ફિલ્મ-રિવ્યુ - બેફિકરે

ઘિસા-પિટા કિસિંગ ફેસ્ટિવલ, દિલકશ મ્યુઝિક અને જથ્થાબંધ કિસિંગ-બેડરૂમ સીન સિવાય આ ફિલ્મમાં કશું જ નવું નથી

befikreજયેશ અધ્યારુ

કહે છે કે ચાર્લી ચૅપ્લિન એક વખત પોતાના ડુપ્લિકેટ બનવાની સ્પર્ધામાં ગયેલા અને એમાં તેમનો ત્રીજો નંબર આવેલો. ‘બેફિકરે’માં આદિત્ય ચોપડાની હાલત કંઈક એવી જ થઈ છે. તેણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ) જેવી કલ્ટ રોમૅન્ટિક ફિલ્મ બનાવી. એ જ ફિલ્મમાં શાહરુખના દોસ્તારનો રોલ કરી ચૂકેલા કરણ જોહરે પછી ‘કુછ કુછ હોતા હૈ’ જેવી બીજી એક્સપાયરી ડેટ વિનાની રોમૅન્ટિક ફિલ્મ સર્જી‍. એ પછી ખુદ આ બન્નેના પ્રોડક્શન-હાઉસમાંથી જ ઢગલાબંધ ફિલ્મો બહાર પડી જેમાં આ બન્ને ફિલ્મોનું જ પ્રતિબિંબ હતું. નવી પેઢીમાં ઇમ્તિયાઝ અલીની લગભગ બધી જ ફિલ્મો, પ્લસ ‘દિલ ચાહતા હૈ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘કૉકટેલ’, ‘વેક અપ સિડ’,

‘હૅપી એન્ડિંગ’, ‘જાને તૂ યા જાને ના’, ‘સલામ નમસ્તે’થી લઈને મણિ રત્નમની છેલ્લે આવેલી તામિલ ફિલ્મ ‘ઓ કાધલ કન્મની’ (જેની ‘ઓકે જાનુ’ નામે હિન્દી રીમેક બની રહી છે) વગેરે તમામ ફિલ્મોમાં એક લ.સા.અ. જેવી વાત હતી કે છોકરા-છોકરી પ્રેમમાં પડે, પરંતુ કોઈ કારણસર છૂટા પડ્યા પછી એ પ્રેમનું ભાન થાય. હૉલીવુડની પણ આવી અનેક ફિલ્મો ગણાવી શકો. લેકિન આ થીમ પરની મોટા ભાગની ફિલ્મોમાં એ ઉપરાંત પણ કોઈ ને કોઈ સબપ્લૉટ, મેસેજ હતો. આદિત્ય ચોપડાની ‘બેફિકરે’માં એ જ ઘસાયેલી સિંગલ-લાઇન સ્ટોરી છે, પણ નવીનતાના નામે કંઈ કહેતાં કંઈ જ નથી.

ફ્રૉમ પૅરિસ વિથ કન્ફ્યુઝન

ધરમ ગુલાટી (રણવીર સિંહ) સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનવા દિલ્હીથી પૅરિસ આવે છે, પરંતુ કૉમેડિયન બનતાં પહેલાં તે પ્રેમી બની જાય છે અને સાંગોપાંગ શાયરા ગિલ (વાણી કપૂર)માં ડૂબી જાય છે. બેઉ જણ મળીને આખું પૅરિસ રીતસર માથે લે છે. પોલીસને લાફો મારી દે, રખડે, ડાન્સ કરે, હોટેલમાં નંગુપંગુ પકડાય, લાઇબ્રેરીમાં-પાર્ટીઓમાં ઉઘાડા ડાન્સ કરે, રાતોરાત લિવર ફેલ થઈ જાય એટલો દારૂ પીએ, ગિનેસ બુકવાળા રેકૉર્ડ ફાડી આપે એટલાં બધાં ચુંબનો કરે, સેન્સરની કૃપાથી બન્ને પાર વિનાનો સેક્સ કરે અને મા-બાપને અંગૂઠો બતાવીને લિવ-ઇનમાં પણ રહે. પછી ઍઝ યુઝ્અલ બન્ને ઝઘડે, અલગ થાય, બીજાં પાત્રો શોધે. પછી સવાલ થાય કે હવે જે ફીલિંગ થઈ રહી છે એ સાચો પ્રેમ છે?

અર્બન, માય ફુટ


આદિત્ય ચોપડાસાહેબે આ ફિલ્મ વિશે કહ્યું છે કે ‘બેફિકરે’માં તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા છે. તદ્દન ખોટ્ટી વાત છે. આ ફિલ્મનું માત્ર કલેવર અર્બન, યંગ છે. બાકી એ એની એ જ વાત કરે છે. અને ધારો કે દર બીજા દિવસે ગમે તેની સાથે સેક્સ કરતા ફરવું, દારૂ પીને પાર્ટી વગેરેમાં ધમાલ કરવી, મજા ખાતર પોલીસને થપ્પડો મારવી, કરીઅરને તો ઠીક મારા ભૈ સમજવું; તો પછી બૉસ, તમે આજની યુવા પેઢી વિશે ગંભીર રિમાર્ક પેશ કરી રહ્યા છો. એટલે આ ફિલ્મની લીડિંગ જોડીની કૅર-ફ્રી લાઇફ-સ્ટાઇલ તમને બે ઘડી મજા કરાવી શકે, પણ એ અત્યારના યંગસ્ટર્સનું પ્રતિનિધિત્વ નથી કરતી એ યાદ રાખવું પડે.

આજના યુવાનોનો આવો ક્લિશે ચહેરો પેશ કરતી ‘બેફિકરે’ બે કલાક ઉપર ચાલ્યા કરતી મોટી ટ્રુથ ઑર ડેરની ગેમ જ છે જેના છેલ્લા દૃશ્યનો ડાયલૉગ પણ માત્ર ટ્રેલર જોઈને કળી શકાય એમ છે. ‘બેફિકરે’ આ હદે પ્રિડિક્ટેબલ છે. પોતે અગાઉની રોમૅન્ટિક ફિલ્મો જેવી રોનાધોના ટાઇપ નથી એવું જાતે જ સાબિત કરવા મથે છે અને એ પ્રયત્નમાં એ તદ્દન ફારસ બની જાય છે. પરિણામે બન્ને પાત્રોની એકબીજા માટેની ફીલિંગ આપણને સ્પર્શતી નથી. જેવા તે બન્ને છે એ જોઈને આપણને ગળા સુધીની ખાતરી થઈ જાય કે એ બન્ને છૂટા પડતા હોય તો છો પડતા, સાંજ પડ્યે બીજું કોઈક શોધી જ લેવાના છે. એમ છતાં અલ્ટિમેટલી તો એ ટ્રેડિશનલ જ બની રહે છે.

બાજીરાવ જેવા છૂટક રોલને બાદ કરતાં રણવીર સિંહ ફરી પાછો પોતાના ઓરિજિનલ દિલ્લી કા લૌંડાના રોલમાં આવી ગયો છે. તેની એનર્જી‍, કૉમિક ટાઇમિંગ, વખતોવખત ગલૂડિયામાં કન્વર્ટ થઈ જતું તેનું ડાચું વગેરે અપીલ કરે છે, આપણને હસાવે પણ છે; લેકિન આપણે તેના દુ:ખે દુ:ખી થઈએ એવું જરાય બનતું નથી. યંગસ્ટર્સને અપીલ કરે એ માટે રણવીર અહીં સ્ટૅન્ડઅપ કૉમેડિયન બન્યો છે, પરંતુ જો તમે અત્યારના સ્ટૅન્ડઅપ કૉમેડિયનોના વિડિયો જોતા હશો તો સમજાશે કે રણવીર એમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન કરતાં ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ના નાના પાટેકરની નબળી આવૃત્તિ જેવો વધારે લાગે છે.

ડિટ્ટો હિરોઇન વાણી કપૂર. આ બડે મૂંહવાલી હિરોઇનનું મૂંહફટ કૅરૅક્ટર આદિત્ય ચોપડાના મતે એમ્પાવર્ડ વુમનનું અને NRI પરિવારના કન્ફ્યુઝ્ડ સંતાનનું પ્રતીક હશે, પણ તેની ઉદ્ધતાઈ તેની કોઈ જ ફીલિંગ આપણા સુધી પહોંચવા દેતી નથી. ઈવન બન્ને કલાકાર વચ્ચેની કેમિસ્ટ્રીમાં પણ ખાસ જામતું નથી. હા, એટલું ખરું કે વાણી-રણવીર સુપર્બ એનર્જેટિક ડાન્સ કરે છે. તેમને જોઈને ડાન્સ-ક્લાસિસના ગ્રાહકો વધે તો નવાઈ નહીં.

ઇન ફૅક્ટ, ‘બેફિકરે’માં જો વિશાલ-શેખરનું ધમ્માલ મ્યુઝિક ન હોત તો આ ફિલ્મ અસહ્ય બની ગઈ હોત. ટાઇટલ-ટ્રૅક, ‘નશે સી ચડ ગઈ...’, ફ્રેન્ચ સૉન્ગ વગેરે બધાં જ ગીતો લૂપમાં સાંભળવાનું કે એના પર ડાન્સ કરવાનું મન થાય એવાં બન્યાં છે. ફિલ્મ માટે વખતસર પહોંચી જાઓ તો જયદીપ સાહનીએ દિલકશ શબ્દોથી સજાવેલું (અને ચુંબનોથી ભરચક એવું) ‘લબોં કા કારોબાર...’ ગીત પણ સાંભળવા જેવું છે. ‘બેફિકરે’નું મિકી મૅક્લિઅરીએ આપેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એને ‘એમિલી’ જેવી કોઈ ફ્રેન્ચ ફિલ્મની ફીલ આપે છે. એ જ રીતે ફિલ્મને ગ્લોબલ લુક આપવા માટે આદિત્ય ચોપડાએ ફ્રેન્ચ-જૅપનીઝ સિનેમૅટોગ્રાફર કાનામી ઓનોયામાની મદદ લીધી છે. એને કારણે વિઝ્યુઅલી તો આ ફિલ્મ જબરદસ્ત રીતે શૂટ થઈ છે, પરંતુ આદિસરના ઝેનોફોબિક રાઇટિંગે આ ફીલની ચટણી કરી નાખી છે; કેમ કે અર્બન બનાવવાની લાયમાં આદિત્ય ચોપડાનાં પાત્રો બીજાનાં ડિફરન્ટ સેક્સ્યુઅલ ઓરિયેન્ટેશનની, કલ્ચરની મજાક ઉડાવે છે. ઈવન તેમની જ સોકૉલ્ડ પ્રોગ્રેસિવ હિરોઇન ફિલ્મમાં બીજા સ્ત્રીપાત્રનું તેના વિદેશી હોવામાત્રથી કૅરૅક્ટર સર્ટિફિકેટ પણ ફાડી આપે છે. એ જ રીતે યુવાનોને વહાલા થવા માટે આદિત્ય ચોપડાએ પોતાની જ DDLJના મોસ્ટ ફેમસ સીનને વલ્ગર ટર્ન આપી દીધો છે (DDLJના ચાહકો હિંમત રાખે).

આપણા સંસ્કારી અને સગવડિયા સેન્સર બોર્ડે પણ બડા બૅનરની આ ફિલ્મ માટે જે સગવડિયો અપ્રોચ લીધો છે એ ખાસ્સો શૉકિંગ છે. ટ્રક ભરીને ચુંબનો, ગાડું ભરીને બેડરૂમ-સીન અને એટલું પૂરતું ન હોય એમ રણવીરનો તદ્દન ઉઘાડો પિછવાડો પણ ઓકે થઈ ગયો છે.

કુછ નયા લાઓ, યાર સદૈવ અદૃશ્ય રહેતા આદિત્ય ચોપડા પોતે પોતાના બૅનરની કે અત્યારની બૉલીવુડની ફિલ્મો જોતા હશે કે કેમ ખબર નહીં, પરંતુ તેમની આ ફિલ્મ પૂરેપૂરી ક્લિશે અને કન્ફ્યુઝ્ડ છે. તેઓ પોતે રોમ-કૉમ, કમિંગ ઑફ એજ ફિલ્મ બનાવવા માગે છે; પ્યૉર રોમૅન્ટિક કે ખાલી કૉમેડી બનાવવી છે કે પછી એવી ફિલ્મોની પૅરડી બનાવવી છે એ જ સમજાતું નથી. ફિલ્મનાં પાત્રો જેટલી જ આ ફિલ્મ અને એના મેકર પણ કન્ફ્યુઝ્ડ છે. જોકે થૅન્ક ગૉડ, આપણા માટે કોઈ કન્ફ્યુઝન નથી. કમિટમેન્ટ ફોબિક યુવાનોની આ ઘિસી-પિટી અર્બન ગાથા સંપૂર્ણપણે અવગણી શકાય એવી છે. રણવીર સિંહના ફૅન હો તો એકાદ વખત કોઈ જ અપેક્ષા વિના માત્ર ટાઇમપાસ માટે એકવીસમી સદીના અંત સુધીમાં ગમે ત્યારે જોશો તોય કશું ખાટુંમોળું થવાનું નથી.

ઇન ફૅક્ટ, આના કરતાં મરાઠા મંદિરમાં વધુ એક વાર DDLJ જોઈ આવો ફૅમિલી સાથે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK