ફિલ્મ-રિવ્યુ : કોચડયાન

નબળા ઍનિમેશનમાં રજની-મૅજિકનો કચ્ચરઘાણ, જો મોશન કૅપ્ચર ઍનિમેશનના ગાજ્યા મેહ વરસ્યા હોત તો આ ફિલ્મ ભારતીય સિનેમાનું નવું સીમાચિહ્ન સાબિત થાત
સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ હોય અને એ પણ 3Dમાં, ડિરેક્ટર તરીકે તેમની જ દીકરી સૌંદર્યા હોય, ૯ ભાષાઓમાં એકસાથે રિલીઝ થતી હોય અને અબોવ ઑલ, ભારતમાં પહેલી વાર આવેલી ફોટોરિયલિસ્ટિક મોશન કૅપ્ચર ટેન્દ્રિકથી બનેલી ભારતની સૌથી મોંઘી ઍનિમેટેડ ફિલ્મ... આવું જબરદસ્ત કૉમ્બિનેશન હોય તો સમગ્ર દેશમાં જબરદસ્ત ક્રેઝ ઊભો થવો જોઈતો હતો; પરંતુ ચૂંટણીની ધમાલ વચ્ચે એકથી વધુ વાર પાછી ઠેલાયા પછી રિલીઝ થયેલી ‘કોચડયાન’ મોઢું પહોળું થઈ જાય એવી અદ્ભુત ફિલ્મ નથી જ. આ ફિલ્મની વિરુદ્ધમાં જતું મુખ્ય પાસું એનું નબળું ઍનિમેશન છે.

ધ લેજન્ડ

અમિતાભ બચ્ચનના વૉઇસઓવરથી શરૂ થતી ‘કોચડયાન’ વાર્તા છે એક અનાથ બાળકની, જે મોટું થઈને પ્રતાપી સૈનિક રાણા રણવિજય (રજનીકાન્ત) બને છે. ભારતના યુગો પૂર્વેના ઇતિહાસમાં દર્જ થયેલી દંતકથા પ્રમાણે કલિંગપુરી અને કોટ્ટઇપટ્ટનમ નામનાં બે રાજ્યો વચ્ચે દુશ્મની છે. કલિંગપુરીનો રાજા છે રિપુદમન (જૅકી શ્રોફ), જ્યારે કોટ્ટઇપટ્ટનમનો રાજા છે મહેન્દ્રરાજ (નાસિર). રાણા એટલે કે રજનીકાન્તના કૌશલથી પ્રભાવિત થઈને કલિંગપુરીનો યુવરાજ રાણાને રાજ્યનો મહાસેનાપતિ બનાવે છે. મહાસેનાપતિ બનતાંવેંત રાણા પ્રસ્તાવ મૂકે છે કે આપણા રાજ્યમાં ગુલામ તરીકે મજૂરી કરતા શત્રુરાજ્ય કોટ્ટઇપટ્ટનમના સૈનિકોને આપણી સેનામાં સામેલ કરી લઈએ જેથી યુદ્ધ થાય ત્યારે એ લોકો જ ખપે. આ વાતનો અમલ કરતાંવેંત રાણા શત્રુરાજ્ય સાથે સંધિ કરી લે છે અને ગુલામ સૈનિકોને ત્યાં પાછા મોકલી આપે છે. કલિંગપુરીનો સેનાપતિ થઈને તે શત્રુરાજ્યને મદદ કરી એની સાથે ભળી જવા બદલ કલિંગપુરીમાં રાણાને દેશદ્રોહી ઘોષિત કરાય છે.

આ બાજુ કોટ્ટઇપટ્ટનમના યુવરાજનો પરમમિત્ર બની ગયેલો રાણા ત્યાં જઈને ત્યાંની રાજકુમારી વંદના (દીપિકા પાદુકોણ)ના પ્રેમમાં પડી જાય છે. એમાંય એક દુર્ઘટનામાં રાણા મહારાજા મહેન્દ્રરાજ અને યુવરાજના જીવ બચાવે છે એટલે ત્યાંના લોકોનો વિશ્વાસ હજી ગાઢ બની જાય છે, પરંતુ છૂપા વેશે આવેલો એક હુમલાખોર રાજા મહેન્દ્રરાજની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, જે બદલ તેને મૃત્યુદંડ ફરમાવાય છે. જોકે સૌના આઘાત વચ્ચે હુમલાખોર બીજો કોઈ નહીં, રાણા એટલે કે રજનીકાન્ત પોતે જ નીકળે છે. હવે રાણા બન્ને રાજ્યનો દ્રોહી બની ચૂક્યો છે, પરંતુ તેણે આવું શા માટે કર્યું? અને સૌથી મોટી વાત, કોચડયાન (લાંબી જટા ધરાવતો પ્રતાપી રાજા) કોણ છે?

રજની-મેનિયાની પેલે પાર

થોડી કન્ફ્યુઝિંગ સ્ટોરી ધરાવતી આ ફિલ્મની શરૂઆતમાં એનું શૂટિંગ કઈ રીતે કરાયું અને શા માટે આ ફિલ્મ ખાસ છે એની ટૂંકી ડૉક્યુમેન્ટરી પણ બતાવાય છે. આ ફિલ્મ જે ટેન્દ્રિકથી બની છે એ જ ટેન્દ્રિકથી હૉલીવુડમાં જેમ્સ કૅમરને ‘અવતાર’ ફિલ્મ બનાવી હતી એટલે આપણી અપેક્ષાઓ વધી જાય એ સ્વાભાવિક છે, પરંતુ આટલીબધી હોહા કર્યા પછી રિલીઝ થયેલી ફિલ્મનું ઍનિમેશન ખાસ્સું શિખાઉ કક્ષાનું લાગે છે. રજનીકાન્ત સહિત મોટા ભાગના કલાકારોની આંખો કે ચહેરા પર જીવંતતા દેખાતી નથી એટલું જ નહીં, ચહેરા અને હાથની મૂવમેન્ટ્સમાં સંકલન ખૂટતું હોય એવું લાગે છે. સ્ક્રીન પર જાણે પપેટ-શો ચાલતો હોય એવું લાગે છે. જો આ બાબત તમે ઇગ્નોર કરી શકો તો ધીમે-ધીમે ફિલ્મની વાર્તામાં ઓતપ્રોત થતા જશો.

ઇન્ટરવલ પહેલાં રજનીકાન્ત હીરો થઈને આવું શા માટે કરે છે એવા પ્રશ્નો મૂંઝવશે. ઉપરથી દર થોડી વારે આવતાં ગીતો સરસ બન્યાં હોવા છતાં હાઇવે પર આવતા સ્પીડબ્રેકર જેવાં લાગશે, પરંતુ એક વાર રહસ્યો પરથી એક પછી એક પડદા ઊંચકાતા જશે એટલે ફિલ્મની વાર્તાના પ્રવાહમાં તણાતા જશો.

ફિલ્મનું સૌથી સ્ટ્રૉન્ગ પાસું સ્વાભાવિકપણે જ રજનીકાન્ત અને તેની દક્ષિણ ભારતીય છાંટવાળું હિન્દી છે. ઉપરથી કે. એસ. રવિકુમારના સશક્ત ડાયલૉગ્સ રંગ જમાવે છે. સૅમ્પલ: રાજા કભી બંજર ઝમીન પર રાજ નહીં કરતા, અસલી રાજા વો હૈ જો લોગોં કે દિલોં પે રાજ કરે.

રજનીકાન્તની કોઈ જિમ્નૅસ્ટને શરમાવે એવી ઍક્રોબૅટિક ઍક્શન ફૅન્સની તાળીઓ ઉઘરાવી જશે.

આમ તો રજનીકાન્ત હીરો હોય એટલે બાકી બધા કલાકારો માત્ર ફૉર્માલિટી માટે હોય એવી સ્થિતિ સર્જા‍તી હોય છે છતાં વિલન બનતા દક્ષિણના સિનિયર કલાકાર નાસિર હીરો-વિલનનું પલ્લું બૅલૅન્સ કરતા રહે છે. દીપિકા હિરોઇન છે, પણ તેના ભાગે નાચગાના અને એક ફાઇટ-સીક્વન્સ સિવાય ઝાઝું કશું કામ આવ્યું નથી. હા, ફિલ્મમાં જૅકી શ્રોફ અને ડાન્સર-અભિનેત્રી શોભના પણ છે, પરંતુ બન્ને મહેમાન કલાકાર જેવાં જ છે.

ફિલ્મનાં ગ્રાફિક્સમાં પણ ખાસ્સી મહેનત કરવામાં આવી છે. વિશાળ મહેલો, પહાડો, દરિયો વગેરે કાળજીથી ક્રીએટ થયાં છે એટલું જ નહીં;

ફાઇટ-સીક્વન્સિસમાં પણ ફટાફટ ઘૂમતા કૅમેરા-ઍન્ગલ્સ રોમાંચ જગાવતા રહે છે. ખાસ કરીને રજનીકાન્તનો જટાધારી અવતાર અને એમાંય શિવતાંડવ તો એકદમ સુપર્બ કૅપ્ચર થયું છે.

થલૈવા માટે જોખમ લઈ શકો

આ રજનીકાન્તની ફિલ્મ છે એટલે તેના ચાહકોમાં સ્વાભાવિકપણે જ ઉન્માદ જગાવશે, પરંતુ આપણે જો તેના જોક્સની મજા લેવા જેટલા જ અને મનોરંજન ખાતર જ રજનીકાન્તની ફિલ્મો જોતા દર્શક હોઈએ તો ઓવારણાં લેવાની ઇચ્છા થઈ આવે એવી ફિલ્મ ‘કોચડયાન’ નથી. જોકે એમ છતાં એક નવા એક્સ્પીરિયન્સ તરીકે આ ફિલ્મ જોઈ શકાય, પરંતુ સ્ટ્રિક્લી એને ‘અવતાર’ જેવી ફિલ્મો સાથે સરખાવશો નહીં. આ ફિલ્મની સીક્વલની પણ પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. આશા રાખીએ કે આ પહેલા ભાગમાં રહેલી ઍનિમેશનની નબળાઈઓ એની સીક્વલમાં દૂર થઈ જાય. બાય ધ વે ફિલ્મના એન્ડ-ક્રેડિટ્સમાં ફરીથી ફિલ્મનું મેકિંગ બતાવાયું છે જે જોવા ઊભા રહેશો. એજ્યુકેશનના ભાગરૂપે પણ એ જોવાની મજા પડે એવું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK