ફિલ્મ રિવ્યુ : દિલવાલે

પૈસેવાલે, દિમાગવાલે, કારવાલે - શાહરુખના સ્ટાર પાવર અને માર્કેટિંગના બૉમ્બાર્ડિંગની પાછળ આ ફિલ્મ એક કલરફુલ બૉક્સમાં પૅક થયેલો ખાલી ડબ્બો માત્ર છે

dilwaleજયેશ અધ્યારુ

શાહરુખ-કાજોલની જોડી ફરી આવી રહી છે, રોહિત શેટ્ટીની ફિલ્મ છે, ‘હમ’ની રીમેક છે વગેરે પ્રચારના હથોડા છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી આપણા માથે મરાઈ રહ્યા હતા. જાણે થિયેટરમાં સાક્ષાત દેવદર્શન થવાનાં હોય એમ ટિકિટના ભાવ પણ રૉકેટની જેમ આસમાને પહોંચાડી દેવાયેલા. લેકિન આખિર જિસકા ડર થા વહી હુઆ. જમાના જૂની ચપટીક સ્ટોરીને ફૂવડ કૉમેડી અને ઘોંઘાટિયા ઍક્શન-સીક્વન્સ સાથે પૅક કરીને ફરી પાછી પીરસી દેવામાં આવી છે.

ગૅન્ગસ્ટરવાલા લવ

રોહિત શેટ્ટીની ફિલ્મ છે એટલે વાર્તા નૅચરલી ગોવાથી જ શરૂ થાય છે. અહીં દાઢીવાળો રાજ (શાહરુખ ખાન) કાર મૉડિફિકેશન કંપની-કમ-ગૅરેજ ચલાવે છે. તેનો એક છોટે ભૈયા છે વીર (વરુણ ધવન). આ ક્યુટ ભૈયાને એક દિવસ ઈશિતા (ક્રીતિ સૅનન) નામની ફટાકડી સાથે ઇન્સ્ટન્ટ્લી લવ થઈ જાય છે. બેયને પરણવું તો છે, પણ એ રિશ્તાની વચ્ચે તેના વાંઢા બડે ભૈયાનો બંદૂકડીવાળો ભૂતકાળ વચ્ચે આવી જાય છે. આ ભૂતકાળના છેડા વીતેલા જમાનાની ક્યુટ ગુંડી મીરા (કાજોલ) સાથે ટચ થાય છે. બસ, ફ્લૅશબૅકવાળી આ ખીચડીમાં ઘી કેવી રીતે ઢોળાય છે એ જોવામાં જ અઢી કલાક કાઢવાના છે.

નો દિમાગ, ઓન્લી બકવાસ

પહેલી વાત તો એ કે શાહરુખ-કાજોલની જોડીને આજે બે દાયકા પછીયે સમયનો કાટ નથી લાગ્યો. આજે ઉંમર છુપાવવા કાજોલને થોડા વધારે મેકઅપની અને શાહરુખને દાઢીની જરૂર પડે છે, પણ બન્ને જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે મોંમાંથી એક સીટી તો નીકળી જ જાય. પરંતુ બન્નેને સાથે બતાવવામાત્રથી સારી ફિલ્મ બની જતી હોત તો રોહિત શેટ્ટીએ ‘દિલવાલે’નું માત્ર પોસ્ટર જ રિલીઝ કર્યું હોત.

‘દિલવાલે’નો સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે એમાં રાઇટરો અને ડિરેક્ટર પાસે કહેવા માટે કંઈ જ નવું નથી. કદાચ રોહિતે વિચાર્યું હોય કે પડદા પર શાહરુખ બે હાથ પહોળા કરી દે એટલે સો-બસો કરોડ તો આમ ભેગા થઈ જશે. એટલે જ બે ગૅન્ગસ્ટર વચ્ચેની દુશ્મનીની દાયકાઓ જૂની દાસ્તાનને ઉભડક રીતે બતાવી દેવા સિવાય ફિલ્મની મુખ્ય વાર્તામાં કશું જ નથી. ઈવન, ઇન્ટરવલ પછી તો વાર્તામાં કોઈ પણ પ્રકારનો કૉફ્લિક્ટ જ રહેતો નથી. બસ, એક પછી એક સીન-ગીત આવ્યા કરે અને ફિલ્મ ખેંચાયે રાખે. જાણે પબ્લિકને ઠીક મારા ભૈની જેમ ગણતા હોય એમ ટિપિકલ કાર-સ્ટન્ટથી હીરોની એન્ટ્રી, એક હીરોનો મારફાડ ઍટિટ્યુડ જસ્ટિફાય કરવા એક વણજોઈતી ફાઇટ, એકાદું પાર્ટી સૉન્ગ, એકાદ જોડી લવ સૉન્ગ્સ અને આર્ટિફિશ્યલ ફ્લેવર નાખી હોય એવા ઇમોશન્સ. પરંતુ આ બધાથી એક મસાલા પૉટબૉઇલર ફિલ્મ ન બને. એટલે કાટૂર્‍ન જેવાં અડધો ડઝન પાત્રો લઈને તેમની પાસે કૉમેડી સર્કસ ટાઇપના લાંબા-લાંબા સીન કરાવવાના. અહીં આ કાટૂર્‍ન નેટવર્કનાં પાત્રોમાં જૉની લીવર, વરુણ શર્મા (ઉર્ફ ચૂચો), મુકેશ તિવારી, સંજય મિશ્રાને લેવામાં આવ્યા છે. સંજય મિશ્રા જેવા ટૅલેન્ટેડ ઍક્ટરનો તો અહીં રોહિત શેટ્ટીએ પોતાની જ જૂની ફિલ્મ ‘ઑલ ધ બેસ્ટ’નો રોલ વિથ ડાયલૉગ ડિલિવરી રિપીટ કરાવ્યો છે. સૌથી કરુણ હાલત બમન ઈરાનીની છે. કાટૂર્‍ન ગૅન્ગસ્ટર બનેલા બમનની ફિલ્મમાં કારના સ્પેર વ્હીલ જેવી જ હાલત છે.

અઢી કલાક લાંબી આ ફિલ્મમાં ઍક્ચ્યુઅલ સ્ટોરી લગભગ પોણો કલાક પછી જ સ્ટાર્ટ થાય છે. એમાં શાહરુખ-કાજોલની ઓલ્ડ વાઇન જેવી લવ-સ્ટોરી જોવા મળે છે. એમાં એક સીનમાં શાહરુખ કાજોલને માત્ર પાંચ મિનિટની ડેટમાં આખી ઈવનિંગની મજા કરાવી દે છે. આ સીન લોકોને હસાવવામાં સફળ થાય છે. પરંતુ જો તમે અંગ્રેજી કૉમેડી સિરિયલો જોવાના શોખીન હશો તો ‘હાઉ આઇ મેટ યૉર મધર’ નામની પ્રખ્યાત સિરિયલનો ટૂ મિનિટ ડેટ નામનો પ્રખ્યાત સીન યાદ હશે (ન હોય તો ઇન્ટરનેટ પર છે જ). આ સીન અહીં બેઠ્ઠો લઈ લેવાયો છે. ઓકે, બડી બડી ફિલ્મોં મેં ઐસી છોટી છોટી ઉઠાંતરી હોતી રહતી હૈ. શાહરુખ-કાજોલની જોડી સરસ દેખાતી હોવા છતાં અગાઉ એમાં જે સાચો પ્રેમ ફીલ થતો હતો એ હવે અહીં અનુભવાતો નથી.

શાહરુખ પાસે છૂટક ઢીંકાપાટુ સિવાય, કાજોલ પાસે દુપટ્ટો લહેરાવવા સિવાય અને વરુણ ધવન પાસે કાલું-કાલું બોલવા સિવાય ખાસ કશું કામ રહ્યું નથી એટલે રોહિતે ટાઇમપાસ કરવાનું કામ અગેઇન કૉમેડિયનોને સોંપી દીધું છે. ફિલ્મનો સારો એવો ટાઇમ કૉમેડિયનો જ પાસ કરે છે. આમ તો સાજિદ-ફરહાદે લખેલા ‘નીચે સે બ્લૅકબેરી ઉપર સે બપ્પી લહેરી‘ જેવા ડાયલૉગ હોય એટલે સેન્સિબલ કૉમેડીના ગ્રાહકો દૂર જ રહે, પરંતુ આ ફૂવડ કૉમેડી પણ ઘણે ઠેકાણે હસાવી દે છે એટલું ખરું.

આ ફિલ્મમાં ઘણા લાંબા સમયે કબીર બેદી અને વિનોદ ખન્ના પણ સ્ક્રીન પર દેખાયા છે. પરંતુ એ બન્નેના ખરાબ થઈ ગયેલા અવાજ તરત જ આપણા મગજમાં ખટકે છે. એ બન્નેની ભૂમિકા પણ દૂધમાં મેળવણથી વધારે નથી.

પ્રચંડ માર્કેટિંગ અને ટિકિટના ભાવો વધારીને એટલું તો ક્લિયર છે કે આ ફિલ્મ પ્યૉર પૈસાના પોઇન્ટ ઑફ વ્યુથી બનાવાઈ છે. એટલે તમે તમારા પૈસા વસૂલ કરવા માટે થિયેટરમાં આટલું કરી શકો : શાહરુખની દરેક અદા અને બન્ને ભાઈના બ્રોમાન્સવાળા ડાયલૉગ્સ પર સીટીઓ મારી શકો, શાહરુખ કેટલી વાર હાથ પહોળા કરે છે, કુલ કેટલા ગૉગલ્સ પહેરે છે અને કાજોલ કેટલી વાર દુપટ્ટો લહેરાવે છે એ ગણી શકો, રાષ્ટ્રીય ભાઈ એવો વરુણ શર્મા ટોટલ કેટલી વાર ભાઈ અને ભૈયા બોલે છે એ ગણી શકો, સ્ક્રીન પર કુલ કેટલી વાર વિન્ટેજ ટાઇપની રંગબેરંગી વિચિત્ર મૉડલની ગાડીઓ દેખાય છે એ કાઉન્ટ કરી શકો અને ક્રીતિ સૅનનના ડ્રેસની ડિઝાઇન પણ ડિસ્કસ કરી શકો. ટૂંકમાં આ ફિલ્મમાં તમને બિઝી રાખવાનો પૂરો મસાલો છે. કદાચ સવાલ થાય કે અહીં તો બધાં મુખ્ય પાત્રો ખૂનખાર ગૅન્ગસ્ટર છે તોય આવી પોલીસના અસ્તિત્વ વિનાની પાવિhય ઔર ભક્તિરસ સે ભરપૂર લાઇફ કઈ રીતે જીવે છે? તો ચેક કરજો, તમારું સાઇલન્ટ મોડ પર મૂકેલું દિમાગ ભૂલથી ઍક્ટિવેટ થઈ ગયું હશે.

ધારો કે છતાંય તમને આ લાંબી ફિલ્મમાં કંટાળો આવે તો છ ગીતો આપીને એકી-પાણી-નાસ્તાનો પૂરો પ્રબંધ પણ રોહિતભાઈએ કર્યો છે. પણ હા, ખબરદાર. ગેરુઆ, જનમ જનમ અને દાયરેમાં અરિજિત સિંહે મસ્ત ગળું ખંખેર્યું છે એ ન ચૂકશો. એમાંય ગેરુઆના પિક્ચરાઇઝેશનમાંથી તો તમે પંચમહાભૂતની મહાન ફિલોસૉફી પણ તારવી શકો.

ફૅન્સ ઓન્લી પ્લીઝ

એટલું તો ક્લિયર છે કે જેમણે દિલ પર શાહરુખના નામનું ટૅટૂ ચીતરાવ્યું હોય એ લોકો જ સૌથી પહેલી હડી કાઢવાના છે. પરંતુ તમેય આ ફિલ્મના મેકર્સની જેમ ગણતરીવાળા હો તો પ્લીઝ થાંબા. બૉક્સ-ઑફિસ પરથી દિલવાલે મેનિયા ઊતરે અને ટિકિટના ભાવો નૉર્મલ થાય પછી જાઓ તો વધારે સારું. ન જાઓ અને ઘેર DVD પર નિરાંતે જ જોઈ કાઢો તો સૌથી સારું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK