ફિલ્મ રિવ્યુ : કપૂર ઍન્ડ સન્સ

દુ:ખદર્શન : કપૂરના નામે આપણે થિયેટરમાં બેસીને એકતા કપૂરની સિરિયલ જોતા હોઈએ એવી દુ:ખભરી ફીલ આ ફિલ્મમાંથી સતત આવ્યા જ કરે છે

kapoor and sonsજયેશ અધ્યારુ

આપણાં મોટેરાં વર્ષોથી કહેતાં આવ્યાં છે કે ઘર હોય તો વાસણ ખખડેય ખરાં. પત્ની એવું કહેતી ફરતી હોય કે મારે તો કુકિંગનું ને બ્યુટી-પાર્લરનું કરવું’તું, પણ આ ઘરની જંજાળમાં બધું છૂટી ગયું. બહુધા પતિદેવો બહાર નજરોનાં લંગસિયાં ફેંકતા ફરતા હોય. જ્યારે દર બીજા છોકરાને એવું લાગતું હોય છે કે મમ્મી-પપ્પા મારા કરતાં મારા ભાઈ કે બહેનને વધુ લાડ લડાવે છે. આ મોસ્ટ્લી કહાની ઘર ઘર કી છે, પરંતુ તમે એના પર કૅમેરા માંડીને એક ફિલ્મ ઉતારી નાખો તો પછી તમારે કોઈ નવાં ઇમોશન્સ એક્સપ્લોર કરવાં પડે. રાઇટર-ડિરેક્ટર શકુન બત્રાએ પોતાની લેટેસ્ટ પેશકશ ‘કપૂર ઍન્ડ સન્સ’માં આવાં જ ઇમોશન્સની ભેળપૂરી બનાવી છે, પણ વાત તો અલ્ટિમેટલી એ જ છે : લાઇફ છે, ચાઇલા કરે.

મોટો પરિવાર દુ:ખી પરિવાર

નેવું વર્ષના રિટાયર્ડ મિલિટરીમૅન અમરજિત કપૂર (ઋષિ કપૂર)ને લાગે છે કે તેમનો ટૉકટાઇમ હવે પૂરો થવામાં છે, પરંતુ એ પહેલાં તમામ બચ્ચાં-કચ્ચાંને પોતાના કુનૂરના ઘરે બોલાવીને બડજાત્યા સ્ટાઇલનો એક વિશાળ ફૅમિલી ફોટો પડાવી લઈએ. પરંતુ આ બડજાત્યા નહીં, કપૂર ફૅમિલી છે એટલે જ્યારે તેમના બે પૌત્રો રાહુલ (ફવાદ ખાન) અને અર્જુન (સિદ્ધાર્થ મલ્હોત્રા) ઘરે પાછા ફરે છે ત્યારે ઝઘડાઓનું બ્યુગલ ફૂંકાય છે. દીકરો હર્ષ (રજત કપૂર) અને પુત્રવધૂ (રત્ના પાઠક શાહ) સહિત ઘરના બધા જ સભ્યો પોતાની અંદર એક દાઝ કે અધૂરપ લઈને ફરે છે. એટલે જ નાની-નાની વાતમાં બધાને વડચકાં ભરતાં ફરે છે. બીજી બાજુ, હિલ-સ્ટેશનની ઠંડી હવામાં ગરમાવો લાવવા માટે મુંબઈથી ટિયા મલિક (આલિયા ભટ્ટ) પણ કુનૂર આવી છે. એ વગર ફેસબુકે આ બે ભાઈમાંથી એકના પ્રેમમાં પડી જાય છે. હવે આ કપૂરપરિવારનું ઠામ એવું વિચિત્ર છે કે એમાં ઘી ઠારવું બહુ અઘરું છે.

તુંડે-તુંડે ઝઘડા ભિન્ન

યંગ ડિરેક્ટર શકુન બત્રા પપ્પાઓ જેના માટે પોતાના દીકરાઓને ખિજાતા હોય છે એવા કપૂરસાબના લડકા જેવો ટૅલેન્ટેડ છે. રિયલ લાઇફનાં બારીક નિરીક્ષણો અને એના કૉમિકલ પ્રેઝન્ટેશનમાં તેને સચિનની બૅટિંગ જેવી ફાવટ છે. હવે કદાચ તેને લાગ્યું હશે કે પરિવારની અંદર ઝઘડા કરાવીને એકતા કપૂર જો આખું બાલાજી એમ્પાયર ઊભું કરી શકતી હોય તો આપણે એક ફિલ્મ ન બનાવી શકીએ? ખેર, ટ્રેલરમાંથી જ ક્લિયર હતું કે અહીં આપણને સારાભાઈ વર્સસ સારાભાઈ ટાઇપની ફૅમિલીની નોકઝોંકમાંથી નીપજતી કૉમેડીના ચમકારા માણવા મળવાના છે. ઈવન અહીં તો ખુદ માયા સારાભાઈ યાને કે રત્ના પાઠક શાહ પણ હાજર છે. પરંતુ થયું છે એવું કે કૉમેડીનો ડિપાર્ટમેન્ટ રિશી કપૂરે હાઇજૅક કરી લીધો છે, જ્યારે દેકારા અને દદર્‍ની દુકાન ચલાવવાની જવાબદારી બાકીનાં પાત્રોને માથે આવી પડી છે.

અંગ્રેજીમાં જેને ડિસફંક્શનલ ફૅમિલી કહે છે એવો આ પરિવાર છે. તેમનો સંઘ જન્મારેય કાશીએ પહોંચે નહીં. ડિરેક્ટરે આ લડાકુ પરિવારને એકદમ રિયલ રાખ્યો છે. મતલબ કે તેઓ પ્લમ્બરથી લઈને પાણીનો ગ્લાસ, ગાડી, ફોટોગ્રાફ, ખર્ચા, સગાંસંબંધી, ગંજીફાની રમત વગેરે વરાઇટીવાળી વાતો પર ઝઘડી પડે છે. પરંતુ એક વાર આ ઝઘડો શરૂ થાય કે તરત જ એ લાઉડ અને મેલોડ્રામાની બાઉન્ડરી વટાવી જાય. ફરક એટલો કે આ ભણેલો પરિવાર છે એટલે અંગ્રેજીમાં ઝઘડે. તેમ છતાં આ ઝઘડા ઘણે અંશે વાસ્તવિક લાગે છે એનું કારણ છે સતત હાલકડોલક થતા કૅમેરાથી શૂટ થયેલાં દૃશ્યો અને લગભગ નહીંવત્ રહેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક.

આ ફિલ્મ હૉટ કલાકારોનું મેન્યુ કાર્ડ છે. સિદ્ધાર્થ, ફવાદ ખાન, આલિયા અને ઈવન રજત કપૂર ને રત્ના પાઠક પણ માશાલ્લા કંઈ કમ હૉટ નથી. પરંતુ આ બધામાં સૌથી વધુ જલસો કરાવે છે ૯૦ વર્ષના દદ્દુ રિશી કપૂર. તેમની મિલિટરી સ્ટાઇલની તડાફડીવાળા એકદમ સ્માર્ટ ડાયલૉગ અને અફલાતૂન કૉમિક ટાઇમિંગ આખી ફિલ્મમાં સૌથી વધુ લાફ્ટર ઉઘરાવી જાય છે. તેમણે માત્ર એક ઇમોશનલ સીન કર્યો છે, પણ પબ્લિક હીબકે ચડી જાય એવો પર્ફોર્મન્સ આપ્યો છે. તેમના ચહેરા પર ગાડું ભરીને પ્રોસ્થેટિક મેકઅપ કરાયો હોવા છતાંય ઇન્ડસ્ટ્રીમાં રહેલા પોણા ભાગના નવા વછેરાઓ કરતાં તેમના ચહેરા પર વધુ એક્સપ્રેશન્સ આવે છે.

આ ફિલ્મને સરસ ઓપનિંગ અપાવનાર ઑબ્વિયસ ફૅક્ટર છે આલિયા ભટ્ટ. અહીં પણ ટિપિકલ બબલી ગર્લ જ બની છે અને એકાદ સીનમાં નાકનાં ફોયણાં હલાવીને રડી લે છે. પાર્ટી સૉન્ગથી શરૂ થતી એની એ જ અર્બન લવ-સ્ટોરી હોવા છતાં આલિયાનાં નખરાં જોવાં ગમે છે. આ ફિલ્મના બન્ને હીરો લેખક છે. એમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રનું તો નામ પણ અર્જુન કપૂર છે. એટલે એક હળવું ઑબ્ઝર્વેશન એવું છે કે ૨૩ વર્ષની ટૂંકી લાઇફમાં આલિયા ભટ્ટને ત્રણ લેખકો અને એમાંથી બે તો અર્જુન કપૂર ભટકાયા છે (યાદ કરો, ‘૨ સ્ટેટ્સ’). લેકિન આલિયા-સિદ્ધાર્થ-ફવાદની ત્રિપુટી યંગસ્ટર્સને અપીલ કરશે. કદાચ એ યંગ ઑડિયન્સને હસાવવા માટે જ ડિરેક્ટરે બિલો ધ બેલ્ટ હ્યુમર પણ ભભરાવ્યું છે. આ વાર્તા કપૂરપરિવારની છે એટલે ઇન્ટરવલ પછી ખાસ્સા સમય સુધી આલિયા ગાયબ પણ રહે છે.

‘કપૂર ઍન્ડ સન્સ’ને તમે આરામથી ઝોયા અખ્તરની ‘દિલ ધડકને દો’ સાથે સરખાવી શકો, પરંતુ આ કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ છે એટલે જ્યાં સુધી આપણા દેશમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તે પોતાનો ઍન્ગલ ફિલ્મોમાં નાખ્યા જ કરશે.

એક સુપરહિટ સૉન્ગ સાથેની આ ફિલ્મની સૌથી મોટી સ્ટ્રેન્ગ્થ છે એના કલાકારોની પર્ફેક્ટ ઍક્ટિંગ. પરંતુ એનો બિગેસ્ટ માઇનસ પૉઇન્ટ છે વધુપડતી અને ઇન્ટરવલ પછી તો કૃત્રિમ બની જતી રોનાધોના મોમેન્ટ્સ. ઘણે ઠેકાણે તો આપણે દૂરથી જ ટ્વિસ્ટ આવતો કળી શકીએ. અંત સુધીમાં તો આ ફિલ્મમાં એટલીબધી રડારોળ થઈ જાય છે કે ફિલ્મને બદલે કોઈ બેસણામાં આવ્યા હોઈએ એવું લાગવા માંડે છે.

રૂમાલ તો દેના મામુ

રિશી કપૂરના તમામ સીન, અકસ્માતે ફની બની જતા ઝઘડાના સીન, એકદમ કૂલ દાદા અને પૌત્રો વચ્ચેની મીઠડી કેમિસ્ટ્રી જેવી ઘણી મોમેન્ટ આ ફિલ્મમાં વેરાયેલી પડી છે. પરંતુ આ પરિવારના પ્રૉબ્લેમ વિજય માલ્યા કરતાં પણ વધારે છે. જો આજે હૃષીકેશ મુખરજી હોત તો રાજેશ ખન્ના જેવા કોઈ બાવર્ચીને મોકલીને આ કપૂરપરિવારના તમામ પ્રશ્નો સૉલ્વ કરી નાખ્યા હોત. અફસોસ કે તે નથી એટલે આપણે ફિલ્મ જોવા જઈએ તો કૉટનનો સારામાંનો એક રૂમાલ સાથે રાખવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK