ફિલ્મ-રિવ્યુ : ફિલ્મિસ્તાન

સિનેમાનો જાદુ, પાર્ટિશનની વેદના, નાના બજેટની અને મોટા હૃદયની આ ફિલ્મ કહે છે કે હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન, બન્નેને જોડતી સિનેમા નામની ધમનિમાં લોહી તો એક જ વહે છેહજી થોડાં અઠવાડિયાં પહેલાં જ વિજય રાઝની ફિલ્મ ‘ક્યા દિલ્લી ક્યા લાહોર’ રજૂ થયેલી. એમાં ૧૯૪૮ના યુદ્ધના માહોલમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વેદના ટપકતી હતી. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ફિલ્મિસ્તાન’ પણ એ જ દુખતી રગ પકડે છે. આપણી કમનસીબી છે કે કૂવો ભરીને હસાવતી અને ખોબો ભરીને રડાવી દેતી આવી અદ્ભુત ફિલ્મ આપણે ત્યાં બબ્બે વર્ષ સુધી વેચાયા વિના પડી રહે છે.

કહાની પૂરી ફિલ્મી હૈ

સુખવિન્દર ઉર્ફે સની અરોરા (શરીબ હાશમી) એવો જુવાનિયો છે જે જિંદગીમાં પહેલો શબ્દ મા નહીં બલકે સિનેમા બોલતાં શીખેલો. તેની ABCD સિનેમાના Cથી શરૂ થાય છે. ડગલે ને પગલે ફિલ્મોના ડાયલૉગ્સ અને સ્ટાર્સની મિમિક્રી ફેંકતો સની એક દિવસ બૉલીવુડનો મોટો હીરો બનવા ઇચ્છે છે, પરંતુ ફિલહાલ તો તે અસિસ્ટન્ટ-ડિરેક્ટર બનીને સ્ટારડમનાં સપનાં જોઈ રહ્યો છે. એક અમેરિકન ગ્રુપ સાથે ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાના અસાઇનમેન્ટમાં તે રાજસ્થાનના રણમાં જાય છે અને તેની કહાનીમાં ટ્રૅજેડી શરૂ થઈ જાય છે.

પાકિસ્તાની આતંકવાદીઓ એ ગ્રુપના એક અમેરિકન મેમ્બરને પકડીને પોતાની ડિમાન્ડ પૂરી કરાવવા માગે છે, પરંતુ અમેરિકન રામુને બદલે ઇન્ડિયન શ્યામુ એટલે કે આપણો હીરો સની આતંકવાદીઓના હાથે ઝલાઈ જાય છે. આતંકવાદીઓ તેને પકડીને પાકિસ્તાનના બૉર્ડર પરના એક ગામડાના ઘરમાં છુપાવી રાખે છે. ત્યાં તેની દોસ્તી એ ઘરના યુવાન આફતાબ (ઇનામુલ હક) સાથે થઈ જાય છે. આફતાબ ભારતની ફિલ્મોની પાઇરેટેડ સીડીનો ધંધો કરે છે. મતલબ કે તેનું ઘર પણ આપણું બૉલીવુડ જ ચલાવે છે.

ધીમે-ધીમે સનીના બૉલીવુડપ્રેમનો જાદુ આખા ગામમાં ફેલાઈ જાય છે. સૌને લાગે છે કે આ સિનેપ્રેમી જુવાનિયો અલ્લાહનો પાક બંદો છે. તેને સહીસલામત પાછો હિન્દુસ્તાનમાં જવા દેવો જોઈએ, પરંતુ પથ્થરદિલ આતંકવાદીઓ પીગળતા નથી. આખરે સનીને બૉર્ડર ક્રૉસ કરાવીને ભારત મોકલવા માટે આફતાબ એક આઇડિયા લડાવે છે.

મજબૂર યે હાલાત, ઇધર ભી હૈ ઉધર ભી

ભારત-પાકિસ્તાનના ભાગલા અને રાતોરાત બન્ને દેશો વચ્ચે ઊભી થઈ ગયેલી ક્યારેય ન તૂટનારી દીવાલ આજે પણ સર્જકોને ચૂભતી રહે છે. ‘ફિલ્મિસ્તાન’ના લેખક-દિગ્દર્શક નીતિન કક્કડ આવા જ એક સર્જક માલૂમ પડે છે, પરંતુ આ દર્દ બતાવવા માટે તેમણે ક્યાંય ઝાઝા સિરિયસ કે મેલોડ્રામૅટિક થયા વિના કેટલીયે વાતો હળવાશથી રમતી મૂકી દીધી છે. ફિલ્મ કહે છે કે પાકિસ્તાનથી આવેલા દિલીપકુમારને આજે પણ ત્યાંના લોકો મિસ કરે છે. ત્યાંની સરકાર ભલે આપણી ફિલ્મો પર પ્રતિબંધ મૂકે, પાઇરસીની બજારમાં લૉલીવુડની પાકિસ્તાની ફિલ્મો કરતાં આપણા બૉલીવુડની ફિલ્મો જ વધારે જોવાય છે. ત્યાંના જુવાનિયાંવ પણ સલમાન ખાન અને રણબીર કપૂરના ફૅન છે. બન્ને બાજુ ખાણીપીણી-પહેરવેશ-લોકો, સંગીત-ફિલ્મો-શોખ બધું એક જ છે; બસ સરહદ જ એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ પાકિસ્તાન બનાવે છે. આ વાત પંખીના પીંછાની હળવાશથી અહીં રમતી મુકાઈ છે, પરંતુ ગરીબી અને બંદૂકની અણી કેટલાય જુવાનિયાઓનાં જીવન ઝેર કરી નાખે છે એ પીડા પણ ફિલ્મમાં હળવાશની સમાંતરે જ વહેતી રહે છે.

ફિલ્મમાં હીરો બનતો શરીબ હાશમી એક પણ ઍન્ગલથી આપણા ટિપિકલ બૉલીવુડ હીરોની વ્યાખ્યામાં ફિટ બેસતો નથી, પરંતુ ચલતાફિરતા બૉમ્બે ટૉકીઝ જેવા સનીની ઍક્ટિંગમાં ખરેખરી જીવંતતા દેખાય છે એટલું જ નહીં, આ ફિલ્મે માત્ર પ્રોમો પરથી તેના ડાયલૉગ થકી જ લોકોમાં કુતૂહલ જગાડેલું અને એનું શ્રેય પણ આ શરીબ હાશમીને જાય છે. ડાયલૉગ્સ લખવામાં પણ તેણે જ કલમ ઉપાડી છે. શરીબ હાશમી અને તેના જોડીદાર એવા ઇનામુલ હકની અફલાતૂન ઍક્ટિંગે આખી ફિલ્મમાં ક્યાંય કોઈ મોટી સ્ટારકાસ્ટની ખોટ વર્તાવા નથી દીધી.

સાચા સિનેપ્રેમીઓ માટે

‘ફિલ્મિસ્તાન’માં અડધો ડઝન ઉપરાંત એવા સીન્સ છે જે થિયેટર-હૉલમાં લાફ્ટર રાયટ ફેલાવી દે છે, પરંતુ પ્રોમો જોઈને કોઈ ટિપિકલ બૉલીવુડિયન કૉમેડી ફિલ્મ જોવાની અપેક્ષાએ આવેલા લોકો આ ફિલ્મથી નિરાશ થશે, કેમ કે એક તો આ ફિલ્મની ગતિ ધીમી છે. અહીં ફિલ્મમાં ‘મૈંને પ્યાર કિયા’ ચાલતી હોય તો ડિરેક્ટરે નિરાંતથી પ્રેક્ષકોના ચહેરાના હાવભાવ ઝીલ્યા છે. કૅમેરા-ઍન્ગલ્સ પણ કોઈ ડૉક્યુમેન્ટરી ફિલ્મ જોતા હોઈએ એ પ્રકારના જ રખાયા છે. ‘ફિલ્મિસ્તાન’માં ટિપિકલ સ્ટાર્ટ, ટેન્શન અને ફિનિશ નથી. ફિલ્મ એની પોતાની એકધારી ગતિથી ચાલી જાય છે. વળી બૅકગ્રાઉન્ડમાં મુકાયેલાં ગીતો પણ જાણે આપણે રાજસ્થાન-પાકિસ્તાનની સફરે નીકળ્યા હોઈએ અને ઊંટસવારી વખતે સાંભળતા હોઈએ એવાં કમ્પોઝ કરાયાં છે, જે આખો અનોખો માહોલ ઊભો કરે છે.

ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે આવી ફિલ્મો બનવી જોઈએ. ભલે એને ઝાઝા દર્શકો ન મળે, પણ ઍટલીસ્ટ આવી ફિલ્મો બબ્બે વર્ષ સુધી રિલીઝ માટે ટળવળતી રહે એ આપણી કમનસીબી છે. ફિલ્મપ્રેમના પૅકિંગમાં જેમને એક હૃદયસ્પર્શી દાસ્તાન માણવામાં રસ હોય તેમણે જ આ ફિલ્મ જોવાની તસ્દી લેવી, નહીંતર તેમને માટે ઓપન એન્ડિંગવાળી આ ‘ફિલ્મિસ્તાન’ કૉમેડીને બદલે ટ્રૅજેડી સાબિત થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK