ફિલ્મ-રિવ્યુ : જઝ્બા

થ્રિલ વિનાની થ્રિલર, વધુપડતું ડહાપણ ડહોળવાની લાલચમાં આ થ્રિલર ફિલ્મના રોમાંચનો ડૂચો વળી ગયો છે

jazbaaજયેશ અધ્યારુ


તમે ક્યારેય રૂનાં પૂમડાં લઈને ફિલ્મ જોવા ગયા છો? અને ક્યારેય લીલા-પીળા રંગના ગૉગલ્સ પહેરીને ફિલ્મ જોવાનો પ્રયત્ન કર્યો છે? વેલ, સંજય ગુપ્તાની નવી ફિલ્મ ‘જઝ્બા’થી તમારાં આ બન્ને અધૂરાં સાહસ પૂરાં થઈ જશે. જનરલ નૉલેજ ખાતર જાણવા જેવી વાત એ છે કે ‘જઝ્બા’ ૨૦૦૭માં આવેલી સાઉથ કોરિયન ફિલ્મ ‘સેવન ડેઝ’ની રીમેક છે. આ વખતે ફૉર અ ચેન્જ મૂળ ફિલ્મના સર્જકને ક્રેડિટ પણ આપવામાં આવી છે. જોકે કહે છેને કે ઝેરોક્સ કાઢવામાંય મશીન ચલાવતાં તો આવડવું જોઈએ. એ જ રીતે અહીં ડિરેક્ટર સંજય ગુપ્તાએ પોતાની સ્માર્ટનેસનું વધુપડતું અટામણ નાખી દીધું છે એટલે એક મર્ડર-મિસ્ટરી ફિલ્મમાં રૂંવાડાં ઊભાં કરી દે એવા જે રોમાંચનો અનુભવ થવો જોઈએ એ તો નથી થતો, ઉપરથી અડધી ફિલ્મે તો સસ્પેન્સ પણ કળી શકાય એવું થઈ ગયું છે.

નાક દબાવીને મોં ખોલાવવાનો ખેલ

અનુરાધા વર્મા (ઐશ્વર્યા રાય) મુંબઈની ડૉન બ્રૅડમૅન કરતાંય સારો સ્કોર ધરાવતી ફેમસ વકીલ છે. તે પોતાની કારકિર્દીમાં એકેય કેસ હારી નથી. આ ડિવૉર્સી વકીલ પોતાની સાતેક વર્ષની દીકરી સનાયા (બાળકલાકાર સારા અર્જુન) સાથે રહે છે. અચાનક એક દિવસ સનાયા ગાયબ થઈ જાય છે. બીજી બાજુ અનુરાધાને ફોન આવે છે કે એક માણસ નિયાઝ (ચંદન રૉય સંન્યાલ) ખોટી રીતે બળાત્કાર અને ખૂનકેસમાં ફસાઈ ગયો છે, તારે તારી દીકરીને જીવતી પાછી જોઈતી હોય તો એ માણસને એક અઠવાડિયામાં નિર્દોષ છોડાવી દે. આ કામમાં અનુરાધાને તેના જૂના દોસ્તાર સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર યોહાન (ઇરફાન)ની મદદ મળે છે.

ચીસોત્સવ, ડ્રામોત્સવ, દોઢડહાપણોત્સવ


છેલ્લે એક્ઝૅક્ટ પાંચ વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય ‘ગુઝારિશ’માં દેખાયેલી. તેની અફલાતૂન અભિનયક્ષમતામાં ‘જઝ્બા’ના ડિરેક્ટર સંજય ગુપ્તાને કદાચ વિશ્વાસ નથી લાગતો. એટલે જ આખી ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા પાસે એટલીબધી ચીસો પડાવી છે કે કાનમાં રૂનાં પૂમડાં ખોસવાની ઇચ્છા થઈ આવે. ઇરફાન કેવો ધાંસુ ઍક્ટર છે એ વાત ગયા અઠવાડિયે આવેલી ‘તલવાર’માં તે વધુ એક વાર સાબિત કરી ચૂક્યો છે. એક સિમ્પલ લાઇન બોલીને પણ તે લાફ્ટર ઊભું કરી શકે છે, પરંતુ અહીં તેના જેવા બૅલૅન્સ્ડ ઍક્ટર પાસે પણ ઓવર-ઍક્ટિંગ કરાવી છે. સાવ શાંતિથી રીઍક્ટ કરી શકે એવી સ્થિતિમાં અચાનક તે ગાંડપણનો અટૅક આવ્યો હોય એમ મોટે-મોટેથી પાસે પડેલાં પીપડાંને લાતંલાતી કરી મૂકે. બે ઘડી તો ખબર જ ન પડે કે આપણે કોઈ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોઈએ છીએ કે ટીવી પર આવતી સિરિયલો જેવી ડ્રામેબાજી? ‘જઝ્બા’ની મૂળ વાર્તામાં એક મસ્ત ક્રાઇમ-થ્રિલર ફિલ્મનો મસાલો પડ્યો છે, પરંતુ સંજય ગુપ્તા જાણે કોઈ શિખાઉ ફિલ્મમેકર હોય એ રીતે તેમણે ફિલ્મને ઘણે અંશે રોળી નાખી છે. જેમ કે બૅકગ્રાઉન્ડમાં વાગતાં એકાદ ગીતને બાદ કરતાં આ ફિલ્મમાં ગીતની કશી જરૂર જ નહોતી, પરંતુ અહીં બે કલાકની ફિલ્મમાં પણ વણજોઈતાં ગીતો આવ્યા કરે છે. નો ડાઉટ, ઑફિસ જતાં-આવતાં કારમાં સાંભળવાની મજા આવે એવાં ગીતો છે, પણ અહીં એ ફિલ્મની થોડીઘણી જામી રહેલી થ્રિલને ઠંડા કલેજે કિલ કરી નાખે છે. આ ફિલ્મમાં નાખેલાં બધાં ગીતો પરાણે ઘુસાડેલાં જ લાગ્યાં કરે છે.

ફિલ્મમાં સ્ટોરી છે રેસ અગેઇન્સ્ટ ટાઇમની, પરંતુ દીકરીને બચાવવા માટે ઝઝૂમતી માતાની ઉતાવળ ક્યાંય મહેસૂસ થતી નથી. એને કારણે એક પણ તબક્કે આ ફિલ્મ તમને તમારી સીટ પર ઉભડક બેસવા પર મજબૂર કરે એવી થ્રિલર નથી લાગતી. આ ફિલ્મમાં હત્યાનો એક કેસ ઉકેલવાનો સરસ ર્કોટરૂમ ડ્રામા પણ છે, પરંતુ ત્યાં પણ ઉભડક પીરસાયેલી અધકચરી ડીટેલ્સને કારણે ર્કોટરૂમ ડ્રામાની પણ કોઈ લિજ્જત નથી આવતી.

આ ફિલ્મના ટ્રેલરમાં એક આકર્ષક પાસું દેખાતું હતું ઇરફાનનાં શાર્પ વનલાઇનર્સનું. જેમ કે ‘રિશ્તોં મેં ભરોસા ઔર મોબાઇલ મેં નેટવર્ક ન હો તો લોગ ગેમ ખેલને લગતે હૈં’, ‘તૂ સરકારી નૌકરી કી તરહ હો ગયા હૈ, બડી મુશ્કિલ સે મિલતા હૈ ઔર વો ભી કિસ્મતવાલોં કો’, ‘આજકલ શરીફ વો હૈ જિસકે મોબાઇલ મેં પાસવર્ડ નહીં હોતા’. આ બધા પંચ સાંભળવાની મજા પડે છે અને એને લીધે ઇરફાનના ડલ બની ગયેલા પાત્રને થોડી ધાર પણ મળે છે, પરંતુ આવી વણજોઈતી ફિલોસૉફીઓ ફટકારવાનું કોઈ જ લૉજિક નથી દેખાતું.

એક ય્બ્ વૉટર પ્યુરિફાયરમાં પણ ન હોય એટલાંબધાં ફિલ્ટરો આ ફિલ્મમાં વપરાયાં છે. એને લીધે વગર કોઈ કારણે આખી ફિલ્મ લીલી-પીળી જ દેખાય છે. આપણે જાણે ગૉગલ્સ પહેરીને ફિલ્મ જોતા હોઈએ એ રીતે લીલું આકાશ, લીલો તડકો, ઘર-રેસ્ટોરાંની અંદરનું બધું લીલું, વધુપડતું લીલું ઘાસ, કોઈ વિચિત્ર રંગનું લોહી... આવું જ બધું આપણી આંખો પર અથડાયે રાખે છે. સંજય ગુપ્તા પોતાની અગાઉની મોટા ભાગની ફિલ્મોમાં આવું જ કરતા આવ્યા છે.

વિડિયો-શૅરિંગ સાઇટ યુટ્યુબ પર જઈને કોરિયન ફિલ્મ ‘સેવન ડેઝ’ સર્ચ કરીને જોશો તો ખ્યાલ આવશે કે આ ફિલ્મના મોટા ભાગના સીન એ ફિલ્મમાંથી બેઠ્ઠા જ લેવામાં આવ્યા છે. લોચો જ્યાં ઓરિજિનલ દૃશ્યો ઘુસાડ્યાં છે ત્યાં અને વાર્તાનો ક્રમ આડોઅવળો કર્યો છે ત્યાં થયો છે. એને કારણે છેક છેલ્લે સુધી ગ્રિપિંગ સસ્પેન્સ જળવાઈ રહેવાને બદલે અધવચ્ચે જ દિમાગમાં બત્તી થવા લાગે છે કે આ વ્યક્તિએ આ કારણે બધું કર્યું હોવું જોઈએ. મૂળ ફિલ્મનું ડરામણું ક્રાઇમ, ગુનાનો ભોગ બનેલી અને સ્વજન ગુમાવી ચૂકેલી વ્યક્તિઓ પ્રત્યેની આપણી સહાનુભૂતિ, ખોફનાક અનુભવમાંથી પસાર થયેલા બાળક પર થતી અસર, ઝાઝી ડ્રામેબાજી કર્યા વિના એક માતાની પીડા વગેરે બધું જ અહીં ગાયબ છે. એટલે બળાત્કાર, ખૂન, સ્ત્રીભ્રૂણહત્યા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને સ્પર્શતી હોવા છતાં આ ફિલ્મ આપણને ઇમોશનલી અપીલ નથી કરી શકતી. ઉપરથી ફિલ્મ ભ્રક્ટાચારની તરફેણ પણ કરે છે.

ઇરફાન-ઐશ્વર્યા જેવાં સશક્ત ઍક્ટર્સ હોવા છતાં ફિલ્મનું સીક્રેટ તેમના ખાસ કશા પ્રયત્ન વગર જ આપમેળે બહાર આવી જાય છે. ‘જઝ્બા’ ઐશ્વર્યાના કમબૅક માટે પાવરફુલ ફિલ્મ બની શકી હોત. અફસોસ, એ તક ઘણે અંશે ગુમાવાઈ છે. હા, એટલું ઉમેરવું પડે કે ઐશ્વર્યા ઓવારણાં લેવાનું મન થઈ આવે એટલી સુંદર અને ચુસ્ત-દુરુસ્ત લાગે છે. માત્ર તેણે ફિલ્મ પછી ગરમ પાણીના કોગળા કરવા પડ્યા હશે અને આંખોમાંથી ગ્લિસરીન કાઢવા ઠંડું પાણી છાંટવું પડ્યું હશે. ઇરફાન તેની અદ્ભુત સ્ક્રીન-પ્રેઝન્સ, મારકણી આંખો અને જબરદસ્ત ડાયલૉગ-ડિલિવરીથી ક્યારેય નિરાશ નથી કરતો. અહીં ખાસ કશું કરવાનું ન હોવા છતાં તેને જોવાની મજા પડે છે. બાકી શબાના આઝમી, અતુલ કુલકર્ણી, જૅકી શ્રોફ, અભિમન્યુ સિંહ, સિદ્ધાંત કપૂર (શક્તિ કપૂરનો દીકરો)માંથી કોઈનો પર્ફોર્મન્સ યાદગારની કૅટેગરીમાં મૂકી શકાય એવો નથી; કેમ કે તેમનાં પાત્રો જ સરખી રીતે લખાયાં નથી.

‘જઝ્બા’ના ચસકા

ઐશ્વર્યા કે ઇરફાનના ફૅન્સ તો થિયેટર સુધી લાંબા થવાનો જઝ્બો દાખવશે, પરંતુ જો તમે ખરેખર સસ્પેન્સ-થ્રિલર પ્રકારની ફિલ્મોના શોખીન હો તો વણમાગી સલાહ એ કે સબટાઇટલ્સ સાથેની ઓરિજિનલ કોરિયન ફિલ્મ જોવી. ધારો કે તમે આ ‘જઝ્બા’ જોવા જાઓ તો ગણતરી કરજો કે આખી ફિલ્મમાં કુલ કેટલી વાર ઍડ્વોકેટ અનુરાધા વર્મા અને ઇન્સ્પેક્ટર યોહાન બોલાય છે અને કેટલી વાર મુંબઈના એરિયલ શૉટ્સ આવે છે? અને હા, છેલ્લે સ્ક્રીન પર ભારતમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારોની માહિતી વાંચીને નીકળી ન જતા. એ પછી બે-ચાર મિનિટની ફિલ્મ બાકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK