ફિલ્મ-રિવ્યુ : ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

કુછ તો ગડબડ હૈ, બક્ષીબાબુ, સ્ટાઇલ, સેટિંગ ઇન્ટરેસ્ટિંગ. ફિલ્મ? બોરિંગ

byomkesh Bakshi
જયેશ અધ્યારુ

બ્યોમકેશ બક્ષી નામ પડે એટલે જાસૂસી વાર્તાશોખીનોના કાન સરવા થઈ જાય, કેમ કે નેવુંના દાયકામાં બાસુ ચૅટરજીએ રજિત કપૂરને લઈને જે ટીવી-સિરીઝ બનાવેલી એ આજે યુટ્યુબ પર પણ એટલી જ પૉપ્યુલર છે. શરદિન્દુ બંદોપાધ્યાય નામના બંગાળી લેખકે આર્થર કૉનન ડૉયલના શેરલૉક હોમ્સ પરથી પ્રેરણા લઈને ડિટેક્ટિવ પાત્ર સર્જેલું બ્યોમકેશ બક્ષી (જોકે બ્યોમકેશ પોતાની જાતને ડિટેક્ટિવ નહીં બલકે સત્યાન્વેશી કહેવડાવવાનું વધારે પસંદ કરે છે). આ પાત્ર આજે આઠ દાયકા પછીયે એટલું પૉપ્યુલર છે કે બંગાળીમાં તેની ત્રણ ફિલ્મોની ટ્રિલજી ચાલી રહી છે, જ્યારે બે વર્ષ પહેલાં ટૅલન્ટેડ ફિલ્મકાર રિતુપર્ણો ઘોષ તેના પર સત્યાન્વેશી ફિલ્મ બનાવીને ગુજરી ગયેલા. હવે ખબર પડે કે હિન્દી ફિલ્મોમાં ટૅલન્ટનો તરખાટ મચાવનારા દિબાકર બૅનરજી પણ બ્યોમકેશ બક્ષી પર ફિલ્મ બનાવી રહ્યા છે ત્યારે ચાહકો દયા, ટપુ કે પાપા ગડાની જેમ ગરબાનો એક આંટો મારી લે. શુક્રવારે ફસ્ર્ટ ડે ફસ્ર્ટ શોમાં ફિલ્મ જોયા પછી બે તદ્દન વિરોધાભાસી પ્રતિક્રિયાઓ સામે આવે. વિવેચકો ખૂબ ભાલો, ખૂબ ભાલો કરતાં ફિલ્મ પર ઓવારી ગયા હોય, જ્યારે થિયેટરમાં શો ચાલુ કરવા પૂરતા પાંચ જણ પણ મળતા ન હોય. ત્યારે આપણે દયાને બદલે ACP પ્રદ્યુમ્નની જેમ પૂછી બેસીએ કે કુછ તો ગડબડ હૈ, બાબુ મોશાય.

ક્લુ મિલતી ગયી, સીક્રેટ ખૂલતા ગયા

વાત છે ઈ. સ. ૧૯૪૨ના કલકત્તાની. અજિત બૅનરજી (આનંદ તિવારી) નામનો જુવાનિયો બીજા એક જુવાનિયા બ્યોમકેશ બક્ષી (સુશાંત સિંહ રાજપૂત) પાસે આવીને કહે છે કે મારા પપ્પા બે મહિનાથી ગાયબ છે, શોધી આપ. એટલે શીખાઉ જાસૂસ એવા બ્યોમકેશનું દિમાગ કામે લાગી જાય છે. તે એક પછી એક અંકોડા મેળવવા માંડે છે, પરંતુ એક જવાબ નવા સવાલો અને હત્યાઓ લઈને સામે આવે છે. છેલ્લે જ્યારે આખી બાજી છતી થાય છે ત્યારે ખબર પડે છે કે આખાય ખૂની ખેલની ચોપાટ બહુ મોટી હતી.

આમાર શોનાર કલકત્તા


આપણે ભલે ઝાઝી હૉલીવુડની ફિલ્મો જોતા ન હોઈએ, પરંતુ જાણવા જેવી વાત એ છે કે ત્યાં ગાય રિચી નામના ટૅલન્ટેડ ડિરેક્ટરે ‘આયર્ન મૅન’ ફેમ અભિનેતા રૉબર્ટ ડાઉની જુનિયરને લઈને શેરલૉક હોમ્સની ફિલ્મસિરીઝ ફરીથી શરૂ કરી છે. આ ફિલ્મોમાં અત્યારના યુગની સ્ટાઇલો સાથે વિક્ટોરિયન યુગનું ઇંગ્લૅન્ડ જીવંત કરવામાં આવ્યું છે. કંઈક આવી જ ગણતરી ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ના ડિરેક્ટર દિબાકર બૅનરજીના દિમાગમાં પણ ચાલતી લાગે છે. દિબાકરનો બ્યોમકેશ બીજા વિશ્વયુદ્ધના ગાળામાં કેસ સૉલ્વ કરે છે, પરંતુ વચ્ચે આવતાં ગીતો અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અત્યારના કોઈ સ્ટાઇલિશ થ્રિલરની જ યાદ અપાવે છે. થિયેટરની સીટ જાણે કોઈ ટાઇમ-ટ્રાવેલ મશીન હોય એ રીતે આપણે સાત દાયકા પહેલાંના કલકત્તામાં પહોંચી જઈએ છીએ. ટ્રામ, ઘોડાગાડી, માણસ દ્વારા ખેંચાતી રિક્ષા, વિન્ટેજ ગાડીઓ, મિલનાં ભૂંગળાં, હવાઈ બૉમ્બમારા પહેલાં વાગતી સાઇરનો, ‘લાઇફ’ અને ‘ઇન્સાઇડ ડિટેક્ટિવ’ જેવાં મૅગેઝિનો, એ સમયની જાહેરખબરો-ફિલ્મો આ બધાંથી છલકાતું ઑથેન્ટિક કલકત્તા. ફિલ્મની સ્ક્રીન જાણે કૅન્વસ હોય એ રીતે બૅનરજીએ વીતેલા યુગનું કલકત્તા ચીતર્યું છે. એટલે આર્ટ-ડિરેક્શનને ફુલ માક્ર્સ. અલગ-અલગ ઍન્ગલ્સથી શૉટ્સ ઝીલતી સિનેમૅટોગ્રાફી પણ એકદમ મસ્ત છે.

થ્રિલ કિધર હૈ, બાંગડુ?

આજે તમે ૧૯૯૩માં આવેલી બાસુ ચૅટરજીની બ્યોમકેશ બક્ષી સિરિયલનો કોઈ પણ હપ્તો યુટ્યુબ પર જોવાનું શરૂ કરો એટલે પાંચેક મિનિટમાં તો તમે રીતસર એમાં ખૂંપી જાઓ. અફસોસ કે બૅનરજીની આ ફિલ્મમાં એવું કશું થતું નથી. ફિલ્મની શરૂઆતમાં એક ગુનો થતો બતાવાય, પરંતુ ત્યાર પછી ફિલ્મ આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ એટલી ધીમી ગતિએ આગળ વધે છે. વચ્ચે એક્સાઇટમેન્ટના છૂટાછવાયા ચમકારા આવે, પરંતુ અઢી કલાક લાંબી આ ફિલ્મ ભારે પીડાદાયક સાબિત થાય છે. આ પ્રકારની મર્ડર-મિસ્ટરી ફિલ્મમાં હોવી જોઈએ એવી થ્રિલ અહીં જરાય અનુભવાતી નથી. ક્લાઇમૅક્સ આવતાં સુધીમાં રહસ્ય શું હતું એ જાણવાની આપણી ઇચ્છા લગભગ મરી પરવારે છે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવાની લાલચમાં ઘણાંબધાં દૃશ્યોમાં કોઈ પણ જાતનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મુકાયું નથી. એને કારણે ફિલ્મ ઓર શુષ્ક લાગે છે.

જાસૂસી વાર્તાઓની મજા એ હોય છે કે જાસૂસની સાથોસાથ દર્શક પણ સતત વિચારતો રહે, જ્યારે અહીં બૅનરજીએ અને તેમની સહલેખિકા ઉર્મિ જુવેકરે શરદિન્દુ બંદોપાધ્યાયની પહેલી વાર્તા ‘સત્યાન્વેશી’ પર એટલાબધા ઇન્ટરનૅશનલ વળ ચડાવ્યા છે કે કયો છેડો ક્યાં અડે છે એ પૂરેપૂરું સમજવા માટે તમારે આખી ફિલ્મ બીજી વાર જોવી પડે. છતાંય કેટલાક સવાલો તો વણઊકલ્યા જ રહી જાય. ઉપરથી યાદ રહી જાય એવાં સ્માર્ટ વનલાઇનર્સ પણ અહીં શોધ્યાં જડતાં નથી.

યે વો બ્યોમકેશ નહીં હૈ

ડિરેક્ટર દિબાકર બૅનરજીના કહેવા પ્રમાણે આ બ્યોમકેશ બક્ષીની કમિંગ ઑફ એજ એટલે કે મુખ્ય પાત્ર બાળસહજમાંથી મૅચ્યોર થાય એવી ફિલ્મ છે. કંઈક અંશે મેકિંગ ઑફ બ્યોમકેશ બક્ષી જેવી. પરંતુ આપણે જે બ્યોમકેશને જોયો છે (ખાસ કરીને સુપર્બ રજિત કપૂર તરીકે) એ સ્માર્ટ છે, ડૅશિંગ છે, બહાદુર છે અને બેવકૂફ તો જરાય નથી; જ્યારે આ સુશાંત સિંહવાળા બ્યોમકેશને તો લાશ જોઈને જ ઊલટી થવા માંડે છે, એક ઝાપટભેગો તે જમીનદોસ્ત થઈ જાય છે, તેને કોઈ આરામથી ગેરમાર્ગે દોરી શકે છે. અને રામ જાણે આ બ્યોમકેશની આઇબ્રો આટલી ગંદી રીતે જોડાયેલી શા માટે રાખી હશે? કોઈ ગમે તે કહે, એક ડિટેક્ટિવ જેવો તેજસ્વી હોવો જોઈએ એવું તેજ સુશાંત સિંહના ચહેરા પરના એકેય ખૂણેથી ટપકતું નથી. તોય પોતાનું નામ બોલે ત્યારે જેમ્સ બૉન્ડની સ્ટાઇલ મારીને કહે, બક્ષી, બ્યોમકેશ બક્ષી. દિબાકર બૅનરજીએ કહ્યું છે કે મારે વીતેલા જમાનાના સોશ્યો-પૉલિટિકલ માહોલ પર કોઈ ટિપ્પણી નથી કરવી. તેમ છતાં ફિલ્મમાં બ્યોમકેશ બક્ષી પહેલું જ વાક્ય ગાંધીજીની વિરુદ્ધનું બોલે છે કે ગાંધીજી જેલમાં જાય કે બહાર રહે, એનાથી મને કશો ફરક પડતો નથી. શા માટે ભઈ?

શેરલૉક અને તેનો અસિસ્ટન્ટ ડૉ. વૉટ્સન હોય કે બાસુ ચૅટરજીના રજિત કપૂરના અસિસ્ટન્ટ બનેલા ટૅલન્ટેડ કે. કે. રૈના હોય, એ બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી એકદમ પર્ફેક્ટ હતી; જ્યારે અહીં બ્યોમકેશ અને અજિત વચ્ચે કોઈ મેલજોલ દેખાતો નથી. આ કંઈ ડિટેક્ટિવ સિરિયલ થોડી છે કે આગળના હપ્તાઓમાં એ કેમિસ્ટ્રી વિકસવાનો ટાઇમ મળે? અજિત બૅનરજી બનેલા અદાકાર આનંદ તિવારીનું કૉમિક ટાઇમિંગ અને ઍક્ટિંગ સુપર્બ છે, પણ અહીં એમાંનું કશું જ દેખાતું નથી.

ઍક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં માત્ર એક જ વ્યક્તિ યાદ રહે છે અને તે છે અદાકાર નીરજ કબિ. નીરજભાઈને આપણે ગુજરાતી આનંદ ગાંધીની ‘શિપ ઑફ થિસિયસ’માં જૈન સાધુના પાત્રમાં જોયેલા. ઍક્ચ્યુઅલી, ઓછાં દૃશ્યો છતાં તેમનું પાત્ર એટલું સશક્ત રીતે લખાયું છે કે તે ખુદ બ્યોમકેશ કરતાં પણ વધારે સ્માર્ટ અને જાંબાઝ લાગે છે. ઉપરથી કસાયેલા અભિનેતા નીરજે જે શેડ્સ ઊપસાવ્યા છે એની સામે બિચારા સુશાંતની હાલત વાવાઝોડામાં સૂકા પાંદડા જેવી થઈ છે. ફિલ્મમાં સ્ટાઇલ ઉમેરવા માટે દિબાકર બૅનરજીએ સ્નેહા ખાનવલકર તથા અન્ય સંગીતકારો પાસેથી એક્સપરિમેન્ટલ મ્યુઝિક તૈયાર કરાવ્યું છે જે ઘણા લોકોને શ્રીખંડમાં કોકમ નાખ્યું હોય એવું વિચિત્ર લાગશે.

ડિફેક્ટિવ ડિટેક્ટિવ


વિવેચકો ભલે આ ફિલ્મને સૂંડલા ભરી-ભરીને સ્ટાર્સની લહાણી કરે, પરંતુ આપણા માટે ચુકાદો સ્પક્ટ છે. ભલે આ ફિલ્મ ટૅલન્ટેડ દિબાકર બૅનરજીની હોય, નખશિખ જાસૂસી ફિલ્મ હોય, ભલે એમાં વીતેલા યુગના કલકત્તાની મસ્ત ટાઇમટ્રાવેલ હોય; પરંતુ આખી ફિલ્મ અત્યંત ધીમી, કન્ફ્યુઝિંગ અને લાંબી છે. એના કરતાં બાસુ ચૅટરજીની સિરિયલ આજે પણ એટલી જ પાવરફુલ છે. હજી તો આ ફિલ્મની સીક્વલનું પણ ગાજર લટકાવી રાખ્યું છે. આશા રાખીએ એમાં બ્યોમકેશ બક્ષી મૅચ્યોર થઈ ગયો હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK