ફિલ્મ-રિવ્યુ : બૉબી જાસૂસ

ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન જેવી લાગતી આ ફિલ્મ એક જાસૂસી ફિલ્મ કેવી ન હોવી જોઈએ એનો એકદમ પર્ફેક્ટ નમૂનો છે

યશ મહેતા


છેલ્લા લગભગ એક મહિનાથી વિદ્યા બાલને વિવિધ શહેરોમાં જઈ-જઈને એટલાબધા વેશપલટા કર્યા જાણે તે કોઈ ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશનમાં ભાગ લેવાની હોય. તેણે કોને-કોને ઉલ્લુ બનાવ્યા, તે કોની જાસૂસી કરશે કે પછી તેને વેશપલટા માટે કેટલા કલાક મેક-અપ માટે બેસવું પડ્યું હશે એવા સમાચાર હિમાલયમાં ભેખડો ધસી પડતી હોય એ રીતે આપણા માથે મારવામાં આવેલા, પરંતુ વિદ્યા બાલનના મેક-અપ માટે જેટલી મહેનત કરવામાં આવી એનાથી દસમા ભાગની મહેનત પણ જો આ ફિલ્મની સ્ટોરી લખવા માટે થઈ હોત તો ફિલ્મ આટલી ખરાબ તો ન જ બની હોત.

‘સીઆઇડી’ના ગાંગડે જાસૂસ બનાય?

બિલ્કિસ અહમદ ઉર્ફે બૉબી (વિદ્યા બાલન) હૈદરાબાદના એક મધ્યમવર્ગીય પરિવારની સૌથી મોટી દીકરી છે. તેને ક્યાંકથી ભૂત વળગ્યું છે કે તેને જાસૂસ બનવું છે. બૉબીના ઘરમાં તેના અબ્બાજાન (રાજેન્દ્ર ગુપ્તા) તેની આ જાસૂસગીરીથી સખત ખફા છે. છતાં બૉબી હૈ કિ માનતી હી નહીં.

ડિટેક્ટિવ એજન્સીમાં નોકરી મેળવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા પછી તે પોતાની પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી શરૂ કરે છે. શરૂઆતમાં ફાલતુ કેસ કર્યા પછી અચાનક એક દિવસ તેની કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. અનીસ ખાન (કિરણકુમાર) નામનો એક ભેદી માણસ તેની પાસે આવે છે અને તેને એક પછી એક છોકરીઓ શોધવાનું કામ સોંપે છે. તેના ફોટોગ્રાફ્સ પણ તેની પાસે નથી. છે તો માત્ર નામ અને શરીરની નિશાનીઓ જેમ કે હાથ પર તલ, બાવડે લાખું વગેરે. જોકે તે આ છોકરીઓને શા માટે શોધી રહ્યો છે એ કશું પૂછવાનું નહીં. આ કામ કરવા માટે મોંમાગી કિંમત પણ તે બૉબીને આપે છે એટલે બૉબી પણ હોંશે-હોંશે આ છોકરીઓ શોધી આપવાનું કામ કરે છે. રહી-રહીને બૉબીને દાળમાં કાળું લાગે છે એટલે તે રિવર્સ શોધખોળ શરૂ કરે છે.

એ દરમ્યાન બૉબીનાં લગ્નની માથાકૂટ પણ ચાલે છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં આપણને પણ થઈ આવે કે આ બૉબી હવે પરણીને જાસૂસીનાં શટરિયાં પાડી દે તો સારી વાત છે.

જાસૂસી કે સાઇડ ઇફેક્ટ્સ

આપણે અત્યાર સુધીમાં જેટલી જાસૂસી કથાઓ જોઈ-વાંચી હશે એમાં એક વાત લ.સા.અ. (લઘુતમ સામાન્ય અવયવ)ની જેમ કૉમન હોય છે કે જાસૂસ પોતે અત્યંત તેજ દિમાગ ધરાવતો સ્માર્ટ માણસ હોય છે, પરંતુ આ ‘બૉબી જાસૂસ’ ડફોળની કૅટેગરીમાં આવે એટલી હદે ડબ્બુ છે. એક તો તેની પ્રેરણા સોની ટીવી પર આવતી ‘સીઆઇડી’ સિરિયલ છે. જાસૂસે અત્યંત લાઉડ થઈને પોતાનું નામ બોલ-બોલ ન કરવાનું હોય, જ્યારે આ બૉબી તો આખી ફિલ્મમાં જાણે ‘જાસૂસ... જાસૂસ’ શબ્દની માળા જપતી હોય એ રીતે પોતાની ઓળખ છતી કરતી રહે છે. તે કેટલી ઠોઠ જાસૂસ છે એની એટલા મુદ્દે ખબર પડી જાય છે કે છૂપી રીતે ફોટો પાડતી વખતે તે શટરનો સાઉન્ડ ઑન રાખે છે, ફોટોગ્રાફ જેવા અગત્યના સબૂતને અત્યંત બેદરકારીથી રાખે છે અને ખોઈ પણ નાખે છે. એક તરફ જાતભાતના વેશપલટા કરવામાં માહેર હોય અને જ્યારે કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં ખાંખાખોળા કરવા જાય ત્યારે બે વાક્ય પણ બોલી શકે નહીં અને ઉપરથી ઘ્ઘ્વ્સ્ કૅમેરાની હાજરી ભૂલી જઈને બિન્દાસ ખુલ્લા ચહેરે ફર્યા કરે છે. વાતના અંકોડા મેળવવા માટે તે પોતાના આખા પરિવારની જાન જોડીને ફર્યા કરે છે અથવા તો કોઈકની બાઇકની પાછળ ઊંધી બેસીને બબૂચકની જેમ બાઇનોક્યુલરમાંથી ઝાંકતી રહે છે એટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં તે પોતાની મેળે પહોંચી પણ વળતી નથી. ઇન શૉર્ટ, એક સ્માર્ટ જાસૂસમાં હોય એવું એક પણ લક્ષણ તેનામાં નથી.

લોચા હી લોચા

એક રૂઢિચુસ્ત પરિવારની યુવતીને પોતાની મરજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય અને એ ક્ષેત્ર પણ જો જાસૂસી જેવું અત્યંત વિચિત્ર હોય તો તેને કેટલી તકલીફ પડી શકે છે એ આ આખી ફિલ્મનો અન્ડરકરન્ટ છે, પરંતુ એ અન્ડરકરન્ટ ફિલ્મ જોતી વખતે આપણને એટલા ઝટકા આપે છે કે ન પૂછો વાત. માંડ બે કલાકની હોવા છતાં આ ફિલ્મ ધીમી ગતિના સમાચાર જેવી સ્લો છે. ઉપરથી જાસૂસીના મુખ્ય ટ્રૅક પર આવતાં દર થોડી વારે સબ પ્લૉટ્સની ગલીઓમાં ઘૂસી જાય છે. ફિલ્મને માંડ ખેંચીને પાટા પર ચડાવી હોય ત્યાં ગીત આવીને પંક્ચર પાડી દે. ઈવન જ્યારે ફિલ્મના અંતે સસ્પેન્સ આપણી સામે આવે ત્યારે તો રીતસર ટાંય ટાંય ફિસ્સ જેવું થાય છે. સસ્પેન્સ ખૂલે ત્યારે જે આંખો પહોળી થઈ જાય એવી કોઈ ફીલિંગ થતી નથી. ઉપરથી સમગ્ર સસ્પેન્સ ખૂલી ગયા બાદ પણ ખાસ્સી વાર સુધી ટિપિકલ રોનાધોનાછાપ મેલોડ્રામા ચાલતા રહે છે. મતલબ કે નવોદિત ડિરેક્ટર સમર શેખ અને લેખિકા સંયુક્ત ચાવલા શેખ બન્ને તદ્દન નિષ્ફળ ગયાં છે.

બીજો મોટો લોચો છે સપોર્ટિંગ કાસ્ટનો. વિદ્યા બાલન પોતાના પાત્રને ન્યાય કરવા માટે ખાસ્સી મહેનત કરે છે, પરંતુ એક તો તેનું પાત્ર નબળું લખાયું છે અને ઉપરથી ફિલ્મમાં સક્ષમ કલાકારો હોવા છતાં તેને કોઈની મદદ મળતી નથી. ઈવન વિદ્યા બાલનની ઑપોઝિટ રહેલો (‘ફુકરે’ ફેમ) અલી ફઝલ પણ સાવ નબળો સાબિત થાય છે. આપણને વિશ્વાસ ન આવે કે આખી ‘રામ-લીલા’ ફિલ્મમાં ખોફનો માહોલ ફેલાવી દેનારાં સુપ્રિયા પાઠક કપૂર જેવાં ધરખમ અભિનેત્રી હોવા છતાં તેમને તદ્દન વેડફી નાખવામાં આવ્યાં છે. એ ઉપરાંત રાજેન્દ્ર ગુપ્તા, તન્વી આઝમી, ઝરીના વહાબ જેવાં ચરિત્રઅભિનેતાઓ છે; પણ તેમની પાસે પણ છૂટક મેલોડ્રામા સિવાય ખાસ કામ લેવામાં નથી આવ્યું. કિરણકુમાર થોડી આશા જન્માવે છે, પણ ક્લાઇમૅક્સ સુધી પહોંચતાંમાં તો તે પણ હાંફી જાય છે. અર્જન બાજવા અને બેનાફ દાદાચાનજી (‘બા બહૂ ઔર બેબી’ની ‘બેબી’) પણ ઠીક છે મારા ભૈ.

કેસ ક્લોઝ્ડ

‘બૉબી જાસૂસ’ એક ડિટેક્ટિવ ફિલ્મ તરીકે તદ્દન નિરાશ કરે છે. ફિલ્મમાં થોડી અમથી હળવી પળો છે, સાંભળતાં કંટાળો ન આવે એવાં બે ગીત છે અને ખાસ તો વિદ્યા બાલનનો પ્રામાણિક પફોર્ર્મન્સ છે. મતલબ કે તમે જો વિદ્યા બાલનના તેના જેવા જ ભારેખમ ફૅન હો તો આ ફિલ્મ જોવા થિયેટર સુધી લાંબા થઈ શકાય. બાકી વિદ્યા બાલન કે પ્રોડ્યુસર દિયા મિર્ઝા સાથે આપણો કોઈ વાટકીવ્યવહાર ચાલતો નથી કે આપણે ૫૦૦-૧૦૦૦ રૂપિયા બાળી નાખીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK