ફિલ્મ રિવ્યુ : ફૅન

જબ તક હૈં ફૅન : એક પણ ગીત અને હિરોઇન ન હોવા છતાં આ ફિલ્મ શાહરુખના મજબૂત ખભા પર ઊભી છે

'Fan' - Movie Review


ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

‘ફૅન’ના એક દૃશ્યમાં ફિલ્મસ્ટાર આર્યન ખન્ના બનતો શાહરુખ ખાન મેકઅપ લગાવીને અરીસા સામે જુએ છે અને હજી આપણો સિક્કો ચાલે છે, બૉસ-ટાઇપનું સ્માઇલ કરે છે. છેલ્લા ઘણા સમયથી શાહરુખની ફિલ્મો એવા અરીસામાં જ કન્વર્ટ થઈ ગઈ છે, જેમાં પાત્ર ગમે તે હોય, દેખાય આપણને કિંગ ખાન શાહરુખ. આવી બસ, ‘મૈં હી હૂં’ ટાઇપની સતત નાર્સિસિસ્ટિક શાહરુખોત્સવ ઊજવતી ફિલ્મોમાં વધુ બોલ્ડ ઉમેરો છે ડિરેક્ટર મનીષ શર્માની ‘ફૅન’નો. આ ફિલ્મમાં ઘણાં આશ્ચર્યો છે, એમાંનું એક એ છે કે સ્ટાર અને ફૅન બનતા બન્ને શાહરુખોને તમે અલગ તારવી શકો છો. મતલબ કે ઘણા સમયથી ખોવાયેલો ઍક્ટર શાહરુખ પણ દેખાઈ આવ્યો છે.

નેવર અન્ડરએસ્ટિમેટ ધ પાવર ઑફ અ ફૅન : ટ્રેલરમાં બાજી છતી થઈ ગઈ છે એમ આર્યન ખન્ના (શાહરુખ ખાન) બૉલીવુડનો સુપરસ્ટાર છે. આપણને બતાવવામાં આવે છે કે તેણે ‘દીવાના’, ‘ડર’, ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જેવી (કોઈ શાહરુખ ખાનના નામે બોલતી) ફિલ્મો કરી છે. આ ફિલ્મો જોઈને શાહરુખના જ વતન દિલ્હીમાં મોટો થયેલો ગૌરવ ચાંદના (શાહરુખ નંબર-ટૂ) તેનો જબરો ફૅન બની ગયો છે. જુનિયર આર્યન ખન્ના તરીકે તે પોતાના ઇલાકાનો સ્ટાર છે. તેની લાઇફની એક જ તમન્ના છે આર્યન ખન્નાને મળીને તેની પાસેથી પોતે તેનો સૌથી મોટો ફૅન હોવાનું સર્ટિફિકેટ લઈ લેવું. આ ઘેલછામાં તે એવું પરાક્રમ કરી બેસે છે કે ઓરિજિનલ આર્યન ખન્ના કોપાયમાન થઈ જાય છે. કોઈ સ્ટાર પોતાના ફૅન સાથે આવું થોડું કરી શકે એ વિચારે મોહભંગ થયેલો ગૌરવ મનમાં જ કસમ ખાય છે, આર્યન ખન્ના, અબ સૈલાબ આએગા. હવે બાદશાહ-સ્ટાર અને તેના ડુપ્લિકેટ ફૅન વચ્ચેની આ મોહબ્બતેં કયા અંજામ સુધી પહોંચે છે એ માટે તો તમારે થોડો ખર્ચો કરવો પડે.

ફૅન સ્ટાર કે પીછે, સ્ટાર ફૅન કે પીછે, ટૂ મચ ફન : સ્ટારની પાછળ ગાંડા કાઢતા ફૅન જ્યારે પૂરી શિદ્દતથી તેની જ વાટ લગાડવામાં લાગી જાય એવી સંખ્યાબંધ ફિલ્મો આવી ચૂકી છે. આપણા મહેશ ભટ્ટે હૉલીવુડની ૧૯૮૧ની ‘ધ ફૅન’ પરથી સુસ્મિતા સેનને તેના મિસ યુનિવર્સ અવતારમાં જ લઈને ‘દસ્તક’ બનાવેલી. ડિરેક્ટર મનીષ શર્મા ભલે ઓરિજિનલ હોવાની ખાંડના બુકડા ભરતા હોય, પરંતુ તેમની આ ફિલ્મ અને ૧૯૯૬માં આવેલી રૉબર્ટ દ નીરો સ્ટારર અગેઇન એ જ નામની ‘ધ ફૅન’ ફિલ્મથી વધુ પ્રભાવિત દેખાય છે. જોકે એ સ્ટોરીમાં શાહરુખને પોતાના જ ફિક્શનલાઇઝ્ડ વર્ઝન તરીકે લેવાનો અને એક કાંકરે ઘણાંય પક્ષીને આંટી દેવાનો પરાક્રમી વિચાર આપણા ફિલ્મમેકર્સને જ આવી શકે.

રાહતની વાત એ છે કે માત્ર ભક્તમંડળી માટે જ બનતી ફિલ્મોથી થોડી અલગ એવી આ ‘ફૅન’માં શાહરુખે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કશુંક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. બન્ને રોલમાં શાહરુખ કોઈ પાત્રમાં હોય એવું લાગે છે, ઈવન કિંગ ખાનનું વાદળ સતત મંડરાતું રહેતું હોવા છતાં. દર વખતે શાહરુખ હાય હાય બ્રિગેડ તેના નામના છાજિયા કૂટવા માટે કોઈ ને કોઈ મુદ્દા શોધી જ કાઢે છે. આ વખતે એવું થયું નથી. બલકે ખુદ શાહરુખે પોતાના વિરોધીઓને સળી કરી લીધી છે. ફિલ્મમાં એક ઠેકાણે ડાયલૉગ પણ છે, ‘કમાલ કે દોગલે ફૅન હૈં. એક તરફ ઉસકી ફિલ્મોં કો ગાલી દેતે હૈં, ફિર ઉસકે બંગલે કે સામને ફોટો ખીંચવાને આ જાતે હૈં.’

યશરાજની ફિલ્મ હોય એટલે સ્વતંત્ર રીતે અફલાતૂન ફિલ્મો આપી ચૂકેલા લોકો પણ અહીં કામે લાગી ગયા હોય. ‘ફૅન’માં હબીબ ફૈઝલ અને શરત કટારિયા જેવા ટૅલન્ટેડ ફિલ્મમેકર્સે ડાયલૉગ્સ લખ્યા છે. ઉપરથી ‘બૅન્ડ બાજા બારાત’ ફેમ મનીષ શર્માની કાબેલ આંખે કેટલીક ખરેખર સ્વાદિક્ટ મોમેન્ટ્સ કૅપ્ચર કરી છે. ખાસ કરીને ફૅન શાહરુખના બધા જ સીન સરસ બન્યા છે. આર્યન ખન્નાના એક મિડલ ક્લાસ પરિવારના ચાહક તરીકે તેની લાઇફ, તેના જ નામ પરથી ચાલતો તેનો સાઇબર કૅફે એ. કે. સાઇબર ચૅટ, મોહલ્લાની સુપર સિતારા કૉન્ટેસ્ટ, વિધાઉટ ટિકિટ ટ્રેનમાં મુંબઈ સુધી મુસાફરી કરવાની તેની જીદ, આર્યન ખન્નાના બંગલાની બહાર (બૉમ્બે ટૉકીઝની મુરબ્બા-સ્ટોરી યાદ અપાવે એવો) ચાહકોની ભીડનો સીન વગેરે બધું જમાવટ કરે છે.

‘ચેન્નઈ એક્સપ્રેસ’માં શાહરુખે પોતાની ફિલ્મી લાઇફ પર હળવા કટાક્ષ કર્યા હતા. કદાચ આ ફિલ્મમાં એ વધુ કડવો અને રિયલિસ્ટિક બની ગયો છે. તેણે એક સુપરસ્ટારના ખાસ્સા ડાર્ક ગ્રે એરિયા બતાવ્યા છે. પૈસા માટે ધનવાનોનાં લગ્નોમાં નાચવું અને એ બદલ અનેક અપમાનો સહન કરવાં, એક સ્ટારનો ઈગો, ફૅન અને સ્ટાર વચ્ચેની ફાઇન લાઇન (મતલબ કે ફૅન આસપાસ ટોળે વળે તો ગમે, પણ પછી ચિપકે તો સ્ટાર અકળાઈ જાય), વાહિયાત સવાલો પૂછતું અને વાતોને તોડીને બ્લોઅપ કરતું મીડિયા, પોતાને હેરાન કરતી વિદેશની પોલીસ વગેરે ઘણી વાતો સ્માર્ટ્લી હાઇલાઇટ કરી દીધી છે. લંડનના પ્રખ્યાત મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં પોતાના નિર્જિવ લાગતા સ્ટૅચ્યુ પર પણ કમેન્ટ કરી દેવામાં આવી છે. માથે હૂડી પહેરીને લોકોની નજરથી દૂર ભાગતો સ્ટાર શાહરુખ સતત પોતે કરેલી

ટીવી-ઍડ્સની યાદ અપાવતો રહે છે. પોતાને ધિક્કારતા લોકોને શાહરુખે બીજા પાત્ર પાસે આડકતરી રીતે કહેવડાવ્યું પણ છે કે મારા ગ્લૅમરની અદેખાઈ કરતાં પહેલાં મારી મહેનત પર પણ એક નજર નાખો. ઈવન સમગ્ર ફૅન પ્રજાતિને પણ તેણે કહ્યું છે કે કોઈનો પડછાયો ન બનો, તમારી પોતાની આઇડેન્ટિટી બનાવો. સત્ય વચન.

‘ફૅન’માં શાહરુખના મેકઅપનાં ઘણાં વખાણ થયાં છે, પરંતુ એક તો શાહરુખને યુવાન દેખાડવા માટે કરાયેલા એ પ્રોસ્થેટિક મેકઅપમાં શાહરુખ ‘ચાઇલ્ડ્સ પ્લે’ જેવી હૉરર ફિલ્મના ભૂતિયા ઢીંગલા જેવો ડરામણો લાગે છે. ઉપરથી સગવડ માટે તે ફૅન ગૌરવના મેકઅપમાં થતી વધ-ઘટ પણ ચોખ્ખી જોઈ શકાય છે. મીન્સ કે જ્યારે લોકોને ઉલ્લુ બનાવવાના હોય ત્યારે ડુપ્લિકેટ ઓરિજિનલ જેવો લાગવા માંડે, નહીંતર ફરી પાછો ‘પાપી ગુડિયા’માં કન્વર્ટ થઈ જાય.

લવર-બૉય શાહરુખની ફિલ્મ કોઈ લવ-ટ્રૅક, શિફોન સાડીઓ લહેરાવતી હિરોઇન કે ગીતો વગર કલ્પી ન શકાય. અહીં ઘણી જગ્યાએ સિચુએશન હોવા છતાં એક પણ ગીત લેવામાં આવ્યું નથી. ઈવન મહિનાઓથી જેણે ઉપાડો લીધેલો છે એ ‘જબરા ફૅન...’ ગીત ફિલ્મમાં નથી.

ઇન્ટરવલ પહેલાં ખરેખર મજા કરાવતી આ ફિલ્મ સેકન્ડ હાફમાં રીતસર ઉંદર-બિલાડીની માઇન્ડલેસ ગેમ બની જાય છે. હૉલીવુડ ફિલ્મ ‘ધ ફૅન’માં રૉબર્ટ દ નીરોના મોઢે એક લાઇન બોલાવાયેલી કે ‘અમારા જેવા લોકો (ફૅન) વિના તમે (સ્ટાર) કશું જ નથી.’ ડિટ્ટો એ જ લાઇન અહીં હિન્દીમાં છે, પરંતુ એકઝાટકે એ વાત સાબિત થવા માંડે અને સ્ટારની ઇમેજ અરીસાની જેમ એક કાંકરી વાગતાંમાં તૂટી જાય એ વાત હજમ થાય એવી નથી (નહીંતર સલમાનની ફિલ્મોમાં અત્યારે કાગડા ઊડતા હોત). સામા પક્ષે એક સ્ટાર કોઈ પણ જાતના સર્પોટ-મેકૅનિઝમ વિના માથાફરેલ માણસને મજા ચખાડવા પહોંચી જાય, જીવના (અને પોતાનો લુક બગડવાના) જોખમે જેમ્સ બૉન્ડ સ્ટાઇલમાં ચેઝ કરવા નીકળી પડે એ પણ દિમાગનો ઝાંપો વટાવી શકે એવું નથી. હા, અફલાતૂન લોકેશન એવા દુબ્રોવનિકમાં થયેલી એ ચેઝ-સીક્વન્સ છે તબલાતોડ. સહેજ મળતો આવતો ચહેરો હોવા માત્રથી સ્ટારની પર્સનલ લાઇફમાં ઘૂસ મારવી એટલી ઈઝી હોત તો ગામેગામ રખડતા ડુપ્લિકેટો ન્યાલ થઈ ગયા હોત.

અહીં ફિલ્મનું પૂરેપૂરું ફોકસ શાહરુખ ઍન્ડ શાહરુખ પર જ છે એટલે સાઇડ ઍક્ટરો બિચારા હાંશિયામાં જ છે. છતાં નવી એન્ટ્રી તરીકે ઍક્ટર સચિનની ક્યુટ અને કૉન્ફિડન્ટ દીકરી શ્રિયા પિળગાવકર પર ધ્યાન ગયા વિના ન રહે.

તો પિક્ચર દેખને જાએં, મેરે દોસ્ત? :
દર અઠવાડિયે ઉપસ્થિત થતા આ વિરાટ પ્રfનનો ટૂંકો જવાબ છે, હા. શાહરુખ તમને ગમતો હોય કે ન ગમતો હોય, પણ શાહરુખની ગૌરવ તરીકેની ઍક્ટિંગ માણવાલાયક છે. ઓવરઑલ ઍક્ટર-રાઇટર-ડિરેક્ટરની ટીમે બનાવેલી આ વાનગી એક વાર તો પરિવાર સાથે બેશક ચાખવા જેવી છે જ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK