ફિલ્મ-રિવ્યુ : ડર્ટી પૉલિટિક્સ

ચેતવણી : જો ભૂલેચૂકેય તમે આ ફિલ્મમાં ઘૂસી ગયા તો તમને આત્મઘાતી વિચારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઈવન ફિલ્મ જોઈને સાંગોપાંગ બહાર નીકળી જાઓ તો પણ તમને રીહૅબિલિટેશનની જરૂર પડી શકે છે


dirty politics

જયેશ અધ્યારુ


આમ તો મલ્લિકા શેરાવત શરીર ઢાંકવા માટે તિરંગો ઓઢીને લાલ બત્તીવાળી કાર પર બેઠી હોય એવું પોસ્ટર જોઈને જ ફિલ્મમાં કેવા પ્રકારની સામગ્રી હશે એનો અછડતો ખ્યાલ આવી જાય, પરંતુ સવાબે કલાકની આ ફિલ્મ જોયા પછી આપણને પહેલો સવાલ એ આવે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આવી થર્ડ-રેટ ફિલ્મ બને એ તો જાણે સમજ્યા, પરંતુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ધરખમ કલાકારોને આટલી રેઢિયાળ ફિલ્મમાં કામ કરવું પડે એવી તે કઈ મજબૂરી હશે?

સેક્સ-પૉલિટિક્સનું ડર્ટી કૉકટેલ

ઉત્તેજક ગીતો પર ડાન્સ કરતી એક નૃત્યાંગના અનોખી દેવી (મલ્લિકા શેરાવત) પર વયોવૃદ્ધ રાજકીય નેતા દીનાનાથ (ઓમ પુરી) ફિદા થઈ જાય છે. અનોખીની કાયાનાં કામણમાં કેદ થયેલા દીનાનાથ તેને રાજકારણમાં ખેંચી લાવે છે, પરંતુ રાજકારણની કિંગમેકર બનવા લાગેલી અનોખીની વધતી દાદાગીરી દીનાનાથ બાબુને સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં મૂકી દે છે એટલે બસ, એક દિન અચાનક અનોખી ગાયબ. સામાજિક કાર્યકર મનોજ સિંહ (નસીરુદ્દીન શાહ)ના પ્રેશરથી આખો કેસ CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપાય છે. CBIના બાહોશ ઑફિસર સત્યપ્રકાશ મિશ્રા (અનુપમ ખેર) બે પોલીસ-અધિકારી નિર્ભય સિંહ (અતુલ કુલકર્ણી) અને નિશ્ચય સિંહ (સુશાંત સિંહ)ની મદદથી કેસ સૉલ્વ કરી નાખે છે, પરંતુ ત્યાં સુધીમાં તમે થિયેટરની બહાર ભાગી છૂટવાના રસ્તા શોધવામાં પડી જાઓ એવી સ્થિતિ આવી જાય છે.

આખિર ક્યોં?

આ ફિલ્મની શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ એટલાબધા ઍક્ટરોનો ઢગલો થઈ જાય છે કે આપણે મૂંઝાઈને ટીકુ તલસાણિયા જેવો ડાયલૉગ બોલી નાખીએ કે આખિર યે ક્યા હો રહા હૈ? જાણે ATMમાંથી ચલણી નોટો બહાર નીકળતી હોય એ રીતે ધડાધડ જૅકી શ્રોફ, અતુલ કુલકર્ણી, સુશાંત સિંહ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, આશુતોષ રાણા, અનુપમ ખેર, રાજપાલ યાદવ, ગોવિંદ નામદેવ અને મલ્લિકા શેરાવત જેવા કલાકારોનો ખડકલો થવા માંડે છે. એક સિમ્પલ સ્ટોરીને અલગ અંદાજમાં કહેવાની લાલચમાં ડિરેક્ટર કે. સી. બોકાડિયાએ નૉન-લિનિયર સ્ટાઇલમાં અધવચ્ચેથી સ્ટોરી શરૂ કરી છે જે આપણા દિમાગમાં ઊતરવામાં થોડો ટાઇમ લગાડે છે, પરંતુ એક વાર સ્ટોરી સમજમાં આવ્યા પછી ક્લિક થાય છે કે અમા યાર, આ વાર્તામાં નવું શું છે? અગાઉ પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ જેવી ફિલ્મમાં શ્રુતિ સેઠ અને અજુર્‍ન રામપાલનાં પાત્રો વચ્ચે જોવા મળેલા એક ટાંકણીના ટોપકા જેવા નાનકડા ટ્રૅકને અહીં ખેંચી-તાણીને પરાણે આખી ફિલ્મનું સ્વરૂપ આપી દેવાયું હોય એવું જ લાગે છે.

કહેવાય છે કે આ ફિલ્મ રાજસ્થાનનાં ભંવરી દેવી અને કૉન્ગ્રેસી નેતા મહિપાલ મદેરણાના અશ્લિલ CDકાંડ પરથી બની છે, પરંતુ વાર્તાની દ્રષ્ટિએ એમાં કશું જ નવું નથી. ઉપરથી રાઇટર-ડિરેક્ટર કે. સી. બોકાડિયાની ટ્રીટમેન્ટ પણ એટલી જૂનીપુરાણી છે કે ક્યાંય એવું લાગતું જ નથી કે આ નવી ફિલ્મ છે. જાણે કેબલ ટીવી પર કોઈ વાસી સસ્તી ભોજપુરી ફિલ્મ જોઈ રહ્યા હોઈએ એવી વાસ સતત ફિલ્મમાંથી આવ્યા કરે છે. તદ્દન નકલી લાગે એવી ફાઇટ, શરાબ-સુંદરી અને સત્તાના નશામાં રત રહેતા ભ્રષ્ટ નેતાઓ, ગુંડાઓ અને પોલીસ સાથે તેમનું નેક્સસ, સાસ-બહૂની સિરિયલો જેવા ઝૂમ અને ફ્રીઝ થઈ જતા શૉટ્સ, તદ્દન નાટકીય અને શીખાઉ લાગે એવી ઍક્ટિંગ... યકીન માનો, આ બધું જ આપણી ફિલ્મોમાંથી એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે.

સૌથી વધુ ગુસ્સો આપણને આલા દરજ્જાના અદાકારોને આ ફિલ્મમાં રાષ્ટ્રીય સંપત્તિની જેમ વેડફાતા જોઈને આવે. નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાને કોઈ નાની કૉલેજના એકાંકીમાં બોલાતા હોય એ પ્રકારના શીખાઉ સંવાદો બોલતા જોઈને ચોખ્ખી ખબર પડે છે કે તેઓ આ ફિલ્મમાં જરાય ઓતપ્રોત નથી. આખી ફિલ્મમાં સતત પીધેલા લાગતા ઓમ પુરીને મલ્લિકા શેરાવત સાથે બેડરૂમ-સીન આપતા કે તેના પગના નખ રંગી દેતા જોઈને અરેરાટી થઈ આવે છે. માત્ર અમુક વર્ગના પ્રેક્ષકોને ગલગલિયાં કરાવવા માટે જ આવા સીન નખાયા છે એ ચોખ્ખી ખબર પડી જાય છે.

શટલકૉકની જેમ અહીંથી તહીં ફંગોળાતી આ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, સુશાંત સિંહ, જૅકી શ્રોફ કે રાજપાલ યાદવના ભાગે નક્કર કહી શકાય એવું કશું કામ આવ્યું નથી. આ ફિલ્મને થોડીઘણી સહ્ય બનાવે છે અનુપમ ખેરની ‘અ વેન્સ્ડે’ સ્ટાઇલની મારફાડ. નો-નૉનસેન્સ ઍક્ટિંગ અને વારેઘડીએ રંગબેરંગી કોટી પહેરતા મુચ્છડ આશુતોષ રાણા. અને હા, આટલા ધરખમ અદાકારો હોવા છતાં આ નબળી ફિલ્મને વેચવા માટે જેની જરૂર પડી એ મલ્લિકા શેરાવતને તો કેમ ભુલાય? વધારે પડતા મેકઅપમાં પણ મલ્લિકા હૉટ લાગે છે, પરંતુ તેનું ગ્લૅમર આ ડૂબતી ફિલ્મને તારી શકે એમ નથી. અરે, ઇન્ટરવલ પછી વીસેક મિનિટમાં પતી જાય એવી સ્ટોરીને એટલીબધી ખેંચીને છેક નૉનસેન્સપુર નામના સ્ટેશન સુધી લઈ જવાઈ છે. જાણે ડિરેક્ટર આપણને ચૅલૅન્જ આપતા હોય કે તાકાત હોય તો છેક સુધી બેસીને બતાવો તો જાણીએ.

દુ:ખ સાથે નોંધવા જેવી બીજી એક વાત એ છે કે કથળી ગયેલી વર્તમાન પરિસ્થિતિના વર્ણન માટે હમણાંથી ગાંધીજીને વચ્ચે લાવવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. નોટ પરના ગાંધીજીને સંબોધીને કમેન્ટો પાસ કરીને કે બાપુનાં પૂતળા-તસવીર સામે અસામાજિક હરકતો થતી બતાવીને જાણે ગાંધીજી હવે વ્યર્થ છે એ બતાવવાનો અત્યંત હલકો પ્રયાસ થઈ રહ્યો છે. નવી પેઢીના મનમાં ગાંધીજી પ્રત્યે પરાણે અણગમો પેદા કરવાના પ્રયાસ કરવાનો કોઈ હેતુ ખરો?

બચીને રહેજો, સ્વાઇન ફ્લુ અને આ ફિલ્મ બન્નેથી

હોળી જેવો તહેવાર હોય, ક્રિકેટનો વર્લ્ડ કપ ચાલતો હોય, વીકએન્ડ હોય ત્યારે પરિવારજનો સાથે ગમતીલો સમય પસાર કરવાને બદલે જો આવી મહાકંગાળ ફિલ્મ જોવા ગયા તો જનતા માફ નહીં કરેગી. સ્વાઇન ફ્લુથી બચવા માટે જેવી કાળજી રાખો છે એટલી જ કાળજી આ ફિલ્મ જોવાઈ ન જાય તેની પણ રાખજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK