ફિલ્મ-રિવ્યુ : આઇ લવ NY

કંટાળાનું બીજું નામ, માત્ર કંગનાના ક્રેઝને વટાવી ખાવા માટે જ ડબ્બામાં પડેલી આ ડબ્બા જેવી ફિલ્મને અત્યારે રિલીઝ કરવામાં આવી છે. આપણે એનાથી પચાસ-પચાસ કોસ દૂર જ રહેવું


i love ny

જયેશ અધ્યારુ


અમુક વર્ષે એક જ વાર દેખાતા ધૂમકેતુ જેવી દુર્લભ ઘટના એ છે કે આ અઠવાડિયે રિલીઝ થયેલી ‘આઇ લવ NY’ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે ખુદ એની હિરોઇન કંગના રનોટે જ ભરચક પ્રયાસો કરેલા. આ ફિલ્મ છેલ્લાં બે વર્ષ ઉપરથી ડબ્બામાં પડી હતી. અચાનક કંગના ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ક્વીન બની ગઈ એટલે પ્રોડ્યુસર ટી-સિરીઝને લાગ્યું કે જૂનો નુકસાનીવાળો માલ માર્કેટમાં પધરાવી દેવાનો આ ગોલ્ડન ચાન્સ છે. કંગના રનોટ અને સની દેઓલના કજોડાવાળી આ ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે ભવિષ્યમાં શબ્દકોશમાં કંટાળાના એક સમાનાર્થી તરીકે ‘આઇ લવ NY’ ફિલ્મનું નામ લખાય તો નવાઈ નહીં.

ટ્રૅજેડી ઑફ એરર્સ

છોકરાંવ અંકલને બદલે ગ્રૅન્ડપા કહેવા માંડે એ ઉંમર સુધી વાંઢો રહી ગયેલો રણધીર સિંહ (સની દેઓલ) શિકાગોમાં પોતાની બોરિંગ બીબાઢાળ લાઇફ જીવે છે. હવે તે રહી-રહીને રિયા (તનિષ્ઠા ચૅટરજી) નામની પોતાની માથાભારે ગર્લફ્રેન્ડ સાથે પૈણું-પૈણું કરી રહ્યો છે. ન્યુ યરની આગલી સાંજે તેના દોસ્તારો સાથે છાંટોપાણી કરીને ફુલ ટાઇટ થયા પછી દોસ્તારને બદલે તે પોતે ન્યુ યૉર્ક પાર્સલ થઈ જાય છે. હવે કરમનું કરવું અને ન્યુ યૉર્કમાં પણ શિકાગો જેવું જ સરનામું અસ્તિત્વ ધરાવે છે. એટલે બેવડો સની પોતાનું ઘર સમજીને કોઈકના ફ્લૅટમાં ઘૂસીને નસકોરાં બોલાવવા માંડે છે. હકીકતમાં એ ફ્લૅટમાં ટિક્કુ વર્મા (કંગના રનોટ) પોતાની એક ઍરહોસ્ટેસ બહેનપણી સાથે રહે છે. કંગનાના બેડરૂમમાં એક પરપુરુષને અર્ધનગ્નાવસ્થામાં સૂતેલો જોઈને કંગનાનો અમેરિકન ઇંગ્લિશ બોલતો બૉયફ્રેન્ડ વિલનવેડા કરવા માંડે છે. ખાસ્સી વારે ભાનમાં આવેલો સની સૉરી-સૉરી કહ્યા કરે છે, પણ પાછો શિકાગો ભેગો થવાનું નામ લેતો નથી. એને લીધે ગરબડ-ગોટાળાઓની હારમાળા સર્જા‍યા કરે છે અને તમે માથાના દુખાવાની ગોળી શોધવા માંડો છો.

અંતહીન દુ:સ્વપ્ન

પહેલો સવાલ તો એ જ થાય કે આ ફિલ્મમાં કંગના રનોટની ઑપોઝિટ સની દેઓલને લેવાનો આઇડિયા કોનો હશે? ૨૮ની કંગનાની સામે ૫૭નો સની? યે બાત ઝરા ભી હજમ નહીં હુઈ. ઍક્ચ્યુઅલી, ફિલ્મની સ્ટોરીમાં મોટી ઉંમરનો હીરો જ લેવો પડે એવી કોઈ જરૂરિયાત જ નથી. એના કરતાં કોઈ યંગ અને અપીલિંગ હીરોને લીધો હોત તો ફિલ્મ થોડુંક વાઉ ફૅક્ટર ક્રીએટ કરી શકી હોત.

એન્સાઇક્લોપીડિયા કહે છે કે ‘આઇ લવ NY’ ફિલ્મ એક સોવિયેટ રશિયન રોમૅન્ટિક કૉમેડી ટેલિફિલ્મ ‘ધ આયરની ઑફ ફેટ’ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. આપણને પણ એ જ વિચાર આવે કે જો સવાબે કલાકની આ ફિલ્મને આપણે ત્યાં પણ માળીની કાતર વડે કાપકૂપ કરીને કલાકેકની ટેલિફિલ્મ તરીકે સીધી ટીવી-ચૅનલ પર જ રિલીઝ કરાઈ હોત તો કંગના અને સની દેઓલના નામે ઊંચા દામે વેચાઈ જાત અને જોવાઈ પણ જાત.

રાઇટિંગથી લઈને ઍક્ટિંગ સુધીના દરેક તબક્કે આ ફિલ્મમાં ઘોર નિરાશા જ વ્યાપેલી દેખાય છે. એક પછી એક નકામાં દૃશ્યો આવ્યા કરે છે અને સ્ટોરી આગળ વધવાનું નામ જ લેતી નથી. જો આ ફિલ્મ રોમૅન્ટિક કોમેડી હોય તો એના એકેય સીનમાં હસવું આવતું નથી. હા, ક્યારેક અચાનક હસવું આવી જાય જ્યારે સની દેઓલ (જેને ડાન્સ સાથે કશી લેવાદેવા નથી તે) કંગનાને કહે છે કે મે આઇ હૅવ અ ડાન્સ વિથ યુ? જો આ ડ્રામા ફિલ્મ હોય તો એવો કોઈ ડ્રામા પણ દેખાતો નથી. જો એ માત્ર રોમૅન્ટિક ફિલ્મ હોય તો બાપ-દીકરીની ઉંમરનાં હીરો-હિરોઇનને પરાણે પ્રેમમાં પડતાં જોઈને બેટી બચાવો આંદોલનનો ઝંડો લઈને નીકળી પડવાની ઇચ્છા થઈ આવે. ક્યાંક એડિટિંગમાં લોચા છે તો ફિલ્મના અંતે પહેલું જ નામ સુરેખા સિક્રીનું આવે છે જે ફિલ્મમાં ક્યાંય છે જ નહીં. એટલે ફિલ્મમાં કેટલી હદે વેઠ ઊતરી છે એ સમજી શકાય એવું છે.

ડન્કી ઉખાડવા ટેવાયેલો સની દેઓલ અહીં રોમૅન્ટિક રોલમાં જરાય કમ્ફર્ટેબલ નથી એ દેખાઈ આવે છે. પ્રેમ ચોપડા, રીમા લાગુ, માયા અલઘ જેવાં સિનિયર ઍક્ટર્સ હાઉકલી કરીને જતાં રહે છે. મૅચમાં હાર નિશ્ચિત હોવા છતાં રહીસહી ઇજ્જત બચાવવા માટે એક જ ખેલાડી પ્રામાણિકતાથી રમ્યે જતો હોય એમ એકમાત્ર કંગના પોતાનો સો ટકા પર્ફોર્મન્સ આપે છે. આમ તો આ ફિલ્મ થિયેટરની ઠંડકમાં ઊંઘી જવા માટે પર્ફેક્ટ છે, પરંતુ તાજા ખીલેલા ગુલાબ જેવી ફ્રેશ અને મનમોહક દેખાતી કંગના તમારું ધ્યાન પોતાના પરથી હટવા દેતી નથી. સરવાળે તમને ઊંઘવા પણ દેતી નથી.

બસ, એક ગીત

બળબળતા રણમાં મીઠી વીરડી જેવી એકમાત્ર શાતાદાયક વાત છે આ ફિલ્મમાં લેવાયેલું ‘આજા મેરી જાન’ ગીત. એને આર. ડી. બર્મને મૂળ બંગાળીમાં કમ્પોઝ કરેલું અને તેમણે પોતે તથા આશા ભોસલેએ ગાયું. પછી ટી-સિરીઝની ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘આજા મેરી જાન’માં એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ અને અનુરાધા પૌડવાલના અવાજમાં લેવાયું. હવે એ જ ગીત આપણા ગુજરાતી ગીતકાર મયૂર પુરીએ લખેલા નવા શબ્દો સાથે ફરીથી લેવાયું છે. જોકે એ એક ગીત માટે કંઈ થિયેટરમાં લાંબા થવાય નહીં, યુટ્યુબમાં જોઈ લેવાય.

ટૂંકમાં, આ ફિલ્મને હિરોઇન કંગના સહિત સૌ કોઈ ભૂલી ગયા છે અથવા તો ભૂલવા માગે છે. આપણે પણ યાદ રાખીને મગજની હાર્ડ ડિસ્કમાં ખોટી જગ્યા રોકવાની જરૂર નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK