ફિલ્મ-રિવ્યુ : ચારફુટિયા છોકરે

આના કરતાં તો ઍપેન્ડિક્સનો દુખાવો સારો! અત્યંત ગંભીર મુદ્દા ઉઠાવતી આ ફિલ્મ એટલી કંગાળ છે કે ફિલ્મ જોતાં-જોતાં તમે વિષાદયોગમાં સરી પડો તોય નવાઈ નહીં!

chaarfutiya-chhokara


chaarfutiya-chhokaraયશ મહેતા

નવરાત્રિ એટલે બૉક્સ-ઑફિસની ઑફ સીઝન. લોકો નવરાત્રિમાં ઝૂમવામાં વ્યસ્ત હોય એટલે મોટા સ્ટાર્સ તો પોતાની ફિલ્મો આ સમયગાળામાં રિલીઝ ન કરે. એટલે જ જેનો કોઈ લેવાલ ન હોય, જેનું ટોટલ બજેટ સલમાન-આમિરની ફી કરતાંય ઓછું હોય, ફિલ્મમાં સ્ટારના નામે ખર્યા પાન જેવા અભિનેતાઓ હોય અને ઓવરઑલ નુકસાનીવાળો માલ હોય એવી જ ફિલ્મો મોટે ભાગે રિલીઝ થતી હોય છે. સમજોને કે નાની ફિલ્મોનું સ્ટૉક ક્લિયરન્સ સેલ! આવી જ એક નુકસાનીવાળી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર આ શુક્રવારે આવી છે. નામ છે, ‘ચારફુટિયા છોકરે’. સોહા અલી ખાનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં મુદ્દા તો એકદમ ગંભીર ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ ટ્રીટમેન્ટમાં એટલી વેઠ ઉતારી છે કે ચાલુ ફિલ્મે તમને આત્મઘાતી વિચારો આવવા માંડે!

વિકાસના ચળકાટ તળેનો કાટ

નેહા માલિની (સોહા અલી ખાન) અમેરિકાથી આવેલી એક ઉત્સાહી સૉફ્ટવેર એન્જિનિયર ટન્ડર્‍ સમાજસેવિકા છે. બિહારના બિરવા નામના એક ગામમાં તે સ્કૂલ બનાવવાની નેમ સાથે ઊતરી પડે છે, પરંતુ ત્યાં જઈને ખબર પડે છે કે અહીં તો શિક્ષણના નામે મજાક ચાલે છે, ગામમાં બાર-તેર વર્ષનાં બાળકોનાં લગ્ન કરી દેવામાં આવે છે, શાહુકારો વ્યાજખોરીનાં સામþાજ્ય ચલાવે છે અને ખુલ્લેઆમ દીકરીઓને ઉપાડી જઈને વેશ્યાવાડે વેચી દેવામાં આવે છે. ઉપરથી એક સ્થાનિક કૉન્ટ્રૅક્ટર-કમ-ગુંડો લખનભૈયા (ઝાકિર હુસેન) ગામનાં ત્રણ ટીનેજર બાળકોને રિવૉલ્વર પકડાવીને કૉન્ટ્રૅક્ટ કિલર બનાવી દે છે. એટલે સ્કૂલ તો બનતાં બને છે, પણ સોહા એ ત્રણ બાળકોને ગુનાખોરીના માર્ગેથી પાછાં વાળવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે.

કંગાળ, બાલિશ અને ધીમી

‘ચારફુટિયા છોકરે’ ફિલ્મનો આશય ઉમદા છે. એમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે એ આપણી અત્યારની ફિલ્મો નથી ઉઠાવતી. એક તો સાચું ગામડું જ ફિલ્મના પડદેથી ગાયબ થઈ ગયું છે. અહીં ડિરેક્ટરે લોકેશનને વફાદાર રહેવાના પ્રયાસરૂપે બિહારના ગામડાનું લગભગ વાસ્તવિક ચિત્રણ કર્યું છે. જેમ કે આખા ગામડામાં ક્યાંય પાકો રસ્તો જોવા ન મળે અને બધે જ કાદવકીચડ ખદબદતો દેખાય. શહેરોમાં મૉલ-કલ્ચરના ચળકાટ નીચે ખરેખરા ઇશ્યુઝની ઊધઈ દેશને કોરી ખાઈ રહી છે. જેમ કે કારમી ગરીબી, પ્રાથમિક શિક્ષણનો અભાવ, વ્યાજખોરી, આલ્કોહોલિઝમ, બાળલગ્ન જેવી કુપ્રથાઓ, હ્યુમન-ચાઇલ્ડ ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિટuુશન, ચાઇલ્ડ ક્રિમિનલ્સ, પૈસાખાઉ ગુંડાઓને છાવરતી પોલીસ, નઘરોળ તંત્ર અને જાડી ચામડીના અલ્પશિક્ષિત નેતાઓ. આ બધું જ ડિરેક્ટરે આ એક વાર્તામાં વણી લેવાનો પ્રયત્ન કર્યો છે.

પરંતુ આ મુદ્દાઓની ખીચડી એટલી બેસ્વાદ બની ગઈ છે કે માથું સણકા મારવા લાગે. એક તો નવોદિત રાઇટર-ડિરેક્ટર મનીષ હરિશંકરનું ડિરેક્શન એટલું શિખાઉ લાગે છે કે આખી ફિલ્મમાંથી કોઈ સસ્તી પ્રાદેશિક ફિલ્મ જોતાં હોઈએ એવી વાસ આવ્યા કરે છે. ઉપરથી રૂંવે-રૂંવે કીડીઓ ચટકા ભરે એટલું સ્લો સ્ટોરીટેલિંગ. એકસાથે ઘણુંબધું કહી દેવાની લાલચમાં લૉજિકને દેશવટો અપાઈ ગયો છે. આપણને સમજાય નહીં કે આપણી આંખ સામે ખરેખર કોઈ ફિલ્મ ચાલી રહી છે કે કોઈ બોરિંગ ડૉક્યુમેન્ટરી? ઉપરથી ડિરેક્ટરે ફિલ્મના અંતે જે કંઈ બતાવ્યું છે એ ઘણાબધાને વાંધાજનક પણ લાગી શકે.

જોકે વાતને બૅલૅન્સ કરવા માટે એટલું કહી શકાય કે ભલે નબળો, પરંતુ દેશના ખરેખરા મુદ્દાઓને હાઇલાઇટ કરવાનો પ્રયાસ તો કોઈએ કર્યો. ખમતીધર અભિનેતા ઝાકિર હુસેન તેના ચિતપરિચિત દમદાર અંદાઝમાં છે. ‘ગોલમાલ’ સિરીઝમાં વસૂલીના પાત્રમાં છવાઈ જનારા મુકેશ તિવારી રેઢિયાળ પોલીસ-અધિકારીના રોલમાં લગભગ રિયલિસ્ટિક લાગે છે. ‘બૅન્ડિટ ક્વીન’ ફેમ સીમા બિસ્વાસ પાસેથી સારી ઍક્ટિંગની અપેક્ષા હતી, પણ તેમને જાણે પરાણે આ ફિલ્મમાં લીધાં હોય એવી સાવ શિખાઉ ઍક્ટિંગ કરી છે. ચાઇલ્ડ ક્રિમિનલ તરીકે હર્ષ મયારની ઍક્ટિંગ પણ બિલીવેબલ છે. આ જ હર્ષ અગાઉ ‘આઇ ઍમ કલામ’ ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ જીતી ચૂક્યો છે. જોકે સૌથી વધુ મહેનત ખુદ સોહા અલી ખાને કરી હોવાનું દેખાય છે, પરંતુ એક તો નબળા સ્ક્રીનપ્લેમાં તેની પાસે ખાસ કશું કરવા માટેનો સ્કોપ પણ નથી કે નથી તે પોતે એવી જમાવટ કરી શકતી. આ ફિલ્મ તેની ફિલ્મી-કારકિર્દીના કૉફિનમાં છેલ્લો ખીલો બની શકે એવી ક્ષમતા ધરાવે છે. હા, ફિલ્મની વચ્ચે પેશ કરવામાં આવતાં ગામઠી ગીતો આપણા શહેરી કાન માટે તદ્દન નવાં છે.

બચીને રહેજો

‘ચારફુટિયા છોકરે’ ફિલ્મમાં એવું કશું નથી, જેના માટે થિયેટરમાં લાંબા થવાની ઇચ્છા થાય. બલ્કે આ ફિલ્મ તો કોઈને ડિજિટલ વિડિયો ડિસ્ક (DVD) પર પણ રેકમન્ડ કરવા જેવી નથી. આ ફિલ્મ આપમેળે જ બૉક્સ-ઑફિસ પરથી બે-ત્રણ દિવસમાં જ ગાયબ થઈ જશે. એટલે એના વિશે વિચારવા કરતાં કોઈ સારા ગરબાના પાસનો મેળ પડે તો ફૅમિલીને ત્યાં ફેરવવાથી વધુ સારો સમય પસાર થશે!

====

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK