગૌરવભેર કહે છે, આ મારી કૅબિન છે, યુ નો. થોડા સમય પછી એ જ જેલના કેદી સિરિયલ-કિલર ચાર્લ્સના બર્થ-ડેનું સેલિબ્રેશન શરૂ થાય છે. ઉજવણીના ભાગરૂપે જેલમાં સૌને કસ્ટર્ડની બનેલી વાનગી ખવડાવવામાં આવે છે. લેકિન વાનગીમાં ઘેનની દવા ભેળવેલી છે. થોડી વાર પછી આખી જેલ બેહોશ પડી છે અને ચાર્લ્સ બિનધાસ્ત જેલમાંથી નીકળી જાય છે. જતાં-જતાં જાણે ફરવા આવ્યો હોય એમ જેલની અંદર-બહાર ફોટો પણ પડાવે છે. આ બન્ને દૃશ્યો જોઈને આપણે આંખો ચોળીએ કે આપણી પોલીસે ખરેખર આવી મૂર્ખામી કરી હશે? હા, ભારતે જોયેલો સૌથી મોટો ચોરટો ચાર્લ્સ શોભરાજ ઉર્ફે બિકિની-કિલર આ જ રીતે જેલમાંથી ભાગી છૂટેલો.

ચાર્લ્સ વિશે કહેવાય છે કે તે કોઈ પણ છોકરીને લગભગ હિપ્નોટાઇઝ કરીને ભોળવી લેતો. કદાચ ડિરેક્ટર પ્રવાલ રામન સાથે પણ એવું જ થયું છે. આખી ફિલ્મ તેમણે ચાર્લ્સના મોહમાં જ બનાવી છે, પરંતુ એમાં ચોર-પોલીસ ટાઇપની મૂવીમાં હોવી જોઈએ એવી થ્રિલ ક્યાંય દેખાતી નથી.

કૅચ મી ઇફ યુ કૅન

આખી ફિલ્મમાં ક્યાંય ચાર્લ્સ (રણદીપ હૂડા)નું આખું નામ બોલાતું નથી છતાં આપણે સમજી લેવાનું છે કે વાત કુખ્યાત ઠગ ચાર્લ્સ શોભરાજની થઈ રહી છે. થાઇલૅન્ડમાં એક પછી એક યુવતીની લાશ મળે છે, જે બન્ને સાથે જોડાયેલો છે ચાર્લ્સ નામનો ઠગ. થાઇલૅન્ડની પોલીસથી ભાગીને ચાર્લ્સ ભારત આવે છે અને અહીં મુખ્યત્વે પાસર્પોટ માટે લોકોને ઠગવાનું શરૂ કરે છે. મોટા ભાગે તેનો શિકાર યુવતીઓ અને હિપ્પીઓ હોય છે. દિલ્હીના એક ઉચ્ચ પોલીસ-અધિકારી અમોદ કાન્ત (આદિલ હુસેન) ચાર્લ્સને પકડવાની ગાંઠ વાળે છે અને મહામહેનતે તેને ધરબી લે છે. ચાર્લ્સ પકડાય છે, પોતાનું રેઝરશાર્પ દિમાગ વાપરીને છટકે છે, ફરી પકડાય છે અને તેને સજા પણ થાય છે. ત્યાં સુધીમાં ચાર્લ્સ એક ઇન્ટરનૅશનલ સેલિબ્રિટી બની ગયો છે. પોતાના ઇન્ટરવ્યુઝ અને પોતાની લાઇફ પરથી ફિલ્મો બનાવવાના હક વેચીને તે કરોડોપતિ થઈ ગયો છે એટલું જ નહીં, છેલ્લે ચાર્લ્સની વધુ એક દિમાગી ચાલ ઉઘાડી પણ પડે છે.

ચોરી કરો, મગર સ્ટાઇલ સે

ચાર્લ્સ શોભરાજ તરીકે રણદીપ હૂડા લગભગ પર્ફેક્ટ લાગે છે. જોકે તેની વિગ અને ઉપલા હોઠ નીચે દબાવેલું પ્રોસ્થેટિક ફિલર કૃત્રિમ લાગે છે. એમ છતાં ફ્રેન્ચ છાંટવાળું અંગ્રેજી- હિન્દી, તેનાં ડિઝાઇનર કપડાં, પીળા રંગનાં ગૉગલ્સ, તેના કિલર લુક્સ એ બધાનું કૉમ્બિનેશન જોઈને લાગે કે અસલી ચાર્લ્સ કંઈક આવો જ લુચ્ચો હશે, પરંતુ પહેલી નજરે એકદમ સ્ટાઇલિશ લાગતી આ ફિલ્મમાં એક નહીં, અઢાર વાંધા છે.

આજથી ૧૩ વર્ષ પહેલાં સ્ટીવન સ્પીલબર્ગે ચાર્લ્સ શોભરાજ જેવા જ ફ્રૅન્ક ઍબૅગ્નેલ નામના ગઠિયા પર ‘કૅચ મી ઇફ યુ કૅન’ નામની અદ્દલ આવી જ ફિલ્મ બનાવી હતી. એ સુપરહિટ ફિલ્મ અને પ્રવાલભાઈની આ ‘મૈં ઔર ચાર્લ્સ’ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સ્પીલબર્ગે ત્યારે કોઈનો પક્ષ નહોતો લીધો, જ્યારે અહીં પ્રવાલભાઈ દેખીતી રીતે જ ચાર્લ્સની પર્સનાલિટી અને પરાક્રમોથી અંજાયેલા લાગે છે અને એટલે જ ચાર્લ્સના કેસની તપાસ કરતા અધિકારી બનતા આદિલ હુસેન સિવાય ફિલ્મનાં તમામ પાત્રો - ઇન્ક્લુડિંગ આદિલ હુસેનની પત્ની બનતી ટિસ્કા ચોપડા - ચાર્લ્સથી પ્રભાવિત છે. દર બીજું વાક્ય ચાર્લ્સનાં ઓવારણાં લેતું જ લખાયું છે. કેવી રીતે ચાર્લ્સ જેલમાં ‘મેટ્રોપોલિસ’ અને ‘ગ્રેટ એસ્કેપ’ જેવી ક્લાસિક ફિલ્મો જુએ છે, તે કેવો મહાન રીડર છે જે હિટલરની ‘મેઇન કામ્ફ’ જેવી બુક વાંચે છે, કાયદાનો જાણકાર છે એવી તારીફોના જ પુલ બાંધવામાં આવ્યા છે. એમ છતાં આ ફિલ્મ એક્ઝૅક્ટ્લી ચાર્લ્સ શોભરાજ જેવા સિરિયલ-કિલર કે ઠગના માઇન્ડની અંદર જરા પણ ડોકિયું કરાવતી નથી. તે કઈ રીતે હત્યા કરે છે, લોકોને છેતરે છે એવી કોઈ વાતનું ડીટેલિંગ અહીં નથી. ઇન ફૅક્ટ, ડિઝાઇનર કપડાં પહેરીને પોઝ આપવા સિવાય આ ચાર્લ્સ ખાસ કશું કરતો નથી. તેના ઉચ્ચારોથી અડધા અંગ્રેજી-ફ્રેન્ચમાં રહેલા સંવાદો પણ સમજાતા નથી.

૭૦-૮૦ના દાયકાનું ભારત ક્રીએટ કરવામાં પ્રવાલ રામને ખાસ્સી જહેમત લીધી છે. જૂના ફોન, ટીવી, સ્પૂલવાળાં ઑડિયો-રેકૉર્ડર, દૂરદર્શન, ઍરર્પોટ, હિપ્પી-કલ્ચર, ‘જબ છાએ મેરા જાદુ’ જેવાં ગીતો વગાડતી ક્લબ વગેરે તેમણે આબાદ રીતે સરજ્યાં છે; પરંતુ જેટલી સ્ટાઇલ ખુદ ચાર્લ્સની નહીં હોય એના કરતાં વધુ સ્ટાઇલ આ ફિલ્મના સ્ટોરી-ટેલિંગમાં મરાઈ છે. ફિલ્મના સ્ટાર્ટિંગથી લઈને સતત એટલીબધી વાર વર્ષો આગળ-પાછળ થતાં રહે છે કે ખબર જ ન પડે કે એક્ઝૅક્ટ્લી કયા સમયગાળામાં વાર્તા ચાલી રહી છે. ઉપરથી બનેલી ઘટનાઓ, બની શકી હોત એવી ઘટનાઓ, ફ્લૅશબૅક વગેરે બધું જ એકસાથે ઠૂંસી દેવામાં આવ્યું છે એટલે જરા પણ બેધ્યાન રહીએ તો લશ્કર ક્યાં લડે છે એની ખબર જ ન પડે.

આ ફિલ્મ કથિત રીતે તો ચાર્લ્સ શોભરાજની લાઇફ પરથી બની છે, પરંતુ આ તેની બાયોપિક હરગિજ નથી. ઍક્ચ્યુઅલી શોભરાજની બાયોગ્રાફીના માત્ર બે જ પૅરૅગ્રાફ પર ફોકસ કરીને આ ફિલ્મ બનાવાઈ છે. એટલે જ શોભરાજની પત્ની, તેનું બાળક, તેનો ભાઈ, તેણે ફ્રાન્સમાં કરેલાં પરાક્રમો કે ઈવન ભારતની જેલમાંથી છૂટuા પછી ફરી પાછાં ફ્રાન્સનાં પરાક્રમ, એ પછી નેપાલમાં તેનું આગમન, ત્યાં તેનાથી ખાસ્સી નાની ઉંમરની તેની ગર્લફ્રેન્ડ નિહિતા બિશ્વાસ (જે પછીથી ‘બિગ બૉસ ૫’માં પણ આવેલી) વગેરે કોઈ જ બાબતનો કશો ઉલ્લેખ આ ફિલ્મમાં નથી. અત્યારે ૭૧ વર્ષનો શોભરાજ નેપાલમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો છે, પણ ફિલ્મ જોઈને નીકળીએ તો એવું જ લાગે જાણે ચાર્લ્સ એક જ બુદ્ધિશાળી છે અને પોલીસ ધૂળ ફાકે છે. ઈવન પોલીસને ચાર્લ્સના ભૂતકાળની ખબર કેવી રીતે ન હોય એવા લૉજિકલ સવાલના પણ કોઈ ઉત્તર નથી. ફિલ્મનું નામ ‘મૈં ઔર ચાર્લ્સ’ છે એટલે એમાં મૈં તરીકે પોલીસ-અધિકારી આદિલ હુસેન હોવો જોઈએ, પરંતુ ફિલ્મ જરાય આ મૈંના પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવાઈ નથી.માત્ર બે કલાકની હોવા છતાં આ ફિલ્મ કોઈ તબક્કે થ્રિલનો અનુભવ નથી કરાવતી. ઉપરથી અત્યંત ધીમી અને કેટલાય બિનજરૂરી સીનથી ભરચક છે. હા, એટલું ખરું કે ફિલ્મનાં ત્રણ મુખ્ય કલાકારો રણદીપ હૂડા, આદિલ હુસેન અને રિચા ચઢ્ઢાની મહેનત દેખાઈ આવે છે.

ડેથ બાય બોરડમ

આ ફિલ્મનાં મુખ્ય વિલન છે એનું ખાસ્સું લેઝી રાઇટિંગ, અત્યંત ધીમું અને વધુપડતી વાયડાઈ ભરેલું ઓવર સ્ટાઇલિશ સ્ટોરી-ટેલિંગ અને છદ્મ બાયોપિક ટાઇપનો અપ્રોચ, સેટ-ડિઝાઇનિંગ,કૅમેરા-ઍન્ગલ્સ, બૅકગ્રાઉન્ડમાં દૂરદર્શનની સિગ્નેચર-ટ્યુન કે એક ચીડિયા જેવા (ઇરાદાપૂવર્‍ક નખાયેલા) છૂટક પ્રયોગો અને ત્રણ અદાકારોની ઍક્ટિંગ માટે ખ્ સર્ટિફિકેટવાળી આ ફિલ્મ જોઈ શકાય. સમજીને નર્ણિય લેજો, નહીંતર તમે પણ આ ફિલ્મી ચાર્લ્સ શોભરાજની છેતરપિંડીના વધુ એક શિકાર બનશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK