ફિલ્મ-રિવ્યુ : હૉલિડે

અક્ષયકુમારની આ ઍક્શન-પૅક્ડ થ્રિલર ત્રણ કલાકની તોસ્તાન લંબાઈ છતાં જકડી રાખે છે
યશ મહેતા

‘ગજની’વાળા ડિરેક્ટર એ. આર. મુરુગાદોસની અક્ષયકુમાર સ્ટારર ‘હૉલિડે - અ સોલ્જર ઇઝ નેવર ઑફ ડ્યુટી’ આમચી મુંબઈમાંથી પસાર થતી એવી થ્રિલ ટ્રેન છે જેમાં દરેક તબક્કે રોમાંચનું નવું સ્ટેશન આવે છે. આ ટ્રેનની રાઇડની મજા લેવાની છે, પણ જો એમાં લૉજિકની સાંકળ ખેંચશો તો મનોરંજનના પાટા પરથી ઊથલી પડશો

મિશન મુંબઈ

કૅપ્ટન વિરાટ બક્ષી (અક્ષયકુમાર) ભારતીય આર્મીનો સભ્ય છે અને સાથોસાથ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (DIA)નો પણ અન્ડરકવર એજન્ટ છે. ૪૦ દિવસના વેકેશનમાં ફૌજી ભાઈઓ સાથે જ્યારે પોતાના ઘરે મુંબઈ આવે છે ત્યારે એક પૉકેટમારને શોધવામાં અકસ્માતે તે બૉમ્બબ્લાસ્ટ કરનારા એક આતંકવાદીને પકડી લે છે. આતંકવાદીની પોતાની આગવી સ્ટાઇલમાં પૂછપરછ કરતાં બહાર આવે છે કે એક આતંકવાદી જૂથ મુંબઈમાં એકસાથે ૧૨ ઠેકાણે બૉમ્બ-બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કરી ચૂકી છે. હવે અક્ષયકુમાર સામે ચૅલેન્જ છે કે એક જ સમયે થનારા ૧૨ બૉમ્બ-વિસ્ફોટોને કેવી રીતે રોકવા. બીજું, સરહદની પેલે પાર બેઠેલા આ આતંકવાદી જૂથના માસ્ટરમાઇન્ડ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી આ સિલસિલો અટકે નહીં. એટલે એક ઑપરેશન પાર પડે ત્યાં સુધીમાં તો બીજી અને એના કરતાં પણ વધારે ખતરનાક ચૅલેન્જ તેની સામે આવીને ઊભી રહે છે. આ જીવસટોસટના માહોલમાં અક્કીનાં મમ્મી-પપ્પા તેને એક મારકણી કુડી સાયબા (સોનાક્ષી સિંહા) સાથે તેનાં લગ્ન કરાવી આપવાની ફિરાકમાં છે. અક્ષયે એ ‘ઑપરેશન લવ સ્ટોરી’ પણ સફળતાપૂર્વક પાર પાડવાનું છે.

ઓન્લી થ્રિલ, નથિંગ એલ્સ

છેલ્લાં બે-ચાર વર્ષમાં સાઉથની એટલીબધી બીબાઢાળ ફિલ્મોની રીમેક આપણા માથે મારવામાં આવી છે કે વધુ એક રીમેકનું નામ સાંભળીને જ આપણે માથું નમાવીને બે હાથ જોડીએ. કેમ કે એ જ રંગબેરંગી કપડાં પહેરીને નાચગાના અને ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરી દે એવી ટિપિકલ ફાઇટ્સ. પરંતુ આમિર ખાન સાથે ‘ગજની’ બનાવનારા ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ જ્યારે આપણી સામે આવી સાઉથ ઇન્ડિયન ડિશ પેશ કરે ત્યારે આપણે એક ચાન્સ તો લેવો પડે. ગઈ કાલે રિલીઝ થયેલી અક્ષયકુમાર સ્ટારર ‘હૉલિડે’ તેમની જ તામિલ ફિલ્મ ‘થુપ્પક્કી’ (અર્થાત્ બંદૂકડી)ની રીમેક છે. મુરુગાદોસ મસાલા એન્ટરટેઇનર વાનગી બનાવવામાં પાવરધા રસોઈયા છે. આ વખતે તેમણે ટેરરિઝમ, હીરોઇઝમ, સ્પાયિંગ (જાસૂસી), દેશભક્તિ, થ્રિલ, ઍક્શન, (ચપટીક) લવ-સ્ટોરી જેવા મસાલા નાખીને એક ખરેખર ટેસ્ટી વાનગી તૈયાર કરી છે. હા, એમાં લૉજિક નામનો વિવેચકોના સ્વાદને માફક આવે એવો મસાલો ઇરાદાપૂર્વક નાખ્યો નથી.

અક્ષયકુમાર અહીં હીરો છે, પણ સુપરહીરો જેવાં (હવામાં ઊડવા સિવાયનાં) લગભગ બધાં જ કામ તેણે કર્યા છે. તે એકલેહાથે સિરિયલ બ્લાસ્ટ્સને અટકાવે છે અને ખૂનખાર આતંકવાદીઓના દાંત ખાટા કરી દે છે. તે જેમ્સ બૉન્ડની જેમ જાસૂસી કરે છે, બ્રુસ લી અને જૅકી ચેન જેવી માર્શલ આર્ટથી ભરપૂર ફાઇટ કરે છે, મિલ્ખા સિંહને પણ લઘુતાગ્રંથિ થઈ જાય એવી ઝડપે દોડીને ચેઝ કરે છે અને આતંકવાદીઓને કમકમાં આવી જાય (અને નબળા હૃદયવાળાઓને અરેરાટી થઈ જાય) એવા ઠંડા કલેજે આતંકખોરોને વેતરી પણ નાખે છે. અક્ષયકુમારના અભિનયની ખૂબી કહો કે મુરુગાદોસનું સુપર્બ ડિરેક્શન, આમાંનાં મોટા ભાગનાં કામ અવાસ્તવિક હોવા છતાં સહેલાઈથી પચી જાય છે.

‘હૉલિડે’ને લૉજિકનાં ચશ્માંમાંથી જોઈએ તો આખો ડાયનોસૉર પસાર થઈ જાય એટલાં મોટાં છીંડાં એમાં દેખાય છે. જેમ કે એક આર્મીમૅન હોવા છતાં તેના વાળ વારંવાર લટો સરખી કરવી પડે એટલા લાંબા છે શા માટે છે? સરેઆમ બૉમ્બ-વિસ્ફોટ કરનારો આતંકવાદી ગાયબ થઈ જાય અને છેક સુધી કોઈને ગંધ સુધ્ધાં ન આવે? એકસાથે ૧૨-૧૨ સિરિયલ બ્લાસ્ટ્સનું પગેરું મળે પણ એનો છેડો ક્યારેય હીરો સુધી ન પહોંચે? એટલું જ નહીં, ખૂનખાર આતંકવાદી સાથે ખુદ ડિફેન્સનો જ એક ઉચ્ચ અધિકારી ભળેલો હોય? વળી, અક્ષય એક ખુફિયા સુરક્ષા સંગઠનનો સભ્ય હોય, પણ એનો કોઈ બૉસ ન હોય? (ખુદ જેમ્સ બૉન્ડને પણ પોતાના બૉસ ‘પ્’ને જવાબ આપવો પડે છે.) આગળ કહ્યું એમ આ ફિલ્મ લૉજિક માટે નહીં, ડિરેક્ટરના મૅજિક માટે જોવાની છે.

આ ફિલ્મ ૩ કલાક જેટલી ઍનાકૉન્ડા સાઇઝની લાંબી છે એમ છતાં દર થોડી વારે ડિરેક્ટર એક નવી જ થ્રિલિંગ સીક્વન્સનું કાર્ડ ઊતર્યે રાખે છે અને આપણો રસ જળવાઈ રહે છે. સતત એ ઇન્તેજારી રહે છે કે હવે આ ચૅલેન્જને અક્ષય કેવી રીતે પાર પાડશે અને ત્યાં જ ફિલ્મ દર વખતે ફ્રી હિટ પર સિક્સ ફટકારે છે. હા, વારંવાર લવ-સ્ટોરીના ટ્રૅક પર ચડી જતી આ ફિલ્મ અને અમુક સૉન્ગ્સ પર કાતર ચલાવી હોત તો ફિલ્મ ઑર ધારદાર બની હોત.

ઍક્ટિંગ-વૅક્ટિંગ

અક્ષયકુમારની ખૂબી એ છે કે તેની ફિલ્મ રિલીઝ થતાં પહેલાં નહીંવત્ હાઇપ ઊભો કરે છે, પણ પછી અફલાતૂન પફૉર્મન્સ ડિલિવર કરે છે. જેમ કે ‘સ્પેશ્યલ ૨૬’ અને ‘હૉલિડે’માં પણ એવું જ છે. આ કમ્પ્લીટ અક્ષય ઍક્શન શો છે. એનો એકેએક પંચ, દરેક સ્ટાઇલ, બધી જ ફાઇટ્સ પ્રેક્ષકોને ટટ્ટાર થઈ જવા પર મજબૂર કરે છે.

ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ છે, જે તેના પોતાના પપ્પાને થપ્પડ મારે છે, વિશ્વની લગભગ બધી જ રમતો રમે છે (છતાં જાડીપાડી લાગે છે), ગીતો પણ ગાય છે... પરંતુ અફસોસ, ફિલ્મની મૂળ વાર્તા સાથે તેને કશી જ લેવાદેવા નથી. દર વખતની જેમ તે ફિલ્મની પૂરપાટ ભાગતી સ્ટોરીમાં અચાનક બ્રેક મારવા સિવાય કશું જ કામ નથી કરતી.

ગોવિંદા આ ફિલ્મમાં સ્પેશ્યલ અપીઅરન્સમાં છે, પણ બિચારો કૉમેડિયન બનીને રહી ગયો છે (તેના નવા ઉગાડેલા વાળ કંઈક વિચિત્ર લાગે છે). ગોવિંદા કરતાં વધારે ફુટેજ તો અક્ષયના દોસ્તાર બનતા ઍક્ટર સુમીત રાઘવનને મળ્યું છે. ઝાકિર હુસેન જેવો અફલાતૂન ઍક્ટર અહીં તદ્દન વેડફાયો છે. આતંકવાદીઓનો મુખિયા બનતો આપણો હુરટી પોયરો ફ્રેડી દારૂવાલા ઉર્ફે ફરહાદ ધ્યાન જરૂર ખેંચે છે, પણ જોઈએ એટલો ખૂનખાર-ડરામણો લાગતો નથી.

પ્રીતમ અને ઇર્શાદ કામિલે મળીને મ્યુઝિક-ડિપાર્ટમેન્ટમાં ખાસ કશું ઉકાળ્યું નથી. ગીતો સરેરાશ છે. જો પરાણે હિરોઇનને નાખવાની લાલચ રોકી શકાઈ હોત તો ગીતોનું સ્પીડબ્રેકર-છાપ અટામણ નાખવાની જરૂર ન પડી હોત.

હૉલિડે હો જાએ?

બેશક, આખો પરિવાર એકસાથે મળીને જોઈ શકે એવી આ ‘હૉલિડે’માં એક કમ્પ્લીટ મસાલા થ્રિલર ફિલ્મમાં હોય એવા બધા જ રસ મોજૂદ છે. ફિલ્મ જોયા પછી આપણા ફૌજી ભાઈઓ દેશ માટે કેવી કુરબાની આપે છે એનું માન થઈ આવશે એ લટકામાં. વળી શરૂઆતના ટાઇટલ ક્રેડિટ્સથી લઈને છેક સુધી મુંબઈના મેટ્રો અને મોનોરેલ સહિતના લૅન્ડમાર્ક્સ આહ્લાદક ફીલિંગ આપે છે. જઈ આવો તમતમારે ઝાઝું વિચાર્યા વિના. ફિલ્મને વધુ એન્જૉય કરવાની એક ટિપ : આવું કંઈ થોડું હોય? એવું વિચારવાને બદલે ધારો કે આવું થયું હોય તો? એવું વિચારીને ફિલ્મ જોશો તો વધારે મજા આવશે. એન્જૉય યૉર હૉલિડે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK