ફિલ્મ-રિવ્યુ : મછલી જલ કી રાની હૈ

ગરીબીરેખા નીચેનું હૉરર મૂવી, સમ ખાવા પૂરતું પણ કશું નવું ઑફર ન કરતી આ હૉરર ફિલ્મ ચાલીસેક વર્ષ પહેલાં રિલીઝ થઈ હોત તો પણ એમાં લોકો બગાસાં જ ખાતાં હોત!કોઈ ચોક્કસ જગ્યાએ અતૃપ્ત આત્માઓ ભટકતી હોય, ફિલ્મના મુખ્ય કલાકારો ત્યાં જાય અને એ આત્માની અડફેટે આવી જાય એવી અનેક ફિલ્મો આપણે જોઈ ચૂક્યા છીએ. આ શુક્રવારે રિલીઝ થયેલી સ્વરા ભાસ્કર અભિનીત ફિલ્મ ‘મછલી જલ કી રાની હૈ’ એમાં વધુ એક કંગાળ ઉમેરો છે, પરંતુ ફિલ્મનો વાંક એકની એક વાર્તાને બદલે એના સાવ નિમ્ન સ્તરના પ્રોડક્શનનો છે. કહેવા પૂરતી આ હૉરર ફિલ્મ છે, પરંતુ હરામ બરાબર એકાદ વાર પણ ડરામણી મોમેન્ટ આવતી હોય તો!

ચવાયેલી સ્ટોરી

આયેશા (સ્વરા ભાસ્કર)ના એન્જિનિયર પતિદેવની બદલી મુંબઈથી જબલપુર થાય છે. સાથે તેમનો ચારેક વર્ષનો દીકરો પણ છે. અહીં તેમને રહેવા માટે એક ડાક બંગલા ટાઇપનું ઘર આપવામાં આવે છે. જોકે શિફ્ટ થયાના થોડાક જ દિવસમાં સ્વરાને રહસ્યમયી અવાજો સંભળાય છે અને કોઈ ભેદી પડછાયા દેખાય છે. ઉપરથી તેના ઘરમાં વિચિત્ર બનાવો બનવા લાગે છે. જેમ કે કપ ફૂટવા માંડે છે, કુકર ઊછળવા માંડે છે, લાઇટો ચાલુબંધ થાય છે વગેરે. બીજી બાજુ તેના પતિદેવની ફૅક્ટરીમાં પણ ઉપરાછાપરી ઍક્સિડન્ટ થવા લાગે છે. ગભરાઈને સ્વરા એક તાંત્રિકની મદદ લે છે તો તાંત્રિકનું પણ ધી એન્ડ થઈ જાય છે. આટલું ઓછું હોય એમ તેમના પાડોશમાં જે પરિવાર રહે છે એ પણ કંઈક રહસ્યમય રીતે વર્તન કરે છે.

શરૂઆતમાં તો સૌને લાગે છે કે નવી જગ્યા છે એટલે આવું થાય છે, પરંતુ ઇન્ટરવલ આવતાં સિચુએશનમાં ગંભીર ટર્ન આવે છે જ્યારે તેના જ ઘરમાં તેની કામવાળીનું કરપીણ મોત થઈ જાય છે. સ્વરાના ડૉક્ટરપપ્પા બીજા એક તાંત્રિકને શોધી લાવે છે. આ તાંત્રિકનો પરિવાર પેઢી દર પેઢી ભૂતોને પકડવાનો હોલસેલ કૉન્ટ્રૅક્ટ ધરાવે છે. પછી શરૂ થાય છે ગુડ V/S ઇવિલનો જંગ. એ દરમ્યાન ફિલ્મમાં એક સસ્પેન્સ પણ ખૂણેખાંચરેથી જડી આવે છે.

નબળા ઍક્ટર્સ

ડિરેક્ટર દેબલોય ડેની ફિલ્મ ‘મછલી...’ જોઈને સતત એવો પ્રશ્ન થાય કે આ ફિલ્મ કયા જમાનાની હશે. એવું પણ થાય કે કદાચ જ્યાં ભૂત થતાં હોય એવી અવાવરુ જગ્યાએથી જ આ ફિલ્મ જડી આવી હશે. જો ફિલ્મના હીરો તરીકે ભાનુ ઉદય જેવા અજાણ્યા અભિનેતાને બદલે હેમંત બિરજે કે દીપક પરાશરને લીધા હોત તો પણ આ ફિલ્મ એટલી જ જૂની લાગત! ફિલ્મના લગભગ બધા જ સીનમાંથી આપણને જુનવાણીપણાની વાસ આવ્યા કરે.

એક તો બે કલાકની ફિલ્મમાં પહેલો પોણો કલાક તો પ્રસ્તાવના બાંધવામાં જ નીકળી જાય, જેને પાછી ફિલ્મ સાથે કશી લેવાદેવા ન હોય. આવી સ્ટોરી અનેક વાર જોઈ ચૂક્યા હોવાથી આપણે જે અટકળો કરતા હોઈએ એવું જ આગળ બનવા લાગે એટલે આપણા પર કંટાળાનો હુમલો થાય. કોઈ ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન વિના આગળ વધ્યે જતી સ્ટોરીને સપોર્ટ આપવા માટે સ્વરા ભાસ્કર (‘રાંઝણા’ ફિલ્મની બિંદિયા) બિચારી એકલી ઝઝૂમ્યા કરે. આખી ફિલ્મમાં પોતાના પાત્રને જીવંત બનાવવા માટે તે એક જ સિન્સિયર પ્રયાસ કરતી હોય એવું લાગે. બાકીની સપોર્ટિંગ કાસ્ટ તો એટલી કંગાળ લેવામાં આવી છે કે જાણે બંદરછાપ દંતમંજન કે હરસ-મસા-ભગંદરની જાહેરખબરોમાંથી પકડી લાવ્યા હોય એવા લોકો જ સ્ક્રીન પર આવ્યા કરે છે. તેમની ઍક્ટિંગમાં કશો ભલીવાર નથી. ફિલ્મમાં મુરલી શર્મા જેવો ઉમદા અદાકાર છે, પણ તેના ભાગે બે-ચાર સીનમાં અલપ-ઝલપ દેખાવા સિવાય કશું જ આવ્યું નથી.

ફિલ્મનાં ભૂતોથી આપણે કદાચ ડરીશું નહીં એવું ડિરેક્ટરને લાગ્યું હશે એટલે તેમણે ફિલ્મમાં ગીતો પણ મૂક્યાં છે. એનું પિક્ચરાઇઝેશન એવું કર્યું છે જાણે નાના શહેરમાં શૂટ થયેલો કોઈ સસ્તો મ્યુઝિક-વિડિયો જોઈ લો. મોટા ભાગની ફિલ્મ જ્યાં આકાર લે છે એ ઘરનું ઇન્ટીરિયર પણ કોઈ નાના બજેટના સ્ટેજ-પ્લે જેવું છે. વક્રતા એ છે કે એ જ ઘરમાં રહેતી સ્વરા ભાસ્કરને ઇન્ટીરિયર ડિઝાઇનર બતાવવામાં આવી છે! બાય ધ વે, આ ફિલ્મનું નામ ‘મછલી જલ કી રાની હૈ’ શા માટે રાખવામાં આવ્યું હશે? કહેવાય છે કે આ ફિલ્મની સીક્વલ પણ પ્લાન થઈ રહી છે. હવે એ લોકો એને કદાચ ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર’ કે ‘જૅક ઍન્ડ જિલ વેન્ટ અપ ધ હિલ’ એવું કંઈક નામ આપશે!

આ ભૂતપિશાચથી સબૈ ભય ખાવૈ!

હૉરર ફિલ્મો લોકોમાં સતત પ્રિય રહેતો ફિલ્મપ્રકાર છે છતાં એનો સપ્લાય અત્યંત ઓછો રહે છે. ભૂતપ્રેતની ફિલ્મોમાં એની એ જ ચવાયેલી સ્ટોરી જોઈને લોકો હવે કંટાળ્યા છે. તેમને કશુંક નવું આપવું જોઈએ. કમનસીબે ‘મછલી જલ કી રાની હૈ’ ટાઇપની ફિલ્મો હૉરર ફિલ્મો તો આવી જ હોય એવું મહેણું સાચું ઠરાવે છે. સ્વરા ભાસ્કર જેવી ઉમદા અભિનેત્રીના ફૅન્સ પણ દુ:ખી થઈ જાય એવી આ ફિલ્મથી સલામત અંતર રાખવામાં જ માલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK