ફિલ્મ-રિવ્યુ : આઇ

અત્યંત લાંબી અને ઢીલી હોવા છતાં ભવ્ય કૅન્વસ પર બનેલી ડિરેક્ટર શંકરની આ મેગા ફિલ્મ એક વાર તો મોટા પડદે નિહાળવા જેવી જ છેજયેશ અધ્યારુ

અગાઉ ‘જિન્સ’, ‘નાયક, ‘સિવાજી’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા દક્ષિણના ધરખમ ફિલ્મમેકર શંકરની નવી ફિલ્મ ‘આઇ’નું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે ફિલ્મરસિયાઓ માથું ખંજવાળવા માંડેલા કે આ ફિલ્મમાં એક્ઝૅક્ટ્લી છે શું? ડિરેક્ટર શંકર વિશાળ કૅન્વસ પર મોટી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ ‘આઇ’ તાજેતરનાં વર્ષોમાં આવેલી સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. ત્રણ કલાક અને છ મિનિટ જેટલી ઍનાકોન્ડા છાપ લંબાઈ ધરાવતી આ ફિલ્મ વિશે પ્રશ્ન થાય કે તમિળમાંથી ડબ કરેલી ફિલ્મ આપણે શું કામ જોવી જોઈએ? વેલ, એનાં એક નહીં, ઘણાં કારણો છે. પણ પહેલાં ક્વિક સ્ટોરી.

દિલ, દોસ્તી અને દગાખોરી

ફિલ્મના પહેલા જ દૃશ્યમાં એક અત્યંત કદરૂપો ખૂંધવાળો બિહામણો માણસ નમણી નાજુક દિયા (ઍમી જૅક્સન)ને લગ્નમંડપમાંથી ઉઠાવીને ક્યાંક લઈ જાય છે. આ ઘટનાક્રમની સાથે જ ચાલતા એક ફ્લૅશબૅકમાં આપણને ખબર પડે છે કે આ દિયા તો જાહેરખબરોની દુનિયાનો એક જાણીતો ચહેરો છે. બીજી બાજુ ચેન્નઈની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતો લિંગેસન (વિક્રમ) આ દિયા પાછળ તદ્દન ક્રેઝી છે. બૉડીબિલ્ડર લિંગેસન મિસ્ટર તમિલનાડુ બનવા માટે પરસેવો પાડી રહ્યો છે અને મિસ્ટર ઇન્ડિયા બનવાનાં ખ્વાબ જુએ છે. હવે સંજોગોના પાસા એવા પડે છે કે લિંગેસન પણ મૉડલિંગની દુનિયામાં આવી ચડે છે અને તેના સપનાની રાણી દિયા સાથે તેને પ્રેમ પણ થઈ જાય છે. પરંતુ પ્રગતિની પતંગમાં લંગસિયાં ન નાખે તો દુનિયા થોડી કહેવાય? બસ, નફરતના ચાકડે બદલો લેવાની એક ખૂનખાર યોજનાનો પિંડ બંધાઈ જાય છે. સાથોસાથ આપણા મગજમાં પણ એક મુદ્દો વિચારવા માટે છુટ્ટો મૂકી દેવાય છે. અને હા, પેલો કદરૂપો ખૂંધવાળો માણસ કોણ હતો?

શા માટે જોવી ‘આઇ’?


અદાકાર વિક્રમ માટે : અગાઉ આપણે ‘રાવણ’ અને ‘અપરિચિત’ જેવી ફિલ્મોમાં આ અભિનેતાને જોઈ ચૂક્યા છીએ. અહીં આ ફિલ્મ ‘આઇ’માં વિક્રમે જેટલી મહેનત પોતાનું સ્નાયુબદ્ધ ગઠીલું શરીર બનાવવામાં કરી છે એનાથી ક્યાંય વધારે મહેનત તેણે એક સાવ અલગ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ બનવા માટે કરી છે. એ માટે તેને બે હાથે સલામ મારવી પડે. પૂરું થવાનું નામ જ ન લેતી આ ફિલ્મને વિક્રમે છેક સુધી લિટરલી પોતાના ખભે ઊંચકી બતાવી છે. હેવી મેક-અપથી ઢંકાયેલા હોવા છતાં વિક્રમે પોતાના પાત્રનાં ઇમોશન એટલી જ અસરકારકતાથી વ્યક્ત કર્યાં છે.

ડિરેક્ટર શંકર માટે : આ ફિલ્મના રાઇટર-ડિરેક્ટર એવા શંકર જો કીડી પર પણ ફિલ્મ બનાવે તો એ ડાયનોસૉર જેવડી હોય! શૂટિંગનાં સ્થળો હોય, ગીતો હોય, ફાઇટ્સ હોય કે ઇન્ટેન્સ ડ્રામા હોય, દરેક ઠેકાણે લગભગ ક્યારેય અગાઉ જોઈ ન હોય એવી અદ્ભુતતાનો ટચ જોવા મળે. હા, ફિલ્મ જોતી વખતે પાંપણો ઝપકાવતા રહેવું જેથી ડ્રાય આઇ સિન્ડ્રૉમ ન થઈ જાય! બીજા ડિરેક્ટરોને આ ફિલ્મથી ખુલ્લી ચૅલેન્જ છે કે ચીલાચાલુ બીબાંમાંથી નીકળીને આ પ્રકારનું ઇનોવેટિવ વિચારી બતાવો તો ખરા.

અફલાતૂન સિનેમૅટોગ્રાફી અને લોકેશન માટે : આખી ફિલ્મનાં લગભગ બધાં જ દૃશ્યોને જાણે કોઈ ઊડતા પંખીની પાંખ પર બેસાડીને શૂટિંગ કર્યું હોય એવી ફીલ આવે છે. વળી ડિરેક્ટરે લાંબા સમય સુધી ચીનમાં જઈને આપણે ક્યારેય ન જોયાં હોય એવાં સ્થળોએ શૂટિંગ કર્યું છે. રંગીન ફૂલોથી લદાયેલાં મેદાનો, લાલ રંગનું પાણી, જૅપનીઝ હોડીઓ, ઘરો... આ બધું જ આપણી પરંપરાગત માન્યતા કરતાં ક્યાંય જુદું અને અત્યંત ભવ્ય રીતે અહીં ઝીલાયું છે. ફલાણું દૃશ્ય કેવી રીતે શૂટ કર્યું હશે એ વિચારતા રહી જઈએ એવી જાદુગરીથી કૅમેરા ચલાવનારા પી. સી. શ્રીરામને પણ જેસી ક્રસ્ન કહેવા પડે.

થીમ બેઝ્ડ સૉન્ગ્સ માટે : ‘આઇ’ સાથે એ. આર. રહમાને વધુ એક ફિલ્મમાં નબળું સંગીત આપ્યું છે, પણ એ ગીતોને એવી ખૂબીથી ફિલ્માવાયાં છે કે સંગીતની નબળાઈ પર આપણું ધ્યાન જ ન જાય. દરેક ગીતને એક થીમ આપી છે. જેમ કે ‘અકલ મારી..’ ગીતમાં ટીવી, માછલી, પાણી, મોબાઇલ ફોન, બાઇક વગેરેમાંથી સ્પેશ્યલ ઇફેક્ટ્સ દ્વારા હિરોઇન બને છે. બીજા એક ગીત ‘તુમ તોડો ના..’માં વિખ્યાત પરીકથા ‘બ્યુટી ઍન્ડ ધ બીસ્ટયને જીવંત કરાઈ છે. આવું જ બાકીનાં ગીતોમાં પણ છે.

ફાઇટ-સીક્વન્સિસ માટે : જિમ્નેશ્યમમાં એક ગઠ્ઠાદાર હીરો પચાસેક પઠ્ઠા પહેલવાનોને ડમ્બેલની જેમ ઊંચકીને પછાડતો હોય એ ફાઇટ અને ચીનમાં ઘરોનાં છાપરાં પર કૂદકા મારતી સાઇકલોથી થતી ફાઇટ હોય, આમાંથી કશું જ આપણે અગાઉ જોયું હોય એવું યાદ આવતું નથી.

કમજોર કડી

૧૮૬ મિનિટ સુધી થિયેટરની સીટમાં બેસી રહેવું એ ગમે તેની ધીરજની કસોટી કરી લેતું કામ છે. આ ફિલ્મમાં ઘણાં સીન, ગીતો અને સાઇડ ટ્રૅક આસાનીથી એડિટ કરી શકાયાં હોત. ઘણે ઠેકાણે તો ફિલ્મ એટલી લંબાય છે કે આપણને માળીની કાતર લઈને પડદા પર ધસી જવાની ઇચ્છા થઈ આવે! પ્રેક્ષકોને હસાવવા માટે ગંદાં વનલાઇનર્સ અને ગલીચ ઇશારાઓની મદદ લેવાઈ છે, જે આ ફૅમિલી ફિલ્મમાં જરાય શોભતું નથી. ઈવન મોટે ભાગે ફિલ્મમાં કૉમેડી આપણને હસાવી જ શકતી નથી. એવું જ ઍક્ટિંગનું છે. હિરોઇન ઍમી જૅક્સન દેખાવમાં વાઇટ ચૉકલેટ જેવી મીઠડી લાગે છે, પણ ઍક્ટિંગમાં ડબ્બુ પુરવાર થાય છે. ખરેખર તો ફિલ્મમાં હીરો વિક્રમ સિવાય ઉપેન પટેલ કે અન્ય એક પણ કલાકારની ઍક્ટિંગમાં કશી ભલીવાર નથી.

સૌંદર્ય એટલે?


ક્રૂર હરકતનો અતિશય ક્રૂર બદલો લેવાની આ વાર્તા આપણને એક પ્રશ્ન સાથે છોડી મૂકે છે કે કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો ત્યારે માત્ર તેના દેખાવને જ ચાહો છો કે દેખાવની પાછળ રહેલા તેના આત્માને? જો ધીરજ હોય, ડબિંગ કરેલા સંવાદોની કે દક્ષિણના હીરોને જોવાની આભડછેટ ન હોય તો આ ફિલ્મની સિનેમૅટિક વૅલ્યુને મોટા પડદે જ માણવા જેવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK