જાણો કેવી છે ફિલ્મ હસીના પારકર

હસીના પારકરના જીવન પરથી બનેલી આ ફિલ્મ હસીના-દાઉદની આપણે જાણીએ છીએ એ ઉપરછલ્લી જીવની રજૂ કરે છે. અન્ડરવર્લ્ડ-ક્રાઇમ આધારિત ફિલ્મોના ચાહકો એક વાર જોઈ શકે

haseena parkar


ફિલ્મ-રિવ્યુ - હસીના પારકર - પાર્થ દવે


ચારેક દિવસ પહેલાંના સમાચાર છે કે થાણે ક્રાઇમ બ્રાન્ચ ભાગેડુ ડૉન દાઉદના ભાઈ ઇબ્રાહિમ કાસકરને એક્સ્ટૉર્શનના આરોપસર પકડવા તેના ઘરે ગઈ. જ્યારે પોલીસ- અધિકારીઓની ટુકડી ઇબ્રાહિમ કાસકરના ઘરે પહોંચી ત્યારે તે ‘કૌન બનેગા કરોડપતિ’ની રિપીટ ટેલિકાસ્ટ જોતાં-જોતાં બિરયાની ખાતો હતો. તેણે પોલીસને જોઈને પૂછ્યું, મૈંને ક્યા કિયા હૈ? પછી બિરયાની પૂરી કરી લેવાની પરવાનગી માગી અને પોલીસે આપી પણ ખરી. ઇબ્રાહિમ ભાગી ન શકે એ રીતે આ આખું ઑપરેશન ગુપ્ત રીતે પાર પડાયું હતું.

ઓકે. હવે જસ્ટ થિન્ક. થોડાં વર્ષો પછી ફિલ્મ બનશે, જેમાં ફિલ્મી અદાથી દાઉદનો ભાઈ ઘેર લેવા આવેલી પોલીસને કહેશે કે હું જરા બિરયાની ખાઈ લઉં, પછી સાથે ચાલું છું અને દરેક બૉલીવુડની ફિલ્મની પોલીસની જેમ એ પોલીસ પણ બકરી બનીને ઘરમાં રાહ જોતી બેસશે.

હવે સમાચાર છે કે પોલીસ ઇબ્રાહિમને પૂછી રહી છે કે કહાં હૈ દાઉદ? તેરી ઉસસે બાત હોતી હૈ? બગૈરહ-બગૈરહ. ડિટ્ટો આ જ સ્ટોરી બે ભાઈઓની બહેન પર બનેલી બાયોગ્રાફિકલ ક્રાઇમ-ફિલ્મ ‘હસીના પારકર’ની છે.

૨૦૦૭ની વાત છે. પોલીસ હસીનાને કોઈ બિલ્ડરની એક્સટૉર્શનની ફરિયાદના કારણે પકડીને લઈ જાય છે અને પૂછે છે, ભાઈ દાઉદ સાથે તારી વાત થાય છે? ૧૯૯૨ના બૉમ્બ-બ્લાસ્ટમાં તેનો હાથ હતો? વગેરે-વગેરે. બેશક, આ લોકો કોઈ સંત નથી, પરંતુ શું તેઓ માત્ર દાઉદના પરિવારના સભ્યો હોવાનું પરિણામ ભોગવી રહ્યા છે? આ મુદ્દાને ફિલ્મમાં લૉન્ગ કોર્ટરૂમ ડિબેટના અંતે ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવી છે; જેમાં ફરી એક વાર ડૉન દાઉદ, અન્ડરવર્લ્ડની ગુંડાગર્દી, મુંબઈ પર રાજ વગેરે બધું જ ગ્લૉરિફાય થયું છે અને એમાં નાગપાડાની ગૉડમધર હસીના પારકરનો ઉમેરો થયો છે.     

એક દાઉદ થા 

‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ અને એ પહેલાં બચ્ચનને લઈને ‘એક અજનબી’ જેવી અન્ડરવર્લ્ડ ઍક્શન-ક્રાઇમ આધારિત ફિલ્મો બનાવી ચૂકેલા અપૂર્વ લાખિયા ઍક્ચ્યુઅલી દાઉદ પર ફિલ્મ બનાવવા માગતા હતા. એ માટે અપૂર્વ મુંબઈમાં રહેતી તેની બહેન હસીના પારકરને મળ્યા અને બધી વાતો સાંભળી. અપૂર્વને હસીનાની લાઇફમાં વધારે ઇન્ટરેસ્ટ પડ્યો અને દાઉદને પડતો મૂકીને (કોણ મૂકી શક્યું છે ભલા?) હસીના પર (અફકોર્સ, મંજૂરી લઈને!) ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. જોકે એમાં તેમણે એક તીર સે દો નિશાન માર્યા છે, કેમ કે જ્યાં દાઉદની સગી બહેનની વાત હોય ત્યાં દાઉદ તો હોય જ! એટલે આપણને ફરી એક વાર અડધી ફિલ્મ બાદ દુબઈ ભાગી જનારા ભાઈ દાઉદની ડોંગરી ચાલનું બાળપણ, પિતાનો માર ખાતો દાઉદ, નાનકડા ગુનેગારમાંથી સ્મગલર બનતો દાઉદ અને પછી હરીફ ગૅન્ગના સભ્યોને ઉડાડતો દાઉદ જોવા મળે છે. અહીં ઉમેરાયું કદાચ એ છે કે પ્રામાણિક પિતાની કમાણીથી માતા અને ૧૨ ભાઈ-બહેનોના શોખ પૂરા ન થતાં દાઉદ તસ્કરી કરીને લાવેલી ઘડિયાળ બહેન હસીનાને આપે છે અને હસીના ભાઈની લાગણી સમજે છે!

એક હસીના થી ફિલ્મની શરૂઆત ૨૦૦૭ની બાવીસ મેથી થાય છે. વકીલ, જજ અને આખી કોર્ટ સુધ્ધાં હસીના પારકરની ચિંતિત થઈને રાહ જોઈ રહી છે. હસીના એક જેવી જ લાગતી કાળીપીળી ચાર ટૅક્સી પૈકીની એકમાંથી ઊતરીને લોકોને મૂર્ખ બનાવતી કોર્ટમાં પ્રવેશે છે. (અદ્દલ ભાઈ દાઉદની જેમ જ!) તરત ઑપોઝિશન લૉયર તેના પર એક બિલ્ડર દ્વારા મુકાયેલો ગેરવસૂલીનો આરોપ સંભળાવે છે. પણ એક મિનિટ! એની પહેલાં માનનીય જજસાહેબ બુરખામાં ટૅક્સીમાંથી ઊતરેલી ચાર સ્ત્રીઓમાંથી જે ખરેખર હસીના છે તેને કઠેડામાં આવવા માટે વિનંતી કરે છે.

હસીના વિરુદ્ધ ૮૦ જેટલા કેસ થયેલા છે અને તે માત્ર એક જ વખત કોર્ટમાં આવી છે એ આપણને અપૂર્વભાઈ ફિલ્મના પોસ્ટરથી જણાવી ચૂક્યા છે. હસીના (શ્રદ્ધા કપૂર) એક પછી એક તમામ આક્ષેપોના જવાબો આપતી જાય છે, જેમાં તેનું અને તેનાં ભાઈબહેનોનું બાળપણ, દાઉદ (સિદ્ધાંત કપૂર)નું ગેરમાર્ગે જવું, પ્રામાણિક પિતાનું દુ:ખ વગેરે ઘટનાઓથી શરૂઆત થાય છે. બીજા ફ્લૅશબૅકમાં પોતાનાં ઇબ્રાહિમ પારકર (અંકુર ભાટિયા) સાથે લગ્ન થવાં, સંતાન દાનિશનો જન્મ થવો, જીવન શાંતિપૂર્ણ વીતતું હતું ત્યાં દાઉદનું મુંબઈથી દુબઈ ભાગવું, વર્ષ ૧૯૯૨-૯૩માં બાબરી મસ્જિદ અને મુંબઈમાં તોફાનો થવાં, એ પહેલાં અરુણ ગવળીના માણસો દ્વારા પતિ ઇબ્રાહિમની હત્યા થવી, બદલામાં દાઉદ દ્વારા જે. જે. હૉસ્પિટલ પર હુમલો અને નર્દિોષોની હત્યા થવી અને ઇન્ટરવલ બાદ હસીનાઆપા તરીકે પોતાનો આ ક્રૂર દુનિયામાં પ્રવેશ થવો. આ બધું વિકીપીડિયાના ઇવેન્ટ્સ અને ઇન્સિડન્ટ્સના ચેકલિસ્ટની જેમ તારીખ-વાર સાથે તમારી સમક્ષ આવતું જાય છે. હસીના પોતાની એક પછી એક વાત દયાભાવના ટોન સાથે તમને કહેતી જાય છે અને

તમને એક જ વિચાર આવે છે : હા, તો શું? અહીં સૂત્રધારમાં મોટા ભાગે હસીના જ છે, પણ જ્યારે બૉમ્બ-બ્લાસ્ટમાં દાઉદનો હાથ હતો કે નહીં વગેરે જેવા સવાલોમાં તેની મેમરી બ્લૅન્ક થઈ જાય ત્યારે આપણને પબ્લિક પ્રોસિક્યુટર રોહિણી સાટમ (પ્રિયંકા સેઠિયા) એના જવાબો જણાવે છે. રોહિની સાટમની સામે ડિફેન્સ લૉયર તરીકે શ્યામ કેસવાણી (રાજેશ તૈલંગ) છે, જે માત્ર ફિલ્મ આગળ ધપાવવા માટે ઉપરછલ્લી હા-ના કર્યા કરે છે.

માત્ર ડિફેન્સ લૉયર નહીં, જજ પણ એમ જ કરે છે!

આર્ટિફિશ્યલ હસીના

ઇન્ટરવલ સુધી હસીના બિલકુલ સીધી-સરળ, જેને બે હજાર રૂપિયાના બિલમાં પણ ખબર નથી પડતી એવી દર્શાવી છે અને સેકન્ડ હાફમાં તેનું ટોટલ રીફૉર્મેશન થાય છે. અહીં ડિરેક્ટર અપૂર્વ લાખિયા અને રાઇટર સુરેશ નાયરે મસમોટો લોચો માર્યો છે. બેઉ નક્કી જ નથી કરી શક્યા કે શરૂઆતની હસીના ડરપોક છે કે મજબૂત છે. સુહાગરાતના દિવસે, આઇ મીન રાત્રે તેના પતિથી હસીનાને એટલીબધી ધ્રૂજતી અને ડરતી બતાવાઈ છે કે આપણને થાય કે આને પતિની નહીં, ડૉક્ટરની જરૂર છે.

પછીના જ સીનમાં તે કરડાકીથી ધાકધમકી કરતી કહે છે કે તમને ખબર છે હું કોની બહેન છું? પતિની રેસ્ટોરાંમાં બદતમીજી કરતા ગ્રાહકને તમાચો પણ મારી દે છે. સુપરફાસ્ટ પરિવર્તન! તે અચાનક માફિયા ડૉન કેમ બની ગઈ એ ફિલ્મ પૂરી થઈ ગયા પછી પણ સમજાતું નથી! અપૂર્વ લાખિયા તેમની સિગ્નેચર સ્ટાઇલ મુજબના VFX સીન્સ સાથેની સ્ટાઇલિશ અને પિરિયડ ફિલ્મ બનાવવા ગયા એમાં બેઉનો ખીચડો થઈ ગયો. હસીના વિશેની માહિતીનું એકત્રીકરણ બહુ સારું થયું છે, પણ એને પડદા પર બતાવવામાં અને એ પ્રમાણે કૅરૅક્ટર ડેવલપ કરવામાં થાપ ખાઈ ગયા છે. તમને છેલ્લે સુધી નથી સમજાતું કે હસીના લા ડૉન કાર્લેઓનની જેમ બોલે છે કે મોંમાં સોપારી અટકી ગઈ છે કે પછી તેનું મોઢું જ સૂઝી ગયું છે? તે કેમ ડોક હલાવતી નથી, માત્ર આંખોથી કામ કરે છે? ચ્યુઇંગ ગમની જેમ એક-એક ડાયલૉગને શા માટે ચાવે છે? બૉલીવુડના દરેક ગૅન્ગસ્ટર આટલુંબધું વજન દઈને ક્યાર સુધી બોલ્યા કરશે? ડાયલૉગ ઉપરથી યાદ આવ્યું. એક પ્રોસ્ટિટ્યુટ ગુંડાને કહે છે કે રુક જાઓ. તો તે સામે ડાયલૉગ ફટકારે છે : અગર તેરી હર બાત માનુંગા તો તૂ મેરી ઇજ્જત કરના બંધ કર દેગી. યે ક્યા હૈ? આ રજત અરોરાવેડા કેમ કર્યા છે ચિંતનભાઈ ગાંધીએ?

શ્રદ્ધાના રિયલ બ્રધર સિદ્ધાન્ત કપૂરે દાઉદનું પાત્ર પ્રમાણમાં સારું ભજવ્યું છે. ઍટ લીસ્ટ, ફરહાન અખ્તર કરતાં તો સારું જ. હસીનાના પતિ બનતા કદાવર તથા ઊંચા અને લિટરલી સોહામણા લાગતા મૉડલ અંકુર ભાટિયાએ અદ્ભુત કામ કર્યું છે. તેણે પોતાના સારા ભવિષ્યનાં એંધાણ આપી દીધાં છે. શ્રદ્ધા બાદ જો કોઈ હોય જે ફિલ્મમાં બોલતું હોય તો તે છે પબ્લિક પ્રોસિક્યુટરનું પાત્ર ભજવતી પ્રિયંકા સેઠિયા. તેમણે દમદાર રોલ પ્લે કર્યો છે. બાકીના હસીનાના પિતા સહિતનાં નાનાંમોટાં ડઝનેક પાત્રો તબક્કાવાર સ્ટોરીને આગળ ધપાવતાં જાય છે. મ્યુઝિક અગેઇન, સચિન-જિગરનું છે! અને અગેઇન, ગીત એક પણ કર્ણપ્રિય નથી! મ્યુઝિક ક્રાઇમ-ડ્રામાને માફક આવે એવું થોડું છે ખરું.

ઇનફ ઇઝ ઇનફ!


ફિલ્મની સ્ટોરી ઇન્ટરવલ બાદ વધારે ફ્લૅટ થતી જાય છે. આપણને આવતા કંટાળાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહે છે. એમાંય આખી ફિલ્મમાં બે નાનાં બાળકોની જેમ ઝઘડતા બે વકીલ એકબીજા સામે દલીલો કર્યા કરે છે. છેલ્લે જજસાહેબ રાડ પાડીને તેમને કહે છે, ઇનફ ઇઝ ઇનફ! ઍક્ચ્યુઅલી, એ તો આપણે કહેવું જોઈએ! ફિલ્મ પૂરી થયા સુધી દાઉદ વિશેની વાતોનું પુનરાવર્તન થાય છે - હસીના કઈ રીતે કેબલવૉર, બિલ્ડર્સ, સેટલમેન્ટ, એક્સ્ટૉર્શન વગેરે ઑપરેટ કરતી અને ડૉન બની ગઈ એ દર્શાવાય છે. (તેમના વિસ્તારમાં અન્ય ગુંડાઓની જેમ તારણહાર હતી એ કહેવાની જરૂર નથી.) પણ એ નથી દર્શાવાતું કે હસીના પારકર સારી હતી કે ખરાબ. ખરેખર તે ભાઈ વતી મુંબઈ ચલાવે છે કે નહીં. તેણે ગુનાઓ કર્યા છે કે નહીં. ૨૦૧૪ની ૬ જુલાઈએ અટૅકના કારણે તેનું અવસાન થયું ત્યાં સુધી તેના ગુનાઓ સાબિત નહોતા થયા.

અન્ડરવર્લ્ડમાં કહેવાતું હોય છે એમ અહીં પણ કહેવાય છે કે આ ફિલ્મમાં દાઉદના પૈસા રોકાયેલા છે અને એ માટે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જે હોય તે, પરંતુ આ ફિલ્મ પણ ‘ડૅડી’ની જેમ હસીનાનાં પુત્ર-પુત્રીઓની નજર હેઠળ બની હોય એવું દેખાઈ આવે છે. પૂરેપૂરું ધ્યાન રખાયું છે કે ક્યાંય કોઈની છબિ ન ખરડાઈ જાય.

જોવી કે નહીં?

સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મોમાં ઓરિજિનલ નામની જગ્યાએ પાત્રોનાં ભળતાંસળતાં નામ રાખી દેવામાં આવે, પણ અહીં બધાં નામ રિયલ છે. અને જોવા જાઓ તો એન્ડ ક્રેડિટ્સમાં એકેએક રિયલ વ્યક્તિ અને ફિલ્મનાં પાત્રો બેઉના ફોટો ને નામ દર્શાવાય છે. તો... તમને અન્ડરવર્લ્ડની ગંધારી ગલીઓમાં ફરી એક વાર આંટો મારવો હોય, દાઉદ તથા તેની બહેન હસીનાની વાર્તા જોવી હોય તથા મુંબઈમાં થયેલા નાનામોટા હાદસા ડેટ્સ સાથે વિકીપીડિયાના બદલે સ્ક્રીન પર જોવા હોય તો આ ફિલ્મ તમારા માટે છે. બાકી શ્રદ્ધાના ફૅન હો તો પણ દૂર રહેજો, કેમ કે તે એક પણ વાર તેની આદત મુજબ વરસાદમાં પલળતી નથી.\


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK