ફિલ્મ-રિવ્યુ : દમ લગા કે હઇશા

શુદ્ધ દેસી રોમૅન્સ, એકદમ ફ્રેશ રાઇટિંગ, પાવરફુલ પર્ફોર્મન્સ ને જેન્યુઇન કૉમેડીના પાયા પર ઊભી રહેલી આ નાનકડી મીઠડી ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી

dam laga ke haisa

જયેશ અધ્યારુ

આપણી ફિલ્મોની વર્ષોથી ફિલોસૉફી રહી છે કે હીરો ભલે દસમી ફેલ હોય, પણ હિરોઇન તો તેને જુહી ચાવલા જેવી જ જોઈએ; પરંતુ એવું ન થાય તો? ખરેખરા દસમી ફેલ હીરોને એક્સ્ટ્રા લાર્જ સાઇઝની યુવતી સાથે લગ્ન કરવાનો વારો આવે તો? તો જનાબ, સર્જા‍ય ભેજાફ્રાય જેવી અફલાતૂન કૉમેડી લખી ચૂકેલા ડિરેક્ટર શરત કટારિયાની ફિલ્મ ‘દમ લગા કે હઈશા’. લગભગ શરૂઆતથી જ હવે આગળ શું થવાનું છે એની ખબર હોવા છતાં આ ફિલ્મના એકેએક સીન પર લાગેલો ઑથેન્ટિકનો સિક્કો એને એન્જૉયેબલ બનાવે છે. અને હા, ફિલ્મનું વજનદાર સરપ્રાઇઝ એલિમેન્ટ છે એની નવોદિત અભિનેત્રી ભૂમિ પેડણેકર.

લવ, એક્સ્ટ્રા લાર્જ

વાત છે ૧૯૯૫ની. હરિદ્વારમાં ગંગામૈયાને કિનારે રહે છે પ્રેમપ્રકાશ તિવારી (આયુષમાન ખુરાના). તેણે ભણવામાં તો કોઈ રેકૉર્ડ નથી બનાવ્યા, એટલે પપ્પા (સંજય મિશ્રા)ની ઑડિયો-વિડિયો કૅસેટની દુકાને બેસીને કૅસેટમાં ગીતો રેકૉર્ડ કર્યા કરે છે. બાપાને થયું કે કમાતી-ધમાતી છોકરી સાથે આને પરણાવી દઈએ તો છોકરો ઠેકાણે પડી જાય અને ઘરમાં પણ બે પૈસા આવે. એટલે મહાપરાણે અરેન્જ્ડ મૅરેજ ગોઠવાય છે સંધ્યા વર્મા (સુપર્બ નવોદિત ભૂમિ પેડણેકર) સાથે. લોચો એક જ છે, સંધ્યા થોડી વધારે પડતી હેલ્ધી છે અને આપણા હીરોને દીઠી નથી ગમતી. એટલે બન્ને વચ્ચે સતત તડાફડી બોલ્યા કરે છે. પણ હા, ગ્ચ્ફુ થયેલી સંધ્યા છે એકદમ શાર્પ. જરાય ખોટું સહન ન કરી લે એવી. શું ગંગામૈયા આ બન્નેના પ્રેમની વૈતરણી પાર કરાવશે?

પ્રેમનું ટાઇમ-ટ્રાવેલ

પરાણે લગ્ન થાય અને એ પછી પ્રેમ થાય એવી ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઈને (આ જ યશરાજ બૅનરની) ‘રબ ને બના દી જોડી’ જેવી ફિલ્મોની જ લાઇનમાં આ ‘દમ લગા કે હઈશા’ આવે છે; પરંતુ અહીં નવું, નોખું ને નવતર છે ફિલ્મના દરેક સીનમાંથી ટપકતી ઑનેસ્ટી. આપણે ત્યાં ભાગ્યે જ કોઈ ફિલ્મ હરિદ્વારમાં શૂટ થઈ છે. હરિદ્વાર, હૃષીકેશનાં એકદમ ઓરિજિનલ અને જરાય ગ્લૅમરસ ન લાગે એવાં લોકેશન. જ્યાં સતત પાવિhય ઔર ભક્તિરસ સે ભરપૂર વાતાવરણ વહેતું હોય ત્યાં ફિલ્મના ડિરેક્ટરે એક હળવીફૂલ લવ-સ્ટોરી બનાવીને બતાવી છે. એમ તો આ ફિલ્મની જેમ સામૂહિક વિવાહ પણ ભાગ્યે જ આપણી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

બીજી મજાની વાત એ છે કે આ આખી ફિલ્મ ૧૯૯૫ના વર્ષમાં આકાર લે છે. CD-DVD, ઇન્ટરનેટ, મોબાઇલ ફોનના આગમન પહેલાંનો એ યુગ. કેબલ-ટીવી નવું-નવું આવેલું એ યુગ અને ફિલ્મોમાં કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, સાધના સરગમના અવાજ ગુંજતા હતા એ યુગ. એ સમયગાળાને ગજબની કુનેહથી ડિરેક્ટર શરત કટારિયાએ સજીવન કરી બતાવ્યો છે. બૅકગ્રાઉન્ડમાં ક્યાંક ‘મિલે સુર મેરા તુમ્હારા’ વાગતું હોય, ઝી ટીવીમાં સંજીવ કપૂર ‘ખાના ખઝાના’ ખોલીને બેઠા હોય, STDના પૈસા ન બગડે એટલા માટે દીકરીઓને પહોંચી ગયાના સમાચાર તરીકે લૅન્ડલાઇન ફોનમાં એક અને બે રિંગના મિસ્ડ કૉલ મારવાનું કહેતા હોય, રૂમને હૅરિસન તાળાં મારવાના ટોણા મરાતા હોય, સમાચારમાં વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવનો ઉલ્લેખ આવતો હોય અને મનપસંદ ગીતો સાંભળવા માટે ઑડિયો-કૅસેટવાળાને લિસ્ટ આપવું પડતું હોય, કૅસેટોની વચ્ચે કૉમ્પૅક્ટ ડિસ્ક (CD)નો પ્રવેશ થતો હોય અને એની કિંમત પણ લાખોમાં બોલાતી હોય... નેવુંના દાયકામાં મોટા થયેલા લોકો તો આ ફિલ્મ જોઈને ભાવુક થઈ ઊઠવાના.

એકદમ ઝક્કાસ વાત છે આ ફિલ્મની હિરોઇન. આમ તો તે હીરોની નહીં બલ્કે કોઈનીયે ડ્રીમ-ગર્લ ન હોય એવી ઓવરસાઇઝ છોકરી છે. એવી છોકરી જે નાનપણથી પોતાના માટે જાડી, મોટી ભેંસ જેવાં વિશેષણો સાંભળીને મોટી થઈ હોય; પરંતુ હૈયે ટાઢક વળે એવી વાત એ છે કે આ હિરોઇન પોતાના સ્થૂળ કદ માટે જરાય ભોંઠપ નથી અનુભવતી. પરાણે પાતળી થવાના વ્યર્થ પ્રયત્નો નથી કરતી. સીધી વાત છે, હું જેવી છું એવી સ્વીકારો. તે ભણેલી-ગણેલી છે, સ્વાભિમાની છે, ખોટું જરાય સાંખી નથી લેતી અને એક તબક્કે પોતાને અપમાનિત કરનારા પોતાના પતિનેય સૌની સામે લાફો મારી દેતાં નથી અચકાતી. તેને ખબર છે કે પતિ પોતાને પસંદ નથી કરતો, એમ છતાં તે લગ્નની ગાડી પાટે ચડાવવાના પ્રામાણિક પ્રયાસો કર્યે રાખે છે. સાસરિયાં તેને ટોણા માર્યે રાખતાં હોવા છતાં તે ટીવીમાંથી રેસિપી જોઈને સૌને બનાવીને ખવડાવવાના પ્રયત્ન પણ કરતી રહે છે. આ બધા જ શેડ્સ નવોદિત અભિનેત્રી ભૂમિ પેડણેકરે ગજબનાક આત્મવિશ્વાસથી અને પૂરી પ્રામાણિકતાથી ભજવી જાણ્યા છે. ભારતીય સિનેમાને આવી - પોતાના શરીરથી, ગ્લૅમરથી નહીં - બલ્કે પોતાની ટૅલન્ટથી આગળ આવતી અભિનેત્રીઓની જરૂર છે.

એકના એક દીકરાને લપ્પુ કહીને તેના જીવનનો એકેય નિર્ણય પોતાની મેળે ન કરવા દેતા પિતા (સંજય મિશ્રા) અને તેમના અંગૂઠા નીચે દબાયેલા દીકરા (આયુષમાન) વચ્ચેની તડાફડીના લગભગ બધા જ સીન અફલાતૂન બન્યા છે. ફિલ્મ જોયા પછી યાદ રહી જાય એવાં દૃશ્યોમાં ફૅમિલી-કોર્ટમાં પતિ-પત્ની-સસરા વચ્ચે મચતી તડાફડી, પતિ અને પત્ની વચ્ચે માત્ર ટેપની કૅસેટ બદલીને અલગ-અલગ ગીતો વગાડીને થતી તકરાર, ઠાલી રાષ્ટ્રભાવનાનાં ઇન્જેક્શન્સ આપતી શાખા-પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ છે.

સંજય મિશ્રા તો વિરાટ કોહલીની જેમ દર વખતે સુપર્બ હિટિંગ કરે જ છે, પરંતુ અહીં આયુષમાન ખુરાનાને પણ દાદ દેવી પડે; કેમ કે અગાઉ દિલ્લી કા લૌંડાના ટિપિકલ રોલ કરતાં-કરતાં હમણાં જ તેણે મરાઠી માણૂસ (‘હવાઈઝાદા’) અને હવે ઉત્તર પ્રદેશના ભૈયાનું પાત્ર ગજબનું આત્મસાત્ કર્યું છે. ઈવન હીરો-હિરોઇનના પરિવારજનોનાં પાત્રોમાં પણ ખરેખરી જીવંતતા દેખાય છે.

ઉપરથી અનુ મલિકનું સૂધિંગ અને નેવુંના દાયકાનાં ગીતોની યાદ અપાવે એવું સંગીત. ખાસ કરીને કુમાર સાનુ અને સાધના સરગમે ગાયેલું ‘દદર્‍ કરારા’ ગીત તો સીધું જ ટાઇમ-ટ્રાવેલ કરાવીને વીસ વર્ષ પાછળ લઈ જાય છે. પણ હા, આ ગીત સાંભળવા માટે તમારે છેક સુધી બેસવું પડશે. કમાલની વાત એ છે કે જ્યાં ધાર્મિકતા બે કાંઠે વહેતી હોય એ લક્ષ્મણ ઝૂલાના પુલ પર આ ડિરેક્ટરે લવ-સૉન્ગ શૂટ કર્યું છે.

મોટો લોચો માત્ર એક જ છે કે આ ફિલ્મની સ્ટોરી એકદમ પ્રિડિક્ટેબલ અને અત્યંત ટૂંકી છે. સાવ બે કલાકની અંદર ખાસ કશા મોટા વળાંકો સાથે પૂરી થઈ જતી ફિલ્મ ઇમોશનલ લેવલે પૂરતી ડેપ્થ નથી આપતી. હા, એટલું ખરું કે એની એકદમ ક્રિસ્પ લંબાઈને કારણે એ જરાય કંટાળો નથી આપતી અને સતત કૉમેડીની પિચકારીઓ છોડ્યા કરે છે.

કમ, ફૉલ ઇન લવ

આ ફિલ્મ બેશક ફૅમિલી સાથે થિયેટરમાં જોવા જેવી છે. આ ફિલ્મનો હીરો સિક્સ-પૅક ઍબ્સવાળો નથી કે હિરોઇન તો જરાય ઝીરો ફિગરવાળી નથી. અહીં બિકિનીમાં વિદેશી કન્યાઓ નાચતી નથી અને એકેય પાર્ટી-સૉન્ગ નથી; પરંતુ આ ફિલ્મની ãસ્ક્રપ્ટ દમદાર છે, પર્ફોર્મન્સ જાનદાર છે અને મ્યુઝિક કાનદાર છે. તાજી હવાની લહેરખી જેવી આ ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી. પ્રેમ કોઈ સાઇઝનો મોહતાજ નથી અને સ્ત્રીસન્માનનો મસ્ત મેસેજ પણ આ ફિલ્મ આપે છે. પામી શકો તો નફો તમારો જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK