ફિલ્મ-રિવ્યુ : ગુજ્જુભાઈ ધ ગ્રેટ

ગુજ્જુભાઈની જય હો, ગુજ્જુભાઈનું આ પિક્ચર હસાવી-હસાવીને તમારા ગાભા કાઢી નાખશે

gujjubhai

જયેશ અધ્યારુ

‘અલ્યા, આમ સવારના પહોરમાં ક્યાંથી હાલ્યો આવે છે?’

‘પિક્ચર જોવા ગયેલો, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’.’

‘યુ મીન ગુજરાતી મૂવી? છટકી ગ્યું છે બે તારું? ગુજરાતી ફિલ્મો તે કંઈ જોવાતી હશે? હાઉ બોરિંગ. ’

‘તું તારા દિમાગનો સૉફ્ટવેર અપડેટ કરાય. આ આખું આમ ડિફરન્ટ ટાઇપનું પિક્ચર છે. ને બોરિંગ તો જરાય નથી.’

‘એમ? સ્ટોરી શું છે? યુ નો, સ્ટોરી-બોરી ખબર હોય તો જરા ઠીક રહે.’

‘ઓકે, તો સાંભળ. અમદાવાદમાં એક છે હસમુખ ગાંધી ઉર્ફે‍ ગુજ્જુભાઈ (સિદ્ધાર્થ રાંદેરિયા). રંગનો વેપાર કરે ને માણસેય રંગીલા. પીળું પ્રવાહી પીવે ને લાલ લૂગડું જોઈને તેમનું દલડું ગુલાબીયે થઈ જાય. તેમને એકની એક જુવાન દીકરી છે તનીશા (દીપ્ના પટેલ). મુંબઈથી તે વળી એક નમૂનાને પકડી લાવે છે, પણ ગુજ્જુભાઈનો આઇડિયા એવો કે આપણે તો એવો જમાઈ શોધવો જે આપણી દીકરી ઉપરાંત આપણા બિઝનેસને પણ સંભાળી લે. એટલે તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે તેમના ફેવરિટ કર્મચારી બકુલ બૂચ (જિમિત ત્રિવેદી) પર. હવે લોચો એ છે કે એ બકુલ બૂચ કરતાં બોચિયો વધારે છે.’

‘એક મિનિટ, પછી ગુજ્જુભાઈ તે બકુલનો મેકઓવર કરીને તેને બોચિયામાંથી બિનધાસ્ત બનાવે છે અને બૉલીવુડની એક હિરોઇન સાથે તેના અફેરની વાર્તા ઘડી કાઢે છે. એવું જ છેને?’

‘હાયલા, તને ખબર છે સ્ટોરી?’

‘હાસ્તો, આ તો ‘ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું’ નાટકની સ્ટોરી છે. મેં યુટ્યુબ પર જોયેલું.’

‘હા તો આ એ જ નાટકનું ફિલ્મ તરીકે અડૅપ્ટેશન છે, પરંતુ આખો સ્ક્રીનપ્લે ગુજ્જુભાઈ બનતા સિદ્ધાર્થ રાંદેરિયાના દીકરા ઈશાન રાંદેરિયાએ નવેસરથી લખ્યો અને ડિરેક્ટ પણ કર્યો છે. અને બૉસ, આખો સ્ક્રીનપ્લે એકથી એક ચડિયાતી વન-લાઇનર્સથી ફાટફાટ થાય છે. કોઈ પણ બે પંચલાઇન કે કૉમિક મોમેન્ટ વચ્ચે માંડ એકાદ-બે મિનિટ એવી જતી હશે જ્યાં હસવું ન આવે. એક નાનકડું કૅરૅક્ટર માત્ર એક જ શબ્દપ્રયોગ બોલે, તોય એ ટાઇમિંગને કારણે હસાવી દે. બીજી મજાની વાત એ છે કે નાટકનું અડૅપ્ટેશન હોવા છતાં ક્યાંય એવું નથી લાગતું કે આ વાર્તા મૂળ નાટક માટે લખાઈ હશે.’

‘તું યાર આમ એક્સપર્ટો જેવી વાત ન કર. કંઈક આપણને હમજાય એવું બોલ.’

‘ઓકે, તો જસ્ટ ઇમૅજિન કે તું એક ડાઇનિંગ હૉલમાં ગુજરાતી થાળી જમવા ગયો છે. તારી સામે જાયન્ટ સાઇઝની થાળીમાં અડધો-પોણો ડઝન વાટકીઓમાં ધડાધડ વાનગીઓ પીરસાઈ રહી છે. બે સ્વીટ ડિશ છે - સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદી. સુપર્બ કૉમિક ટાઇમિંગ સાથે આ બન્ને જણ મોઢું ખોલે એટલે તમારા મોઢાથી લઈને પેટ સુધીના તમામ સ્નાયુઓ હલવા માંડે. આ બન્નેના પ્લસ પૉઇન્ટ એ છે કે તેમની ડાયલૉગ-ડિલિવરી ક્યાંય કૃત્રિમ નથી લાગતી કે બેઉ જણ આપણને હસાવવા માટે મરણિયા બન્યા હોય એવો ભાર પણ વર્તાતો નથી. બસ, બેઉ વુડ બી સસરા-જમાઈ ગોટાળાઓની હારમાળા સજ્ર્યે જાય છે અને એમાંથી જ ફ્લૉલેસ કૉમેડી ઑફ એરર્સ સર્જા‍તી રહે છે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ડાયલૉગ્સમાં ખુદ સિદ્ધાર્થ રાંદેરિયાનું જ નામ છે અને એ ડિપાર્ટમેન્ટ જ સૌથી વધુ જલસો કરાવે છે.’

‘અચ્છા? કઈ રીતે?’

‘અરે ગાંડા, આ સૅમ્પલિયાં ચાખ:

મને પાણીની ઘાત છે, મારી બાએ મને પાંચ વર્ષ સુધી નવડાયો નહોતો, તબિયતના ભોગે આપણે લગન નથી કરવાં, સોનિયા કપૂર તારી સાથે આવી લાક્ષણિક મુદ્રામાં?, અને સુપરહિટ એવું બાવા હિન્દી ફિલ્મ કા નામ પાડા નહીં હૈ, તુમ્હારે મેં જીવદયા જૈસા કુછ નહીં હૈ?, હમારે મેં બાયડી સે મિલને કા અલાઉડ નહીં હૈ, આપને મેરી ફેંટ ક્યૂં પકડી હૈ?, હમ ગુજરાતી ઘાંટાઘાંટ નહીં, વાટાઘાટ કરતે હૈં.’

‘હાહાહા, સુપર્બ. અને બાકીની વાનગીઓનું શું? કે ખાલી સ્વીટથી જ પેટ ભરવાનું છે?’

‘હોતું હશે? આપણને ગુજરાતીઓને ફરસાણ વગર ચાલે? ચટપટા ટેસ્ટમાં છે ગુજ્જુભાભી પ્રમીલાબેન બનતાં સ્વાતિ શાહ અને મોટાં બા અન્નપૂર્ણા શુક્લ. આ બન્નેના ભાગે આમ તો કૉમ્પ્લીમેન્ટ કરવાનું જ આવ્યું છે, પણ લાફ્ટર ક્રીએટ કરવામાં તેમણે ક્યાંય પાછીપાની નથી કરી. હા, અન્નપૂર્ણાબેન થોડાં લાઉડ થઈ જાય છે ખરાં, પણ એક ઠેકાણે કશું બોલ્યા વિના પણ હસાવી ગયાં છે. આ લેડીઝ બ્રિગેડમાં અભિનેત્રી ભાવિની જાની પણ આવી જાય છે. જોકે ફિલ્મમાં તેમનું નામ ભારતી છે, તોય એક દૃશ્યમાં જ્યારે તેમનો ફોન આવે છે ત્યારે તેમનું સાચું નામ (ભાવિની) જ ડિસ્પ્લે થઈ જાય છે.’

‘પણ બૉસ, આપણી થાળી તો હજી વધારે ભરચક હોય.’

‘બહુ ભાઈ તમેરે કુ ઉતાવળ. જો ગૂફી ઇન્સ્પેક્ટર તરીકે ગોળમટોળ ઍક્ટર સુનીલ વિશરાણી મજા કરાવે છે અને ગુજરાતી તખતાના દમદાર ઍક્ટર ધર્મેશ વ્યાસ તો દુબઈના ડૉન તરીકે રહી-રહીને એન્ટ્રી મારે છે, પણ ક્રિસ ગેઇલની જેમ ગેલ કરાવી દે છે.’

‘અને કંઈ ગીત-બીત છે કે ખાલી હસી-હસીને જ પેટ ભરવાનું છે?’

‘છે ભાઈ છે. ટાઇટલ-સૉન્ગ ‘ગુજ્જુભાઈ ઝૂલે છે’, આપણા બાળગીત પરથી બનેલું ‘એક બિલાડી જાડી’ અને લવ-સૉન્ગ ‘ફીલિંગ અવનવી’ એ ત્રણેય મસ્ત છે. હા, સ્ટાર્ટિંગમાં એક હિન્દી-પંજાબી ‘ડાન્સ બેબી’ નામનું પાર્ટી-સૉન્ગ આવે છે, એ સાવ કોકમ ચવાઈ ગયું હોય એવું લાગે છે. આપણે હિન્દીના હની સિંહવાળા ગાડરિયા પ્રવાહમાં જવાની ક્યાં જરૂર છે?’

‘હંમ. પણ કંઈ આમ આખી થાળી પર્ફેક્ટ થોડી હોય? ક્યાંક તો થોડી કચાશ હશે જને?’

‘એવું સત્તર-અઢાર તો રહે જને. જેમ કે ગુજરાતી હોવા છતાં અમુક પાત્રોનું ગુજરાતી કૃત્રિમ લાગે છે. આખી ફિલ્મ લગભગ અઢી કલાકની એટલે કે ખાસ્સી લાંબી છે. જ્યારે સ્ટાર્ટિંગમાં વાર્તાની માંડણી થતાં જ સારોએવો સમય વીતી જાય છે. અમુક સબપ્લૉટ્સને (જેમ કે બ્લૅકમેઇલ કરતી ઠગ સ્ત્રી) એડિટ કરીને ફિલ્મ ટૂંકાવી શકાઈ હોત. પછી તોફાની ટાબરિયાંઓ ડરપોક હીરોને બ્લૅકમેઇલ કરે એ સીન પર સુપરહિટ અંગ્રેજી સિરીઝ ‘સિલિકૉન વૅલી’ની અને ડેન્ટિસ્ટવાળા એક સીન પર ‘મિસ્ટર બીન’ની અસર દેખાય છે. અને જો તમે એકદમ શાંત-સટલ બ્રિટિશ-ટાઇપની કૉમેડીના ચાહક હશો તો અહીંની કૉમેડી ખાસ્સી લાઉડ લાગશે. થોડી વાઇફ-બૅશિંગ મેલ શોવિનિસ્ટ કૉમેડી છે, પણ એટલું ખરું કે આખી ફિલ્મ સાફસૂથરી અને ફૅમિલી સાથે જોવાય એવી છે.’

‘આ બધાનાં સરવાળા-બાદબાકી તો એવાં થયાં કે ફિલ્મ જોવા જેવી તો છે જ.’

‘બેશક, પણ પહેલાં એ કહે કે તને દાંતની, ફેફસાંની, પેટના સ્નાયુઓની, પાઇલ્સની, જૂની કબજિયાતની કે પછી પિક્ચરમાં કહે છે એમ મગજના ચિકનગુનિયાની કોઈ તકલીફ છે ખરી?’

‘ના, કેમ?’

‘અરે, આ ફિલ્મના બન્ને મેઇન માણસ હસાવી-હસાવીને તારા ગાભા કાઢી નાખશે. હસતાં-હસતાં તારા એકેક સ્નાયુ એકદમ ડિસ્કો ડાન્સરની મુદ્રામાં આવી જશે.’

‘બસ ભાઈ બસ, હવે પહેલાં જોઈ આવવા દે પછી બીજી વાત.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK