ફિલ્મ રિવ્યુ : હાઉસફુલ 3

પેઇનફુલ : આ ફિલ્મનું નામ પેઇનફુલ જ હોવું જોઈતું હતું; કેમ કે જોયા પછી માથું, કાન, આંખો ઉપરાંત વાળમાં પણ દુખાવો થવા માંડે છે; એ પણ ત્રણગણો


housefull 3જયેશ અધ્યારુ

પ્રેમ અને જંગમાં બધું જ ચાલે એ કહેવતમાં હવે એક ઉમેરો કરવાની જરૂર છે, એ છે ફુવડ કૉમેડી. સાજિદ નામધારી ફિલ્મમેકરો પછી તે સાજિદ ખાન હોય, સાજિદ નડિયાદવાલા હોય કે પછી સાજિદ-ફરહાદ હોય; તે એક વાર જીદ લઈને બેસે કે લોકોનું જે થવાનું હોય તે થાય, આપણે તો હસાવીને જ છૂટકો કરવાના. બસ, પછી ‘હાઉસફુલ ૩’ જેવી ફિલ્મોનું જ ઉત્પાદન થાય. એટલે આ ફિલ્મનું ટ્રેલર જોયા પછીયે જો તમને ઍડ્વેન્ચર સ્ર્પોટ તરીકે એ જોવાના અભરખા થતા હોય તો ટિકિટ ખરીદતાં પહેલાં આટલી વસ્તુઓ ચેક કરી લેજો : કાનમાં નાખવાનાં રૂનાં પૂમડાં, માથાના દુખાવાની ગોળી અને તમારી મેડિક્લેમ કે લાઇફ-ઇન્શ્યૉરન્સ પૉલિસી. સલામતી ખાતર હેલ્મેટ પહેરીને ફિલ્મ જોશો તો બચવાના ચાન્સિસ વધી જશે. થોડા ઘણા વાળ પણ શહીદ થતાં બચી જશે.

લોઢાના લાડુ

લંડનની માલીપા ત્રણ વાંઢી કન્યાઓના એક ગુજરાતી બાપ બટુક પટેલ (બમન ઈરાની) રહે છે. થેમ્સ નદીને કાંઠે રહેતી તેમની ત્રણ દીકરીઓ ગંગા (જૅકલિન ફર્નાન્ડિસ), જમના (લીઝા હેડન) અને સરસ્વતી (નર્ગિસ ફખરી)નાં જોબનિયાં બે કાંઠે ઉછાળા મારે છે. પરંતુ ખમણ ખાતા પિતાના ખોળિયામાં એક વહેમનો ખીલો ખોડાયેલો છે કે જો દીકરીઓનાં લગ્ન થશે તો તરત જ તેમનાં ચૂડી-ચાંલ્લા ભાંગશે. લેકિન દીકરીઓએ તો ઑલરેડી ત્રણ મરદ મૂછમૂંડાઓને દલડાં દઈ દીધાં છે. બાપાની ટેક પૂરી કરવા એ ત્રણેય ભાયડાઓ સેન્ડી (અક્ષય કુમાર), ટેડી (રિતેશ દેશમુખ) અને બન્ટી (અભિષેક બચ્ચન)ને અનુક્રમે વ્હીલચૅરગ્રસ્ત, દૃષ્ટિહીન અને બોલી ન શકતો બનાવીને ઢોકળા પટેલની સામે પેશ કરે છે. ઢોકળા પપ્પા તેમની ટેસ્ટ લઈને પાસ તો કરે જ છે, પરંતુ ક્યાંકથી ત્રણ વિલન અને મુંબઈના એક રિટાયર્ડ ડૉન ઊર્જા‍ નાગરે (જૅકી શ્રોફ) ફૂટી નીકળે છે. દિમાગ બહારવટે ચડી જાય એવો ટ્વિસ્ટ આવે છે અને ભડાકે દઈ દેવાનું મન થાય એવી ભાંજગડ સાથે ફિલ્મનો ફાઇનલી અંત આવે છે.

ભાંગી નાખો, તોડી નાખો, ભૂકો કરી નાખો

સામાન્ય રીતે ફિલ્મોમાં પહેલાં પાત્રો નક્કી થાય, એ પછી એ કેવી રીતે વર્તશે એ નક્કી થાય. અહીં છપ્પન વૉટ્સઍપ ગ્રુપોના ઍડ્મિન જેવા સાજિદ-ફરહાદે પોતાના મોબાઇલ ફોનમાં વહેતા જોક્સને આધારે પાત્રો તૈયાર કયાર઼્ છે. જેમ કે લંડનમાં જ મોટી થઈ હોવા છતાં ત્રણેય હિરોઇનો તમામ અંગ્રેજી વાક્યોનું હિન્દી ટ્રાન્સલેશન કરે છે. હમ લોગ બચ્ચે નહીં બના રહે મતલબ કે વી આર નૉટ કિડિંગ, બાહર લટકતે હૈં યાને કે હૅન્ગ આઉટ, સાંઢ કી આંખ માર દી એટલે હિટ ધ બુલ્સ આઇ. જો તમને આમાં હસવું ન આવ્યું હોય તો ડોન્ટ વરી. કન્યાઓના પપ્પાના જોક્સ ટ્રાય કરો. એ બિચારા આજે પણ ત્રણ વર્ષ પહેલાંના જોક્સમાં અટકેલા છે: આદમી સીધા હોના ચાહિએ, ઉલ્ટા તો તારક મેહતા કા ચશ્મા ભી હૈ, સંસ્કાર બડે હોને ચાહિએ, છોટા તો ભીમ ભી હૈ... વળી ડિરેક્ટરો કેવા સારા કે આમાંથી અમુક જોક્સ તેમને કદાચ હાઈ લેવલના લાગ્યા હશે એટલે એને સમજાવ્યા પણ છે.

શું કહ્યું? આ જોક્સ સાંભળેલા છે? તો એમાં ગભરાઈ શું ગયા, સાજિદ-ફરહાદના મોબાઇલમાં ૨૫૬ GB ભરીને જોક્સ છે. એમાંથી નીકળેલો રીતેશ દેશમુખ હિન્દી શબ્દો બોલવામાં લોચો મારે છે એટલે બિચારો વિરોધને નિરોધ, વાઇફને તવાયફ, હિસાબને પિશાબ એવું બધું કહી બેસે છે. બફૂનરીનો ખિલાડી અક્ષયકુમાર અહીં ãસ્પ્લટ પર્સનાલિટીનો રોગી છે. ઇન્ડિયન શબ્દ સાંભળતાં જ સેન્ડીમાંથી સુન્ડી થઈને ગાંડા કાઢવા માંડે છે. પાછળથી એન્ટ્રી મારતા ભિડૂ જગ્ગુદાદા ખ્વ્પ્ યાને કે આજ તુઝે મારુંગા ટાઇપના જનરલ નૉલેજ વધારે એવા જોક્સ કરે છે. આ ગિરદીમાં ચન્કી પાન્ડે પણ છે, જેનું નામ છે આખરી પાસ્તા.

જો એક વખત પણ તમને વિચાર આવ્યો હોય કે આ શું ફુવડગીરી છે? તો હોલ્ડ ઑન, આ ફિલ્મમાં આ ઉપરાંત પણ રેસિસ્ટ, હોમોફોબિક, પૉટી હ્યુમર, અક્ષમો પરની મજાક જેવી જેના ઘરમાં દીકરી ન દેવાય એવી કૉમેડી પણ છે. જેમ કે ઘરની નોકરો બ્લૅક સ્ત્રીઓ હોય અને તેમની સાથે વિલનલોકોનું બળજબરીથી સેક્સ કરાવી દેવાય. યુ નો, જસ્ટ ફૉર ફન. ઇન્ડિયન છોકરાને સિંગલ સ્ક્રીન કહેવાય અને વિદેશી છોકરાને મલ્ટિપ્લેક્સ. જોઈ ન શકતી વ્યક્તિને કાનૂન કહેવાય, કેમ કે યુ નો અંધા કાનૂન.

આ કમ્પ્લીટ ભવાડાપંતીમાં કલાકારો જ્યારે પોતાના પર જ જોક કરે છે ત્યારે હસવું આવે છે. અક્ષય પોતાની દેશભક્તિવાળી ફિલ્મોની ખિલ્લી ઉડાવે, રિતેશ જેનિલિયાને વચ્ચે લાવે, અભિષેક પપ્પા બિગ બી અને પત્ની ઐશ્વર્યાના ટેકે કૉમેડી કરે ત્યારે બાય ગૉડ દિલના ચમનમાં મેટાહ્યુમરની બહાર આવી જાય છે.

અક્ષય અને રિતેશને તો જાણે દર થોડા ટાઇમે આવી ગાંડીઘેલી ફિલ્મો કરવાનો અટૅક આવે છે એટલે તેમનું તો સમજાય, પરંતુ અભિષેકને બિચારાને ટાઇમપાસ કરવા માટે કંઈક તો જોઈએને? (બધા કામે ગયા હોય તો ઘરે એકલો માણસ કરે શું? હવે તો દીકરી પણ સ્કૂલ જતી હશે) એટલે આ ફિલ્મમાં તે પણ નાના બાબાને પરાણે વાળ કપાવવા બેસાડ્યો હોય એવું મોઢું કરીને ઍક્ટિંગ કરે છે. બમન ઈરાની ગુજરાતી બન્યા છે, પણ સુરતી પારસી જેવું કંઈક બોલે છે. પરંતુ સરવાળે તો ઘોંઘાટમાં વધારો જ કરે છે. ત્રણ હિરોઇનોનું મૅડમ ટુસૉના વૅક્સ મ્યુઝિયમ સાથે કંઈક કનેક્શન છે એટલે તે પૂતળાં પણ બનાવી જાણે છે. પરંતુ બિલીવ મી, કેટલાય સીનમાં ત્રણેય હિરોઇનો અને એ વૅક્સ સ્ટૅચ્યુ વચ્ચેનો ફરક જ ખબર નથી પડતો. એકમાત્ર જૅકીભાઈની દાદાગીરી જોવી ગમે છે. આ બધા ભેગા મળીને આપણને હસાવવા માટે એટલાબધા ધમપછાડા કરે છે ક્યારેક આપણે જીવદયાથી પ્રેરાઈને પણ હસી પડીએ.

ડાયલૉગ અને કહેવાતી સ્લૅપ્સ્ટિક કૉમેડીનો ત્રાસ ઓછો હોય એમ આ ફિલ્મમાં ગીતોય છે. ગીતો પણ કેવાં, તો કહે પ્યાર કી માં કી અને ટાંગ ઉઠા કે. કોઈએ જોડો ઉઠા કે કેમ માર્યો નથી હજી એ જ સવાલ છે.

ખબર નહીં, ગુજરાતીઓને આવી ચક્કરબત્તી ફિલ્મો વધારે ગમે છે કે કેમ, પરંતુ આ ફિલ્મમાં એક લાંબો સીન ગુજરાતીમાં છે જેમાં બધા કલાકારો ગુજરાતીમાં ભરડે છે. આશા રાખીએ કે આવી કોઈ ફિલ્મ એ લોકો ગુજરાતીમાં ન બનાવવાના હોય.

કમ્પ્લીટ નૉન્સેન્સ

સીધી વાત છે AIB રોસ્ટ જોવા ગયા હોઈએ ત્યાં સંસ્કારી કૉમેડીની આશા ન રખાય, પરંતુ આ તન્મય ભટના લેટેસ્ટ લતાજી-સચિનવાળા વિડિયો જેવી ભંગાર કૉમેડી છે. જો તમને આવી સડકછાપ કૉમેડી ગમતી હોય અથવા તો તમારા દિમાગની કૅપેસિટી પર પૂરો વિશ્વાસ હોય તો ઑલ ધ બેસ્ટ, બાકી ભલે તમે આમાંથી કોઈ સ્ટારના ફૅન હો તેમ છતાં આ ‘હાઉસફુલ ૩’ જોવાનું જોખમ લેવા જેવું નથી. એના કરતાં જૂની ચાર્લી ચૅપ્લિન, બસ્ટર કિટન કે ઈવન ટૉમ ઍન્ડ જેરીની ફિલ્મો જોઈ નાખો એ હજાર દરજ્જે બહેતર ઑપ્શન છે. આ ‘હાઉસફુલ ૩’ આખી ફિલ્મ કરતાં છેલ્લે આવતી ગેગરીલ વધારે ફની છે, પણ એ જોવા માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે. છોડો ત્યારે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK