ફિલ્મ-રિવ્યુ : ક્યા કૂલ હૈં હમ ૩

સસ્તા અનાજની દુકાન : આ વાહિયાત આઉટડેટેડ ફિલ્મ કરતાં વૉટ્સઍપમાં ફરતા ગંદા જોક્સ ક્યાંય વધુ ફની હોય છે

kya kool hai hum 3જયેશ અધ્યારુ

‘ફૅશન-ટીવી’માં ‘આસ્થા’ ચૅનલ જેવા કાર્યક્રમોની, મેડિકલ સ્ટોરમાં પાંઉભાજીની કે પાકિસ્તાન પાસેથી વફાદારીની અપેક્ષા ન રખાય. એ જ ન્યાયે ‘ક્યા કૂલ હૈં હમ ૩’ જેવી હાડોહાડ વલ્ગર ફિલ્મ પાસેથી બાબા આલોક નાથ જેવા સંસ્કારોની અપેક્ષા રાખીએ તો કોઈ આપણા હાથમાં પાગલખાનાનો એન્ટ્રી-પાસ પકડાવી જાય, પરંતુ સેક્સ-કૉમેડી હોવું એ આ ફિલ્મનો ગુનો નથી, બલ્કે એનો સૌથી મોટો ક્રાઇમ છે. અત્યંત કચ્ચરપટ્ટી ãસ્ક્રપ્ટ, સીધા કમ્પોસ્ટ ખાતર તરીકે વાપરી શકાય એવા સડી ગયેલા જોક્સ અને બે કલાક ચાલતો ભવાડોત્સવ જેમાં કૉમેડીના નામે મોટું મીંડું છે.

ડર્ટી પિક્ચર

કન્હૈયા (તુષાર કપૂર) અને તેનો દોસ્તાર રૉકી (આફતાબ શિવદાસાણી) બન્ને કોઈ કામના નથી (હાઉ રિયલિસ્ટિક). નાનીના જન્મદિવસે પણ અશ્લીલ કેક લઈ આવે એવા આ નમૂનાને તેના બાપા પી. કે. લેલે (શક્તિ કપૂર) તગેડી મૂકે છે. એટલે બન્ને રિસાઈને પોતાના ત્રીજા એક દોસ્તાર મિકી (કૃષ્ણા અભિષેક) પાસે બૅન્ગકૉક ભાગી જાય છે. મિકી ત્યાં સુપરહિટ હિન્દી ફિલ્મોની અશ્લીલ રીમેક બનાવવાનો ધંધો ચલાવે છે. આ બન્ને નમૂના પણ એમાં જોડાઈ જાય છે, પરંતુ ત્યાં જ તુષારને શાલુ (મંદના કરીમી) નામની કોમલાંગિની કન્યા સાથે પ્રેમ થઈ જાય છે અને વાત શાદી સુધી પહોંચે છે, પરંતુ સાચાં

માતા-પિતાને બૅન્ગકૉક બોલાવવાને બદલે તુષાર ત્યાં જ રહેલા પૉર્ન ઍક્ટરોને પોતાનો પરિવાર બનાવીને શાલુના પિતા સૂર્યા કરજાત્યા (દર્શન જરીવાલા) સામે પેશ કરે છે. બસ, આ ભવાડાનો સિલસિલો છેક સુધી અટકતો નથી. વળી એમાં સુસ્મિતા મુખરજી, જિમી મોઝેસ, મેઘના નાયડુ અને એકાદા ગેસ્ટ અપીરન્સ જેવા લોકોનો પણ ઉમેરો થાય છે.

તુષાર કપૂર રોજગાર યોજના?


હાસ્યના પ્રકારોનો અભ્યાસ એવું કહે છે કે અશ્લીલ જોક્સમાં પણ આપણને એની અશ્લીલતા કરતાં એમાં રહેલી સ્માર્ટનેસને કારણે વધારે હસવું આવે છે. મિલાપ ઝવેરી અને મુશ્તાક શેખે લખેલી તથા ઉમેશ ઘાટગેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અશ્લીલ હાસ્ય પીરસવાના તમામ નુસખા ટ્રાય કરી લેવામાં આવ્યા છે. લગભગ દરેક સીનમાં શરીરના ઉભાર બતાવતી સેક્સભૂખી ઊંહકારા કરતી સ્ત્રીઓ, તેમના શરીર પર પટકાતા અને લાળ ટપકાવતા પુરુષો, ડબલ મીનિંગ વાક્યો, નિર્દોષ લાગતા શબ્દપ્રયોગોને પણ તોડીમરોડીને એમાંથી કાઢવામાં આવતો અશ્લીલ અર્થ, ગે જોક્સ, પ્રાઇવેટ પાર્ટસને સજેસ્ટિવ રીતે બતાવવા, દર બીજા સીનમાં બ્રા ઊછળવી, મિડલ ફિંગર અને પ્લેબૉય બનીને દોરેલાં કપડાં પહેરવાં, કેળાં-આઇસક્રીમને પણ અશ્લીલ લાગે એ રીતે ખાવાં, વલ્ગર અવાજો અને ચેનચાળા, હિન્દી ફિલ્મોના ડાયલૉગ્સની અશ્લીલ પૅરોડી... તમે કલ્પના કરી શકો એ તમામ ગંદા મસાલા અહીં મોજૂદ છે, પરંતુ સૌથી ગરીબ બાબત એ છે કે મોટા ભાગના જોક્સ તદ્દન આઉટડેટેડ અને પ્રિડિક્ટેબલ છે. આવી પલંગતોડ કોશિશ કરવા છતાં લગભગ ક્યાંય હસવું નથી આવતું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તમને કોઈ-કોઈ ઠેકાણે છૂટક હસવું આવી જાય તો તમારા નસીબ.

જો અશ્લીલતાને બાજુ પર મૂકો તો અહીં જે પીરસવામાં આવ્યું છે એ આપણે ઑલરેડી સંખ્યાબંધ ફૂવડ કૉમેડી ફિલ્મોમાં અને કૉમેડી સર્કસ જેવા કાર્યક્રમોમાં જોઈ જ ચૂક્યા છીએ. એટલે વાર્તાની રીતે પણ અહીં કશું જ નવું નથી. એક પછી એક પાત્રો કોઈ કારણ વિના એન્ટ્રી લેતાં જાય અને ભવાડામાં યથાશક્તિ ઉમેરો કરતાં જાય. ઈવન ‘ક્રેઝી કમીની હૂં’ મૈં જેવા શબ્દો ધરાવતાં ગીતોને સંગીતની કૅટેગરીમાં મૂકવાં એ સંગીતનું તો ઠીક, ઘોંઘાટનું પણ અપમાન છે.

એકતા કપૂર-શોભા કપૂરે આ ફિલ્મ માત્ર તુષાર કપૂરને કામ આપવા માટે જ બનાવી હોય એવું લાગે છે. તેની કે આફતાબ પાસેથી આમેય કોઈ ઍક્ટિંગની અપેક્ષા ન હોય, પરંતુ દર્શન જરીવાલા જેવા ઉમદા અભિનેતાને મેરા પોપટ ખડા હો ગયા જેવા વલ્ગર ડાયલૉગ બોલતા જોઈને સવાલ થાય કે એવી તે કઈ મજબૂરીમાં તેઓ આવી ભૂમિકાઓ સ્વીકારતા હશે? શક્તિ કપૂર હવે પોતાની સ્ક્રીન-ઇમેજને બડી બેશર્મીથી વટાવી રહ્યો છે.

આ ફિલ્મ માત્ર અને માત્ર ક્વિક મની કમાઈ લેવા માટે જ બનાવવામાં આવી છે; જેનાં બીજાં એક્ઝામ્પલ્સ છે એમાં વારેઘડીએ નફ્ફટાઈથી આવતી શક્તિવર્ધક ગોળીઓ, ડાયમન્ડ, ઑનલાઇન શૉપિંગ, ફૅશન-બ્રૅન્ડ વગેરેની જાહેરખબરો.

ક્યા આપ કે દિમાગ મેં નમક હૈ?

શેરલૉક હોમ્સ, બ્યોમકેશ બક્ષી કે ઈવન જેમ્સ બૉન્ડને પણ કામે લગાડીએ તો પણ આ ફિલ્મમાંથી સમ ખાવા પૂરતો એકેય પ્લસ પૉઇન્ટ શોધ્યો જડે એમ નથી. ખરેખર તો સેક્સ-કૉમેડી પ્રકારની ફિલ્મો ગિલ્ટી પ્લેઝર માટે બનતી હોય છે જેને એકલા કે યાર-દોસ્તો સાથે પ્રાઇવેટ પાર્ટીમાં જોઈને હસી શકાય, પરંતુ આ ફિલ્મ એ કૅટેગરીમાં પણ ક્વૉલિફાય નથી થતી. એટલે જો જરાપણ સેન્સ ઑફ હ્યુમર સાબૂત બચી હોય તો આ ફિલ્મથી સલામત અંતર રાખવામાં જ સાર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK