ફિલ્મ-રિવ્યુ : ઘાયલ વન્સ અગેઇન

ફની દેઓલ વર્સસ બિગ બ્રધર : ઢાઇ કિલો કા હાથને કાટ ચડ્યો છે અને ફિલ્મમાં પેશ થયેલું બાકીનું બધું જ હવે એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે

sunny deol


જયેશ અધ્યારુ

રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’નો સની દેઓલ આપણો નવો ઍન્ગ્રી યંગ મૅન હતો, સ્વદેશી રૅમ્બો હતો. તેણે કાયદાના નામનું નાહી નાખેલું એટલે પોતે જ કાયદો હાથમાં લઈને ન્યાય તોળી નાખતો. ૧૯૯૦ના એ ઘાયલ યાને કે અજય મહેરાની કથા જ્યાં પૂરી થયેલી ત્યાંથી જ વન્સ અગેઇન સ્ટાર્ટ થઈ છે. પરંતુ આ વખતે ન તો એ રાજકુમાર સંતોષી છે ન ગળે ઊતરે એવી સ્ટોરી છે ન સીટીઓ વગાડવા મજબૂર કરે એવા ડાયલૉગ્સ છે ન સનીની ત્રાડમાં દમ છે કે ન તેને કાંટે કી ટક્કર આપે એવું અમરીશ પુરી ટાઇપનું કોઈ પાત્ર છે. છે તો બસ, હાસ્યાસ્પદ બની જતો મેલોડ્રામા અને ટીવી પર આવતી ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી અતિશયોક્તિથી ફાટ-ફાટ થતી ચેઝ અને ફાઇટ-સીક્વન્સ.

અબ વો ઝમાના નહીં રહા

૧૯૯૦માં ભાઈ કી મૌત કા બદલા લઈને ૧૪ વર્ષની જેલની સજા કાપી ચૂકેલો અજય મહેરા (સની દેઓલ) આજે એકલો છે. ભૂતકાળની ભૂતાવળોથી બચવા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રિયા (સોહા અલી ખાન)એ આપેલી ઍન્ટિ-ડિપ્રેશનની ગોળીઓ ગળતો રહે છે. લેકિન તેણે સચ્ચાઈનો દામન નથી છોડ્યો. હવે તે ‘સત્યકામ’ નામની ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની વેબસાઇટ ચલાવે છે. સાઇડમાં પોતાની પ્રાઇવેટ જસ્ટિસ લીગ પણ ચલાવે છે જેમાં ગુનેગારોને પોતાના ઢાઇ કિલો કા હાથનો પરચો બતાવીને અદાલતની આબરૂ બચાવે છે.

એક દિવસ ચાર જુવાનિયાવ પાસે અકસ્માતે જ એક ગુનાનો વિડિયો-પુરાવો આવી જાય છે. એ પુરાવા જો બહાર આવી જાય તો મુંબઈમાં બાંદરા-વરલી સી લિન્કની પડખે હેલિપૅડવાળો વિશાળકાય ટાવર બનાવીને રહેતા મારવાડી ઉદ્યોગપતિ રાજ બંસલ (નરેન્દ્ર ઝા)ના એમ્પાયરના કાંગરા હલી જાય. નેતાઓ, પોલીસ, મીડિયા, ટેક્નૉલૉજી બધું જ આ બંસલના ખિસ્સામાં છે. હવે એક જ આશા છે, વન ઍન્ડ ઓન્લી ધ સની દેઓલ.

બે બાવડે ન્યાય

‘અર્જુન’, ‘ઘાયલ’થી લઈને ‘ઘાતક’, ‘ઝિદ્દી’ અને ‘ઘાયલ’ની આ સીક્વલ એ બધી ફિલ્મો કંઈક અંશે ડિસ્ટોપિયન કથાઓ છે. ધારો કે રાજતંત્ર-ન્યાયતંત્ર ઊઠીને સાવ છેલ્લી પાટલીએ બેસે અને કૉમનમૅન કાયદો પોતાના હાથમાં લેવા માંડે તો? અંગ્રેજીમાં એને વિજિલાન્ટે જસ્ટિસ પણ કહે છે. હીરો તારીખ પે તારીખની પળોજણમાં પડ્યા વિના માર બૂધું અને કર સીધુંની જેમ તાબડતોબ ફેંસલો આણી દે એ પબ્લિકને બહુ ગમે. આ ફિલ્મમાં તો આપણને જ્યૉર્જ ઑર્વેલની મશહૂર ડિસ્ટોપિયન કથા બિગ બ્રધરની યાદ અપાવી દે એવા એક ઉદ્યોગપતિ પણ છે. દેશનું તમામ મેકૅનિઝમ તેના ખિસ્સામાં છે એટલું જ નહીં, પોતાના આલિશાન ટાવરમાં બેસીને તે શહેરના ચપ્પેચપ્પા પર નજર રાખે છે. ઓબામાની જેમ કોઈ પણ ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ જુએ છે, કોઈના પણ ફોન ટેપ કરે છે, ગમે તેની વેબસાઇટો હૅક કરી લે છે. શહેરમાં બસ તેમનું જ રાજ ચાલે. ગયા જમાનાના બલવંતરાય (અમરીશ પુરી) તો આ બિગ બ્રધર ઇન્ડસ્ટ્રિયલિસ્ટના પાવરની સામે બચોળિયું લાગે.

સામે આપણા સનીપાજી હલ્કની જેમ ગુસ્સે થયા તો કોઈના નહીં. એકસાથે બાહુબલી અને કટપ્પાને પણ ઊંચકીને વસઈની ખાડીમાં ફેંકી આવે. તે સિસ્ટમમાં રહીને સિસ્ટમ બદલવામાં નથી માનતો બલકે તે પોતે જ ન્યાયની એક પૅરૅલલ સિસ્ટમ છે. પરંતુ જૂની ‘ઘાયલ’ જો માત્ર સની દેઓલના કરિશ્માને લીધે હિટ થયેલી એવું માનતા હો તો રસોડામાં જઈને બે ચમચી ખાંડના ફાકડા મારી આવો. અગાઉ જે સુપર્બ ડાયલૉગ્સ હતા એ અહીં કમ્પ્લીટલી મિસિંગ છે. ફિલ્મમાં સમ ખાવા પૂરતો એકેય ચિયરવર્ધી ડાયલૉગ નથી (અને એટલે જ પબ્લિકને મનોજ જોશીના મુખે બોલાયેલી એક વલ્ગર લાઇન પર ચિયર કરવું પડે છે). એને બદલે અગર હમ સચ કે સાથ હૈં તો જીતને તક હમેં હાર નહીં માનની ચાહિએ જેવા કોઈ બાબાજીના પ્રવચન ટાઇપના ફિલોસૉફિકલ સંવાદથી સંતોષ માનવો પડે છે.

બીજું, અહીં બિગ બ્રધર ટાઇપનો પાવરફુલ વિલન હોવા છતાં બલવંતરાય જેવો ખોફ વર્તાતો નથી. અગાઉ ‘હૈદર’ના પપ્પા બનેલા નરેન્દ્ર ઝા સરસ ઍક્ટર છે, પરંતુ નબળા રાઇટિંગ નીચે તેમની ઍક્ટિંગ દબાઈ ગઈ છે. આમ જુઓ તો ફિલ્મમાં ટૅલેન્ટેડ ઍક્ટરોની કમી નથી. ઓમ પુરી, મનોજ જોશી, ટિસ્કા ચોપડા, સચિન ખેડેકર, ઝાકિર હુસેન, રમેશ દેવ, હર્ષ છાયા સરીખાં કલાકારો છે; પણ કોણ જાણે કેમ રાઇટર-ડિરેક્ટર સની દેઓલે બધાં પાસે એકદમ લાઉડ મેલોડ્રામા જ કરાવ્યો છે. (ગલૂડિયાં જેવા પાંચ જુવાનિયાવ અને એક સોહા પણ છે. એ માત્ર પ્રેઝન્ટ ટીચર બોલવા ખાતર.) શેક્સપિયરને પણ લઘુતાગ્રંથિ થઈ જાય એટલોબધો ડ્રામો ધરાવતી આ ફિલ્મના દર બીજા સીનમાં બધા રાડારાડી જ કરે છે. જે વાત શાંતિથી કહી શકાય એના માટે પણ ફાઇલો ફેંકશે, કાચ ફોડશે, દરવાજા-ટેબલ-ખુરશી પછાડશે, આંગળીઓ ચીંધીને આંખોના ડોળા કાઢશે. ટૂંકમાં લગભગ અર્નબ ગોસ્વામીનો શો જોતા હોઈએ એવી ફીલિંગ સતત આવ્યા કરે છે.

આ બધું જ અત્યારની સ્માર્ટ જનરેશન માટે અનઇન્ટેન્શનલ લાફટર બની જાય છે. પડદા પર સની દેઓલ પીલુડાં પાડતો હોય કે મનોજ જોશી સતત બીવડાવતા હોય કે આ ફાટેલ મગજનાને વતાવવા જેવો નથી ત્યારે પબ્લિક કપિલ શર્માનો શો જોતી હોય એમ ખિખિયાટા કાઢે. કહેવાનું તાત્પર્ય એ છે કે ફિલ્મનું રાઇટિંગ અને ટ્રીટમેન્ટ ખાસ્સાં આઉટડેટેડ છે.

સચ્ચાઈ માટે સની દેઓલ કુછ ભી કરેગા. તે કાર, ટ્રક, ટ્રેન ગમે તેની સામે જમ્પ મારી શકે છે. તે  હેલિકૉપ્ટર પણ ઉડાડી શકે છે અને લાદેન સ્ટાઇલમાં બિલ્ડિંગમાં ઘુસાડી પણ શકે છે. પરંતુ અપના લક પહનકે ચાલતા સની દેઓલને એક ખરોંચ પણ આવતી નથી. મીન્સ કે ઓલ્ડ ફૅશન્ડ અને ટીવી પર આવતી ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી ઍક્શનના રસિયાઓ માટે અહીં લિટરલી સાઇકલથી લઈને હેલિકૉપ્ટર સુધીનો વરાઇટીવાળો મસાલો છે. ફિલ્મમાં બે ખતમ થવાનું નામ જ ન લેતી લાંબી ચેઝ-સીક્વન્સ છે. જેમને મજા પડે એ ટટ્ટાર થઈને જોશે અને બાકીના કહેશે, પતાવો યાર હવે.

ફિલ્મની શરૂઆતમાં અને વચ્ચે ઓરિજિનલ ‘ઘાયલ’નો ફ્લૅશબૅક છે જે અઢી દાયકા પહેલાં મોટા પડદે એ ફિલ્મ જોનારાઓને નોસ્ટૅલ્જિક કરી દેશે. જોકે એમાં મીનાક્ષી શેષાદ્રીના ક્યુટ અવાજને બદલે કર્કશ ડબિંગ સાંભળીને ઘણા ડચકારા પણ બોલાવશે. એમ તો સની દેઓલની તહલકા સ્ટાઇલની વેબસાઇટનું ‘સત્યકામ’ નામ સાંભળીને પણ ઘણા હૃષીકેશ મુખરજીને યાદ કરીને બે કાનની બૂટને અડકી લેશે.

આ નવી ‘ઘાયલ’ના નામનાં થોડાં વધુ ફટાણાં ગાવાં હોય તો કહી શકાય કે સ્પેશ્યલ ઇફેક્ટ્સ બાલિશ છે, એકાદું ગીત છે જે તદ્દન સમયની બરબાદી છે (એના કરતાં જૂની ફિલ્મનો સાઉન્ડટ્રૅક વાપર્યો હોત તો?). ક્લાઇમૅક્સમાં ખરાખરીની સ્થિતિમાં અચાનક એક નવો ટ્રૅક ફૂટી નીકળે છે અને ઍક્શન ટીવીમાંથી એકાએક સ્ટાર પ્લસ શરૂ થઈ જાય છે.

ઘાયલ, ફિર ભી શેર

થોડો ઉંમરનો ભાર વર્તાય છે, પણ સની દેઓલ આજે પણ ઘણો ફિટ લાગે છે. ભલે તેના હાથ ઢાઇ ગુણ્યા બે એમ પાંચ કિલોના હોય પણ તેણે આખી ફિલ્મનો ભાર એકલા ઉપાડવાને બદલે કોઈ સારા રાઇટરની અને ડિરેક્ટરની મદદ લેવી જોઈએ. પૉટ બૉઇલર બની રહેલી આ ફિલ્મને એના નોસ્ટૅલ્જિયા માટે, ઍક્શન-સીક્વન્સીસ માટે અને સમાજ કેવો ન હોવો જોઈએ એનો મેસેજ લેવા માટે જોઈ શકાય. બાકી સની દેઓલનો સાચો પરચો બતાવવા માટે વડીલોએ પોતાનાં યુવાન સંતાનોને ઓરિજિનલ ‘ઘાયલ’ (અને પછી ‘અર્જુન’, ‘ઘાતક’, ‘દામિની’ પણ) બતાવવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK