ફિલ્મ-રિવ્યુ : બ્રધર્સ

આંસૂ બને અંગારે, ફર્સ્ટ હાફમાં રડારોળ અને સેકન્ડ હાફમાં ઢીકાપાટુ. એ પછી તમે કહેશો, બધું જોયેલું છે મારું બેટું


brothers

જયેશ અધ્યારુ


કલ્પના કરો કે આપણું બૉલીવુડ એક જાયન્ટ સાઇઝનું અનોખું કૉપીઅર મશીન છે. એમાં એક છેડેથી ગમે એવો ફૉરેનનો માલ નાખો, પરંતુ બીજા છેડેથી આપણી ટિપિકલ બૉલીવુડિયન સ્ટાઇલની કૉપી જ બહાર નીકળે. એનું એકદમ ગરમાગરમ એક્ઝામ્પલ છે બાબા અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘બ્રધર્સ’. સૌ જાણે છે એમ આ ફિલ્મ ૨૦૧૧ની હૉલીવુડની મસાલા-મૂવી ‘વૉરિયર’ની સત્તાવાર રીમેક છે. સત્તાવાર મીન્સ કે તેમણે આ ફિલ્મ ક્યાંથી આયાત કરી છે એનાં નામ-ઠામ સાથે ક્રેડિટ પણ આપી છે, પરંતુ હૉલીવુડની એ ફિલ્મ જોઈને બેઠેલા લોકો પૉપકૉર્નનો ફાકડો મારતાં-મારતાં કહે છે કે એ અંગ્રેજી ફિલ્મ તો નખશિખ મસાલા-મૂવી હતી, જ્યારે અહીં તો એટલી બધી રડારોળ છે કે આખો રૂમાલ પલળી જાય. વાત સાચી છે, પરંતુ સાથોસાથ બીજા કેટલાક મુદ્દા પણ ચર્ચવા જેવા છે.

લડ મેરે ભાઈ

ગાર્સન ફર્નાન્ડિસ (જૅકી શ્રોફ) ફાઇટર જોરદાર, લેકિન એક નંબરનો બેવડો. દારૂના નશામાં જ તેણે એવાં બે પાપ કરી નાખ્યાં કે આખ્ખી લાઇફ બરબાદ થઈ ગઈ. પાપની સજા પૂરી થઈ તો ખબર પડી કે જેને ફાઇટર બનાવવા માટે આટલી મહેનત કરેલી તે મોટો દીકરો ડેવિડ (અક્ષયકુમાર) તો જેની (જૅકલિન ફર્નાન્ડિસ) નામની એક પોટ્ટી સાથે શાદી બનાવીને ખુશ છે. તેની એક છ વર્ષની દીકરી પણ છે. ઉપરથી તેનું મોઢું જોવા પણ રાજી નથી. ગાર્સનનો નાનો દીકરો મૉન્ટી (સિદ્ધાર્થ મલ્હોત્રા) પણ હવે તો ક્વૉર્ટરમાંથી પટિયાલા જેવો લાંબો થઈ ગયો છે. એય બાપ કી માફિક સ્ટ્રીટ-ફાઇટર છે, પરંતુ નીલી છતરીવાલા ગૉડની ગેમ એવી છે કે મોટા દીકરાને સગા બાપ અને નાના ભાઈ બન્ને સાથે જરાય નથી બનતું. નાનો દીકરો પણ મોટા ભાઈ પ્રત્યેના ધિક્કારના જ્વાળામુખી પર બેઠો છે. બડે ભૈયાની મજબૂરી અને લિટલ બ્રધરના વૉલ્કેનોને ફાટવાનું સ્ટેજ મળે છે રાઇટ ટુ ફાઇટ નામની મિક્સ્ડ માર્શલ આટ્ર્સની કૉમ્પિટિશનમાં. એક જ સ્ટેજ પર બન્ને ભાઈઓ સામસામે.

ભાઈ, તુમ ફાઇટ કરોગે યા નહીં?

ફિલ્મનું નામ ‘બ્રધર્સ’ અને ટૅગલાઇન બ્લડ અગેઇન્સ્ટ બ્લડ રાખવાનો સૌથી મોટો ગેરફાયદો એ થયો કે ફિલ્મ જોયા પહેલાં જ ક્લિયર થઈ ગયેલું કે ‘દીવાર’ ફિલ્મની જેમ અહીં બે ભાઈ સામસામે ટકરાવાના છે. એટલા પૂરતી ફિલ્મ પ્રિડિક્ટેબલ થઈ ગઈ. એટલે સસ્પેન્સ માત્ર કયા સંજોગો બન્ને ભાઇઓને એકબીજાની સામે લાવીને મૂકી દે છે એ જ વિચારવામાં રહ્યું.

મેલોડ્રામા ભલે ગમે એટલો લાઉડ અને ફિલ્મી લાગે, પરંતુ આપણે ત્યાં લોકો પાણીપૂરીની જેમ એને સિસકારા બોલાવતાં પણ ચાટી જાય છે. પછી ફિલમવાળાઓ આખી વસઈની ખાડી ભરાઈ જાય એટલો મેલોડ્રામા ઠપકારે જને. એટલે જ ઍક્શન ફિલ્મની રીમેક પણ અહીં ઇમોશનલ થઈ જાય છે. ફર્સ્ટ હાફમાં શેખર કપૂરની ‘માસૂમ’ની ફીલ આપતી ‘બ્રધર્સ’ વિશે જોકે એટલું કહેવું પડે કે જૅકી શ્રોફ અને અક્ષયકુમાર બન્નેની ઇમોશનલ બૅકસ્ટોરી અફલાતૂન રીતે ઝિલાઈ છે. જેમ કે જૅકી શ્રોફનો શરૂઆતનો આખો ટ્રૅક કરુણ હોવાની સાથોસાથ એટલો જ ડરામણો લાગે છે. એ જ રીતે અક્ષયકુમારની ફૅમિલી-લાઇફમાં પણ કૂટી-કૂટીને ક્યુટનેસ ભરી છે.

પરંતુ સમજાતું એ નથી કે જથ્થાબંધ મેલોડ્રામા કર્યા પછીયે આપણી ફિલ્મોને લાગણીઓ વ્યક્ત કરવા માટે ગીતોની શા માટે જરૂર પડે છે? મમતા બતાવવા માટે એક ગીત, પર્ફેક્ટ ફૅમિલી છે તો નાખો એનું એક સૉન્ગ. ઈવન પાત્રો એકાદા આઇટમ-સૉન્ગ વિના તો ખુશ જ ન થઈ શકે. એડિટિંગ ટેબલ પર બેઠેલા એડિટર તથા ડિરેક્ટરને એક વાર પણ એવો વિચાર ન આવે કે આ બધો પોચો-પોચો મસાલો નાખવામાં ફિલ્મ લંબાઈ રહી છે અને એની ગતિ અત્યંત ધીમી પડી રહી છે. ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ અગાઉ બનાવેલી ‘અãગ્નપથ’માં પણ તેમની સાથે મ્યુઝિક-ડિરેક્ટર તરીકે અજય-અતુલ જ હતા. એ ફિલ્મનું ‘અભી મુઝ મેં બાકી હૈ’ ગીત હિટ ગયું એટલે ડિટ્ટો એવું જ ગીત ‘સપના જહાં’ ઠપકાર્યું છે. ત્યાં ‘ચિકની ચમેલી’ ચાલી ગયું એટલે અહીં કશી જરૂર નહોતી તોય કરીના પાસે ‘મેરા નામ મૅરી’ જેવું સાવ સસ્તું આઇટમ-સૉન્ગ કરાવડાવ્યું છે. મજાની વાત એ છે કે આ ગીત સંગીતકાર અજય-અતુલે પોતાની ૨૦૦૬માં આવેલી મરાઠી ફિલ્મ ‘જત્રા’ના ગીત ‘યે ગો યે યે મૈના’ને જ રીસાઇકલ કર્યું છે. યાને કિ ગીતની પણ રીમેક.

આ ફિલ્મ મિક્સ્ડ ફીલિંગ્સથી ભરચક છે. એક તરફ આપણને એનાં દુખિયારાં પાત્રોથી કંટાળો આવવા માંડે તો બીજી તરફ એમાં શેફાલી શાહની અને જૅકી શ્રોફની ઍક્ટિંગ સારી પણ લાગે. એમાંય જૅકી શ્રોફના હલુસિનેશનવાળો સીન અને આંસુઓ ખાળીને હસતી શેફાલી શાહની ઍક્ટિંગ બન્ને દમદાર છે. એક તરફ થાય કે આખો સેકન્ડ હાફ તદ્દન પ્રિડિક્ટેબલ અને અક્ષયકુમારની જ ‘ખિલાડિયોં કા ખિલાડી’માં જોઈ ચૂક્યા છીએ એવી વર્લ્ડ રેસલિંગ એન્ટરટેન્મેન્ટ (WWE) ટાઇપની ફાઇટિંગને જ હવાલે કરી દીધો છે, પરંતુ એ જ ફાઇટિંગ જોતી વખતે આપણું જડબું ભીંસાઈ જાય અને ઑડિયન્સની ચિચિયારીઓની વચ્ચે આપણનેય મજા તો આવી જ જાય. એક તરફ થાય કે આપણા બન્ને હીરોને એકદમ મસ્ક્યુલાઇન અને સિરિયસ બતાવવા માટે જ તેમના હરીફોને સાવ કાર્ટૂન જેવા ચીતરી દીધા છે તો બીજી તરફ જોઈને લાગે કે દાઢી ભલે સફેદ રહી, પણ અક્ષયકુમાર આજેય એવો જ ફિટ છે. એક તરફ ફિલ્મમાં લગભગ કોઈ યાદગાર સંવાદો નથી તો બીજી બાજુ હર બેટા બાપ નહીં હોતા જેવી છૂટક લાઇન્સ પણ આશુતોષ રાણા ઉપાડી ગયો છે. એક બાજુ થાય કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ માત્ર બૉડી જ બનાવી છે, એક્સપ્રેશન્સ પર ધ્યાન આપ્યું નથી; પરંતુ સાથોસાથ એવોય વિચાર આવે કે તેનું પાત્ર સતત એક લાગણીઓના સુષુપ્ત વૉલ્કેનો પર બેઠું છે, જે ગમે ત્યારે ફાટશે.

એક જ સ્થળે બાપ-બેટાઓના ભૂતકાળ અને વર્તમાનનાં પાત્રો હોય કે લોહિયાળ જગ્યાએ ક્યુટ બાળક ઊભેલું દેખાય, આ બન્ને શૉટ્સ વિઝ્યુઅલી એકદમ સુપર્બ લાગે છે; પરંતુ એ જ વખતે બૅકગ્રાઉન્ડમાં રાજ ઝુત્શીની તદ્દન વાહિયાત કૉમેન્ટરી સતત સંભળાતી રહે છે (એના કરતાં પોગો ચૅનલ પર આવતા તાકેશિસ કૅસલ પ્રોગ્રામમાં જાવેદ જાફરીની કૉમેન્ટરી ક્યાંય રસપ્રદ હોય છે). ગુસ્સો ત્યારે આવે કે કુલભૂષણ ખરબંદા, આશુતોષ રાણા, કિરણકુમાર જેવા દમદાર ઍક્ટરો કરતાં પણ રાજ ઝુત્શીના કાટૂર્‍નિયા પાત્રને ક્યાંય વધારે ફુટેજ મળતું દેખાય. જૅકલિનને હવે શ્રીલંકન મૅનિકિન બનવાનું ફાવી ગયું છે, એટલે તેના ચાહકોએ તો તેને ટૂંકું ખોખલું ટૉપ પહેરીને કૂદતી જોવામાં જ ખુશ થવાનું છે. લેખકોએ રાઇટિંગમાં એટલી આળસ કરી છે કે જુલિયસ સીઝરના પ્રખ્યાત ક્વોટ વેની વિદી વિકીનું વો આએ, વો લડે ઔર વો ચલે ગએ જેવું સીધું જ હિન્દી ટ્રાન્સલેશન કરી નાખ્યું છે.

નૉકઆઉટ પંચ

કુલ મિલાકે તમામ બૉલીવુડિયા મસાલા સાથેની આ ફિલ્મમાં આપણે અગાઉ ન જોયું હોય એવું કશું જ નથી. એમ છતાં દર થોડા સમયાંતરે પાણીપૂરી ખાવાની ઇચ્છા થાય એ રીતે આ ફિલ્મ જોઈ શકાય. મીન્સ કે તમે જો અક્ષયકુમારના ફૅન હો, ચપટી જેટલી જૅકલિનને જોવામાં પણ ધન્ય થઈ જતા હો અને અમુક ખરેખર સારા બનેલા સીન, સારી રીતે કોરિયોગ્રાફ થયેલી ફાઇટ-સીક્વન્સિસ તથા હિન્દી ફિલ્મોમાં દુર્લભ એવા લખાણ ‘અડૅપ્ટેડ સ્ક્રીનપ્લે’ના સાક્ષી બનવું હોય તો આ ફિલ્મ જોઈ શકાય; પરંતુ ફુરસદે ટીવી પર જોશો તો પણ તમારી મજામાં કંઈ ખાસ ઘટાડો (કે વધારો) નહીં થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK