ફિલ્મ-રિવ્યુ : હવા હવાઈ

હૈયું સોનાનું, ફિલ્મ લાખેણી, થોડી ધીમી હોવા છતાં આ ફિલ્મ એટલો ઉમદા મેસેજ આપે છે કે વેકેશન-લેસનના ભાગરૂપે પણ જોવી જોઈએ
ફાટ-ફાટ થાય એવી ટૅલન્ટ ભરી હોય પણ ઈશ્વરે એવા ઠેકાણે જન્મ આપ્યો હોય જ્યાં જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ હોય. આવું ચીંથરે વીંટ્યું રતન જ્યારે પોતાની પૅશનની રેસમાં ઊતરે અને સૌની અપેક્ષાથી વિપરીત જીતીને બતાડે એ થઈ અન્ડરડૉગની સ્ટોરી. આવા અન્ડરડૉગ્સની વાર્તા કહેતી અનેક ફિલ્મો આપણે જોઈ છે, પરંતુ અમોલ ગુપ્તેએ પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘હવા હવાઈ’માં જે રંગો પૂર્યા છે એ એને એવીબધી ફિલ્મોથી એક ડગલું આગળ લાવીને મૂકી દે છે.

સ્કેટિંગ શૂઝ પર સરકતું સપનું

અર્જુન હરિશ્ચંન્દ્ર વાઘમારે (પાર્થો ગુપ્તે) બારેક વર્ષનો ટાબરિયો છે. તેના પિતા (મકરંદ દેશપાન્ડે)ના અકાળ અવસાન બાદ પરિવાર ધારાવીમાં આવીને વસે છે. ઘર ચલાવવા મમ્મી (નેહા જોશી) ઘર-ઘરનાં કામ કરે છે અને અર્જુન એક ચાની ટપરી પર ‘રાજુ’ બનીને વૈતરું કરે છે. પરંતુ સ્કેટિંગ ઍકૅડેમીમાં નાઇટ ડ્યુટી દરમ્યાન એની આંખે એક સપનું બંધાય છે કે આપણેય આ રમત શીખવી. ઈશ્વરે ટૅલન્ટ તો ગાડું ભરીને ઠાલવીં છે, પણ ઇતર પ્રવૃત્તિમાં નાખવાના પૈસા હોત તો સ્કૂલ જવાને બદલે ચાની ટપરીએ રોજની બાર કલાક થોડો મજૂરી કરતો હોત!

ત્યારે અર્જુનની વહારે આવે છે તેના દ્રોણાચાર્ય જેવો સ્કેટિંગ કોચ અનિકેત ભાર્ગવ ઉર્ફે‍ લકી સર (સાકિબ સલીમ). અર્જુનનું સ્કેટિંગ પ્રત્યેનું પૅશન, તેની ટૅલન્ટ અને તેને એકલવ્યની જેમ સ્કેટિંગ શીખતો જોઈને તે અર્જુનને સ્કેટિંગની તાલીમ આપવાનું શરૂ કરે છે.

અર્જુનની આ તપસ્યાની સફરમાં તેના સાથીદારો બને છે તેના દોસ્તારો ગોચી, ભૂરા, અબ્દુલ અને મુરુગન. એ લોકો પણ સમાજના એવા વર્ગનાં બાળકો છે જેની સામે જોવાની આપણને ફુરસદ નથી. એમાંથી એક ગૅરેજમાં જૉબ કરે છે, બીજો કચરો વીણે છે, ત્રીજો એક ઝૂંપડપટ્ટીમાં આંખો ફોડીને ભરતકામ કરે છે અને ચોથો ટ્રાફિક સિગ્નલ પર ફૂલોની વેણી વેચે છે. પણ આ ચારેયનાં હાર્ટ એકદમ એક્સ્ટ્રા લાર્જ સાઈઝનાં છે. આ લોકો અર્જુનને કેવી રીતે મદદ કરે છે એ સીક્રેટ અને ફિલ્મનું નામ ‘હવા હવાઈ’ શા માટે છે એ તમે જાતે જ ફિલ્મમાં જોશો તો વધારે મજા આવશે.

ઘૂઘવતી લાગણીઓનો દરિયો

અગાઉ ‘તારે ઝમીન પર’ અને ‘સ્ટૅનલી કા ડબ્બા’ બનાવી ચૂકેલા અમોલ ગુપ્તેનો બાળકો પ્રત્યેનો પ્રેમ ‘હવા હવાઈ’ના દરેક સીનમાં દેખાય છે. ‘સ્ટૅનલી કા ડબ્બા’ની જેમ અહીં પણ તેમણે મુખ્ય રોલમાં પોતાના હોનહાર દીકરા પાર્થો ગુપ્તેને લીધો છે. માનવું પડે કે બાપ-દીકરા બન્નેએ ખરા દિલથી કામ કર્યું છે.

હવે પહેલો બેસિક સવાલ, આ ફિલ્મ જોવા જેવી છે ખરી? બેશક, જોવા જેવી છે. આખા પરિવારને સાથે લઈને અને ખાસ તો બાળકોને બતાવવા જેવી ફિલ્મો આમ પણ ઓછી બને છે અને જ્યારે આવી નખશિખ સુંદર ફિલ્મ આવે ત્યારે એ ચૂકવી ન જોઈએ.

આપણને કદાચ સવાલ થાય કે એવા તે કયા હીરા ટાંક્યા છે આ ફિલ્મમાં? આમાં તો કોઈ જાણીતા સ્ટાર્સ પણ નથી. માત્ર સ્ટાર્સ હોય તો જ થિયેટર ભરાય એ સિનેમાની કમનસીબી કહેવાય. ‘હવા હવાઈ’માં આપણા હૃદયને સ્પર્શી જાય એવી ઍક્ટિંગ કરતાં બાળકો એના ખરા સ્ટાર છે. ‘હવા હવાઈ’ આપણને ભારતનાં એવાં બાળકોની વાત કરે છે જે આપણી આસપાસ બધે જ હોવા છતાં આપણને દેખાતું નથી. કારમી ગરીબીના સંચામાં પિલાતું બાળપણ ડિરેક્ટર અમોલ ગુપ્તેએ આપણને બતાવ્યું છે. પણ મજાની વાત એ છે કે અહીં એ ગરીબ બાળકોને દયાને પાત્ર નથી બતાવ્યાં અને સમાજ કેવો જાલિમ છે એવી કડવાશ પણ વેરી નથી. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોય તો શું થયું; ટૅલન્ટ, સપનાં, સાચી દોસ્તી, પ્રેમ એ કંઈ બૅન્ક-બૅલૅન્સનાં મોહતાજ થોડાં છે?

તમારા હૃદયને શું સ્પર્શશે?

એક તો બધાં જ બાળકોની ઍક્ટિંગ અને તેમની ઝિંદાદિલી. અમોલ ગુપ્તેએ દરેક બાળક પાસેથી એક ઝવેરીની જેમ કામ લીધું છે. કેટલાક સીન તો હસાવી-હસાવીને તમારી આંખો ભીની કરી દેશે!

બીજું, ફિલ્મમાં જીવન બદલી નાખે એવા ઘણા મેસેજ છુપાયેલા જેમ કે જરૂર પડ્યે પરિવારની જવાબદારી ઉઠાવવી, કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવું, સપનાં જોવાનું ક્યારેય કોઈ પણ સ્થિતિમાં ન છોડવું, ઈશ્વરે કોઈ ટૅલન્ટ આપી હોય તો એને ખીલવવા માટે બધા જ પ્રયત્નો કરી છૂટવા, આપણી આસપાસની દુનિયા વિશે સંવેદનશીલ બનવું, સાચા મિત્રો હીરા જેવા હોય છે; તેમને મેળવવા અને તેમની કદર કરવી, પૈસો નહીં; પૅશન અગત્યની છે, ઈશ્વર ગમે તે સ્થિતિમાં આપણને લાવીને મૂકે પણ આપણું કામ રોદણાં રોવાનું નહીં; મહેનત કરીને આગળ વધવાનું છે... કોઈ બાબાજીના પ્રવચન જેવા લાગતા આ મેસેજ ‘હવા હવાઈ’માં ગજબનાક સરળતાથી આપવામાં આવ્યા છે.

ત્રીજું, સપોર્ટિંગ કાસ્ટની અદ્ભુત ઍક્ટિંગ. બાળકો ઉપરાંત સાકિબ સલીમ, નાનકડા રોલમાં છવાઈ જતા મકરંદ દેશપાન્ડે, હંમેશાં પપ્પુ કંઘી જેવા રોલમાં દેખાતા રઝાક ખાન, અર્જુનની મમ્મી બનતી નેહા જોશી... આ લોકોએ ઝાઝા મેલોડ્રામેટિક થયા વિના હૃદયસ્પર્શી ઍક્ટિંગ કરી છે.

ચોથું, મીનિંગફુલ ગીતો. ફિલ્મમાં સ્ક્રિપ્ટ અને ડિરેક્શન ઉપરાંત અમોલ ગુપ્તેએ ગીતો લખવાની જવાબદારી પણ સુપેરે ઉઠાવી છે (એક ગીતમાં તો ગળું પણ ખંખેર્યું છે). એમાં ચુલ્હે કે અંગારે, ઘૂમ ગઈ, સપનોં કો ગિનતે ગિનતે અને ટાઇટલ સૉન્ગ હવા હવાઈ... એટલાં સારાં બન્યાં છે કે કાનમાં થઈને સીધાં હૃદયમાં ઊતરી જાય. આ માટે સંગીતકાર હિતેશ સોનિકને પણ એટલી જ ક્રેડિટ આપવી પડે.

કોઈ કાળી ટીલી ખરી?

એક તો આ ફિલ્મની સ્ટોરી ટિપિકલ અન્ડરડૉગની છે જે આપણે ‘જો જીતા વોહી સિકંદર’થી લઈને ‘ઇકબાલ’ સુધીની ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ. એટલે ઘણા લોકોને સ્ટોરી ખાસ્સી પ્રીડિક્ટેબલ લાગશે. પરંતુ અહીં જે જલસો છે એ અમોલ ગુપ્તેના ડિરેક્શનનો અને બાળકોની ઍક્ટિંગનો છે.

કેટલાક લોકો એવી પણ ફરિયાદ કરશે કે ફિલ્મ ધીમી છે. હા, એ વાત ખરી છે. ફિલ્મમાં ઘણે ઠેકાણે અમોલ ગુપ્તેનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને સમાજનો વિરોધાભાસ ફિલ્મની ગતિ પર હાવી થઈ જાય છે. પરિણામે ફિલ્મ ભારે ઢીલ છોડેલી પતંગની જેમ ઝોલ ખાય છે. પરંતુ આખી ફિલ્મ જ ટોટલ બે કલાકની છે. વળી લાજવાબ ઍક્ટિંગ આ ખામી ઘણે અંશે ભરપાઈ કરી દે છે.

તો આ વીક-એન્ડનું પ્લાનિંગ કરવું?

બેશક. ભલે આ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર્સ ન હોય અને એટલે મલ્ટિપ્લેક્સમાં પ્રેક્ષકોને ગેરહાજરીને કારણે શોઝ કૅન્સલ થતા હોય, પરંતુ આયુર્વેદિક દવા જેવી ગુણકારી અને છતાં આઇસક્રીમ જેવી ટેસ્ટી આ ફિલ્મ સિનેમાઘરોમાંથી ગાયબ થાય એ પહેલાં ફૅમિલી સાથે અને બચ્ચાંલોગના દોસ્તારોને પણ સાથે લઈને જોઈ જ નાખો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK