ફિલ્મ-રિવ્યુ : હેટ સ્ટોરી ૨

નવો ખેલાડી આવીને સેન્ચુરી મારી જાય છતાં ટીમ મૅચ હારી જાય એવું આ ફિલ્મનું થયું છે


યશ મહેતા

સેક્સ અને રિવેન્જ (બદલો) વિશ્વની સૌથી જૂની જણસ છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ઇરૉટિક થ્રિલર ફિલ્મ ‘હેટ સ્ટોરી ૨’માં આ બન્ને ભરપૂર માત્રામાં ઠાલવવામાં આવ્યાં છે, પરંતુ દેખીતી રીતે જ ફિલ્મને ચર્ચાસ્પદ બનાવવા માટે નાખવામાં આવેલાં ઇરૉટિક દૃશ્યો ફિલ્મ પર હાવી થઈ જાય છે અને એની સામે રિવેન્જ એટલે કે બદલો લેવાનું ખુન્નસ મોળું પડી જાય છે. પરિણામે ફિલ્મ ઓકે-ઓકેની કૅટેગરીમાંથી બહાર નથી આવી શકી.

બદલે કી આગ

મંદાર મ્હાત્રે ઉર્ફે‍ ભાઉ (સુશાંત સિંહ) એક બાહુબલી નેતા છે. સત્તા અને સ્ત્રીઓને માત્ર ઉપયોગ કરવાની વસ્તુ જ સમજતા આ નેતાએ સોનિકા (‘કૉમેડી સર્કસ’ ફેમ સુરવીન ચાવલા) નામની નમણી યુવતીને પરાણે પોતાની રખાત બનાવીને રાખી છે. પીંજરામાં પુરાયેલી મેના જેવી સોનિકાએ એકેએક શ્વાસ મંદાર મ્હાત્રેને પૂછીને લેવો પડે, નહીંતર તે તેને ચપટીમાં મસળી નાખે.

આ મેના એટલે કે સોનિકા પોતાના ફોટોગ્રાફીના ક્લાસના એક છોકરા અક્ષય (જય ભાનુશાલી)ને પ્રેમ કરી બેસે છે. ભાઉની કેદમાંથી ભગાડીને અક્ષય સોનિકાને ગોવા ભગાડી જાય છે, જ્યાં તેઓ બન્ને ચાંચમાં ચાંચ પરોવીને જૂની ફિલ્મનું સુપરહિટ રીમિક્સ ગીત ગાય છે અને મજા કરે છે, પરંતુ શિકારી કૂતરાની જેમ ભાઉ ક્યાંકથી ત્યાં આવી ચડે છે અને પ્રેમીપંખીડાંની લવસ્ટોરીનો ધી એન્ડ કરી નાખે છે. ઈવન સોનિકાને પણ જીવતી દાટી દેવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ડિરેક્ટર રાખે તેને કોણ ચાખે? સોનિકા ગમે તે રીતે ત્યાંથી બચીને ભાગી છૂટે છે અને ભાઉની ગેમ ઓવર કરવા નીકળી પડે છે. ત્યાંથી શરૂ થાય છે સોનિકાની હેટ સ્ટોરી.

ઉછીની સામગ્રીમાંથી મોળી વાનગી

જે લોકો હૉલીવુડની ફિલ્મોના શોખીન હશે તેમને શરૂઆતમાં જ ખ્યાલ આવી જાય કે ’હેટ સ્ટોરી ૨’નો પહેલો પોણો કલાક ક્વેન્ટિન ટેરેન્ટિનોની કલ્ટ ફિલ્મ ‘કિલ બિલ’માંથી લઈ લેવામાં આવ્યો છે. જોકે આપણે તો રોટલાથી કામ, ટપાકાથી નહીં એ ન્યાયે ફિલ્મની શરૂઆત ખાસ્સી િગ્રપિંગ લાગે છે. ફિલ્મ ફ્લૅશબૅક અને વર્તમાનમાં શટલકૉકની જેમ આગળ વધે છે. આપણા ગુજરાતી જુવાનડા જય ભાનુશાલી અને સુરવીનની લવ-સ્ટોરી ચ્યુઇંગ ગમની જેમ શરૂઆતમાં મજા કરાવે છે, પરંતુ ધીમે-ધીમે એ ચ્યુઇંગ ગમ મોળી પડતી જાય છે, વળી હિરોઇનનો બદલો લેવાની દાસ્તાન પણ એવી જ ચ્યુઇંગ ગમની જેમ ખેંચાતી જાય છે.

ઇન્ટરવલ આવતાં સુધીમાં એટલું તો નક્કી થઈ જાય છે કે સેકન્ડ હાફમાં હિરોઇન વીફરેલી વાઘણની જેમ વિલન લોકોની ઐસીતૈસી કરી નાખશે. વ્૨૦ મૅચના બીજા દાવની પહેલી જ ઓવરમાં મોટી વિકેટ મળી જાય એ રીતે શરૂઆત તો ખૂનખાર થાય છે, પણ આ બદલે કી આગ ધીમે-ધીમે ઠરવા લાગે છે. એક સમયે પારેવાની જેમ ફફડતી હિરોઇન બદલો લેવા માટે નીકળી તો પડે છે, પણ તેની પાસે બદલાનો એક્ઝૅક્ટ રોડમૅપ હોય એવું નથી લાગતું. વળી ડિરેક્ટર વિશાલ પંડ્યા અને લેખિકા માધુરી બૅનરજીને આપણી હિરોઇનમાં ભારતીય નારીની દદર્‍ભરી દાસ્તાન નાખવાની લાલચ થઈ આવે છે. એટલે ભારતીય નારી પુરુષોના દમન હેઠળ કેટલી દબાયેલી છે એના ડાયલૉગ્સ ભભરાવવામાં આવે છે. ઉપરથી લોહિયાળ બદલો લેવા નીકળેલી હિરોઇન અન્ય લોકોની મદદ લીધા વિના એક પણ ડગલું આગળ નથી વધી શકતી.

ચોર-પોલીસ જેવી થ્રિલિંગ ચેઝની વચ્ચે અચાનક સની લીઓની પ્રગટ થાય છે અને ‘પિન્ક લિપ્સ’ જેવું ભંગાર આઇટમ-સૉન્ગ ગાવા માંડે છે. રિવેન્જની દાસ્તાન માંડ ત્યાંથી આગળ વધે છે ત્યાં જ બીજું એક લવ-સૉન્ગ આવી જાય છે. ઇન શૉર્ટ, ઇન્ટરવલ પહેલાંની દિલધડક સીક્વન્સિસ અને શૃંગારરસનાં દૃશ્યો જોઈને ઉત્તેજિત થયેલી પબ્લિક ધીમે-ધીમે શાંત પડતી જાય છે અને આખરે ખાસ કશી ઉત્તેજના બતાવ્યા વિના ફિલ્મ હળવેકથી પૂરી થઈ જાય છે.

પર્ફોર્મન્સ ડિપાર્ટમેન્ટ

દક્ષિણની અને પંજાબી ફિલ્મોમાં હોમવર્ક કરીને આવેલી સુરવીન ચાવલા આ ફિલ્મની કરોડરજ્જુ છે. સ્કિન-શોથી લઈને ઍક્શન સીક્વન્સિસ સુધીના બધા જ ડિપાર્ટમેન્ટમાં તે લગભગ દસમાંથી દસ માર્ક લઈ જાય છે. ઈવન સુશાંત સિંહ જેવો મંજાયેલો સશક્ત અદાકાર ‘મેરે બાબા કહા કરતે થે’ ટાઇપની શાયરીઓ બોલવામાં સાઇકો ખૂનીને બદલે ફની બની જાય છે, પરંતુ સુરવીનની અદાકારી જરાય મોળી નથી પડતી. જય ભાનુશાલીના ભાગે ગીતો ગાવા સિવાય ખાસ કશું નથી આવ્યું.

લોકોને થિયેટરમાં ખેંચી લાવવા માટે ઍડલ્ટ કન્ટેન્ટની મદદ લેવામાં આવી છે, પરંતુ અગાઉ આવેલી ફિલ્મોની સરખામણીએ તો આ ફિલ્મમાં ખાસ્સું ઓછું ઍડલ્ટ કન્ટેન્ટ છે. એટલે એના નામે આવેલી પબ્લિક નિરાશ થશે!

‘દયાવાન’ ફિલ્મનું ‘આજ ફિર તુમ પે’  ગીત આજે અઢી દાયકા પછીયે એટલું જ તરોતાજા લાગે છે. અરિજિત સિંહ અને સમીરા કોપ્પીકરના કંઠે ગવાયેલું એનું રીમિક્સ વર્ઝન મજા કરાવે છે. અન્ય બે ગીતો ‘કભી આઈને પે’ અને ‘હૈ દિલ યે મેરા’ પણ સાંભળવામાં સારાં લાગે છે, પણ અગેઇન ફિલ્મની ગતિમાં મોટું ગાબડું પાડે છે. ખાસ કરીને સની લીઓનીનું આઇટમ-સૉન્ગ ‘પિન્ક લિપ્સ’. એને તો નાહકનું જ ઇન્જેક્ટ કરવામાં આવ્યું છે.

વેરથી વેર શમે?

સુરવીન ચાવલાના પૂરેપૂરા પ્રયત્ન પછી પણ આ ફિલ્મ એક ઍવરેજ ઢીલીઢાલી બદલે કી આગ ટાઇપની સ્ટોરીથી આગળ વધી શકે એમ નથી. સુરવીનના પર્ફોર્મન્સ અને અમુક સીક્વન્સિસ માટે થિયેટર સુધી ધક્કો ખાવો હોય તો ખાઈ શકાય, નહીંતર ડિજિટલ વિડિયો ડિસ્ક (DVD) રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવામાં કશો વાંધો નથી.

Comments (1)Add Comment
...
written by Shailesh Pandya, July 19, 2014
smilies/shocked.gif smilies/shocked.gif smilies/shocked.gif smilies/cool.gif
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK