ફિલ્મ-રિવ્યુ - કહાની ૨ : દુર્ગા રાની સિંહ

અગલી ફિલમ મોહે વિદ્યા હી દીજો, સવાબે કલાકની આ ફિલ્મમાં જરાય કંટાળો નથી આવતો, પણ ગ્રિપિંગ સસ્પેન્સના અભાવે અને અપેક્ષાઓના ભાર તળે આ ફિલ્મ દબાઈ ગઈ છે

kahaani 2


જયેશ અધ્યારુ

આંખ ખૂલતાં જ વિદ્યા સિંહાને સમજાય છે કે તેને ઑફિસ જવામાં ભયંકર મોડું થઈ ગયું છે. ઉપરથી પોતાની ઑલમોસ્ટ પૅરાપ્લેજિક દીકરીને સાચવનારી નર્સ પણ આવી નથી. પોતે ફટાફટ તૈયાર થાય છે. દીકરી ઊઠવામાં થોડાં નખરાં કરે છે, પણ તે જરાય ગુસ્સે થતી નથી. ઢગલો સૂચનાઓ આપીને ઘરમાંથી બહાર નીકળે છે. કશુંક યાદ આવતાં ફરી પાછી રિટર્ન થઈને પાડોશીને દીકરીનું ધ્યાન રાખવાની વિનંતી કરે છે. ઑફિસ લેટ પહોંચ્યા પછી બૉસ બોલાવતા હોવા છતાં તે પોતાનો ડેડ પડેલો ફોન ચાર્જ કરવા મૂકીને નર્સ સાથે વાત કર્યા પછી જ ઑફિસમાં પરોવાય છે. ફિલ્મની શરૂઆતમાં જ આવતી ત્રણેક મિનિટની આ ફાસ્ટ સીક્વન્સમાં તમને સમજાઈ જાય કે આ સ્ત્રીને પોતાની દીકરીની કેટલીબધી ચિંતા છે. સાથોસાથ એ ચિંતા પણ પેસે કે હમણાં કોઈ મા-દીકરીના આ કાચના ઘર પર કાંકરો મારશે અને પત્તાના મહેલની જેમ તેમની દુનિયા પણ ધ્વસ્ત થઈ જશે. તમે પણ આપોઆપ વિદ્યા સિંહાની એ ચિંતામાં સામેલ થઈ જાઓ.

સુજૉય ઘોષના સ્ટોરી-ટેલિંગની આ કમાલ છે. એ કમાલ આપણે ‘કહાની’માં જોઈ ચૂક્યા છીએ. પરંતુ આ ફિલ્મ ‘કહાની’ની સીક્વલ નથી બલકે એક સ્વતંત્ર ફિલ્મ છે. હા, અહીં પણ એક સ્ત્રી કશાકની શોધમાં છે, પરંતુ ‘કહાની’ ટાઇપનું છેલ્લા સીન સુધી જકડી રાખે એવું સુપર્બ ગ્રિપિંગ રાઇટિંગ, સસ્પેન્સ પણ નથી. છતાં ‘કહાની ૨’ ઍટ લીસ્ટ અડધી ફિલ્મ સુધી તો આપણને ટસના મસ થવા દેતી નથી.

એક ખતમ દુજી શુરુ

કલકત્તા પાસેના ચંદનનગરમાં રહેતી વિદ્યા સિંહા (વિદ્યા બાલન)ની ટીનેજર દીકરી મિની એક દિવસ અચાનક કિડનૅપ થઈ જાય છે. કિડનૅપરના ફોનથી તેને શોધવા નીકળેલી વિદ્યાનો પણ જબરદસ્ત ઍક્સિડન્ટ થાય છે અને તે કોમામાં સરી પડે છે. એ કેસની તપાસ કરી રહેલા સબ-ઇન્સ્પેક્ટર ઇન્દરજિત સિંહ (અર્જુન રામપાલ)ના હાથમાં આવે છે વિદ્યાની લખેલી ડાયરી, જેનાં પાનાંમાંથી બહાર આવે છે એક દર્દનાક ફ્લૅશબૅક. ત્યાં જ ખબર પડે છે કે વિદ્યા સિંહા જેવો જ ચહેરો ધરાવતી એક સ્ત્રી નામે દુર્ગા રાની સિંહ મર્ડર અને કિડનૅપિંગના આરોપસર ભાગેડુ છે. હવે આમાં કોનું સાચું માનવું? અને તેની દીકરી ક્યાં છે? કોણે તેને કિડનૅપ કરી છે અને શા માટે?

દુર્ગાવતાર

ત્રણ વર્ષ પહેલાં સ્વર્ગસ્થ રિતુપર્ણો ઘોષની છેલ્લી બંગાળી ફિલ્મ ‘સત્યાન્વેશી’માં બ્યોમકેશ બક્ષીનું પાત્ર ભજવી ચૂકેલા સુજૉય ઘોષ જ્યારે કલકત્તામાં પોતાની પાત્રસૃષ્ટિ સર્જે ત્યારે એને વાસ્તવિકતાથી અલગ પાડવી અશક્ય બની જાય. તદ્દન લોઅર મિડલ ક્લાસ ઘર, એવી જ સિત્તેરના દાયકાની લાગે એવી ઑફિસ, માત્ર સિનિયરની ચેમ્બર વ્યવસ્થિત હોય એવું જર્જરિત પોલીસ-સ્ટેશન, લોકલ ટ્રેનમાં ચડતાં પહેલાં પરસેવાની વાસથી મોઢું ઢાંકતી સ્ત્રીઓ અને એ તમામને કૅપ્ચર કરતો તપન બાસુનો સતત ફરતો રહેતો કૅમેરા. ઉપરથી ચારે કોર એક પ્રકારની શંકા અને ડરથી જોયા કરતી વિદ્યા બાલનને જુઓ એટલે તમારી સામે ઑથેન્ટિક પશ્ચિમ બંગાળમાં ઝબોળેલું એક ડરામણું વાતાવરણ ઊભું થાય. ક્યાંય કોઈ નકલી બંગાળી ઉચ્ચારો નહીં, હાવડા બ્રિજના લૉન્ગ શૉટ્સ નહીં, સામ્યવાદી લાલ ઝંડા નહીં કે રોશોગુલ્લા-મિષ્ટિડોઈનું ક્લિશે બની ગયેલું નેમડ્રૉપિંગ પણ નહીં (હા, અહીં એક નવી બંગાળી વાનગી જોલભોરાનો ઉલ્લેખ છે ખરો).

પોતાનું પાત્ર કેવુંક છે એ કહેવા માટે સુજૉય ઘોષ એક સેકન્ડ પણ નકામી વેડફતા નથી કે એ માટે વાર્તાનો પ્રવાહ રોકતા નથી. સબ-ઇન્સ્પેક્ટર તરીકે અર્જુન રામપાલ કેવો કડક છે એ બતાવવા માટે એકેય ફાલતુ ફાઇટ પણ નથી નાખી. ફિલ્મના પહેલા જ સીનથી ડર અને થ્રિલ સુપરફાસ્ટ વેગે વહેવા માંડે. અર્જુન રામપાલની બુલેટની પાછળ બેસીને તમે પણ એ કેસ સૉલ્વ કરવા નીકળી પડો અને એક પછી એક આવતા ટ્વિસ્ટથી અચંબિત થતા રહો. આ સિલસિલો છેક મધ્યાંતર સુધી ચાલતો રહે છે. પરંતુ ખબર નહીં કેમ, રાઇટર ત્રિપુટી સુજૉય ઘોષ, રિતેશ શાહ અને સુરેશ નાયર અધવચ્ચે જ તમામ પત્તાં ખોલી નાખે છે અને ફિલ્મ એક જસ્ટ અનધર થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે. સ્ટોરી પરથી ઢીલી પડેલી ગ્રિપને કારણે તમારા મગજમાં પણ લૉજિકના સવાલો ઊભા થવા માંડે છે, જેની ફિલ્મના રાઇટરલોગને ચિંતા નથી. સ્પૉઇલરનો ભય હોવાને કારણે અહીં એ પ્રશ્નોની ચર્ચા પણ કરી શકાય તેમ નથી. હા, સીક્રેટનું એક કાર્ડ છેલ્લે સુધી બચાવી રખાયું છે. જો તમે તમારું CID છાપ દિમાગ ચાલુ રાખ્યું હોય તો એ લગભગ કળી શકાય એવું છે.


લેકિન થૅન્ક્સ ટુ સુજૉય ઘોષ કી પારખી નઝર અને બધાં જ પાત્રોની સુપર્બ ઍટિંગ, તમને આ સવાબે કલાકની ફિલ્મમાં જરાય કંટાળો અનુભવાતો નથી. ફિલ્મને એક ફ્લેવર આપવા માટે સુજૉય ઘોષે પોતાના પસંદીદા લોકોને દિલથી અંજલિઓ આપી છે. જેમ કે શરૂઆતમાં ટૅક્સીમાં વાગતું ‘જુલી’નું લતા મંગેશકરના કંઠે ગવાયેલું યે રાતેં નયી પુરાની સંભળાય, પછી એક તબક્કે યે શામ મસ્તાનીનું આર. ડી. બર્મને ગાયેલું આકાશ કેનો ડાકે અને પંચમદાનું જ બીજું એક બંગાળી ગીત તોમાતે આમાતે ડેખા હોયેછિલો આપણા કાને પડે. અર્જુન રામપાલનો પરિવાર બંગાળી નથી એટલે તેના ઘરે રેડિયો પર માત્ર હિન્દી ગીતો જ વાગે. નકલી પાસર્પોટ, પેઇન્ટિંગ્સ બનાવતા માણસનું નામ ગૂપી છે જે સત્યજિત રાયની ગૂપી ગાઇન બાઘા બાઇનની યાદ અપાવે છે. ફિલ્મમાં વિદ્યા બાલનનું વિદ્યા સિંહા નામ બાસુ ચૅટરજીની ‘રજનીગંધા’ ફિલ્મ પરથી રખાયું છે. ઈવન ‘રજનીગંધા’ની ક્લિપ સુધ્ધાં દેખાય છે. જો વધુ લાંબું વિચારો તો હૉસ્પિટલનો એક સીન તમને ‘કિલ બિલ’ ફિલ્મની પણ યાદ અપાવી શકે.

આવી તમામ અંજલિઓ ફિલ્મને સમૃદ્ધ બનાવે છે.

આ ફિલ્મના ઢીલા રાઇટિંગની ખામી ભરપાઈ કરે છે એના લગભગ તમામ કલાકારોની વધુ સમૃદ્ધ એક્ટિંગ. સુપર ડિપેન્ડેબલ વિદ્યા બાલને ફરી એક વાર સાબિત કર્યું છે કે તે સ્ક્રીન પર હોય તો તેને સારી સ્ક્રિપ્ટ સિવાય બીજા કોઈ સ્ટારની જરૂર નથી. એક સંવેદનશીલ મુદ્દાને લઈને ભયંકર સ્ટ્રેસ્ડ, પોતાની પર્સનલ લાઇફનો પણ ભોગ આપી દે એવા ઑબ્સેશનની હદ સુધી ચિંતિત સ્ત્રી એક પ્રેક્ષક તરીકે તમને પણ શાંતિથી જંપવા દેતી નથી. જ્યારે ઇચ્છામૃત્યુની જેમ ઇચ્છાઍક્ટિંગનું લક્ષણ ધરાવતો અર્જુન રામપાલ સારા ડિરેક્ટર પાસે જ ખીલે છે. પણ તોય તમને અગાઉની ફિલ્મના નવાઝુદ્દીન સિદ્દીકી અને પરમબ્રત ચૅટરજીની ખોટ તો સાલે જ. અલગ-અલગ કૅરૅક્ટરિસ્ટિક્સ ધરાવતાં નાનાં-નાનાં પાત્રો જેમ કે અર્જુન રામપાલનો ઉપરી પ્રોનોબ હાલ્દાર (સુપર્બ ખરજ મુખરજી), ભયંકર ડરામણાં દાદી તરીકે (શિપ ઑફ થિસિયસ ફેમ) અંબા સન્યાલ, બૉબ બિસ્વાસની સામે ઊભી કરાઈ હોય એવી બ્લેડ લઈને ફરતી હત્યારિન, પોતાની હયાતીનો પુરાવો આપતો જુગલ હંસરાજ, આપણને જેની ચિંતા થઈ આવે એવી ક્યુટ નાઇશા ખન્ના વગેરેમાંથી કોઈ પાત્ર આપણને પરાણે ઠૂંસેલું કે કાપીને ચોંટાડેલું નકલી નથી લાગતું. ઈવન અલપઝલપ દેખાતો કોઈ માનસિક રીતે અસ્વસ્થ કચરો વીણનાર, આળસુ કૉન્સ્ટેબલ, ડરામણી આંખે તાક્યા કરતી વૃદ્ધ દરદી, ઉત્સાહી રિસેપ્શનિસ્ટ વગેરે પાત્રો અને અનાયાસ જ ઊભું થતું હ્યુમર પણ આ ફિલ્મને એક જીવંત પર્સનાલિટી બક્ષે છે. અરિજિત સિંહે ગાયેલું મેહરમ ગીત પણ કાનને ગમે એવું છે.

થોડી કમી સી હૈ

આટલુંબધું હોવા છતાં સુજૉય ઘોષની ‘કહાની ૨’ પૂરી થયે આપણને એક જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોયાના સંતોષનો ઓડકાર નથી આવતો બલકે વાર્તાને હજી થોડા વળ ચડાવ્યા હોત તો, આપણું દિમાગ ચકરાવે ચડાવી દે એવો કોઈ ટ્વિસ્ટ નાખ્યો હોત તો એવો ખોટકો રહી જાય છે. છતાંય સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોના રસિયાઓએ આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઈએ જેથી સુજૉય ઘોષની આ ફ્રૅન્ચાઇઝી ચાલુ રહે અને આ પ્રકારની ફિલ્મો બનાવવાની કિક બીજા સર્જકોને પણ વાગતી રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK