ફિલ્મ રિવ્યુ : કી એન્ડ કા

રિશ્તા નયા સોચ વહી : પહેલી નજરે ફેમિનિસ્ટ અને ક્રાન્તિકારી લાગતી આ ઠીકઠાક ફિલ્મ અલ્ટિમેટલી તો એ જ જુનીપુરાણી માનસિકતાના ખાનામાં જઈને પડે છે

A still from 'Ki & Ka'


જયેશ અધ્યારુ

આર. બાલ્કી અને ગૌરી શિંદેનું ડિરેક્ટર દંપતી અવનવા કન્સેપ્ટ લઈ આવવામાં માહેર છે. જો આમ થાય તો? એવો સવાલ પૂછીને એના પર તે આખી ફિલ્મ રચી કાઢે છે. આ વખતે તેમણે ગ્રેટ ઓલ્ડ ક્વેશ્ચન પૂછો છે કે પત્ની કામ કરે અને પતિ ઘર સંભાળે તો? આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા છે, પણ ફિલ્મ ‘કૌન બનેગા કરોડપતિ’ નથી એટલે સવાલનો ચોખ્ખો જવાબ મળતો નથી. વળી એના ચકાચક અર્બન, આધુનિક, ફેમિનિસ્ટ દેખાતા પૅકિંગને જરાક ખોતરીએ તો એ જ જમાનાજૂની પુરુષના ઍન્ગલથી કહેવાયેલી વાત સામે આવીને ઊભી રહે છે. આવો, આપણે પણ ખોતરીએ.

અબલા પતિ વર્સસ વુમન ઑફ ધ હાઉસ

અબજોપતિ બિલ્ડર પપ્પા (રજત કપૂર)નો IIM, બૅન્ગલોરનો પાસઆઉટ દીકરો કબીર (અજુર્ન કપૂર) સનાતન કરીઅર-વૈરાગ્યથી પીડાય છે અને મમ્મીની જેમ હાઉસવાઇફ એટલે કે હાઉસ-હસબન્ડ બનવા ઇચ્છે છે. બીજી બાજુ સોશ્યલ ઍક્ટિવિસ્ટ મમ્મી (સ્વરૂપ સંપત)ની કરીઅર-ગર્લ કિયા (કરીના કપૂર)ને મન જીવન માત્ર કારકિર્દીને પાત્ર. આ બન્નેની જોડી પેલી બ્લૉક્સ જોડવાની લેગો ગેમ જેવી છે. તરત જ એકબીજામાં ફિક્સ થઈ જાય છે. પરંતુ વાસણ ભલેને સ્ત્રી ચડાવે કે પુરુષ, ન ખખડે તો જ નવાઈ. ઈગોની કાંકરી લાગે અને હિંગ્લિશમાં યુયુ-મીમી સ્ટાર્ટ. નતીજા? ઓવર ટુ મૂવી.

નર, નારી, નોકરી અને નગદ નારાયણ

યશરાજ ફિલ્મ્સએ ઇન્ટરનેટના જમાનાને અનુરૂપ થવા વાય ફિલ્મ્સ નામે યુટ્યુબ પર એક ચૅનલ શરૂ કરી છે. એમાં મેન્સ વર્લ્ડ નામે ચાર હપ્તાની એક વેબ સિરીઝ ચલાવેલી. એમાં આવો જ સવાલ હતો કે આપણી દુનિયામાં સ્ત્રીઓની જગ્યાએ પુરુષો અને પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ ગોઠવાઈ જાય તો? ડિટ્ટો એ જ કન્સેપ્ટને આપણે મોટા પડદે જોતા હોઈએ એવું આ ‘કી ઍન્ડ કા’માં લાગે છે. આ આઇડિયાથી રાઇટર-ડિરેક્ટર આર. બાલ્કી એટલાબધા રોમાંચિત થઈ ગયા હોય એવું દેખાય છે કે અડધી ફિલ્મ તો જો પુરુષ પત્નીના રોલમાં હોય તો શું થાય એના પૉસિબલ સિનારિયો વિચારવામાં જ નીકળી જાય છે. એમાં તે બિલકુલ ભૂલી જાય છે કે પુરુષ ઘર સંભાળે તો જરૂરી નથી તે પણ અન્ય સ્ત્રીઓને ભેગી કરીને કિટી પાર્ટી જ કરે, ભલે હાથમાં પણ મંગળસૂત્ર પહેરે, પાર્ટી વગેરે સોશ્યલ ગેધરિંગમાં તે સ્ત્રીઓ અને અન્ય પત્નીઓ સાથે જ વાતો કર્યા કરે, તે ઘરજમાઈ જ બને, કુકરી બુક્સ જ વાંચે.

ફેમિનિઝમ કહો કે વિમેન્સ લિબરેશન, એનો મૂળભૂત મુદ્દો એ છે અથવા તો હોવો જોઈએ કે સ્ત્રી-પુરુષ એકસમાન છે. બેમાંથી કોઈ ઊતરતું કે સેકન્ડ સેક્સ નથી. પરંતુ આ કી-કામાંથી એવું જ સંભળાય છે કે સ્ત્રી પુરુષને ઠેકાણે આવે તો તે પણ હુકમ ચલાવવા માંડે અને તેનામાં પણ કમાતા હોવાનો ફીમેલ ઈગો ખખડવા માંડે. હકીકત આ બન્ને અંતિમોની વચ્ચે છે, જે આ ફિલ્મનો સૂર હોવો જોઈતો હતો કે સ્ત્રી-પુરુષ પોતાનું મનગમતું કામ કરે અને સાથે મળીને ઘર ચલાવે, ઘરની જવાબદારીઓ વહેંચી લે. પરંતુ અહીં ડાયલૉગ્સથી લઈને ઍક્શન સુધી એ જ કહેવાયું છે કે સ્ત્રી હોય કે પુરુષ, જે ઘર ચલાવે અને જે પૈસા કમાઈને લાવે તે આવી જ રીતે વર્તે. બની શકે કે બાલ્કી સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરવા માગતા હશે, પરંતુ એ મેસેજ કાન દઈને સાંભળવા ટ્રાય કરીએ તો પણ સંભળાતો નથી. જો એવું જ હોત તો નોકરી કરીને આવતી પત્ની થાકેલા પતિ સાથે સેક્સનું દબાણ ન કરતી હોત, સાસુ-વહુ ખાવાપીવાના હુકમો ન છોડતાં હોત અને જ્યારે મવાલીઓ પત્નીની છેડતી કરે ત્યારે તેને પતિ એટલે કે એક પુરુષ જ ધર્મેન્દ્ર બનીને ન બચાવતો હોત (કેમ, ત્યાં સ્ત્રી પોતાનું રક્ષણ જાતે કરી શકે છે એવો મેસેજ ન આપી શકાયો હોત?).

આજથી ચાર દાયકા પહેલાં હૃષીકેશ મુખરજી પોતાની ‘અભિમાન’ ફિલ્મમાં બતાવી ગયા છે કે પત્ની સહેજ વધુ પૉપ્યુલર થાય તો પતિ ઈષ્ર્યામાં બળી મરે છે. આજે કહેવાતી આધુનિક ફિલ્મમાં રોલ રિવર્સલ થાય તો પણ એવું જ થાય? ઈવન બન્નેનાં ફીલ્ડ અલગ હોય, મહત્વાકાંક્ષાઓ અલગ હોય અને બન્ને એકબીજાની સ્પર્ધામાં ન હોય ત્યારે પણ? એ રીતે તો આ ફિલ્મ એવાં કેટલાંય વર્તમાન દંપતીના જીવનસાથીઓને પણ અન્યાય કરે છે જે સ્પાઉઝની સફળતાથી અસલામતી અનુભવવાને બદલે ગૌરવ અનુભવે છે.

આ તો થઈ વૈચારિક સ્તરની માથાપચ્ચી. શહેરી, સ્વતંત્ર મિજાજવાળાં, શક્તિશાળી સ્ત્રીપાત્રો રચવામાં આર. બાલ્કીને ખરેખર હથોટી છે. જમાના સામે ઝીંક ઝીલતી તેમની હિરોઇનોને જોઈને શેર લોહી ચડી જાય. પરંતુ એ ઉત્સાહમાં ક્યારેક અતિરેક પણ થઈ જાય. જેમ કે અહીં કરીના જાહેરમાં પોતાના મેન્સ્ટ્રુએશનની વાત કરે, સાસુ જમાઈ સાથે પોતાના બૉયફ્રેન્ડ્સની અને દીકરીની પ્રી-મૅરિટલ સેક્સની જરૂરિયાતની વાત કરે, ઈવન સૌની હાજરીમાં દીકરો બાપને ઉદ્ધતાઈથી તેમની મર્દાનગી ચેક કરવાની વાત કરે યે બાત કુછ હજમ નહીં હુઈ. આધુનિકતા એટલે બિલો ધ બેલ્ટ વાત જાહેરમાં બેધડક કહેતા ફરવું એવું જ થોડું હોય?

ફિલ્મના અન્ય કેટલાક પ્રૉબ્લેમ્સ પણ ક્વિક્લી જોઈ લઈએ. કરીના એકદમ સુપ્પક લાગે છે, લેકિન આ લીડ જોડી વચ્ચે પ્રેમ જેવું જરાય લાગતું નથી. બન્ને વચ્ચે માત્ર મૅરેજ ઑફ કન્વીનિયન્સ હોય એવું સતત લાગ્યા કરે છે. તોતિંગ પગારવાળાં મા-દીકરી પાસે નવું ઘર લેવાના કે ભાડે રાખવાના પૈસા ન હોય કે હીરોને ટ્રેનનો શોખ હોય તો તે ભાડાના આખા ઘરને રેલવે-સ્ટેશનમાં ફેરવી નાખે કે પિતા સાથે વૈચારિક મતભેદ હોવા માત્રથી બન્ને ઠાકુર-ગબ્બરની જેમ વડચકાં ભર્યા કરે આમાંનું કશું જ ભારતની સેમી-ફાઇનલની હારની જેમ ગળે ઊતરે એવું નથી.

મજા પડે એવુંય આ ફિલ્મમાં વેરાયેલું છે, પણ એ વીણવું પડે એમ છે. જેમ કે આ ફિલ્મનો બેસ્ટ સીન છે અમિતાભ અને જયા બચ્ચનનો ગેસ્ટ અપીરન્સ. બંગલોના દરવાજા બંધ થયા પછી અને સ્ટારનો માસ્ક ઉતાર્યા પછી અમિતાભ-જયા એક પતિ-પત્ની તરીકે કેવાં હશે એની એક ઝલક અહીં મળે છે. અહીં અમુક ઝલકમાં પણ અમિતાભ માત્ર ચહેરાના હાવભાવથી પણ પોતે શા માટે મસ્ત ઍક્ટર છે એ સાબિત કરી જાય છે. જોકે અહીં પણ બેજવાબદાર રાઇટિંગને લીધે બિગ બી પણ ક્યાંક મેલશોવિનિઝમના શિકાર બન્યા હોય એવું લાગે છે. અજુર્‍નને જોવો ગમે છે, પણ ‘૨ સ્ટેટ્સ’ પછી આ બીજી ફિલ્મમાં IIMમાંથી પાસઆઉટ થયો છે. કન્ટ્રોલ યાર.

‘ચીની કમ’માં બાલ્કીએ કહેલું કે રસોઈ બનાવવી એ આર્ટ છે એમ અહીં કહેવાયું છે કે ઘર બનાવવું એ પણ એક આર્ટ છે. આવા અનકન્વેન્શનલ અને રાઇટિંગની રીતે મૅચ્યોર ડાયલૉગ્સ આ ફિલ્મને થોડી ફ્રેશ ફીલ પણ આપે છે. ફૉર એક્ઝામ્પલ, વિમેન્સ ડે પર ખરેખર તો પુરુષોએ સ્ત્રીઓ માટે અન્ય પુરુષો સાથે વાત કરવી જોઈએ. બ્રૅવો. મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં બે પાર્ટી સૉન્ગ, ઇલયારાજાનું એક સૂધિંગ સૉન્ગ અને એકાદા લવસૉન્ગ જી હુઝૂરીએ આ ફિલ્મને ઉનાળા જેવી ડ્રાય બનતી બચાવી લીધી છે.

જોડે જજો રાજ

ઓવરઑલ સરસ રીતે પૅક થયેલી ‘કી ઍન્ડ કા’ આધુનિક થવાની ફિલ્મતોડ મહેનત કરે છે, પરંતુ ડચકાં ખાઈને ઊંધેકાંધ પડે છે. ઍડમૅન બાલ્કીએ ફિલ્મને બડી ચાલાકીથી અન્ય બ્રૅન્ડ્સ સાથે વણી લઈને ખર્ચો કાઢી લીધો છે, પણ વણજોઈતી જાહેરખબરો આપણા માથે મારી છે. એટલે આપણા પક્ષે વાત એવી આવે છે કે આજે, કાલે કે સો વર્ષ પછી ગમે ત્યારે જુઓ; પણ આ ફિલ્મ સજોડે જોજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK