ફિલ્મ-રિવ્યુ : હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

ફેસબુક જનરેશનની DDLJ, મરાઠા મંદિરમાંથી DDLJની હજી વિદાય થઈ નથી અને લો, એની રીમેક પણ આવી ગઈ
યશ મહેતા


પર્યાવરણવાદીઓ રીસાઇક્લિંગ પર બહુ જોર મૂકે છે. જૂની વસ્તુઓનો કચરાપેટીમાં નિકાલ કરવાને બદલે જો એને રીસાઇકલ કરીને ફરીથી વાપરવામાં આવે તો પર્યાવરણની ભારે બચત થાય. દેશના મૅન્ગો પીપલ એટલે કે આમ જનતા આ વાત સમજે કે ન સમજે પરંતુ બૉલીવુડવાળાઓ આ મંત્ર બરાબર સમજી ગયા છે. એટલે જ આ શુક્રવારે રિલીઝ થયેલી વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ બીજું કશું નહીં બલકે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ની રીસાઇકલ્ડ આવૃત્તિ જ છે.

મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ!

રાકેશ શર્મા ઉર્ફે‍ હમ્પ્ટી (વરુણ ધવન) એક મિડલ ક્લાસ પપ્પા (કેનેથ દેસાઈ)નો પાસ ક્લાસ પણ ન લાવતો કૉલેજિયન બચ્ચો છે. દારૂ, સિગારેટ, પાર્ટી વગેરેમાંથી ન પરવારતો હમ્પ્ટી પરીક્ષાના દિવસે પણ કૉલેજના ટૉઇલેટમાં ઘૂસીને કુડી સાથે પપ્પી-ઝપ્પી કરતો રહે છે. પછી પાસ થવા માટે પ્રોફેસરને શોલેના ઠાકુરની જેમ બાંધી દે છે અને લાંચ પણ ઑફર કરે છે.

કાવ્યા પ્રતાપ સિંહ (આલિયા ભટ્ટ) અંબાલાના એક ટ્રાન્સપોર્ટ-ઑપરેટર (આશુતોષ રાણા)ની બિન્દાસ દીકરી છે. કાવ્યાના નારિયેળ જેવા કડક પપ્પાએ તેનાં લગ્ન એક અમેરિકન મુરતિયા અંગદ (‘બાલિકા વધૂ’ ફેમ સિદ્ધાર્થ શુક્લા) સાથે નક્કી કરી દીધાં છે. ફિલ્મી ડિઝાઇનર લેહંગો ખરીદવાના ચક્કરમાં કાવ્યા દિલ્હી આવે છે અને આ હમ્પ્ટી સાથે ભટકાઈ જાય છે. એક પછી એક મુલાકાતો, દારૂ-શારૂ અને પાર્ટીમાં એન્જૉય કર્યા બાદ કાવ્યા-હમ્પ્ટી લવ-સૉન્ગ્સ ગાતાં થઈ જાય છે. ત્યાં જ અચાનક કાવ્યાને યાદ આવે છે કે હાઇલા, મારાં લગ્ન તો અમેરિકન મુંડા અંગદ સાથે ફિક્સ થઈ ગયાં છે. એટલે બન્ને ખાનગીમાં ‘ગંદી બાત’ પતાવીને પોતપોતાના ઘરે રવાના થઈ જાય છે.

સચ્ચા પ્યાર હમ્પ્ટીને કાવ્યા પાસે ખેંચી લાવે છે, પરંતુ કાવ્યાના અમરીશ પુરી કરતાં પણ અનુભવી પપ્પા એક જ સેકન્ડમાં પકડી લે છે કે સીન શું છે. બરાબરનો મેથીપાક ખાધા પછી પણ હમ્પ્ટી ફેવિકૉલની જેમ અંબાલામાં જ ચોંટ્યો રહે છે એટલે કંટાળીને પપ્પાજી શરત મૂકે છે કે જો તું મારા પસંદ કરેલા મુરતિયામાંથી એક પણ ખામી શોધી બતાવે તો કાવ્યાનાં લગ્ન તારી સાથે કરાવી આપું. હમ્પ્ટી સારીએવી ડ્યુટી બજાવ્યા પછી પણ તે મુરતિયામાંથી ખામી શોધી શકતો નથી. મતલબ કે હવે હમ્પ્ટી અને કાવ્યાનાં લગ્નનો નો ચાન્સ. આખરે ક્લાઇમૅક્સમાં શું થાય છે એ જાણવા માટે તમારે આઇન્સ્ટાઇનબાબાનું દિમાગ ઉછીનું લેવાની જરાય જરૂર નથી!

નવી બૉટલમાં જૂની મદિરા

ખબર નહીં, આપણા ફિલ્મમેકર્સને કદાચ એવું હશે કે DDLJ રિલીઝ થયાને તો બે દાયકા થઈ ગયા. એ પછી તો એક આખી પેઢી ઘૂઘરા મૂકીને મોબાઇલથી રમતી થઈ ગઈ. એટલે એનો એ જ જૂનો માલ ફરીથી વેચવામાં વાંધો નહીં. એ ન્યાયે આ ફિલ્મમાં DDLJ કરતાં ભાગ્યે જ કશું જુદું છે. એટલે બન્ને ફિલ્મો વચ્ચે સરખામણી અને તફાવત ઊડીને આંખે વળગે છે. આ બે દાયકા પછીયે હીરો સિગારેટ-દારૂ પીએ જ છે, પરંતુ હિરોઇન તો પીવાની બાબતમાં હીરોને પણ હરાવી દે છે. અગાઉ હીરો હિરોઇનને એવું કહેતો કે પ્રી-મૅરિટલ સેક્સ તો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ કહેવાય, જ્યારે આજે છોકરો પોતાની ગર્લફ્રેન્ડને પપ્પાની હાજરીમાં ઘરે લઈ આવે છે અને બન્ને બિન્દાસ ઘરમાં સેક્સ માણે છે! એટલે જો ફિલ્મોને સમાજનું પ્રતિબિંબ ગણીએ અને આ ફિલ્મને લોકો વધાવી લે તો આપણો સમાજ કઈ દિશામાં શિફ્ટ થયો છે એ વિચારી શકાય.

મજેદાર કેમિસ્ટ્રી

૧૩૦ મિનિટની આ ફિલ્મ લગભગ પૂરેપૂરી પ્રીડિક્ટેબલ છે, પરંતુ વરુણ ધવન અને આલિયા ભટ્ટની સુપર્બ કેમિસ્ટ્રી એને ધબાય નમ: થતાં બચાવી લે છે. નવોદિત ડિરેક્ટર શશાંક ખૈતાનનું સ્માર્ટ રાઇટિંગ ફિલ્મને સતત દોડતી રાખે છે. દેખીતી રીતે જ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ યંગિસ્તાન છે એટલે જુવાનિયાઓને મજા પડે એવા તમામ મસાલા એમાં ઠપકારવામાં આવ્યા છે. ફૉર એક્ઝામ્પલ, લગ્ન પહેલાં જ ‘ગૉટ મૅરિડ’નું સ્ટેટસ અપડેટ કરી નાખતી હિરોઇન પોતાની વર્જિનિટી તોડવા માટે એક સેકન્ડનો પણ વિચાર નથી કરતી, પરંતુ પિતાજીનું દિલ ન તૂટે એ માટે પોતાનાં તમામ સપનાં તોડી નાખવા તૈયાર થઈ જાય છે! વળી આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની છે એટલે એમાં શાદી-બ્યાહ, નાચગાના ઉપરાંત ગે જોક્સ વગેરે તો હોય જ.

આલિયા અને વરુણનો ચાર્મ લગભગ બધા જ સીન્સમાં ક્લિક થાય છે અને મોટા ભાગની જોક્સ મજા કરાવે છે. ઘણાં વર્ષોથી અજ્ઞાતવાસમાં જતા રહેલા આશુતોષ રાણા કડક પિતાજીના રોલમાં જમાવટ કરે છે, પરંતુ તેમના ટ્રેડમાર્ક શુદ્ધ હિન્દીને બદલે પંજાબી બોલે છે ત્યારે જરા વિચિત્ર લાગે છે. પરંતુ જે રીતે તેમણે કશું બોલ્યા વિના પણ માત્ર આંખોથી જ ખોફ પેદા કર્યો છે એ જ તેમની એક્ટિંગની તાકાત બતાવે છે. ખબર નહીં શા માટે તે અત્યંત ઓછી ફિલ્મો કરતા હશે! નાનકડા રોલમાં આપણા ગુજ્જુભાઈ કેનેથ દેસાઈને ફન લવિંગ પપ્પા તરીકે જોવા ગમે છે. મોટા પડદે પહેલી મોટી એન્ટ્રી કરી રહેલા સિદ્ધાર્થ શુક્લાને જોઈને લાગે કે તેણે ઍક્ટિંગ કરતાં જિમમાં વધારે મહેનત કરી છે. હીરો-હિરોઇનની કેમિસ્ટ્રીની ખીચડીમાં હીરોના દોસ્ત પણ સારો સાથ આપે છે.

બડે-બડે દેશોં મેં બડે-બડે લોચે

આ ફિલ્મનો પહેલો સૌથી મોટો લોચો એ છે કે એ DDLJની રીમેક છે. ઉપરથી ટ્રિબ્યુટ આપતા હોય એ રીતે એના કેટલાય સીન અને ડાયલૉગ્સ પણ રિપીટ કરવામાં આવ્યા છે. એટલે DDન્થ્ના હાડોહાડ ચાહકો આ વાત સ્વીકારી શકે કે કેમ એ જોવું રહ્યું. હા, DDLJ વખતે જે બચ્ચાંઓ ડાઇપર્સ પહેરીને ફરતાં હશે તેમને બહુ વાંધો નહીં આવે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે બે દાયકા જૂનો માલ પીરસતી આ ફિલ્મ એકેય ઍન્ગલથી DDન્થ્ના સ્તરે પહોંચી શકે એ માંહ્યલી નથી. બીજો મોટો લોચો છે એનું નબળું સંગીત. માત્ર ‘સેટરડે’ અને ‘સમજાવાં’ સિવાય એક પણ ગીતમાં ઝાઝો ભલીવાર નથી.

જા સિમરન જા...

’હમ્પ્ટી શર્મા...’ નિ:શંકપણે એક ટાઇમપાસ ફિલ્મ છે જે યંગસ્ટર્સને તો મજા કરાવશે જ અને અપેક્ષાઓનું પોટલું બાંધીને નહીં જાય એવી કોઈ પણ વ્યક્તિને નિરાશ નહીં કરે. હા, શરત માત્ર એટલી જ કે તમારે DDLJ સાથે સરખામણી નહીં કરવાની.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK