જાણો કેવી છે રણબીર-કેટરીનાની ફિલ્મ 'જગ્ગા જાસૂસ'

અનુરાગ બાસુ એકસાથે ઘણાબધા એક્સપરિમેન્ટ કરવા ગયા એમાં આ મ્યુઝિકલ-થ્રિલર ફિલ્મ અતિશય લાંબી અને કંટાળાજનક બની ગઈ છે

jagga jasoos


જયેશ અધ્યારુ

ખુલ્લાં હરિયાળાં ખેતરોમાં કંઈક શૂટિંગ ચાલી રહ્યું છે. દૂર પાટા પરથી એક ટ્રેન આવી રહી છે અને ઘાસની વચ્ચેથી કૅમેરા આ બધું જોઈ રહ્યો છે. ફિલ્મોના જાણકાર લોકોને તરત જ લાઇટ થઈ જાય કે આ સીન તો સત્યજિત રાયની પહેલી ક્લાસિક ફિલ્મ ‘પથેર પાંચાલી’થી પ્રેરિત છે અથવા એને અંજલિ આપવા માટે મુકાયો છે. આમેય આવી અંજલિઓ આપવા માટે અનુરાગ બાસુ કુખ્યાત છે. ‘જગ્ગા જાસૂસ’ની શરૂઆતમાં તેઓ રાજ કપૂરને અંજલિ આપે છે અને ત્યાર પછી આવતું આ દૃશ્ય જોઈને એટલી તો ફાળ પડે જ કે આ ભાઈ કોઈ ક્લાસિક બનાવવાની ફિરાકમાં છે. આવું વિચારીને જ કદાચ બાસુદાએ આ ફિલ્મમાં શક્ય એટલાં હટકે એલિમેન્ટ્સ ઠૂંસ્યાં છે. એને કારણે આ ફિલ્મ બે-ત્રણ ક્વિઝીન ભેગાં કરીને બનાવી હોય એવી ભેળપૂરી જેવી બની ગઈ છે.

હમ શેરલૉક કે ઝમાને કે જાસૂસ હૈં


વાર્તા છે જગ્ગા (રણબીર કપૂર)ની. જગ્ગાનું ડાકુ જેવું નામ પાડીને એનાં માતાપિતા તો ક્યારનાંય ગુજરી ગયાં છે. આઠેક વર્ષના જગ્ગાને મળે છે પોતાને ટૂટીફૂટી તરીકે ઓળખાવતો એક ભેદી માણસ (કહાની ફેમ શાશ્વત ચૅટરજી). ટૂટીફૂટી તેને દત્તક લે અને જીવન જીવતાં શીખવે. જગ્ગાનો એક પ્રોબ્લેમ એ કે તેને સ્ટૅમરિંગની યાને કે જીભ અચકાવાની તકલીફ છે. ટૂટીફૂટી પાસે આઇડિયા છે, જો ભી બોલો સંગીત મેં બોલો. ત્યારથી જગ્ગા બધું જ ગાઈને બોલે છે. અચાનક એક દિવસ પોલીસ ટૂટીફૂટીને શોધતી આવે છે અને ટૂટીફૂટી જગ્ગાને હૉસ્ટેલમાં મૂકીને ગાયબ થઈ જાય છે. વર્ષો પછી ફરી એક દિવસ પોલીસ-અધિકારી સિંહા (સૌરભ શુક્લા) ન્યુઝ આપે છે કે ટૂટીફૂટી યાને કે જગ્ગા કે પાપા અબ ઇસ દુનિયા મેં નહીં રહે. જગ્ગા કહે, ખોટી વાત. મારી પાસે સબૂત છે. પોલીસ કંઈક એવી છડી ઘુમાવે છે કે જગ્ગા જાતે જ પોતાના પિતાને શોધવા નીકળી પડે છે. મીન્સ કે જગ્ગા ટૂટીફૂટી કે પીછે, પુલીસ જગ્ગા કે પીછે, ટુ મચ ફન. રિયલી? જોઈએ.

બાર હાથની સ્ટોરી ને તેર હાથની ટ્રીટમેન્ટ


હૉલીવુડવાળાઓના મતે આપણી બધી જ ફિલ્મો મ્યુઝિકલ હોય છે, કેમ કે આપણને આપણા દરેક ઇમોશનને સેલિબ્રેટ-વ્યક્ત કરવા માટે ગીતોની જરૂર પડે છે. પરંતુ અનુરાગ બાસુએ વિચાર્યું કે આપણે ‘સિન્ગિંગ ઇન ધ રેઇન’, ‘મામ્મા મિયા’ કે ‘લા લા લૅન્ડ’ ટાઇપની બ્રૉડવે જેવી મ્યુઝિકલ ફિલ્મ બનાવીએ. પરંતુ કહાની મેં ટ્વિસ્ટ, એ રોમૅન્ટિક નહીં બલકે મ્યુઝિકલ-થ્રિલર મિસ્ટરી ટાઇપની ફિલ્મ હશે. કહાની મેં એક ઓર ટ્વિસ્ટ, એ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ હશે બાળકો. એટલે તેમને હસાવવા ફિલ્મમાં સાઇલન્ટ ફિલ્મોના જમાનાની સ્લૅપસ્ટિક કૉમેડી પણ હશે. હવે આ રુબિક્સ ક્યુબનાં અલગ-અલગ પાસાં જેવી બાબતોને બૅલૅન્સ કરતાં-કરતાં બાસુદાએ જે રંગોળી બનાવી છે એનું જ નામ ‘જગ્ગા જાસૂસ’. આપણે એક પછી એક પાસું પકડીએ.

‘જગ્ગા જાસૂસ’ ફિલ્મ દેખીતી રીતે જ બેલ્જિયમના કૉમિક બુક્સના ટીનેજ ડિટેક્ટિવ પાત્ર ટિનટિનથી ઇન્સ્પાયર્ડ છે. રણબીર કપૂરની હેરસ્ટાઇલથી લઈને ફિલ્મની અનેક સીક્વન્સ એના પરથી સીધી જ લઈ લેવામાં આવી છે (જોકે વાર્તાની ક્વૉલિટી ટિનટિનથી પચાસ-પચાસ કોસ દૂર છે). ઇન્ટરનેટ પર ઘણા સમયથી એની સરખામણીની તસવીરો ફરે છે. આ એક ફિલ્મમાં ટિનટિન કૉમિક્સમાં હોય છે એવી ત્રણ અલગ-અલગ સ્ટોરીઝને સમાવવામાં આવી છે. પહેલી સ્ટોરી એસ્ટૅબ્લિશ કરે છે કે જગ્ગા કેવોક ડિટેક્ટિવ છે. બીજી સ્ટોરી જગ્ગાને શ્રુતિ સેનગુપ્તા (કૅટરિના કૈફ) સાથે મેળાપ કરાવી આપે છે. ત્રીજી સ્ટોરી એટલે જગ્ગાની પોતાના પિતાને શોધવા નીકળવાની જદ્દોજહદ. પ્રૉબ્લેમ એ છે કે એક તો આ ત્રણેય વાર્તાઓને એકબીજા સાથે ખાસ સંબંધ નથી. બીજું, આ ત્રણેય વાર્તાઓને બહેલાવીને મ્યુઝિકલ સ્ટાઇલમાં કહેવાની લાયમાં આ ફિલ્મ પોણાત્રણ કલાક જેટલી લાંબી થઈ ગઈ છે. વળી તેમની વાર્તાઓ અહીંથી તહીં એટલીબધી જગ્યાએ દોડતી રહે છે કે સ્ક્રીન પર રીતસર અંધાધૂંધી ફેલાઈ જાય છે અને એક્ઝૅક્ટ્લી શું થઈ રહ્યું છે એ જ સમજાતું નથી. પરિણામે છેલ્લે જ્યારે સીક્રેટ ખૂલે ત્યાં સુધીમાં આપણે જગ્ગાની ઇમોશનલ યાત્રાથી તદ્દન કપાઈ ગયા હોઈએ. વળી બાળકોને ધ્યાનમાં રાખીને બનેલી આ ફિલ્મમાં બાળકોની ફિલ્મમાં ન હોવી જોઈએ એટલી ખૂનામરકી છે.

બીજો ઍન્ગલ છે મ્યુઝિકનો. ખરેખરી મ્યુઝિકલ ફિલ્મનો પાયો જ ગ્રેટ મ્યુઝિક અને એને કેવી રીતે ફિલ્માવવામાં આવ્યું છે એના પર હોય છે. ફૉર એક્ઝામ્પલ, તમે સાડાછ દાયકા પહેલાંની ‘સિન્ગિંગ ઇન ધ રેઇન’નાં ગીતો સાંભળો કે એનું પિક્ચરાઇઝેશન જુઓ તો આજે પણ એમાં એટલી જ તાજગી અને તરવરાટ અનુભવાય. સંગીતકાર પ્રીતમે આ ફિલ્મ માટે કંઈક ત્રીસથી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. નો ડાઉટ, એમાં ઉલ્લુ કા પઠ્ઠા, ટિમ્બકટુ, ખાના ખા કે જેવાં અમુક જ ગીત ખરેખર ઇન્ટરેસ્ટિંગ બન્યાં છે. બાકીનાં ગીતો ફિલ્મની સ્ટોરીને મ્યુઝિકલ સ્ટાઇલમાં આગળ વધારવા સિવાય ખાસ કામ આવ્યાં નથી. ક્યાંક ગીતોનો અતિરેક ફિલ્મ પર હાવી થયો છે તો ક્યાંક ફિલ્મની અજગરછાપ લંબાઈ મ્યુઝિકને ગળી ગઈ છે. એમાંય પિક્ચરાઇઝેશનની દ્રષ્ટિએ તો ખાસ ક્રીએટિવિટી નથી જ. અનુરાગ બાસુ હજીયે ‘બર્ફી’ના હૅન્ગઓવરમાં હોય એવું લાગે છે, કેમ કે ઘણાં દૃશ્યોમાં ‘બર્ફી’ની ફીલ આવે છે.

ત્રીજો ઍન્ગલ છે કૉમેડી. ટ્રેલર પરથી એટલું સમજાતું હતું કે આ ફિલ્મ સ્લૅપસ્ટિક ગૅગ્સથી ભરેલી કૉમિક થ્રિલર હશે, પરંતુ શરૂઆતના તબક્કે આવેલાં થોડાંક ગૅગ્સ (કૉમિક સિચુએશન) પછી ફિલ્મમાં ભાગ્યે જ ક્યાંય એ દેખાય છે. મતલબ કે કૉમેડી એકદમ વરાળ બનીને ઊડી જાય છે. આ કૉમિક ટોન જો છેક સુધી બરકરાર રહ્યો હોત તો ફિલ્મ આટલી લાંબી કે અટપટી ન લાગી હોત. અગેઇન, બાળકોને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવાઈ હોય ત્યારે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈતું હતું.

હા, એક વાત માનવી પડે કે આ ફિલ્મ સિનેમૅટોગ્રાફી અને કલર્સની દ્રષ્ટિએ એકદમ ભરચક છે. દાર્જીલિંગ, મણિપુર, આસામ, કલકત્તાથી લઈને મૉરોક્કો, થાઇલૅન્ડ વગેરેનાં લોકેશન્સ એટલાં અફલાતૂન છે કે ફિલ્મને મ્યુટ પર રાખીને માત્ર વિઝ્યુઅલ્સ જ જોયા કરીએ તોય આંખો ભરાઈ જાય. ફિલ્મની એક્ઝોટિક વૅલ્યુ વધારવા માટે જિરાફ, ચિત્તા, શાહમૃગ, મીરકેટ જેવાં દુર્લભ પ્રાણીઓ અને ગળામાં ડઝનેક રિંગ પહેરીને ફરતા મ્યાનમારના આદિવાસીઓ વગેરેનાં વિઝ્યુઅલ્સ મુકાયાં છે. જોકે આ તમામ માત્ર નૅશનલ જિયોગ્રાફિકની બ્યુટિફુલ તસવીરો જેવાં બનીને રહી ગયાં છે. એ વાર્તામાં ક્યાંય મર્જ થતાં નથી. અને આમેય માત્ર વિઝ્યુઅલ્સથી પેટ ભરાતું નથી અને આપણને સંતોષનો ઓડકાર આવતો નથી.


એક વાત ગગનભેદી આલાપ લઈને સ્વીકારવું પડે કે રણબીર કપૂર આ ફિલ્મનો આત્મા છે. એકેક એક્સપ્રેશન તેના ચહેરા પર સ્પક્ટ વાંચી શકાય છે. ઈવન જીભ અચકાવાની તેની ઍક્ટિંગ પણ ક્યાંય નકલી લાગતી નથી (દુ:ખની વાત એ છે કે ફિલ્મમાં ઘણે ઠેકાણે અચકાતી જીભનો પણ કૉમેડી પેદા કરવામાં ઉપયોગ કરાયો છે, જે ક્યારેય ન થવું જોઈએ). અફસોસ કે કૅટરિના આ બાબતમાં તદ્દન ઑપોઝિટ છે. ચહેરા પર એક્સપ્રેશન સાથે તો તેને કશી લેવાદેવા નથી એ જૂની વાત છે; પરંતુ ઍક્ટિંગ, સ્લૅપસ્ટિક કૉમિક ઍક્ટરને છાજે એવી સ્ફૂર્તિ તેનામાં ક્યાંય દેખાતી નથી. અરે, તેણે તો સંગીતમય ડાયલૉગ્સમાં હોઠ ફફડાવવામાં પણ દાટ વાળ્યો છે. કૅટરિના આ ફિલ્મમાં એક સુંદર ચહેરાથી વિશેષ કશું જ નથી. સૌરભ શુક્લા આ ફિલ્મમાં કૉમેડી કરે છે કે વિલનગીરી એ નક્કી કરવામાં જ ફિલ્મ પૂરી થઈ જાય છે. હા, ધરખમ બંગાળી અભિનેતા શાશ્વત ચૅટરજી (કહાનીના બૉબ બિસ્વાસ)ના અને નાનકડા જગ્ગાનાં દૃશ્યો ખરેખર હૃદયસ્પર્શી બન્યાં છે. આ ફિલ્મમાં નાનકડી લાગતી સયાની ગુપ્તા પણ છે, જેને શોધવા માટે કોઈ કૉન્ટેસ્ટ રમાડવી પડે.

વધુ એક વાત, અહીં અનુરાગ બાસુએ જગ્ગાની સ્ટોરી સાથે પુરુલિયા શસ્ત્રકાંડ અને ઇન્ટરનૅશનલ આમ્સર્‍ પૉલિટિક્સ, ત્રાસવાદ-નક્સલવાદને પણ નાખ્યો છે. મતલબ કે વાર્તામાં ઓર ખીચડો.

ફિલ્મની શરૂઆતમાં અનુરાગ બાસુએ પોતાના પિતાની સાથોસાથ રાજ કપૂરને પણ અંજલિ અર્પી છે. ‘બર્ફી’માં તેમણે અંજલિ આપવાના નામે જ અઢળક હૉલીવુડ મૂવીઝમાંથી ફ્રેમ બાય ફ્રેમ દૃશ્યો ઉઠાવી લીધેલાં. અહીં પણ એવું જ કર્યું છે. છતાં આવા એકેય સ્ત્રોતને અંજલિ આપવાની તેમણે તસ્દી લીધી નથી.

હો ગઈ પિક્ચર ખતમ


એક ખરેખરી મ્યુઝિકલ-થ્રિલર અને બાળકો માટેની ફિલ્મ બનાવવાના પ્રયાસરૂપે ડિરેક્ટર અનુરાગ બાસુને દાદ દેવી પડે. પરંતુ એને શક્ય એટલી અદ્ભુત બનાવવાની લાલચમાં મૂળ વાર્તા અને એનો ફ્લો વિખેરાઈ ગયો છે. હા, એક એક્સપરિમેન્ટ તરીકે આ ફિલ્મને મોટા પડદે એક વખત અવશ્ય જોવી જોઈએ. ફિલ્મના એન્ડ પરથી ખબર પડે છે કે બાસુદા એની સીક્વલ પણ બનાવી રહ્યા છે. આશા રાખીએ કે આ ભાગની ભૂલો સુધારીને પાર્ટ ટૂમાં વધુ જાનદાર મૂવી બને અને બૉલીવુડમાં એક નવી જ મ્યુઝિકલ પરંપરાનો પ્રારંભ થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK