ફિલ્મ-રિવ્યુ : કટ્ટી બટ્ટી

ઓન્લી કટ્ટી, નો બટ્ટી, ના, કંગના કે ઇમ્પ્રેસિવ પ્રોમોના નામે પણ આ બોરિંગ ફિલ્મમાં ભંગાવા જેવું નથી


katti batti
જયેશ અધ્યારુ

ડિરેક્ટર નિખિલ અડવાણી અત્યંત બહાદુર માણસ છે. કહો કે ૫૫.૯૯ ઇંચની છાતીવાળા. હજી ગયા શુક્રવારે જ તેઓ ‘હીરો’ નામનો રીમેક હથોડો આપણા પર ફટકારી ચૂક્યા છે. એ ફિલ્મથી લોકો એવા ત્રાહિમામ પોકારી ગયા કે એક જ અઠવાડિયામાં એનાં પાટિયાં પડી ગયાં. પરંતુ બહાદુર નિખિલભાઈએ તરત જ બીજા શુક્રવારે એનાથીયે મોટો હથોડો આપણા પર માર્યો છે, જેનું નામ છે ‘કટ્ટી બટ્ટી’. કંગનાની બિન્દાસ અદાઓ અને કલરફુલ ક્રીએટિવ ટ્રેલર જોઈને બહુ બધા લોકો અંજાઈ ગયા હતા. પરંતુ હકીકત એ છે કે ફિલ્મમાં મજા આવે એવું માત્ર ટ્રેલરમાં હતું એટલું જ છે, બાકીની આખી ફિલ્મ પ્લાસ્ટિકનાં ફૂલોથી વિશેષ કશું જ નથી.

રોમૅન્સ-કૉમેડી વિનાની રૉમ-કૉમ

માધવ કાબરા ઉર્ફ મૅડી (ઇમરાન ખાન) અને પાયલ (કંગના રનોટ) અમદાવાદની કોઈ ડિઝાઇન-કમ-આર્કિટેક્ચર સ્કૂલમાં ભણે છે. કંગનાએ બનાવેલાં કાગળનાં વિમાનોથી ઘાયલ થયેલો ઇમરાન તાત્કાલિક અસરથી તેના પ્રેમમાં પડી જાય છે. લેકિન અડધી દુનિયાના બૉયફ્રેન્ડ્સની અનુભવી કંગના પ્રેમ-બેમના મૂડમાં નથી અને બન્ને ચાઇનીઝ પ્રોડક્ટ જેવો ટાઇમપાસ પ્રેમ શરૂ કરે છે. મામલો થોડો ગંભીર થાય છે અને બન્ને લિવ-ઇન રિલેશનશિપ સ્ટાર્ટ કરે છે. પરંતુ વન નૉટ સો ફાઇન મૉર્નિંગ કંગના મૅગી નૂડલ્સની જેમ માર્કેટમાંથી ગાયબ થઈ જાય છે અને ઇમરાન તેને અચ્છે દિનની જેમ શોધવા માંડે છે. કંગનાની યાદમાં દેવદાસ થયેલો ઇમરાન તેને શોધી તો કાઢે છે, પણ ખબર પડે છે કે એ કંગના તો રાકેશ આહુજા (વિવાન ભતેના) નામના ભટૂરિયા સાથે લગ્ન કરી રહી છે. થોડી વારે એક નવું ગિયર પડે છે અને કહાનીમાં નવો ને વધુ બોરિંગ એવો ટ્વિસ્ટ આવે છે.

દિમાગ કી છુટ્ટી

જો ફિલ્મોનાં ટાઇટલ્સ વાંચવાની ટેવ હશે તો કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનું નામ એકાદ વાર આંખે પડ્યું હશે. ફિલ્મોના કલાકારોની પસંદગી માટે આ ભાઈએ કટ્ટી બટ્ટીની મુખ્ય જોડી તરીકે કંગના અને આમિરના ભાણિયા ઇમરાનને લીધાં છે, પણ બન્ને એકેય ઍન્ગલથી પ્રેમી-પ્રેમિકા લાગતાં નથી. ક્યુટ ગલૂડિયા જેવા લાગતા ઇમરાનની સામે કંગના આખી ફિલ્મમાં વીફરેલી વાઘણની જેમ ઘૂરકિયાં કર્યા કરે છે. એવું જ લાગે, જાણે તે ફરીથી ‘તનુ વેડ્સ મનુ’ના સેટ પરથી ભાગીને અહીં આવી ગઈ છે. પ્રેમની વાત તો દૂર રહી, જે રીતે કંગના ખડૂસ ક્લાસટીચરની જેમ ઇમરાનને ખખડાવતી રહે છે એ જોતાં તેની સાથે દોસ્તી કરવાની પણ કોઈ હિંમત ન કરે.

આ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ શહેરોનાં મલ્ટિપ્લેક્સમાં જતાં યંગ જુવાનિયાવ છે. એટલે તેમને ગમે એવી રૉમ-કૉમ ફિલ્મના તમામ ટિપિકલ મસાલા અહીં ઠૂંસવામાં આવ્યા છે. જેમ કે બૉય મીટ્સ ગર્લ, ચકાચક કૉલેજ, ડિઝાઇનર કપડાં, પૉશ કાર, વિમાનમાં ઊડાઊડ, ઍપલનાં લેપટોપ અને ફોન, ઉત્સાહી ફ્રેન્ડ્સ, કૂલ મમ્મી-પપ્પા, હીરોની ચિબાવલી બહેન, ગિટાર, કલરફુલ ઑફિસ, થોડા અfલીલ જોક્સ, દારૂ-બારૂ, પાર્ટી સૉન્ગ, રોના-ધોના એટસેટરા. પરંતુ આ બધું ભયંકર કૃત્રિમ લાગે છે. એ જોતાં ફિલ્મોને બદલે ડિરેક્ટર નિખિલ અડવાણી પ્લાસ્ટિકનો સામાન બનાવવાની ફૅક્ટરી નાખે તો એમાંથી નીકળતી પ્રોડક્ટ્સમાં પણ વધારે જીવંતતા હોય.

ફસ્ર્ટ હાફમાં સ્ટોરી શરૂ થવાની રાહમાં જ ઇન્ટરવલ પડી જાય છે. ત્યાર પછી ગાંડીઘેલી દોડાદોડ અને ઇમોશનલ વેવલાવેડામાં ફિલ્મ પૂરી થવાનું નામ જ લેતી નથી. ફિલ્મમાં તો જાણે એન્ટરટેઇનમેન્ટનો છાંટોય નથી, પણ તમે (જો ભૂલથી થિયેટરમાં ઘૂસી ગયા તો) તમારું પોતાનું મનોરંજન પેદા કરી શકો છો. મતલબ કે કાઉન્ટ કરો કો આ ફિલ્મમાં કંગના કુલ કેટલી હેરસ્ટાઇલો ચેન્જ કરે છે? એમાં અંગ્રેજી ફિલ્મ ‘પલ્પ ફિક્શન’ની ઉમા થર્મન જેવી હેરસ્ટાઇલ કઈ છે? કંગના અને ઇમરાનના શરીર પર ક્યાં અને કેટલાં ટૅટૂ છે? કંગનાનો ડાન્સ વધારે કૃત્રિમ છે કે તેની નિતનવી વિગ? આખી ફિલ્મમાં કમોડ કુલ કેટલી વાર આવે છે? કાચબાને કુલ કેટલી વાર ખાવાનું ખવડાવવામાં આવ્યું છે? કાચબાનું નામ મિલ્ખા રાખવાનો જિનિયસ આઇડિયા કોનો હોઈ શકે? કેટલી વાર તમને જેન્યુઇન હસવું (કે રડવું) આવે છે? હીરો-હિરોઇન કેવી ગંભીર બાબતો પર ઝઘડે છે? (સૅમ્પલ : તું સુ-સુ કેમ પ્રૉપર્લી કરતો નથી? તું કાચબાને કેમ ખવડાવતો નથી? તને પડદા બદલ્યા એ કેમ ભાન પડતી નથી? તું મારી સાથે વાત કેમ કરતો નથી? સચિનની છેલ્લી હોય તો શું થયું, તું મૅચ કેમ જુએ છે?) દેવદાસવાળો સીન ‘જાને ભી દો યારો’થી કઈ રીતે પ્રેરિત છે? બિયર પીવાથી માણસ આખી રાત અને આખો દિવસ કઈ રીતે ઘેનમાં રહી શકે? (ડ્રાય ગુજરાતના) અમદાવાદની કૉલેજમાં બિન્દાસ બિયર પીને ટલ્લી કઈ રીતે થઈ શકાય? તમે દેવદાસિયા પ્રેમીઓનું પૉપબૅન્ડ જોયું છે ખરું? એ પૉપબૅન્ડમાં રહેલી બૉયકટ વાળ ધરાવતી છોકરી ઍરટેલ ૪ઞ્ની જાહેરખબરવાળી જ છે કે કેમ? આખી ફિલ્મમાં ઇમરાન કુલ કેટલી વાર પ્લીઝ અને સૉરી બોલે છે? ફિલ્મમાં કયાં-કયાં પાત્રોનો સ્ક્રૂ ઢીલો લાગે છે? ટૂંકમાં તમારી જિજ્ઞાસાને સંતોષવાનો આ ફિલ્મમાં પૂરેપૂરો સ્કોપ છે.

જુઓ, ડિરેક્ટર નિખિલ અડવાણી સાથે આપણને કોઈ ખાનદાની દુશ્મની તો છે નહીં. એટલે મોટું મન રાખીને એટલું કહી શકાય કે ‘કટ્ટી બટ્ટી’નાં મૈં ભી સરફિરા, લિપ ટુ લિપ દે કિસ્સિયાં, ઓવે જાણિયા જેવાં ગીતો સાંભળવાં ગમે છે. એમાં મ્યુઝિક-ડિરેક્ટર શંકર-એહસાન-લૉયનો ટચ વર્તાઈ આવે છે. મૈં ભી સરફિરા ગીત થોડું વધારે ક્રીએટિવ થઈ ગયું છે એટલે તે જોવાની મજા પડે છે, પણ ફિલ્મની બહારનું હોય એવું લાગે છે.

કમ્પ્લીટ કટ્ટી

હૉલીવુડની ફિલ્મો જોનારા કહે છે કે આ તો ‘૫૦૦ ડેયઝ ઑફ સમર’ અને ‘ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ જેવી ફિલ્મોની ખીચડી છે, જ્યારે હિન્દીવાળા કહે છે કે નિખિલભાઈએ અહીંના જ જૂના માલની ભેળપૂરી બનાવી કાઢી છે. આપણા માટે સાર એટલો જ કે ભલે તમે કંગનાના દિલોજાનથી આશિક હો અને ભલે તમને ઇમરાન ક્યુટ લાગતો હોય, પણ અંતે પૈસા આપણે જ ખર્ચવાના છે. એટલે એક કામ કરો; ચેતન ભગત, દુર્જોય દત્તા જેવા લેખકોની એકાદી રૉમ-કૉમ બુક લો અને સેવ-મમરા સાથે વાંચી કાઢો. દોઢસો રૂપિયામાં મસ્ત ટાઇમપાસ થઈ જશે. શું કહ્યું, ફિલ્મ? એ તો ટીવી પર આવે ત્યારે શાક સમારતાં, વાળમાં ડાઇ કરાવતાં કે કપડાંને ઇસ્ત્રી કરતાં-કરતાં જોઈ નાખજોને તમતમારે.

Comments (1)Add Comment
...
written by Hinesh, September 19, 2015
Sir i like your writing so much that i share your reviews with all my friends.
Your imagination and review writing is amazing. I really enjoy smilies/grin.gif
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK