ફિલ્મ-રિવ્યુ : હીરો

મૈં હૂં ઝીરો, સ્ટારસંતાનોને લૉન્ચ કરવા માટે જ બનાવાયેલી આ ફિલ્મ જોવા કરતાં સુભાષ ઘઈની ઓરિજિનલ હીરો ફરી એક વાર જોઈ લેવી ક્યાંય સારી

hero

જયેશ અધ્યારુ

‘મિલૉર્ડ, આજનો કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારા અસીલનું કહેવું છે કે નિખિલ અડવાણીએ તેમના યુવાનીકાળની ફિલ્મ ‘હીરો’ની જે કંગાળ રીમેક બનાવી છે એનાથી તેઓ ડીપલી હર્ટ થઈ ગયા છે.’

‘હં, ઇન્ટરેસ્ટિંગ. વેલ, ડિફેન્સ ક્લિયર કરે કે તેમણે સ્ટોરી એની એ જ રાખી છે કે ફેરફાર કર્યા છે?’

‘જજસા’બ, મેઇન સ્ટોરી તો એ જ છે. મુંબઈના ઇન્સ્પેક્ટર જનરલ શ્રીકાંત માથુર (તિગ્માંશુ ધુલિયા)એ ગુંડા સૂર્યકાન્ત પાશા (આદિત્ય પંચોલી) સામે ગંભીર ગુનાના પુરાવા એકઠા કરી લીધા છે. છેલ્લી સુનાવણી બાકી છે. ત્યાં જ જેલમાં બેઠો-બેઠો પાશા પોતાના દીકરા જેવા બૉડી-બિલ્ડર સૂરજ (સૂરજ)ને હુકમ કરે છે કે આ ઇન્સ્પેક્ટર જનરલની દીકરી રાધા (અથિયા શેટ્ટી)ને કિડનૅપ કરી લે. કહ્યાગરો બૉડી-બિલ્ડર સૂરજ તેના દોસ્તારો સાથે મળીને રાધાને તેની સિક્યૉરિટીના નામે કિડનૅપ કરી લે છે. આ સંતાકૂકડીમાં રાધા અને સૂરજ વચ્ચે ઇલુ-ઇલુ થઈ જાય છે. પ્રેમના પ્રતાપે સૂરજ સુધરી જાય છે, ત્યાં લવસ્ટોરીમાં ફાચર મારવા માટે રણવિજય શેખાવત (વિવાન ભતેના) નામનો બીજો એક બૉડી-બિલ્ડર આવે છે. થોડી ધબાધબી અને પછી ખાધું-પીધું ને રાજ કર્યું. ઉપરથી આ ફિલ્મ ખુદ સુભાષ ઘઈ અને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે. ઈવન સલમાને તો એનું ટાઇટલ-સૉન્ગ પણ ગાયું છે.’

‘લે, તો પછી આમાં વાંધો ક્યાં પડ્યો?’

‘જનાબ, વાંધા એક નહીં અનેક છે. પહેલો વાંધો છે કાસ્ટિંગ. આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ દેખાવે સારો છે, પણ તેણે ખાલી જિમમાં જ પરસેવો પાડ્યો છે. બાકી મોઢું ખોલે એટલે ગોખણિયા ડાયલૉગ સિવાય કશું જ નીકળતું નથી. અને સર, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા સતત સેલ્ફી માટે પોઝ આપતી હોય એવો ગાલમાં ગોબાવાળો ચહેરો રાખવામાં ભૂલી જાય છે કે તેણે નૅચરલ ઍક્ટિંગ પણ કરવાની છે. જૂની ‘હીરો’માં જે સ્ટ્રૉન્ગ સપોર્ટિંગ કાસ્ટ (જેમ કે શમ્મી કપૂર, સંજીવકુમાર, અમરીશ પુરી, મદન પુરી) હતી, અહીં એમાંનું કશું જ નથી. જનાબ, ખુદ આદિત્ય પંચોલી વિલનના હેન્ચમૅન તરીકે ચાલે, પણ મેઇન વિલનમાં તો ગળે ઊતરે જ નહીંને? તિગ્માંશુ ધુલિયા બહુ સારા રાઇટર-ડિરેક્ટર છે, પણ અહીં તેમને દીકરીના બાપ બનાવીને બેસાડી દીધા છે. આખી ફિલ્મમાં ધૂંઆપૂંઆ થવા સિવાય તેમના ભાગે કશું આવ્યું નથી. સંજીવકુમારની જગ્યાએ ટીવી-ઍક્ટર શરદ કેળકર કે પછી શક્તિ કપૂરની જગ્યાએ વરઘોડામાંથી ભાગીને આવ્યો હોય એવો મૉડલ વિવાન થોડો ચાલે? આ આખી કાસ્ટ સાવ પૉલિથિન જેવી કૃત્રિમ લાગે છે.’

‘પણ આ તો નવા જમાનાની રીમેક છે. કશુંક તો નવું ઉમેર્યું હશેને?’

‘અરે મિલૉર્ડ, નવું કરવાની વાત તો દૂર રહી, આખી ફિલ્મ સાવ ચવાઈ ગયેલા ક્લિશેથી ફાટ-ફાટ થાય છે. ઈવન મારી પાસે તો આ ફિલ્મના ક્લિશેનું આખું લિસ્ટ છે. તમે કહો તો અદાલત સમક્ષ પેશ કરું?’

‘ઇજાઝત હૈ...’

‘મિલૉર્ડ, સાંભળતાં થાકો એટલે કહેજો: બૉડી-બિલ્ડર હીરોની કસરત કરતાં-કરતાં એન્ટ્રી પડે, એન્ટ્રી સાથે જ એક ફાલતુ ફાઇટ આવે. એ પછી તરત જ એક પાર્ટી-સૉન્ગ આવે, ત્યાં હીરો-હિરોઇન મળે અને પહેલી નજરનો પ્રેમ થઈ જાય, હીરો હિરોઇનને માથાભારે બૉયફ્રેન્ડથી બચાવે, જૅકેટ ઓઢાડે, હીરો રૉબિનહુડ ટાઇપનો ગુંડો હોય, પોલીસ અને ગુનેગાર વચ્ચે ઇન્ટેન્સ લુક એક્સચેન્જ થાય, ન્યુઝ-ચૅનલના પત્રકારોનું ટોળું માઇક લઈને સવાલો પૂછે, હિરોઇન માત્ર પાર્ટીમાં જવા અને સેલ્ફી લેવા જેટલી જ મૉડર્ન હોય, બાકી તો અબલા નારી હોય, હીરોને ઠેકાણે પાડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા દોસ્તારો, ચિક્કાર બરફમાં પણ હીરો ખુલ્લા ડિલે કસરત કરે, જે જોઈને હિરોઇન ઇમ્પ્રેસ થઈ જાય અને બન્ને ઇશ્કવાલા લવ ટાઇપનું ગીત ગાય, કિડનૅપરના જ પ્રેમમાં પડવાનો સ્ટૉકહોમ સિન્ડ્રૉમ, હિરોઇન પહેલી વાર છાંટોપાણી કરીને ટાઇટ થઈ જાય, પછી તે કોઈ બીજા ધર્મના ઈશ્વર પાસે ઑકવર્ડ પ્રાર્થના કરે, જુવાન દીકરી પ્રેમમાં પડી છે એ જાણીને બાપ તાત્કાલિક તેનાં લગ્ન ગોઠવી કાઢે, ગુસ્સો કાઢવા માટે હિરોઇન નાચાનાચ કરી મૂકે, વિદેશી ધરતી પર ડિપ્રેસ થઈને ફર્યા કરે, ફિલ્મની અંદર એક ગીતમાં એ જ ફિલ્મની સ્ટોરી આવે, પથ્થર જેવા પિતાને સમજાવવા માટે હીરો એક ઇમોશનલ સ્પીચ આપે, જે સાંભળીને બધાંનાં હૃદયપરિવર્તન થઈ જાય...’

‘બસ ભાઈ, બસ. આ તો ક્લિશેનો એન્સાઇક્લોપીડિયા ખોલ્યો હોય એવું લાગે.’

‘ન્યાયાધીશ મહોદય, મારા અસીલને બીજો એક વાંધો એ પડ્યો છે કે આ ફિલ્મમાંથી લૉજિકની સાવ હાસ્યાસ્પદ રીતે બાદબાકી કરી નાખી છે; જેમ કે આખું ચપ્પુ ખૂંચી જાય, ગોળીઓ વાગે, ઊંચેથી બાઇકસોતાં નદીમાં પડે, પણ ફિલ્મમાં કોઈને કશું જ ન થાય. હીરો સલમાન ખાનનો ચેલો છે એટલે સુધરવા માટે તે જિમ ખોલે એ સમજી શકાય, પણ કોઈ ખંડેરની વચ્ચે જિમ શું કામ ખોલે? ખૂનખાર ગુંડો પાશા કસ્ટડીમાં બેઠો-બેઠો કેબલ ટીવી જુએ, જેલનું ટીવી તોડી નાખે તો બિનધાસ્ત નવું આવી જાય, પોલીસની ગિરફ્તમાંથી ભાગી જાય, નિરાંતે જીવવા માંડે અને પોલીસને કશી જ પડી ન હોય. ઇન્સ્પેક્ટર જનરલની દીકરીને બબ્બે વાર આરામથી કિડનૅપ કરી લેવામાં આવે.’

‘નૉનસેન્સ. આ તો પોલીસની કૉમન સેન્સનું પણ અપમાન છે.’

‘એક્ઝૅક્ટ્લી જજસા’બ, નાનું બચ્ચુંય માને નહીં એવી વાત એ પણ છે કે અચાનક ભટુરિયા જેવો વિવાન નામનો સૂટિંગ-શર્ટિંગનો મૉડલ ફિલ્મનો મેઇન વિલન બની જાય. છેલ્લી ફાઇટિંગમાં તે પાછો પોતાનું ગંજી ફાડે, વધુ એક ક્લિશે સર.’

‘ઓકે ઓકે, આમ તો આટલી દલીલો પૂરતી છે. એમ છતાં હજી કંઈ કહેવાનું રહી જાય છે?’

‘થોડી છૂટક આગ્યુર્‍મેન્ટ્સ છે, મિલૉર્ડ. આખી ફિલ્મ એટલી કંગાળ રીતે લખાયેલી છે કે એમાં એકેય ડાયલૉગ યાદ રહે એવો નથી. આ ફિલ્મ જૂની ‘હીરો’ની રીમેક છે એ જતાવવા માટે બે ઠેકાણે ‘વો તેરા સિંગ સૉન્ગ, ડિંગ ડોન્ગ કરેગા’ અને ‘પ્યાર કરનેવાલે કભી ડરતે નહીં’ ટાઇપની લાઇન્સ નાખી દીધી છે. જૂની ‘હીરો’ની આના કરતાં વધારે ફીલ તો જૅકી શ્રોફના દીકરા ટાઇગરની પહેલી ફિલ્મ ‘હીરોપંતી’માં આવતી હતી. ઓરિજિનલ ‘હીરો’ની સૌથી મોટી સ્ટ્રેન્થ હતી એનાં લક્ષ્મી-પ્યારે અને આનંદ બક્ષીનાં ઇમ્મૉર્ટલ ગીતો. અહીં ગીતો સાવ કંગાળ નથી, પણ બિનજરૂરી અને બિલો ઍવરેજ તો છે જ. એને કારણે જ આખી ફિલ્મ કોઈ ઠીકઠાક મ્યુઝિક-વિડિયો જેવી લાગવા માંડે છે. ફિલ્મના અંતે સલમાન પોતે આવીને ‘મૈં હૂં હીરો તેરા’ ગીત ગાય છે ત્યારે છેક પબ્લિકને કોઈ વાતે ચિયર કરવાનો મોકો મળે છે. હવે તમે જ કહો સર, પોતાની ફેવરિટ ફિલ્મની આવી તદ્દન ડાબા હાથે બનેલી રીમેક જોઈને મારા અસીલનો જીવ બળે કે નહીં?’

‘અદાલત આ તમામ બયાનાત સાથે સહમત થાય છે અને તાકીદ કરે છે કે જેમને ઓરિજિનલ ‘હીરો’ ફિલ્મ ગમી હોય તેમણે આ સ્ટારપુત્રોને લૉન્ચ કરવા માટે બનાવાયેલી રીમેકથી કોસોં દૂર રહેવું. જો આ વીક-એન્ડ પર સમય પસાર કરવા માટે કશું ન હોય તો જૂની ‘હીરો’ ફરી એક વાર જોઈ નાખવી. ફિલ્મ-મેકરોને પણ તાકીદ કરે છે કે તેઓ માત્ર જૂની ગુડવિલને એન્કૅશ કરવા માટે ભારતીય સિનેમાના માઇલસ્ટોન જેવી કૃતિઓ સાથે આવી છેડછાડ ન કરે. ધ કોર્ ઇઝ ઍડ્જન્ડર્‍ ટિલ નેક્સ્ટ રિલીઝ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK