જાણો કેવી છે અક્ષય ખન્નાની ફિલ્મ 'ઇત્તફાક'

અક્ષય ખન્ના, સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિંહા સ્ટારર ઇત્તફાક ઘણા ફેરફાર અને ઍડિશન છતાં ૪૮ વર્ષ પહેલાં આવેલી રાજેશ ખન્ના-નંદા સ્ટારર ઇત્તફાક જેટલી સારી નથી જ બની શકી. અક્ષય ખન્ના અને સસ્પેન્સ-થ્રિલર પ્રકારના ફૅન્સ એક વખત જોઈ શકે

ittefaq

ફિલ્મ-રિવ્યુ - ઇત્તફાક

પાર્થ દવે - ૨.૨


શાહરુખ ખાન અને કરણ જોહર જેવા બિઝનેસમેન જોડાયેલા હોવા છતાં કોઈ પણ જાતના માર્કેટિંગ અને હોહા વગર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇત્તફાક’ વિશે તમે થોડુંઘણું પણ જાણતા હશો તો ખબર હશે કે ૧૯૬૯માં આવેલી યશ ચોપડાએ ડિરેક્ટ કરેલી અને બી. આર. ચોપડાએ પ્રોડ્યુસ કરેલી ‘ઇત્તફાક’ની આ રીમેક છે. જોકે ટ્રેલર જોઈને લાગતું હતું કે રીમેક આગળ લૂઝલી શબ્દ લગાડવો પડશે, કારણ કે મૂળ ફિલ્મ લોકોએ જોઈ હોય અને રીમેકની સ્ટોરી પણ અદ્દલ એવી જ હોય તો નવું શું જોવા મળે? અને પાછી આ તો સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ! એટલે ૧૯૬૯માંથી ૨૦૧૭ કરી નાખવાનું, એન્ડ બદલાવી નાખવાનો અને એકાદ ટ્વિસ્ટ વાર્તામાં જોડી દેવાનો એટલે સસ્તા સસ્પેન્સની રેસિપી તૈયાર! આ અનુમાન ટ્રેલર જોયા બાદ અને ફિલ્મ જોયા પહેલાંનું છે એટલે કોઈએ સ્પૉઇલર અલર્ટની પિપૂડી ન વગાડવી!

ફ્લૅશબૅકના ટુકડામાં સ્ટોરી!


શાહરુખ ખાન અને રણબીર કપૂરને થૅન્ક્સ કહ્યા બાદ ફિલ્મ ઊઘડે છે : મુંબઈની વરસાદી રાત્રિમાં એક જખમી માણસ મર્સિડીઝ ગાડીમાં ભાગી રહ્યો છે અને તેની પાછળ પોલીસ પડી છે. ફિલ્મ થ્રિલર છે એ જતાવવા માગતા હોય એમ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવા માંડે છે છતાંય તમને ખબર જ છે કે આ ગાડી ઊલળવાની છે! એ માણસ પોલીસના હાથમાંથી છટકી જાય છે. બીજી બાજુ એક ભયભીત સ્ત્રી પોલીસની ગાડી રોકે છે અને તેના ફ્લૅટ પર લઈ જાય છે. ફ્લૅટમાં ભાંગીને ભૂકા થઈ ગયેલા કાચના ટેબલની બાજુમાં એક ડેડ-બૉડી પડી છે અને એની બાજુમાં ઊભો છે પેલો માણસ.

એ માણસનું નામ વિક્રમ સેઠી (સિદ્ધાર્થ મલ્હોત્રા) છે અને તે ‘કપૂર ઍન્ડ સન્સ’ બાદ ફરી રાઇટર બન્યો છે. અલબત્ત, આ વખતે મશહૂર રાઇટર છે. સ્ત્રીનું નામ માયા સિંહા (સોનાક્ષી સિંહા) છે અને તે લૉયર શેખર સિંહાની વાઇફ બની છે. વિક્રમ પોતાની વાઇફ કૅથરિન સાથે નૉવેલના લૉન્ચિંગ માટે આવ્યો છે અને તેના જ મર્ડરના કેસમાં ફસાઈ ગયો છે. એકની પત્ની તથા બીજાના પતિના મર્ડર માટે આ બેઉ શકમંદોની પૂછપરછ ઇન્વેસ્ટિગેશન ઑફિસર દેવ વર્મા (અક્ષય ખન્ના) કરે છે. બેઉ જણ પોતપોતાની કથા પોતપોતાની રીતે કહેવાની શરૂ કરે છે અને નૉન-લિનિયર સ્ક્રીનપ્લે સ્ટાઇલમાં શરૂઆત થાય છે ફ્લૅશબૅકની.

સાઇનપોસ્ટ ટુ મર્ડરથી ઇત્તફાક વાયા ધુમ્મસ!

૧૯૬૯માં સુપરસ્ટાર રાજેશ ખન્ના, નંદા અને ઇફ્તેખારને ચમકાવતી ફિલ્મ ‘ઇત્તફાક’ના પ્રોડ્યુસર અગાઉ કહ્યું એમ બી. આર. ચોપડા હતા. તેમના પુત્ર સ્વર્ગસ્થ રવિ ચોપડાનાં પત્નીએ આ ૨૦૧૭ની ‘ઇત્તફાક’નું નિર્માણ કર્યું છે અને રવિના પુત્ર અભય ચોપડાએ આ ફિલ્મ થકી ડિરેક્શનમાં પગ માંડ્યા છે. અગાઉની ‘ઇત્તફાક’ પણ સરિતા જોષી અભિનીત ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ પર આધારિત હતી ને નાટકની પણ મૂળ વાર્તા હૉલીવુડ ફિલ્મ સાઇનપોસ્ટ ટુ મર્ડરને ત્યાંથી આવી હતી! કહે છે કે આ વાર્તાની મૂળ ગંગોત્રી તો વળી કોઈ ફ્રેન્ચ નાટકમાં છે. ઓકે. જે હોય તે. એ ‘ઇત્તફાક’ની જેમ આ ‘ઇત્તફાક’માં પણ એકેય ગીત નથી. સામાન્ય રીતે બૉલીવુડની અઢી-ત્રણ કલાકની ફિલ્મોમાં પણ છેવટ સુધી માંડ ગુનેગાર પકડાય, પરંતુ અહીં માત્ર સો મિનિટની અંદર જ તમને ખબર પડી જાય છે કે કૌન હૈ વો આદમી!

અભયબાબુ, યે અચ્છા હૈ

આ પ્રકારની ફિલ્મોમાં શકમંદો પકડાય અને કોણ ગુનેગાર છે એ નક્કી થાય એ વચ્ચેનો સમય યુઝ્અલી પોલીસ-સ્ટેશનમાં પૂછપરછ, ડરેલા લોકો, સાક્ષીઓ અને સબૂતોથી ભરવામાં આવે છે. અહીં બેઉમાંથી કોઈ અર્ધસત્ય બોલે છે તો કોઈ સફેદ જૂઠ બોલે છે. અક્ષય ખન્નાના પાત્રની જેમ અમુક જગ્યાએ તમે પણ એ ધારવાની કોશિશ કર્યા કરો છો કે સત્ય શું છે? મર્ડર ભાઈએ કર્યું છે કે બહેને? કે પછી આ પોલીસવાળા ભાઈએ? અને એ જ સસ્પેન્સ-થ્રિલર પ્રકારની જીત છે.

ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર અભય ચોપડાનું ડિરેક્શન પ્રમાણમાં સારું છે. મોટા ભાગના સીન રાતના શૂટ થયા છે અને મોટા ભાગના સીનમાં મુંબઈનો વરસાદ ખાબકતો દેખાય છે. શરૂઆતની કૉપ્સ અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેની ચેઝ-સીક્વન્સિસ શૉર્ટ અને શાર્પ કટ સાથે દર્શાવાઈ છે. ડાર્ક લાઇટ સીન્સમાં કૅમેરાવર્ક ઝળકે છે. કૅમેરામૅને પેટ ભરીને ત્રણે લીડ કૅરૅક્ટર્સના ક્લોઝ-અપ્સ લીધા છે, એ પણ સેમી-લાઇટ સ્પેસમાં જેથી કોલાબા પોલીસ-સ્ટેશન અને ફ્લૅટ બેઉ થોડા વાસ્તવિક લાગે! ફિલ્મનો પ્લસ પૉઇન્ટ એ છે કે એ એન્ડ-ક્રેડિટ સાથે પણ માત્ર એકસો સાત મિનિટની છે એટલે આપોઆપ ટાઇટ અને ગ્રિપી લાગે છે! અભયે ફિલ્મની મોસ્ટ ઑફ ફ્રેમ બ્લુ-ડીપ અને લાઇટ કિરમજી રંગથી સજાવી છે. અમુક જગ્યાએ વહેમ ને શંકા જન્માવતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કાબિલે-દાદ છે! લીડ કૅરૅક્ટર્સ સિદ્ધાર્થ અને સોનાક્ષી પહેલી વાર સાથે છે અને બેઉનું કામ સારું છે. સારું એટલે તેઓ જેવું કરી શકે છે એવું, સમજવાનું! બેય શકમંદોને બધી રીતે ખાઈ જનાર કલાકાર છે અક્ષય ખન્ના. માશાલ્લા, વૉટ ઍન ઍક્ટિંગ! ટફ ઍન્ડ સિરિયસ માસ્ટર કૉપના રોલમાં એકદમ ફિટ બેસે છે અક્ષય. શાર્પ માઇન્ડ અને સિરિયસ પર્સનાલિટીના ગેટ-અપ વચ્ચે તેણે કૉમેડી પણ કરી છે! ફિલ્મને તેણે અને કૉન્સ્ટેબલના પાત્રએ જ થોડી હળવી રાખી છે. અમુક ટિપિકલ વન-લાઇનર પણ અક્ષયના ફાળે જ આવ્યા છે. એ નક્કી કે ‘મૉમ’ અને ‘ઇત્તફાક’ બાદ અક્ષયભાઈ બીજી ઇનિંગ્સમાં જરૂર આ પ્રકારનાં ઍન્ગ્રી પાત્રોમાં દેખા દેવાના. સપોર્ટિંગ કાસ્ટમાં હિમાંશુ કોહલીએ હાજરી નોંધાવી છે, બાકીનાં ચંદ પાત્રો પોલીસ-વર્દીમાં અમુકતમુક સીન્સમાં દેખાયાં છે.

ઔર યે બિલકુલ અચ્છા નહીં હૈ!

આ પ્રકારની ફિલ્મમાં બગ્સ કે ભૂલો કાઢતી વખતે ધ્યાન રાખવું પડે કે ક્યાંક ભાંગરો ન વટાઈ જાય, આઇ મીન નાનીઅમથી પણ રહસ્યની હિન્ટ ન અપાઈ જાય. તો પણ (ચિંતા ન કરો, કંઈ જ ઉઘાડું નથી પાડ્યું!) પહેલી વાત એ કે આટલી ટૂંકી ફિલ્મ હોવા છતાં પણ અમુક જગ્યાએ તમે કંટાળો છો અથવા તમને થાય છે કે ક્યાંક લોચો છે. બીજું એ કે સેકન્ડ હાફમાં ફિલ્મ જ્યારે એન્ડ તરફ આગળ વધે છે ત્યારે તમને થાય કે અહીં વધારે સારું થઈ શક્યું હોત. ત્રીજી વાત કે આ પ્રકારની ફિલ્મોમાં આપણને એવી અપેક્ષા હોય છે કે ફિલ્મ પૂરી થશે ત્યારે એવું કંઈક આવશે કે પગ તળેથી જમીન ખસકી જશે કે પછી સસ્પેન્સ જોઈને આપણું હૃદય બંધ પડી જશે (ઓકે, બેસી જશે). ‘ઇત્તફાક’માં એવું કશું જ થતું નથી. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પોલીસ-સ્ટેશન અને ત્રીજા માળે ફ્લૅટમાં અને બાકીનું સીડીઓ પર થયું છે! ત્રણ દિવસ સુધી સતત વિચિત્ર બનાવો શહેરના કન્જસ્ટેડ કહી શકાય એવા વિસ્તારમાં બને છે, પરંતુ એક પણ એવી વ્યક્તિ નથી દેખાતી જેને કંઈ ખબર હોય. ઍક્ચ્યુઅલી, બીજા બધા માણસો શહેર છોડીને ભાગી ગયા હોય એવું લાગે છે. એટલે આ બાર-પંદર જણ નાટક ભજવી રહ્યા હોય અને જે છે તે આ જ છે એવું આપણને માનવું પડે. વિક્રમ સેઠી પહોંચેલો રાઇટર છે તો તેણે બ્રિટનથી કોઈ હેલ્પ શા માટે ન લીધી, પોતાના લૉયરની મદદ ન માગી અને સીધીસટ પોતાની વાર્તા સુણાવવા લાગ્યો. પહેલેથી ખ્યાલ આવે છે કે આ સ્ટોરી ૩ દિવસ, ઇન ફૅક્ટ ૩ રાતની છે (જૂની ‘ઇત્તફાક’માં એક રાતની હતી). અહીં એ ત્રણ દિવસ પૂરા કરવા જાણે નરેશન ખેંચ્યું હોય એવું લાગે છે. અક્ષય એક પાસે દસ મિનિટ સ્ટોરી સાંભળે પછી બીજા પાસે. ફરી તેને અટકાવી પહેલા પાસે આવે, લાઇક ધૅટ! માત્ર રમૂજ ઊભી કરવા પોલીસ-સ્ટાફ જે બેહૂદું વર્તન કરે છે, વાતે-વાતે મજાક કરે છે એ અમુક હદ પછી ત્રાસજનક લાગે છે. આપણે આવું અગાઉ જોયું છે એટલે નહીં, પરંતુ એ જરૂર કરતાં વધારે જ ફાજલ લાગે છે.

તો... જોવી કે નહીં?


અક્ષય ખન્નાના ફૅન હો, હૂડનિટ પ્રકારની ફિલ્મો જોવી ગમતી હોય અને ખાસ તો દોઢ કલાકમાં ફ્રી થઈ જવું હોય તો આ ફિલ્મ તમારા માટે છે. બીજું કે ‘ઇત્તફાક’ કોઈ બ્રિલિયન્ટ ફિલ્મ નથી; પરંતુ આ પ્રકારની ગીતો વિનાની, સીધીસટ થ્રિલર-સસ્પેન્સ ફિલ્મો બૉલીવુડમાં બહુ ઓછી બને છે એટલે પણ જોઈ શકાય. બાકી ‘તલવાર’ જેવું ઇન્વેસ્ટિગેશન અને ‘ગુપ્ત’ કે ‘દૃશ્યમ’ જેવા સસ્પેન્સની ઇચ્છા હોય તો તમારા માટે સ્ટ્રિક્ટ્લી પ્રોહિબિટેડ છે. તમને છેવટ લગી ગાબડાં જ દેખાશે. એક આડવાત : આ ફિલ્મમાં ‘ગુપ્ત’નું સસ્પેન્સ રિવીલ કરવામાં આવે છે એટલે ‘ગુપ્ત’ ન જોઈ હોય તો પણ આનાથી દૂર રહેવું!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK