ફિલ્મ રિવ્યુ : ફિતૂર

આગ કા દરિયા, ડૂબ કે જાના : ફિતૂર જોયા પછી ખ્યાલ આવે કે વિશાલ ભારદ્વાજના પેંગડામાં પગ નાખવો પણ આસાન નથી

fitoorજયેશ અધ્યારુ

કોઈ નાટક, નવલકથા કે લોકવાર્તાને નવા જ સ્થળ-કાળમાં ફિલ્મ તરીકે અડૅપ્ટ કરો એટલે સર્જકની જવાબદારી જંગી સ્કોર ચેઝ કરતા બૅટ્સમૅન જેવી વધી જાય. અગાઉ ડિરેક્ટર અભિષેક કપૂરે ચેતન ભગતની હાડોહાડ કમર્શિયલ ફિક્શન ‘થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ને ‘કાઇપો છે’ તરીકે અડેપ્ટ કરેલી. હવે તેણે ચાલ્ર્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’નો વારો કાઢ્યો છે. પરંતુ ક્લાસિકનો આત્મા કાઢીને બૉલીવુડના કમર્શિયલ ખોળિયામાં પૂરવા માટે વિશાલ ભારદ્વાજ જેવો ઇલમ જોઈએ. આ ઇલમમાં મહારત મેળવવામાં અભિષેક કપૂરને હજી છેટું છે. તેમ છતાં ઇશ્કિયા મિજાજના ફકીરની જેમ દિલદાર હૈયું રાખીને જુઓ તો ફિલ્મમાં લુત્ફ ઉઠાવવા જેવી ઘણીબધી બાબતો મળી આવે તેમ છે.

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

આજથી દોઢ દાયકા પહેલાંનું કાશ્મીર. ત્યાંની માલીપા રહે હાથમાં કારીગરી અને કળાનો કસબ લઈને પેદા થયેલો નૂર નામનો ટાબરિયો. એ જ શ્રીનગરમાં એક રાણીસાહેબા બેગમ હઝરત જહાં (તબુ) પણ તેમની નાનકડી દીકરી ફિરદૌસ સાથે રહે. ફિરદૌસ હતી જ એવી. જન્નતની હૂર. એક દિવસ બેગમસાહેબાએ નૂરને જોયો અને એ જ દિવસથી ફિરદૌસની સરભરામાં રાખી લીધો. આ બાજુ નૂર ફિરદૌસના ઇશ્કના કળણમાં ધસ્યો તો બીજી બાજુ ફિરદૌસ લંડન રવાના થઈ ગઈ. વર્ષો વીત્યાં. નૂર નિયાઝી (આદિત્ય રૉય કપૂર) હવે કાબેલ ચિત્રકાર અને શિલ્પકાર છે. બેગમ હઝરત જહાં તેને સ્કૉલરશિપ પર દિલ્હી મોકલે છે જ્યાં ભેદી રીતે રાતોરાત નૂરમિયાંના પરચમ લહેરાવા માંડે છે. દિલ્હીમાં જ નૂરને તેના દિલનો ફિતૂર એવી ફિરદૌસ (કૅટરિના) મળે છે. બચપન કી મહોબ્બત તો ફિરદૌસને યાદ છે, પણ અત્યારે તેની જિંદગી નવો મોડ લઈ ચૂકી છે.

પણ એક મિનિટ, બેગમસાહેબા નૂર પર આટલાં મહેરબાન શા માટે છે? એ આખો વખત છાતી પર કોઈ ભાર વેંઢારતાં હોય એમ માયૂસ કેમ રહે છે? નૂર એવો તે કયો કોહિનૂર હતો કે રાતોરાત છવાઈ ગયો? અને સૌથી મહત્વનું, નૂરના ફિરદૌસ સાથેના ઇશ્કનો શિકારા ઝેલમને કાંઠે પહોંચશે ખરો?

દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ

જો તમે ચાલ્ર્સ ડિકન્સની એ ક્લાસિક નવલકથા ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’ વાંચી હશે તો ફસ્ર્ટ હાફ જોઈને તમારું દિલ મુગલ ગાર્ડનની જેમ ખીલી ઊઠશે. પરંતુ ઇન્ટરવલ પછી ક્લાસિક કથા પર બૉલીવુડનો કલર ચડતો જોઈને નિરાશાનું ઍવલાન્શ આવી જાય. ‘ફિતૂર’ને ધિક્કારવી હોય તો અનેક મુદ્દા મળી રહે તેમ છે. જેમ કે એક ક્લાસિક નવલકથાનો આખો ધ્વનિ જ બદલાવી નાખ્યો છે. ચટ મંગની અને પટ બ્યાહ ટાઇપની ફાસ્ટ ફૂડ જેવી ફિલ્મો જોનારાઓને તો આ ફિલ્મ એક સ્કાયસ્ક્રેપર પરથી તરતા મૂકેલા પીંછા જેવી સ્લો લાગશે. બિલોરી કાચને થોડો આગળ-પાછળ કરો તો એવુંય દેખાશે કે આ કૅટરિના દેખાય છે જબ્બર, પણ તેના ચહેરા પર ક્યારેય કોઈ જેન્યુઇન એક્સપ્રેશન્સ દેખાતાં નથી. ઈવન ટાઇટલ જેવો ઇશ્કનો ફિતૂર પણ મિસિંગ છે. ઈવન કાશ્મીરમાં ફ્રીડમ ઑફ એક્સપ્રેશન અને મિયાંદાદને માફ કરી દેવાની વાત હોય, સંવેદનશીલ દર્શકો ત્યાંય કકળાટ કરી મૂકશે (દાઉદના વેવાઈને અમે શેના માફ કરીએ, હેં?).

કાશ્મીર અને તબુ હોય એટલે બહુ બધા લોકોને ‘હૈદર’ યાદ આવી જશે. કોકને વળી (ઓ. હેનરીની ‘ધ લાસ્ટ લીફ’ પરથી બનેલી) ‘લુટેરા’ પણ દેખાશે. અબોવ ઑલ, મિસ્ટર અભિષેક કપૂર એક ક્લાસિકને કચકડે ઉતારવાનું કમઠાણ લઈને બેઠા છે એનો ભાર આ  ફિલ્મની એકેએક ફ્રેમમાં દેખાય છે. વધુ પડતો સ્લો મોશનનો અને લો ઍન્ગલ કૅમેરાનો ઉપયોગ પણ એની ચાડી ખાય છે.

જનાબ, બધુંય કબૂલ. પરંતુ આપણે ગૌર ફરમાવીએ ફિલ્મની પૉઝિટિવ બાબતો પર. એક તો આપણે ત્યાં પુસ્તકો પરથી ફિલ્મો બનાવવાની મજૂરી કરવાની જફામાં સર્જકો મોટે ભાગે પડતા નથી એટલે માછલાં ધોવાશે જ એવી ખાતરી છતાં સળગતું હાથમાં લેવા બદલ પણ ડિરેક્ટર અભિષેક કપૂર અને તેમના રાઇટર સુપાર્તિક સેનને શુક્રિયા જનાબ કહેવું પડે. ફિલ્મને બહાને પણ જો ચાર લોકો ઓરિજિનલ કૃતિ વાંચે તો શું ખોટું? ફિલ્મ નબળી હશે તો આમેય ભુલાઈ જવાની છે.

પરંતુ આ ફિલ્મ પાછળ કરેલી મહેનત દેખાઈ આવે છે. એક તો અનય ગોસ્વામીના કૅમેરાએ જે કાશ્મીર ઝીલ્યું છે એ જોઈને જ ટિકિટના પૈસા વસૂલ થઈ જાય. એ સતત થતી બર્ફબારી, પાનખરની સીઝનમાં ચારેકોર છવાયેલાં ચિનારનાં લાલ રંગનાં સૂકાં પાંદડાં, ગરમાગરમ કાશ્મીરી કાવામાંથી ઊઠતી વરાળની સેરો, ચારેકોર છવાયેલું ડરામણું ધુમ્મસ, ઝેલમમાં હળવે-હળવે સેલ્લારા મારતા શિકારા, બૅકગ્રાઉન્ડમાં સંભળાતા રબાબના સૂર, કાશ્મીરી કોતરણી, કાંગડીની ગર્માહટ, કાચનાં વિશાળ ઝુમ્મરો, જોઈને જ ડરની એક સિરહન પસાર થઈ જાય એવાં જમાનો જોઈ ચૂકેલાં મહેલનુમા ઘર વગેરે બધું જ તમને સીધું કાશ્મીરમાં ટેલિપોર્ટ કરી દેવા માટે પૂરતું છે.

કોણ જાણે કેટલા સમયે આપણી ફિલ્મમાં આવી ખાલિસ ઉદૂર્ જબાન સાંભળવા મળી છે. તસવ્વુર, મુખ્તલિફ, જઝબાત, નસીહત, જહન્નમ, ખાક, બરકત, કસીદે, નાકાબિલે બર્દાશ્ત, રફતાર, બદસલુક, હમિનસ્તો, યે ઇશ્ક નહીં આસાં... આવું અહીં બરફની જેમ વેરાયેલું પડ્યું છે. ઈવન ફિલ્મના કેટલાય સંવાદો શાયરીની ઝુબાનમાં જ લખાયેલા છે. મસલન, જૂતોં સે આગે જહાં ઔર ભી હૈ, બૈઠે બૈઠે ખાક હો જાએગા, આના પડતા હૈ, ઝિંદગી હૈ, હાલાત મુશ્કિલ હૈ, નાઉમ્મીદ નહીં, યે કમઝર્ફ દવાઇયાં જાન ભી તો નહીં લેતી... આટલું બધું ઉદૂર્ બોલાતું સાંભળીને લાગે કે નીચે સ્મોકિંગ કિલ્સની ચેતવણી પણ ઉદૂર્માં હોવી જોઈએ કે જિગર સે ઉઠતા ધુઆં આપ કો જન્નતનશીન કર સકતા હૈ.

કળા-સાહિત્યના શોખીનોને અ ટેલ ઑફ ટૂ સિટીઝનાં વાક્યો ક્વોટ થતાં સાંભળીને કે નૂરજહાંની હમારી સાંસોં મેં આજતક વો હિના કી ખુશબૂ મહક રહી હૈ વાગતી સાંભળીને તેમનાં દિલમાં મેઘધનુષ ખીલી ઊઠે.

સુભાનઅલ્લાહ બોલાવી દે એવું ‘ફિતૂર’નું સૌથી મસ્ત પાસું છે અમિત ત્રિવેદીનું જબરદસ્ત મ્યુઝિક. જેમ પશ્મીના શાલ વીંટીમાંથી પસાર થઈ જાય એવી જ હળવાશથી આ ફિલ્મનું સંગીત કાન વાટે રૂહમાં ઊતરી જાય એવું બન્યું છે. લૂપમાં રાખીને એક શાંત રાતે સાંભળજો.

કૅટરિના કે આદિત્ય રોય કપૂરની એક્ટિંગનાં વખાણ કરવાં પડે એવો સમય હજી આવ્યો નથી, પણ ફિલ્મમાં તબુ હોય એટલે ઓવારણાંનો અમુક સ્ટૉક તેના માટે અનામત રાખવો પડે. (હા, આ ફિલ્મ પછી સૂકાં ચિનાર જેવા લાલ રંગના વાળ અને ઉદૂર્‍માં ટૅટૂ કરાવવાનો ક્રેઝ આવે તો નવાઈ નહીં.) કૅટરિના કરતાં ક્યાંય વધુ ખૂબસૂરત અને એક્સપ્રેસિવ તેના બાળપણનો રોલ કરતી તનીશા શર્મા લાગે છે. અહીં બે સરપ્રાઇઝ ગેસ્ટ અપીરન્સ પણ છે, પરંતુ દૂરદર્શન જોઈને મોટા થયેલા દર્શકોને એક લાંબા અરસા બાદ પડદા પર તલત અઝીઝને જોઈને વસ્લની રાહતનો અહેસાસ થશે.

આતિશ-એ-ઇશ્ક


શમાની લૌ જેવી એટલે કે દીવા જેવી સ્પક્ટ વાત છે કે ‘ફિતૂર’ મોટા ભાગના લોકોને ગમવાની નથી. બે કલાકમાં તો બગાસાંની બારાત કાઢે એવું બહુધા લોકોના કિસ્સામાં બનશે. પરંતુ જેઓ ક્લાસિક લિટરેચર અને એના ઍડૅપ્ટેશનના ખેલા સાથે મહોબ્બત ધરાવતા હોય, જેમને ગાલિબથી ખુસરો સુધીના સર્જકો યાર-દિલદાર લાગતા હોય, જે આપણા ગુજ્જુ અમિત ત્રિવેદીના ફૅન હોય અને અબોવ ઑલ જે દિલ-ઓ-દિમાગથી ઇશ્કિયાના મિજાજ ધરાવતા હોય તેમને આ ફિલ્મ ઍટ લીસ્ટ એક વાર તો અપીલ કરશે જ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK