ફિલ્મ-રિવ્યુ : લાલ રંગ

લોહીનો રંગ કાળો :  લોહીના બ્લૅક-માર્કેટનો બોલ્ડ સબ્જેક્ટ, ઑથેન્ટિક હરિયાણવી ફ્લેવર અને રણદીપ હૂડાનો ઝન્નાટેદાર પર્ફોર્મન્સ. ૩ મજબૂત કારણ છે આ ફિલ્મ જોવા માટેનાં

laal rangજયેશ અધ્યારુ

ઑડિયન્સ તરીકે આપણો મોટો પ્રૉબ્લેમ એ છે કે આપણને નવું જોઈએ છે, પણ જૂના જેવું જ. સહેજ અલગ વિષય, નોખી ટ્રીટમેન્ટવાળી કે મોટી સ્ટારકાસ્ટ વગરની ફિલ્મ આવે એટલે થિયેટરમાં ઑડિયન્સ કરતાં સ્ટાફની સંખ્યા વધી જાય. ખરેખર એ ફિલ્મ જોવા ઇચ્છતા બે-પાંચ લોકો માંડ નીકળે જે પબ્લિકના અભાવે શો કૅન્સલ થવાને કારણે ધોયેલા મૂળાની જેમ પાછા જાય. આ આખા કકળાટનું લેટેસ્ટ ઉદાહરણ છે ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ રંગ’. નામ પરથી લાગે કે આ તો કોઈ નક્સલવાદ પર બનેલી ફિલ્મ હશે, પણ એમાં જે વાત કહેવાઈ છે એ જોઈને ભલભલા લોકો થથરી જાય. કેમ કે આપણા દેશમાં કંઈ પણ શક્ય છે.

લહૂ કે દો રંગ


ઍસ્ટ્રોનૉટ કલ્પના ચાવલા ફેમ હરિયાણાના કર્નાલમાં શંકર મલિક (રણદીપ હૂડા) નામનો એક ખૂનચોર પોતાનું લોહીના બ્લૅક-માર્કેટિંગનું લોહિયાળ રૅકેટ ચલાવે છે. સરકારી દવાખાનાં, બ્લડ-બૅન્કો અને બ્લડ-ડોનેશન કૅમ્પોમાંથી લોહીની તસ્કરી કરીને ખાનગી હૉસ્પિટલોને ઊંચા દામે પહોંચાડે. સામે રસ્તે રઝળતા પ્રોફેશનલ બ્લડ-ડોનરોને ચણા-મમરા જેવી રકમ આપીને તેનું લોહી નિચોવી લે અને હૉસ્પિટલોને પધરાવી દે. લોહીના આ ધંધામાં રહેલી કાળી કમાણી જોઈને રાજેશ ધીમાન (અક્ષય ઑબેરૉય) નામના જુવાનિયાને થયું કે આ તો ચરબીદાર ધંધો છે. વળી એ લૅબ-ટેક્નૉલૉજીનું જ ભણે એટલે મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવો ઘાટ. બસ, બન્નેની જોડી જામી ગઈ. સાઇડ ટ્રૅકમાં બન્નેની લવ-સ્ટોરી પણ ચાલે. એકની સફળ ને બીજાની ડબ્બાડૂલ. હવે ઘડો પાપનો હોય કે લોહીનો હોય કે પછી લાલચનો, ભરાયા વિના રહે ખરો?

ખૂન કી કીમત

સૈયદ અહમદ અફઝલ નામના યંગ રાઇટર-ડિરેક્ટરે આ ફિલ્મ બનાવી છે (તેણે જ અગાઉ ‘યંગિસ્તાન’ નામે ફિલ્મ બનાવેલી. આ તો જસ્ટ કોઈ પૂછે તો કહેવા માટે.) આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે એનું ઑથેન્ટિક હરિયાણવી કલ્ચર. ત્યાંની સરકારી કચેરીઓ, હૉસ્પિટલો, ખાઈબદેલા ક્લર્કો, ચાની ટપરીઓ અને સાઇકલ-રિક્ષાઓ, બધી વાતમાં જુગાડ કરતા ફાંદેબાજ લોકો, તોછડાઈથી દમ મારતા તાઉઓ, બટકબોલી છોકરીઓ અને સીધા હરિયાણામાં ટેલિપોર્ટ થઈ ગયા હોઈએ એવી ટિપિકલ હરિયાણવી બોલી.

જો આ ફિલ્મમાં રણદીપ હૂડા નામનો બાહુબલિ જેવો મજબૂત ઍક્ટર ન હોત તો આ ફિલ્મ કદાચ બોરિંગ ડૉક્યુડ્રામા બનીને રહી ગઈ હોત. આ ઍક્ટર આમ તો હરિયાણાનો જ છોરો છે એટલે તેને શંકર મલિકનું આ પાત્ર ભજવવામાં ઝાઝી મહેનત નહીં પડી હોય. તેનું પાત્ર એવું દિલથી લખાયું છે કે એમાં દોસ્તી, આશિકી, ઉદારતા, લંપટતા, બહાદુરી, લોહીનો વેપાર કરવાની ક્રિમિનલ વૃત્તિ પરંતુ અંદરથી ૨૪ કૅરેટ સોનાનું હૃદય આ બધા જ ભાવ કૉકટેલની જેમ પર્ફેક્ટ બ્લેન્ડ થયા છે. બાઇક પર પીળા ગૉગલ્સ, ચળકતાં કપડાં અને રિવૉલ્વિંગ બકલવાળો બેલ્ટ પહેરીને ફરતા હૂડાને ઑબ્ઝવર્‍ કરવા માટે જ આ ફિલ્મ ફરીથી જોવી પડે એવું છે. તેની હરિયાણવી બોલી અને એમાં ડુબાડેલા ઇબ ક્યા તિલક કરાએગા, પીસા (પૈસા), ખસમ, કે ખબર હૈ, ઓ બેટ્ટે જેવા શબ્દપ્રયોગો સાંભળવા માત્રથી હરિયાણવી બોલીનો ક્રૅશ ર્કોસ થઈ જાય.

આ ફિલ્મ સરસ રીતે લખાયેલી છે એની લિટમસ ટેસ્ટ એ છે કે એનાં નાનાંમાં નાનાં પાત્રો પણ યાદ રહી જાય એવાં બન્યાં છે પછી એ કામના સમયે ઑફિસમાં બેસીને ભીંડા સમારતી લંપટ હેડ ક્લર્ક હોય, ખોટું અંગ્રેજી બોલતી ચિબાવલી ગર્લફ્રેન્ડ હોય, રસ્તે રઝળતો બહુરૂપિયો હોય, હૉસ્પિટલનો લૅબ-ટેãક્નશ્યન હોય કે પછી હૉસ્પિટલનો વૉર્ડબૉય હોય. ફિલ્મના એકદમ શાર્પ ડાયલૉગ્સ પણ સૅટાયર, ઑબ્ઝર્વેશન અને ફિલોસૉફીથી ભરેલાં છે. જેમ કે તાઉ, નસબંદી સે બદન મેં કમજોરી ના આવે; દિમાગ મેં આવે, ડેન્ગી તો ફસલ હૈ જો બોયી ભગવાનને હૈ ઔર કાટતે હમ હૈ, જેલ મૈં ગયા; સુધર તૂ ગયા.

આપણે ત્યાં મોઢા પર મેકઅપના થપેડા લગાવીને રસ્તે રઝળતાં ભૂતપ્રેતવાળી ફિલ્મોને જ હૉરર ફિલ્મ કહેવાનો રિવાજ છે. પરંતુ જો આ ફિલ્મમાં કહેવાયેલી વાતમાં એક ટીપા જેટલી પણ સચ્ચાઈ હોય તો એ કોઈ ખોફનાક હૉરર ફિલ્મથી કમ નથી. આ ફિલ્મની શરૂઆતમાં જ કહેવાય છે કે જ્યાં સુધી આપણા કોઈ સ્વજનને લોહીની જરૂર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત સમજાતી નથી. કટોકટીની સ્થિતિમાં કોઈનો જીવ બચી જાય એવી ઉમદા ભાવનાથી આપણે રક્તદાન કરીએ અને દરેક ક્ષેત્રમાં બને છે એમ એ લોહીની સોદાબાજી થવા માંડે તો? આપણા જ કોઈ સ્વજનના શરીરમાં ક્યાંકથી આવેલું ગંદું અને રોગિષ્ઠ લોહી ઘૂસી જાય તો? ઇન્ટરનેટ પર જરાક સર્ચ મારીએ તો આવા કિસ્સાઓથી ન્યુઝ વેબસાઇટો ઊભરાય છે. ત્યારે આ ફિલ્મનું હૉરર વધુ ઘટ્ટ બને છે. ફિલ્મના રાઇટિંગની મેચ્યૉરિટી એવી છે કે લોહી ચોરી લાવતા એક પાત્રનું હુલામણું નામ ડ્રૅક્યુલા છે. એ જ પાત્ર જ્યારે લોહી ભરેલી થેલીઓ છુટ્ટી ફેંકે ત્યારે આપણી આંખો થીજીને સ્ક્રીન પર જ જૅમ થઈ જાય. અરે, સુભાષબાબુના ‘તુમ મુઝે ખૂન દો’નો આ ફિલ્મ જેવો ખોફનાક અર્થ તો કોઈએ નહીં વિચાર્યો હોય.

હવે આટલાં ઓવારણાં લીધા પછી ચૂંટિયા ખણવાનો વારો. એક પલ્પ ફિક્શન જેવી આ ડાર્ક થિþલર એની ઍનાકોન્ડા છાપ લંબાઈને કારણે આપણને કંટાળાનું ઇન્જેક્શન મારી દે છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ ખાસ કરીને સેકન્ડ હાફમાં કોઈ દેખીતા કારણ વગર લંબાયા કરે છે. જાણે આપણને જમાડીને ઘરે મોકલવાના હોય એમ ડિરેક્ટરને વાર્તા પતાવવાની કોઈ ઉતાવળ જ દેખાતી નથી. દર થોડી વારે ડ્રોનથી લીધેલા એરિયલ શૉટ્સ આવ્યા કરે અને ફિલ્મ પૂરી થવાનું નામ ન લે. બાવડી બૂચ કહે દિલ કી જેવાં આ ફિલ્મનાં ગીતમાંથી પણ હરિયાણાની માટીની સુગંધ આવે છે, પણ એ સુગંધ ફિલ્મની થિþલ મોળી પાડી દે છે. રણદીપ હૂડા સિવાયના કલાકારો સરસ છે, પણ એ ફિલ્મને ઊંચકી લે એવા મજબૂત નથી. ઈવન ગલૂડિયા જેવો ચહેરો લઈને ફરતા સાઇડ હીરો અક્ષય ઑબેરૉયના પાત્રનો ભય, પસ્તાવો પણ આપણા સુધી પહોંચતા નથી.

પરંતુ સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે એક બાજુ આ ફિલ્મ આટલો ગંભીર મુદ્દો ઉઠાવે છે અને બીજી બાજુ આપણને ક્યાંય એવું કહેવાતું નથી કે આ કથા સત્યઘટના પર આધારિત છે કે પછી કાલ્પનિક છે (જોકે ગૂગલ આપણા શકને યકીનમાં બદલી નાખે છે). ક્યાંય કોઈ ઑથેન્ટિક આંકડા, ન્યુઝ કે બચવાના ઉપાયોની વાત થતી નથી (આની સામે ‘ઉડતા પંજાબ’ના ટ્રેલરમાં જ ડ્રગ-ઍડિક્ટોના આંકડા વેરી દેવાયા છે). ઉપરાંત સેકન્ડ હાફ પ્રિડિક્ટેબલ પણ એટલો જ છે.

બ્લડ-ટેસ્ટ કરાવી આવો

એકદમ ઑફબીટ સબ્જેક્ટ ધરાવતી આ ફિલ્મમાં જાણીતા કલાકારોનું ન હોવું એ આપણે ત્યાં મોટો ગુનો છે. પરંતુ તમે જો સ્ટાર કરતાં સબસ્ટન્સને વધુ મહkવ આપતા હો અને સારી ફિલ્મ જોવી એ જ તમારો એકમાત્ર હેતુ હોય તો આ ફિલ્મ તમારા માટે છે. ફિલ્મ જોઈને બૉલીવુડના અન્ડરરેટેડ ઍક્ટર એવા રણદીપ હૂડા માટે નવેસરથી માનનું શેર લોહી ચડી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK