ફિલ્મ-રિવ્યુ : ક્યા દિલ્લી ક્યા લાહોર

ફીલિંગ સાચી, પણ ફિલ્મ કાચી, માત્ર પ્યાદાં બનીને રહી જતા બે સૈનિકોની વાત કહેતી આ ફિલ્મનો મેસેજ છે કે યુદ્ધથી કોઈનું પણ કલ્યાણ થતું નથી


ભારતના ઇતિહાસનું સૌથી લોહિયાળ પ્રકરણ એટલે ૧૯૪૭ના ભાગલા. રાતોરાત બે દેશો વચ્ચે સરહદ ઊભી થઈ ગઈ. એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ પાકિસ્તાન. એ સાથે જ બન્ને બાજુએ લાખો નિર્દોષોની હત્યાનો સિલસિલો ચાલ્યો. ભાગલાની એ પીડાને ખુશવંત સિંહ, મન્ટો, ઇસ્મત ચુગતાઈ અને ગુલઝાર જેવા સર્જકોએ સુપેરે વ્યક્ત કરી છે. ગુલઝારની ભાગલાની વાતને બખૂબી બયાન કરતી પંક્તિઓથી શરૂ થતી ફિલ્મ ‘ક્યા દિલ્લી ક્યા લાહોર’નું હૈયું સાબૂત છે, લાગણીઓ નક્કર છે; પરંતુ કોઈ ટ્વિસ્ટ વિનાની એકધારી ચાલતી ફિલ્મ અંતે કંટાળો આપે છે.

૬૭ વર્ષ જૂનો ઘા


વર્ષ: ૧૯૪૮. સ્થળ: નૉર્થ-વેસ્ટ ફ્રન્ટિયરનો સરહદી વિસ્તાર. ભારત-પાકિસ્તાન વચ્ચેના ભીષણ ગોળીબારમાં બન્ને તરફ માત્ર બે જ સૈનિકો સહીસલામત બચ્યા છે. પાકિસ્તાની સૈનિકને તેનો ઑફિસર હુકમ કરે છે કે ભારતની સરહદી ચોકીમાં ઘૂસીને દિલ્હીથી લાહોર સુધી ખોદાનારી એક સુરંગનો નકશો લઈ આવ, નહીંતર તને ગદ્દાર સાબિત કરી દઈશ. વખાનો માર્યો તે પાકિસ્તાની સૈનિક રહેમત અલી (વિજય રાઝ) ભારતની ચોકી પાસે આવે છે. ત્યાં પણ માત્ર સૈન્યનો રસોઈયો સમર્થ પ્રતાપ શાસ્ત્રી (મનુ રિશી) જ બચ્યો છે. બન્ને વચ્ચે બંદૂકની ભાષામાં શરૂ થયેલી વાતચીત ગાળોની ભાષામાંથી આગળ વધીને તૂતૂમૈંમૈંની બોલીમાં અને પછી પ્રેમ-દોસ્તીની ભાષામાં પરિણમે છે. વાત આગળ વધે છે ત્યારે ખબર પડે છે કે પાકિસ્તાનનો સૈનિક તો ત્રણ દાયકાથી દિલ્હીમાં રહેતો હતો, જ્યારે ભારતીય સૈનિકનું ઘર હજી આજની તારીખે પણ લાહોરમાં છે. બે દેશો વચ્ચે કોઈ ખુફિયા સુરંગ બને છે કે કેમ એની તો ખબર નથી, પણ ભાગલાનો શિકાર બનેલા લોકોની પીડા સરહદની બન્ને બાજુએ સરખી જ છે. પાકિસ્તાન ગયેલા મુસ્લિમોને ‘મુહાજિર’ કહીને ઉતારી પાડવામાં આવ્યા, તો ત્યાંથી અહીં આવેલા હિન્દુઓને ‘રેફ્યુજી’ કહીને બાજુએ બેસાડી દેવામાં આવ્યા. આ પીડા લઈને જ તમે સિનેમા-હૉલમાંથી બહાર નીકળો છો.

વાત સાચી, પણ સમય?

‘ક્યા દિલ્લી ક્યા લાહોર’માં ગણીને ચાર જ પાત્રો છે. એમાંય ફિલ્મની મોટા ભાગની વાર્તા તો બે મુખ્ય પાત્રોની આસપાસ જ ફર્યા કરે છે.

ફિલ્મમાં એક પણ ફીમેલ કૅરૅક્ટર નથી. વળી લગભગ આખી ફિલ્મ ઘટનાઆધારિત નહીં પણ સંવાદોઆધારિત છે. માત્ર બે જ દિવસના સમયગાળામાં આકાર લેતી સમગ્ર ફિલ્મ ભારતની એક ચોકીના લોકેશન પર જ છે. આ બધાને કારણે આપણે ફિલ્મને બદલે કોઈ નાટક જોતા હોઈએ એવી ફીલ આવે છે.

ઍક્ટિંગ કેવી?

ઉમદા અદાકાર વિજય રાઝ બૉલીવુડના કદાચ સૌથી અન્ડરરેટેડ એક્ટર્સમાંનો એક છે. તેણે આ વખતે ઍક્ટિંગ ઉપરાંત ડિરેક્શનનું સુકાન પણ સંભાળ્યું છે. જ્યારે તેની સાથે ભારતીય સેનાના રસોઈયાના પાત્રમાં ડાયલૉગ-રાઇટર મનુ રિશી છે, જેણે અગાઉ ‘ઓયે લક્કી લક્કી ઓયે’ના ડાયલૉગ્સ લખવા માટે ફિલ્મફેર અને આઇફાના અવૉડ્ર્સ મેળવેલા. અહીં પણ તેણે ડાયલૉગ્સ લખવા માટે કલમ ઉપાડી છે. ઍક્ટિંગ-ડિપાર્ટમેન્ટમાં તો બન્ને પૂરા માર્ક લઈ જાય છે. લાગણીઓ સાચી હોવા છતાં ફિલ્મમાં મોટા કહી શકાય એવા કોઈ ટ્વિસ્ટ છે જ નહીં. જાણે ભાગલાની વ્યથા કહેવા માટે જ આ ફિલ્મ બનાવી હોય એવું લાગે. એને કારણે માત્ર ૯૮ મિનિટની હોવા છતાં આ ફિલ્મ લાંબી અને કંટાળાજનક લાગવા માંડે છે.

હજમ ન થાય

એક દેશના ઇતિહાસ માટે ૬૭ વર્ષ એ મોટો સમયગાળો નથી, પરંતુ આટલા સમયમાં બે પેઢીઓ પસાર થઈ જાય છે. અત્યારે ભાગલાની પીડાને યાદ કરીને આંસુ સારનારા લોકો કેટલા બચ્યા હશે?

વળી ફિલ્મમાં તો ‘અંતે તો હેમનું હેમ હોયે’ની જેમ ભાગલા છતાં બન્ને દેશો એક જ છે એવી વાત કરાઈ છે. જ્યારે અત્યારે ક્રિકેટથી લઈને કારગિલ અને ૨૬/૧૧ સુધીના ઘટનાક્રમમાં બન્ને દેશો વચ્ચે કટ્ટરતા એટલી વધી ગઈ છે કે ‘ભારત-પાકિસ્તાન ભાઈ ભાઈ’ એવો મેસેજ ઍટ લીસ્ટ અત્યારના યુવાનોને તો હજમ થાય જ નહીં. સશક્ત રાઇટર હોવા છતાં ફિલ્મમાં છૂટાછવાયા ચમકારાને બાદ કરતાં સતત પીડા જ વહેતી જોવા મળે છે. કંઈક આ જ વાત કહેતી ‘વૉર છોડ ના યાર’ ફિલ્મે હળવા ટોનમાં પીડા અને કટાક્ષ બન્ને ચાબખા માર્યા હતા.

વૉટ એલ્સ?

‘ક્યા દિલ્લી કયા લાહોર’માં નાનકડા રોલમાં રાજ ઝુત્શી અને વિશ્વજિત પ્રધાન છે. જોકે તેમના ભાગે ટિપિકલ વિલનગીરી કરવા સિવાય ખાસ કશું આવ્યું નથી. ગુલઝારે લખેલું અને સંદેશ શાંડિલ્યએ કમ્પોઝ કરેલું ‘કિસ્સે લમ્બે ને લકીરાં દે’ ગીત સુખવિન્દરે અદ્ભુત રીતે ગાયું છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની ભારત-પાકિસ્તાનની બૉર્ડર ફિજીમાં ઊભી કરવામાં આવી હતી. જોકે એ આઉટડોર લોકેશનને જરા પણ એક્સપ્લોર કરવામાં નથી આવ્યું.

માત્ર ફીલિંગ માટે લાંબા થવું

સરહદ પર લડતા સૈનિકો પણ આખરે તો માણસ છે અને તેમને પણ ઘર-પરિવાર જેવું હોય છે એ વાત રાષ્ટ્રવાદી નારાઓમાં ક્યાંય દબાઈને રહી જાય છે. જો આ ફીલિંગ ફરી એક વાર મેળવવી હોય તો જ આ ફિલ્મ જોવા લાંબા થજો, નહીંતર આ ફિલ્મની Dસ્D રિલીઝ થાય એની રાહ જોવામાં જ સમજદારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK