ફિલ્મ-રિવ્યુ : દૃશ્યમ

તમારા નખની વસ્તી ઓછી કરી દે અને હૃદયના ધબકારા વધારી દે એવી આ અફલાતૂન સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કોઈ પણ ભોગે ચૂકવા જેવી નથીજયેશ અધ્યારુ


‘બાહુબલી’ની ગગનચુંબી સફળતાએ સાબિત કરી આપ્યું કે એક-એકથી ચડિયાતી ફિલ્મો બનાવવામાં દક્ષિણ ભારતનો ફિલ્મઉદ્યોગ આપણા બૉલીવુડ કરતાં દસ ડગલાં આગળ છે. એમાં વધુ એક ઉમેરો છે ‘દૃશ્યમ’. વાતના છેડા છેક જપાનમાં અડે છે. ૨૦૦૫માં જપાનમાં ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ હ્’ નામની થ્રિલર નવલકથા એવી સુપરહિટ થઈ કે એની વીસ લાખથીયે વધુ નકલો વેચાઈ ગઈ. એના પરથી જપાનમાં જ ‘સસ્પેક્ટ હ્’ નામની ફિલ્મ બની. એના પરથી ૨૦૧૨માં સાઉથ કોરિયામાં ‘પર્ફેક્ટ નંબર’ નામની ફિલ્મ બની. એ પછી વારો આવ્યો ભારતનો. મૂળ વાર્તા પરથી પ્રેરણા લઈને કેરળના ટૅલન્ટેડ ફિલ્મમેકર જિતુ જોસેફે સુપરસ્ટાર મોહનલાલને લઈને ૨૦૧૩માં ‘દૃશ્યમ’ નામે ફિલ્મ બનાવી. મલયાલમ ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન પામનારી એ ફિલ્મ પછી તો બધી દક્ષિણ ભારતીય ભાષાઓમાં બની. હવે છેક હિન્દીમાં નિશિકાંત કામતે અજય દેવગન, તબુ અને શ્રિયા સરનને લઈને એ જ નામથી એની વધુ એક રીમેક બનાવી છે. બિલોરી કાચ લઈને જોઈએ તો દેખાતા અમુક વાંધાવચકાને બાદ કરતાં આ ફિલ્મ એક અફલાતૂન સસ્પેન્સ થ્રિલર છે એમાં કોઈ બેમત નથી.

સચ, જૂઠ અને સાબિતી

વિજય સાળગાંવકર (અજય દેવગન) ગોવામાં કેબલ-સર્વિસ ચલાવે છે. પ્રેમાળ પત્ની નંદિની (શ્રિયા સરન) અને બે દીકરીઓના સ્નેહના મજબૂત તાંતણે બંધાયેલો તેનો પરિવાર. માંડ ચાર ચોપડી ભણેલા વિજયને એક ગાંડો શોખ છે ફિલ્મો જોવાનો. ફિલ્મો જોઈ-જોઈને તેનું દિમાગ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે તેજ થઈ ગયું છે. હવે કરમનું કરવું ને ગોવાનાં ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મીરા દેશમુખ (તબુ)નો જુવાન દીકરો ગાયબ થઈ જાય છે. તેને ગાયબ કરવાનું આળ આવે છે આ વિજય સાળગાંવકર પર. હવે સવાલ એ છે કે શું ભગવાનના માણસ જેવા દિલેર અને બચરવાળ માણસનું એ કેસ સાથે કોઈ જોડાણ હોઈ શકે ખરું? અને આમેય કાનૂન તો સબૂત માગેને? એ સબૂત એટલે કે પુરાવા મળશે ખરા? સવાલો ઘણા છે, જવાબ એક જ છે - ફિલ્મ પોતે.

કિલર થ્રિલર

ફિલ્મ જોતાં-જોતાં ભેજાનું દહીં થઈ જાય એવી વાર્તાઓ કહેવાની એક પૅટર્ન હોય છે. શરૂઆતમાં એક ક્રાઇમ થઈ જાય અને બાકીની ફિલ્મ એના ફૉલો-અપ તરીકે આગળ વધ્યા કરે. જ્યારે આ ‘દૃશ્યમ’નું કામકાજ એના કરતાં ઊંધું છે. શરૂઆતમાં ખાસ્સો પોણો કલાક સુધી આપણને મસ્ત ગોવાદર્શન કરાવવામાં આવે. વિજય સાળગાંવકરની નાનકડી પણ મીઠડી દુનિયા બતાવાય. તેનો પરિવાર, તેના મિત્રો, કરપ્ટ પોલીસવાળા સાથે તેની નોકઝોક, તેના કેબલ-સર્વિસના અસિસ્ટન્ટ સાથે તેની હળવી માથાકૂટો... આપણને થાય કે આ શું ટાઇમની બરબાદી કરે છે? ઝટ મુદ્દા પર આવોને. પરંતુ જેવી એક ઘટના બને કે તરત જ ફિલ્મ સીધી ચોથા ગિયરમાં આવી જાય. એટલું જ નહીં, છેક છેલ્લી ઘડીએ આખા સસ્પેન્સનું પડીકું ખૂલે ત્યારે આપણા દિમાગમાં અચાનક હેલોજન લૅમ્પનો ઉજાસ પથરાઈ જાય કે ભઈ, શરૂઆતમાં આપણને જ્યાં સુસ્તી લાગતી હતી ત્યાં તો કેટલીયે વાતોનાં રહસ્ય છુપાયેલાં હતાં.

ફ્રાન્સમાં રૉબર્ટ બ્રેસોં નામના એક ફિલ્મમેકર થઈ ગયા. આપણે આપણા હૃદયના ધબકારા સાંભળી શકીએ એવી થ્રિલ ઊભી કરવામાં તેમની માસ્ટરી. તેમની એક કૉમન થીમ એ રહેતી કે વાર્તામાં શું થયું, કોણે કર્યું એ નહીં પણ કેવી રીતે કરશે એ પ્રfન હવામાં લટકતો રહેતો. બસ, આ ‘દૃશ્યમ’ એવી જ છે. અહીં જે કંઈ બને છે એ બધું જ તમારી સામે છે. છતાં તદ્દન અશક્ય લાગતી એક સ્થિતિમાંથી માણસ કેવી રીતે નીકળી શકે છે એમાં જ બધો રોમાંચ સમાયેલો છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી ફિલ્મ એ હદે તમને જકડી લે છે કે દર થોડી વારે તમને છાતીમાં થડકારો થાય કે હે મા, માતાજી; હવે તો ગયા.

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે જે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછીયે તમારી સાથે રહે. ‘દૃશ્યમ’ એમાંની એક છે. કલાકો સુધી તમે વિચાર્યા કરો કે પેલાનું શું થયું? ફલાણાનું તેમ શા માટે ન થયું? ઘણા એવીયે ફરિયાદો કરશે કે અજય દેવગન ફૅમિલી-મૅન છે તો પત્ની અને બે દીકરીઓને એકલી મૂકીને રાતોની રાતો પોતાની કેબલની ઑફિસમાં જ કેમ પડ્યો રહે છે? ફિલ્મનો પહેલો ટર્નિંગ પૉઇન્ટ જ્યાં આવે છે એ સીન પૂરતો કન્વિન્સિંગ લાગતો નથી. ઉપરથી જે લોકો એનું ઓરિજિનલ મલયાલમ વર્ઝન જોઈને બેઠા છે તેઓ અભિનેતા મોહનલાલ (તબુવાળી તેમની ‘સઝા-એ-કાલા પાની’ યાદ છેને?)ના નામનો જ જયજયકાર બોલાવશે. કાયદાનાં ચશ્માં પહેરીને ફિલ્મ જોઈએ તો લાગે કે આ તો ખોટું છે યાર. એમ છતાં તમે છેક સુધી કોનો પક્ષ લેવો એ નક્કી ન કરી શકો એ આ ફિલ્મની સફળતા છે. ઊલટું, તમે જ્યારે એક નખશિખ થ્રિલર જોયાના સંતોષ સાથે થિયેટરની બહાર નીકળો ત્યારે તમને એવો પણ વિચાર આવે કે શરૂઆતમાં જે વિગતો સાવ ધીમી, બોરિંગ અને સામાન્ય જણાતી હતી એમાં જ ઘણાંબધાં રહસ્યો છુપાયેલાં હતાં. એ વિગતો રીકૉલ કરવા માટે

તમે ફરી એક વાર ફિલ્મ જોવાનું નક્કી કરી લો.


અંગ્રેજીમાં મેક-બિલીવ નામનો એક શબ્દપ્રયોગ છે. જ્યારે આપણી આંખો સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે સત્ય અને છળ વચ્ચે તફાવત કરવો જ અશક્ય બની જાય. આ પ્રકારની થીમ ધરાવતી ‘કત્લ’ (સંજીવકુમાર), ‘ડાયલ M ફૉર મર્ડર’ (ઑલ્ફ્રેડ હિચકૉક), ‘ધ પ્રેસ્ટિજ’ (ક્રિસ્ટોફર નોલાન), ‘નાઓ યુ સી મી, યુઝ્અલ સસ્પેક્ટ્સ’ (હિન્દીમાં ‘ચૉકલેટ’), ‘જૉની ગદ્દાર’ વગેરે ક્લાસિક ફિલ્મો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આ હિન્દી ‘દૃશ્યમ’ એટલી મહાન છે કે નહીં એ વિશે મતભેદ હોઈ શકે, પરંતુ એને આ કૅટેગરીમાં મૂકી શકાય એ નિ:શંક વાત છે. આ લિસ્ટમાં અજય દેવગનની જ ૨૦૦૨માં આવેલી હૉલીવુડની ‘પ્રાઇમલ ફિયર’થી પ્રેરિત ફિલ્મ ‘દીવાનગી’નો પણ સમાવેશ કરી શકાય.

શુભસ્ય શીઘ્રમ દૃશ્યમ

જો પાણીમાંથી પોરા કાઢવા બેસીએ તો ફિલ્મની ધીમી શરૂઆત અને એનર્જી‍ વિનાની ઍક્ટિંગથી લઈને ગુલઝાર-વિશાલ ભારદ્વાજનાં બે ઠીકઠાક પરંતુ અહીં તદ્દન વણજોઈતાં ગીતો, અજય દેવગનની ઓછી ઇમોશનલ અપીલ, ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ઓછી ટફ લાગતી તબુ, વેડફાયેલા રજત કપૂર, ૧૬૩ મિનિટની લંબાઈ વગેરે ઢગલો મુદ્દા મળી શકે. પરંતુ સામે બોચીએથી પકડી લેતું સેકન્ડ હાફનું ગજબનાક થ્રિલ, કોઈ પણ બીબાઢાળ થ્રિલર ફિલ્મથી અલગ એકદમ ફ્રેશ

વાર્તા, ધીમે-ધીમે અનફોલ્ડ થતું સત્ય, સબ-ઇન્સ્પેક્ટર ગાયતોંડે બનતા ઍક્ટર કમલેશ સાવંત પર તમને ચડતી દાઝ, તરત જ ટિકિટ કઢાવી લેવાનું મન થાય એવું (‘મસાન’ ફેમ) અવિનાશ અરુણે ઝીલેલું લીલુંછમ ગોવા જેવા અઢળક પ્લસ પૉઇન્ટ્સ પણ દેખાઈ આવશે. સો વાતની એક વાત, વહેલી તકે પર્ફેક્ટ ફૅમિલી થ્રિલર એવી ‘દૃશ્યમ’ જોઈ આવો. શક્ય હોય તો ઓરિજિનલ મલયાલમ ‘દૃશ્યમ’ જોશો તો થ્રિલનો ગુણાકાર પણ થશે. સાથોસાથ એ વાતની પ્રતીતિ પણ થશે કે અલ્ટિમેટ્લી તો સ્ટારપાવર કરતાં સ્ટોરીપાવર વધારે મહાન હોય છે.

સ્ટાર- ****

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK