જુઓ ફિલ્મ 'ફિરંગી'નું રિવ્યૂ

ચલા કપિલ સિરિયસ બનને!

firangi

ફિલ્મ-રિવ્યુ - ફિરંગી

પાર્થ દવે


૨૦૧૫માં આવેલી વાહિયાત સેક્સ-કૉમેડી ‘કિસ કિસ કો પ્યાર કરું’ પછી ફરી કપિલ શર્મા હીરો બનીને મોટી સ્ક્રીન પર હાજર થઈ ગયો છે. આ બે વર્ષની વચ્ચે તેના જીવનમાં ઘણું બની ગયું. અલબત્ત, ટેલિવિઝન પર નહીં બલકે રિયલ લાઇફમાં. ગુમ પણ થઈ ગયો થોડો સમય અને સુનીલ ગ્રોવર સાથે બાખડી પણ લીધું. હવે પંજાબી ફિલ્મો અને કૉમેડી નાઇટ વિથ કપિલના જ અમુક શોઝ ડાયરેક્ટ કરી ચૂકેલા રાજીવ ઢીંગરાને કપિલે પોતાની ફિલ્મ ડિરેક્ટ કરવાની જવાબદારી સોંપી છે. પોતે હોલ ઍન્ડ સોલ પ્રોડ્યુસર છે અને ઍક્ટિંગ પણ કરે છે. કરે છે?

અંગ્રેઝોં કા ઝમાના ઔર મંગા!


સૌથી પહેલાં ખરખરો એ વાતનો કરવાનો છે કે કપિલ શર્મા આ ફિલ્મમાં કૉમેડી સિવાયનું બાકીનું બધું જ કરે છે, જે જોવા માટે દર્શકો રતીભાર પણ ટેવાયેલા નથી. એમાં પણ કપિલ માથે કોઈ અંગ્રેજો વખતની ઈ. સ. ૧૯૨૧ની જ બંદૂક લઈને ઊભું હોય એમ તે પ્રયત્નપૂર્વક માંડ-માંડ હસે છે. આપણને તેની ટેલિવિઝન-કરીઅર ડામાડોળ થતી જોઈને જેટલું દુ:ખ નથી થયું એટલું દુ:ખ તેને આ ફિલ્મમાં બિચારો-ગંભીર-ઍક્ટિંગ કરવા મથતો જોઈને થાય છે! ઍનીવે, ફિલ્મ બિગ બીના દમદાર અવાજ સાથે ‘હિન્દોસ્તાન જબ અંગ્રેઝોં કી ગિરફ્ત મેં થા..’ વાળા સમયથી ઊઘડે છે જ્યારે લંપટ રાજાઓ ટૅક્સથી બચવા માટેના રસ્તાઓ શોધ્યા કરતા હતા અને ગામડાના ગરીબ અને બેકાર લોકો અંગ્રેજોથી ત્રાસેલા હતા. કોઈ ગાંધીના રસ્તે હતા તો કોઈ અન્યના.

એવા જ એક ગામનો અણઘડ ને મશ્કરો છોકરો મંગતરામ, જેને લોકો પ્યાર સે મંગો (કપિલ શર્મા, બીજું કોણ?) કહીને બોલાવે છે. તેને પોલીસ બનવું છે, પણ પરીક્ષામાં ત્રણ-ત્રણ વાર નિષ્ફળ ગયો છે. એન્ટ્રીના સીનમાં તે પોલીસમાં ભરતી વાસ્તે ફિઝિકલ ટેસ્ટ માટે રનિંગ લગાવતો હોય છે અને પડે છે. એ સીનથી જ તમને ખ્યાલ આવે છે કે કપિલ શર્માએ પડવાની અદ્ભુત ઍક્ટિંગ કરી છે, તે બેસી ગયો છે. ફિલ્મના મોટા ભાગમાં કપિલ તમને આ રીતે યાદ અપાવતો રહે છે કે તે ઍક્ટિંગ કરી રહ્યો છે. એ પણ પરાણે! મંગાના બાપાને ચિંતા હોય છે કે ઢંગની નોકરી નહીં કરે તો તેને છોકરી કોણ આપશે? મંગા પાસે એક બૉલીવુડની ફિલ્મના હીરો પાસે હોઈ શકે એવો હુન્નર છે. તે કોઈ પણ માણસના થાપામાં લાત મારીને તેનું કટિશૂળ (અર્થાત કમરનો દુખાવો) દૂર કરી શકે છે. અલબત્ત, આ હુન્નરનો ઉપયોગ ફિલ્મકારે માણસ પર જ કરાવ્યો છે, બાઈમાણસ પર નહીં. એક વખત અંગ્રેજ ઑફિસર ડૅનિયલ (એડ્વર્ડ સાનેનબ્લિક)ને કટિશૂળ ઊપડે છે.(અંગ્રેજ હોય તો શું થ્યું? ઊપડે ભઈ!) મંગાની મદદ લેવાય છે. મંગો અંગ્રેજના ઢેકા પર લાત મારીને ઝટ પીડા મટાડી દે છે. અંગ્રેજ ખુશ થઈ તેને ખાખી કપડાં પહેરાવીને ઑર્ડરલી તરીકે નોકરી પર રાખી લે છે. મંગો ખુશ, તેના બાપા ખુશ, ગામ ખુશ! ફિલ્મમાં બીજું પણ એક બેહરામપુર નામનું ગામ છે જે ગામની અવિરતપણે બ્લશિંગ કર્યા કરતી સરગી (ઈશિતા દત્તા, જે ‘દૃશ્યમ’માં અજય દેવગનની મોટી દીકરી બની હતી અને તાજેતરમાં જ પરણી છે) નામક યુવતીના પ્રેમમાં આપણો મંગો પડ્યો છે. પણ તેના ગાંધીભક્ત દાદા લાલાજી (અંજન શ્રીવાસ્તવ) તેને સ્વીકારવાની ના પાડે છે. કારણ ઑબ્વિયસ છે, તે અંગ્રેજોની જીહજૂરી કરે છે. બેહરામપુર ગામના કપટી અને લંપટ રાજા છે રાજા ઇન્દરવીર સિંહ.(અફલાતૂન અભિનેતા કુમુદ મિશ્રા) તે અને ડૅનિયલ સારા મિત્રો છે અને બેઉ સાથે મળીને દારૂની ફૅક્ટરી લગાવવા માગે છે, જેમાં તેમને બેહરામપુર ગામ નડે છે. એટલે ગામમાંથી લોકોને બહાર નીકળી જવાનું કહેવાય છે. આ બધા ખીચડામાં આપણા બિચારા મંગાને તેની ગમતી છોકરીથી હાથ ધોવા પડે છે, કેમ કે તેના બૉસ ડૅનિયલ અને રાજાએ તેને હાથો બનાવીને ગામવાસીઓ પાસેથી ગામ છીનવ્યું છે. હવે મંગો ફિરંગીઓની નોકરી છોડી લોકોને ગામ પાછું અપાવી પોતાનો પ્રેમ મેળવીને જ જંપે છે. મને કહેવા દો કે આ બધું અને આ ઉપરાંત પણ ઘણુંબધું પૂરેપૂરી એકસો ને સાઠ મિનિટ ચાલે છે; જે માણી નથી શકાતું, સહન કરવું પડે છે.

થોડી પણ લગાન જેવી હોત તો... 

પહેલી નજરે જોતાં આ ફિલ્મ તમને ‘લગાન’માંથી ઉધાર લીધેલો માલ લાગે. અહીં ભુવન મંગો છે જે એક ગામના લોકોનું નેતૃત્વ લઈને બ્રિટિશ ઑફિસર માર્ક ડૅનિયલ (‘લગાન’નો કૅપ્ટન રસેલ) સામે લડે છે. એ માટે ડૅનિયલને જ ગમતી એક શામલી (‘લગાન’માં રસેલની સિસ્ટર એલિઝાબેથ) નામની છોકરીની મદદ લે છે. ગ્રેસી સિંહની જેમ અહીં ગાંવ કી ગોરી ઈશિતા દત્તા છે. પણ લગાનમાં ક્રિકેટ હતું, મનોરંજન હતું અને મુખ્ય વાત - સ્ટોરી હતી! અહીં સ્ટોરીના નામે બોરિંગનેસ છે. ડિરેક્શનની સાથે સ્ક્રીનપ્લે પણ રાજીવ ઢીંગરાએ લખ્યો છે અને તેઓ ભૂલી ગયા છે કે એ પૂરો થાય! માત્ર ઍક્ટિંગ અને સ્ટોરી નહીં, ફિલ્મની પ્રોડક્શન-વૅલ્યુ પણ ડલ છે. જેટલાં ધૂળિયાં ગામો બતાવ્યાં છે એ તમામ એક જેવાં જ લાગે છે. એમાં પંદરેક ગામવાસીઓ હરફર કરે છે તે એકના એક દેખાયા કરે છે. ખાસ તો એ કે અંજન શ્રીવાસ્તવ કે અદ્ભુત અભિનેતા ઇનામુલહક કે રાજેશ શર્મા સિવાયના બાકીના બધા જ ઍક્ટિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે એ દેખાઈ આવે છે. ઈવન ‘જૉલી LLB ટૂ’ (ને ‘લખનઉ સેન્ટ્રલ’માં પણ) સુપર્બ ઍક્ટિંગ કરનાર ઇનામુલહક અહીં સાવ વેડફાયો છે.

બડી-બડી છટકબારી એ છે કે બ્રિટિશ ઑફિસર અંગ્રેજી ભાષા અમેરિકન છાંટમાં બોલે છે અને લંડનથી આવેલી ઇન્ડિયન પ્રિન્સેસનું અંગ્રેજી અને ડ્રેસિસ બેઉ મચ ધૅન બ્રિટિશર છે! પહેલી વાત તો એ કે તે ઇન્ડિયન પ્રિન્સેસ જ નથી લાગતી! બીજું એ કે પાછી તે અભણ ભારતીય ગામવાસીઓ સાથે અંગ્રેજીમાં વાત કરે છે અને બ્રિટિશર સાથે હિન્દી બોલે છે. રાજીવ ઢીંગરાનો સ્ક્રીનપ્લે કહ્યું એમ અતિ કંટાળાજનક નથી, પણ મોટો કંટાળો એ છે કે એ થ્રૂ-આઉટ ચાલ્યા જ કરે છે! (આ વાક્ય જેવો જ કન્ફ્યુઝ્ડ છે.) ફિલ્મ પૂરી થયા પછી પહેલો વિચાર એ આવે કે કાશ, આ ફિલ્મ થોડી પણ ‘લગાન’ જેટલી સારી હોત તો...

કપિલ શર્મા કી સિરિયસ મૂવી!

કપિલ શર્માને તમે-મેં-આપણે હસતો, મસ્તી કરતો જ જોયો છે. અહીં તેનાથી એકદમ વિરુદ્ધ છે. તેણે પ્રયત્ન કર્યો એ બદલ અભિનંદન, પણ લોકોને સ્વીકારવામાં તકલીફ પડશે. તેના મોઢે અમુક જ વન-લાઇનર મુકાઈ છે જે મજા કરાવે છે, બાકીની આખી ફિલ્મ બર્ડનસમી લાગે છે. વન-લાઇનર પણ ટિપિકલ કૉમેડી નાઇટ વિથ કપિલ પ્રકારની છે જે પણ હવે તમને ક્ષણભંગુર ચટપટીથી વધુ કંઈ જ નથી આપી શકતી. ફિલ્મોનાં ગીતો બિનજરૂરી છે. લાંબાં છે. એકાદ-બે ન હોત તો કંઈ જ ફરક ન પડત, દર્શક જલદી ઘરભેગો થાત. આખી ફિલ્મ ગોકળગાયની ગતિએ ચાલે છે અને અંતની વીસથી પચીસ મિનિટમાં તમને કૉમિક સિચુએશનના કારણે થોડું હસવું આવે છે. એ પણ ફુલ નહીં, સેમી-ફન. પણ ત્યાં સુધી તમે તૂટી ચૂક્યા હો છો! બેશક, અમુક ડાયલૉગ્સના ચમકારા છે, પણ યાદ કરવા પડે એટલા. એડિટર ઓમકારનાથ બખરીએ અડધો કલાકની ફિલ્મ કાપી નાખી હોત તો પણ બોરિંગ લાગત. (કદાચ કપિલે ના પાડી હશે!)

જોવી કે નહીં?

આજકાલ સ્ટાર કે સુપરસ્ટારની પણ ઍવરેજ ૧૨૦ મિનિટના ડ્યુરેશનની ફિલ્મો આપણે માંડ સહન કરી શકીએ છીએ. તમે સમજી શકશો કે કપિલ શર્માને ૧૬૦ મિનિટ જોવો એ પણ ગંભીર મુખમુદ્રામાં, જે તેના ચહેરા પર જરા પણ સૂટ નથી કરતું, કેટલું અઘરું છે! એટલે કપિલ શર્માના તમે ફૅન હો અને જેના માટે તે ફેમસ છે એ ન કરતો જોવો હોય તો આ ફિલ્મ તમારા માટે છે. બાકી મનોરંજનના ઇરાદાથી ફિલ્મો જોનાર મિત્રો ધીરજ ધરી શકતા હોય અને છૂટીછવાઈ મજા શોધીને લઈ શકતા હોય તો પોતપોતાના જોખમે જઈ શકે છે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK