ફિલ્મ રિવ્યૂ : કિસ કિસ કો પ્યાર કરું

પતિ, પત્ની અને બખડજંતર, કપિલ શર્મા તેના શોમાં જેવી કૉમેડી કરે છે એ તમને ગમતી હોય તો આ ઠીકઠાક ફિલ્મ તમને સાવ નિરાશ નહીં કરે


સ્ટાર : 2.5


 જયેશ અધ્યારુ

જેવી રીતે કૉલેજ કે નોકરી વગેરેમાં પ્રવેશ માટેની અમુક જરૂરિયાતો હોય છે એવું જ કૉમેડિયન કપિલ શર્માની આ પહેલી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’નું પણ છે એટલે પહેલાં બન્ને નસકોરાં ખોલીને એક ઊંડો શ્વાસ લો અને તમારી જાતને પ્રશ્ન કરો કે તમને કપિલ શર્મા તેના શોમાં જેવી કૉમેડી કરે છે એ ગમે છે? આપણને હસાવવાના નામે તે પોતાની ઑન-સ્ક્રીન પત્નીને ઉતારી પાડે છે એમાં તમને વાંધો પડવાને બદલે હસવું આવે છે? એક પુરુષ એકસાથે પા ડઝન પત્નીઓ રાખીને બેઠો હોય, તેમને ઉલ્લુ બનાવિંગ રમતો હોય અને એ રમતમાં તમને ખિખિયાટા છૂટી જાય ખરા? વાસ્તવિકતા તો દૂરની વાત છે, કૉમન સેન્સ સાથે જેને સ્નાનસૂતકનોય સંબંધ ન હોય એવી વાર્તા જોઈને તમે આ તો ફિલ્લમ કહેવાય રાજ્જા. ઝાઝું વિચારવાનું નહીં, દે તાલી કહીને હસી પડો? જો આ ચારેય સવાલના જવાબ ચારેય વખત હા બાપા હા હોય તો વેલકમ ટુ ધ નૉનસેન્સિકલ વર્લ્ડ ઑફ કપિલ, અબ્બાસ-મસ્તાન આણિ મંડળી.

લગ્ને-લગ્ને કુંવારા


ચચ્ચાર નામધારી કુમાર શિવ રામ કિશન (કપિલ શર્મા) આમ બહુ ભાવુક માણસ. ટબુડી છાશ લેવા જાય અને પરણતો આવે એવો ઇમોશનલ. ઉપરથી તેનાં મમ્મી રુક્મિણીબહેને (સુપ્રિયા પાઠક) તેને બાળાગોળી સાથે શીખવેલું કે ‘જો દીકરા, કોઈ છોડીનું દિલ દૂભવવું નહીં અને કોઈનું ઘર ભાંગવું નહીં.’ આ શિખામણને તેણે એવી સિરિયસ્લી લઈ લીધી કે તે ત્રણ-ત્રણ વાર પરણી ગયો. આ ત્રણ પત્નીઓ (મંજરી ફડનિસ, સિમરન કૌર મુંડી અને સઈ લોકુર)ને ખુશ રાખવા તેણે ટ્રિપલ શિફ્ટમાં મહેનત પણ શરૂ કરી દીધી. હવે આ આપણો આદર્શ ભારતીય હીરો એટલે તેને પત્નીઓ ભલે ગમેએટલી હોય, પણ સાચો પ્રેમ તો એક જ. એવી આને એક સાચી પ્રેમિકા દીપિકા (એલી અવરામ) પણ છે અને તેની સાથે ચોથી વારનાં પ્રભુતામાં પગલાં પાડવા પણ ભાઈ રેડી છે.

આ ચલકચલાણું ઓલે ઘેર ભાણુંમાં તે જ્યારે ફસાય છે ત્યારે તેને બહાર કાઢવા માટે તેનો વકીલ દોસ્તાર કરણ (વરુણ શર્મા) દર વખતે સંકટ સમયની સાંકળની જેમ ખેંચાઈ આવે છે, પરંતુ કપિલભાઈની વિકેટ ખેરવવા માટે હજી તેની પાછળ તેની મમ્મી, પપ્પા (શરત સક્સેના), ચોથા નંબરના ભાવિ સસરા (મનોજ જોષી), બહેરો ડૉન ટાઇગરભાઈ (અરબાઝ ખાન) અને દર વખતે ખોટા ટાઇમે ટપકતી બટકબોલી કામવાળી ચંપા (જેમી લીવર) પણ છે. આ બધા વચ્ચે સતત ચાલતી સંતાકૂકડીની આડપેદાશ તરીકે હાસ્ય પેદા થતું રહે છે.

નો દિમાગ ચલાવિંગ પ્લીઝ

દક્ષિણ બાજુથી એવા આરોપ થઈ રહ્યા છે કે ‘કિસ કિસકો પ્યાર કરુ’ એ ૨૦૧૩માં આવેલી અને સુભાષ ઘઈએ પ્રોડ્યુસ કરેલી કન્નડ ફિલ્મ ‘નિમ્બે હુલી’ની બેઠ્ઠી કૉપી છે. જે હોય તે, પણ સદા શુભ્ર વસ્ત્રધારી ડિરેક્ટર જોડી અબ્બાસભાઈ-મસ્તાનભાઈ બર્માવાલાએ આ વખતે નક્કી કર્યું છે કે આપણે લોકોને ગમે તેમ કરીને હસાવવાનું. એટલે પહેલાં તો તેમણે હસાવવા માટે પંકાયેલા કપિલને તેની પહેલી જ ફિલ્મમાં હીરો તરીકે લઈ લીધો. પછી તેમણે બધા પ્રકારની કૉમેડી કોઈ પણ જાતનો છોછ રાખ્યા વિના ઠપકારી દીધી. પત્નીઓને બેવકૂફ ચીતરવી, તેને સતત મૂર્ખ બતાવતા રહેવું, અન્ડરગાર્મેન્ટની અશ્ર્લીલ કૉમેડી, ગે કૉમેડી, મરેલા માણસ પર કૉમેડી, માણસની શારીરિક ખોડખાંપણ પર કૉમેડી; મોઢા પર કેક લાગી જાય, માણસ પડે-આખડે અને આપણે હસી પડીએ એવી સ્લેપસ્ટિક કૉમેડી અને ગમે ત્યાંથી ઊભાં કરેલાં વનલાઇનર્સ બધું જ આ ફિલ્મમાં બડી બેશરમીથી નાખી દેવાયું છે. ઉપરથી કૉમન સેન્સને રજા પર ઉતારી દેવામાં આવી છે. એક નાનું બચ્ચુંય માની ન શકે એવી તદ્દન સિલી સિચુએશન્સ ઊભી કરીને હીરોનાં ત્રણ-ત્રણ લગ્ન કરાવાયાં છે. જો આમાંથી એકેય ઠેકાણે તમને એવો સવાલ થાય કે હાય હાય, આવું તે કાંઈ હોતું હશે? તો બૉસ, આ ફિલ્મથી તમારે છેટું જ રહેવું.

પરંતુ કપિલ શર્મા ટીવી પર પહેલેથી આવી જ કૉમેડી કરતો આવ્યો છે. તેના શો આવા ભવાડાઓથી અને ઇન્સલ્ટ કૉમેડીથી ભરપૂર હોય છે છતાં સુપરહિટ છે. એટલે તેના ચાહકોને કપિલ પાસેથી હૃષીકેશ મુખરજી-ટાઇપની હળવીફૂલ સંસ્કારી કૉમેડીની અપેક્ષા હોય જ નહીં. જોકે એક વાત માનવી પડે કે કપિલ શર્માનું કૉમિક-ટાઇમિંગ એકદમ જબરદસ્ત છે. કોઈ પંચલાઇન ફેંકવામાં તે ક્યારેય મોડો પડતો નથી કે કૉમેડીમાં તેનું એનર્જી‍-લેવલ ક્યારેય ઓછું થતું લાગતું નથી. ઍક્ચ્યુઅલી આ આખી ફિલ્મ તેના શોનું જ એક્સટેન્ડેડ વર્ઝન લાગે છે. જાણે તેના શોની અલગ-અલગ સ્કિટને એક સ્ટોરીમાં પરોવીને પીરસી દીધી હોય.

કૉમેડિયન તરીકે ફુલ માર્ક લઈ જતો કપિલ જ્યારે હીરો તરીકે સામે આવે ત્યારે કશુંક ખૂટતું હોય એવું લાગે. એ કોઈ દોસ્તાર ટાઇપના પાત્ર વિના આખી ફિલ્મ ઉપાડી શકે એ વાત માનવાનું મન થતું નથી. અહીં દોસ્તાર તરીકે વરુણ શર્મા (‘ફુકરે’નો ચુચો) છે. એવા જ સાઇડકિકના રોલમાં ટાઇપકાસ્ટ થઈ ગયેલો આ જુવાનિયો ખરેખર અન્ડરરેટેડ ઍક્ટર છે. તે ‘ફુકરે’ના હૅન્ગઓવરમાંથી બહાર નીકળે તો મજબૂત અદાકારી આપી શકે એમ છે.

વનલાઇનર્સ અને બે સશક્ત પર્ફોર્મન્સને બાદ કરતાં આખી ફિલ્મનાં અઢાર અંગ વાંકાં છે. ચાર અબલા નારીઓ ફિલ્મમાં ફર્યા કરે છે, જેમના ભાગે રૂપાળા દેખાઈને બેવકૂફ બનવા સિવાય કશું કામ આવ્યું નથી. એ કન્યાઓ બીજું શું કરી શકે એ પણ સવાલ છે. ગેરસમજના ગુણાકાર જેવી કૉમેડી પેદા કરવામાં અહીં અરબાઝ ખાન, મનોજ જોષી, શરત સક્સેના અને સુપ્રિયા પાઠક છે, જેઓ હસાવી તો જાણે છે. ખોટું ન બોલાય. જૉની લીવરની દીકરી જેમી લીવરની પણ આ પહેલી ફિલ્મ છે, પણ એ છોડી એક તો પોતાની સ્ટૅન્ડઅપ કૉમેડી જ રિપીટ કરે છે. બીજું, તેની ઍક્ટિંગમાં પપ્પાની સ્ટાઇલ દેખાય છે. ઉપરથી તેના ભાગે એવા વલ્ગર સંવાદો અને ચાળા આવ્યા છે, હરિ હરિ. આપણા ગુજરાતી ઍક્ટર અનુરાગ પ્રપન્ન માત્ર એક સીનમાં આવીને જતા રહે છે. આટલીબધી પેટાસ્ટોરીઓ હોવા છતાં ફિલ્મ ખાલી-ખાલી લાગે છે.

ઝોલ પડતી સ્ટોરીનો માંજો ખેંચવા માટે આપણે ત્યાં ગીતો નાખવાનો રિવાજ છે, પરંતુ અહીં સમ ખાવા પૂરતું એકેય ગીત સારું નથી અને તોય દર થોડી મિનિટે એક નવા ગીતનું બૉમ્બાર્ડિંગ થાય છે. સ્ટોરીમાં મારેલાં થીગડાં ચોખ્ખાં દેખાઈ આવે છે.

કપિલની અપીલ

આ ફિલ્મમાં અગાઉ આવી ગયેલી ‘સાજન ચલે સસુરાલ’, ‘સૅન્ડવિચ’, ‘ગરમ મસાલા’ અને ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોથી અલગ કશું જ નથી. ઇન ફૅક્ટ, પત્નીઓને છેતરવાના પેંતરા કૉમિક હોવા છતાં થોડા સમય પછી રિપીટેટિવ બની જાય છે. ઉપરથી અહીં તો ચચ્ચાર લગ્નોને જસ્ટિફાય પણ કરવામાં આવ્યાં છે. હવે જો આટલા પ્લસ-માઇનસ છતાં તમને આ ફિલ્મ અપીલ કરતી હોય તો કપિલના નામે કે જસ્ટ ફૉર ફન એકાદ વાર જોઈ શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK