ફિલ્મ-રિવ્યુ : બૅન્ગ બૅન્ગ

આ ફિલ્મનું ટાઇટલ એ દરઅસલ ફિલ્મ જોતી વખતે આપણા મગજ પર પડતા હથોડાનો અવાજ છે



bang bang




યશ મહેતા

આ વખતે બીજી ઑક્ટોબરે ગાંધીજીના બર્થ-ડે કરતાંય વધુ ચર્ચા બૉક્સ-ઑફિસ પર હૃતિક-કૅટરિનાની ‘બૅન્ગ બૅન્ગ’ અને વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ની અથડામણની હતી. ટ્વિટર પર તો ‘બૅન્ગ બૅન્ગ’-સાઇક્લોન નામના ટૉપિક પર પંચાતોય થવા માંડી હતી. આ સાઇક્લોને દેશભરમાં એવા જથ્થાબંધ શોઝ ખડકી દીધા કે બીજી ફિલ્મોની હાલત તો વિસ્થાપિતો જેવી થઈ ગઈ. ઉપરથી ટિકિટોના ભાવમાં પણ વધારો ઠપકારી દેવામાં આવ્યો. એ બધા પછીયે આપણે ફિલ્મ જોવા જઈએ તો આપણને શું મળે? તો કહે, બાબાજી કા ઠુલ્લુ! એટલી બોરિંગ અને ઢીલી કે હૃતિક-કૅટરિનાના ફૅન્સ પણ ચાલુ ફિલ્મે ઠંડા પડી જાય.

ચોરીની સ્ટોરી

ખૂનખાર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓમર ઝફર (ડૅની ડેન્ઝોન્ગ્પા) લંડનમાં રહેલો આપણો કોહિનૂર હીરો ચોરવાની સાજિશ રચે છે, પરંતુ એ પહેલાં જ બીજો એક માણસ રાજવીર નંદા (હૃતિક રોશન) એ હીરો ચોરીને ભાગે છે એટલે હૃતિકની પાછળ ડૅનીના ગુંડાઓ અને એ બન્નેની પાછળ પોલીસ. તેમની આ પકડમપટ્ટીમાં શિમલામાં બૅન્ક-રિસેપ્શનિસ્ટ એવી હર્લિન સાહની (કૅટરિના કૈફ) નાહકની સલવાઈ જાય છે. તે બિચારીને સલામત રાખવા માટે હૃતિક તેને પોતાની સાથે જ વર્લ્ડ-ટૂર કરાવતો ફરે છે અને બન્ને નિરાંતે પ્રેમમાં પણ પડે છે, પરંતુ હૃતિક આખરે કોહિનૂર હીરો શા માટે ચોરે છે? એ હીરાનું છેવટે શું થાય છે? આ બધા સવાલો પાછળ કાનખજૂરાના એક પગના વધી ગયેલા નખ જેવડું સસ્પેન્સ પણ છે, જેને માટે તમારે (કમનસીબે) આખી ફિલ્મ જોવી પડે.

ઍક્શન સારી, ફિલ્મ પકાઉ

‘બૅન્ગ બૅન્ગ’ ફિલ્મ હૉલીવુડની ૨૦૧૦માં આવેલી ટૉમ ક્રૂઝ સ્ટારર ફિલ્મ ‘નાઇટ ઍન્ડ ડે’ની રીમેક છે. ‘બૅન્ગ બૅન્ગ’ના ટ્રેલર જોઈને જરાય ખબર નહોતી પડતી કે એની સ્ટોરી શું હશે, પરંતુ યકીન માનો, આખી ફિલ્મ જોયા પછીયે આપણે એ જ સવાલ પૂછતા ફરીએ છીએ કે આમાં સ્ટોરી શું હતી? ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બોરિંગ ફિલ્મો આપવામાં માસ્ટરી છે. આ ફિલ્મમાં પણ તેણે આપણને કંટાળો આપવા માટે ખાસ્સીએવી મહેનત કરી છે.

જુઓ, એક તો તેણે ફિલ્મની લંબાઈ ૧૫૬ મિનિટની રાખી જેથી આપણને કંટાળવાનો પૂરેપૂરો ટાઇમ મળે. રાઇટિંગ-ડિપાર્ટમેન્ટમાં ‘જાને તૂ યા જાને ના’વાળા અબ્બાસ ટાયરવાલા અને ‘કહાની’ ફેમ સુજૉય ઘોષ છે. ફિલ્મની શરૂઆતમાં સ્માર્ટનેસના ચમકારા દેખાય છે, પણ પછી સેકન્ડ હાફમાં તો સુજૉયબાબુ-ટાયરવાલાના ટાયરમાંથી હવા નીકળી જાય છે. પહેલી દસેક મિનિટમાં ધડાધડ ઍક્શન આવે, પરંતુ પછી ભેંસ પાણીમાં નાહવા પડી હોય એ રીતે સ્ટોરી બેસી જાય છે.

ફિલ્મમેકર્સને કદાચ લાગ્યું હશે કે બહુ મગજ વાપરીને સ્ટોરી લખીશું તો લોકોને કદાચ સમજમાં નહીં આવે એથી એ લોકોએ લૉજિકને જ તડીપાર કરી દીધું, એટલે જ આખી ફિલ્મમાં સતત એવું બધું બનતું રહે છે જે ખોપડીની ઝોંપડીમાં ઊતરે જ નહીં. જેમ કે ફિલ્મમાં કોહિનૂર હીરો તો જાણે કરિયાણાની દુકાનમાંથી નૂડલ્સનાં બે પૅકેટ લેવાનાં હોય એ રીતે ફટાફટ ચોરાઈ જાય. કોહિનૂર હીરો પણ બગસરાના દાગીના વેચતી દુકાનમાંથી લીધો હોય એવો સોપારી કરતાં પણ નાનો (ફિલ્મમેકર્સે ઓરિજિનલ કોહિનૂર જોયો જ નહીં હોય?). હૃતિક ગમે ત્યાંથી કૂદે પણ તેને કશું ન થાય. અરે એ પાંચેક માળના બિલ્ડિંગ પરથી કૂદે, પગ ભાંગે અને બીજા જ સીનમાં પ્રભુ દેવાને લઘુતાગ્રંથિ થઈ જાય એવો ડાન્સ પણ કરવા માંડે. પોતાના પેટમાંથી બંદૂકની ગોળી ગબ્બર સિંહ તમાકુની પોટલી ખિસ્સામાંથી કાઢતો હોય એટલી આસાનીથી કાઢી લે છે. કૅટરિના આટલી મોટી થયા પછીયે બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને નહાય, બોલો. આવું તો ઘણુંય છે ફિલ્મમાં.

વળી દર થોડી વારે ફિલ્મમાં લોકેશન બદલાઈ જાય. સ્ટોરી શરૂ થાય ત્યારે લંડન હોય, બે મિનિટમાં પ્રાગ આવે; ત્યાંથી ગાડી દિલ્હી ઊપડે, પછી શિમલા, પછી મનાલી, પછી દેહરાદૂન પછી થાઇલૅન્ડ, પછી અબુધાબી. બધી જ જગ્યાએ હૃતિક પાછો ટ્રાવેલ-એજન્ટ હોય એ રીતે ‘મિસ્ટર ઇન્ડિયા’ની જેમ પહોંચી જાય. અને હા, ફિલ્મનો ખર્ચ કાઢવા માટે લીધેલા સ્પૉન્સર્સનું બિયારણ છાંટuું હોય એ રીતે કરાયેલો છંટકાવ. સિમ્પ્લી ત્રાસ.

હા, એટલું ખરું કે ‘બૅન્ગ બૅન્ગ’ની ઍક્શન-સીક્વન્સિસ ધમાકેદાર છે. કાર-ચેઝ, ફાઇટ-સીન, સામસામા થતા ગોળીબાર અને શરીરના બધા જ સાંધા ઢીલા કરી નાખે એવી મારામારી. (માત્ર) એ બધાની વચ્ચે જળવાઈ રહેતો કૉમિક-ટોન. એક સીક્વન્સમાં તો હૃતિક દરિયાની વચ્ચે ડૉલ્ફિનની જેમ કૂદકા મારે છે. એ બધું જોતાં-જોતાં પૉપકૉર્ન ગળામાં અટવાઈ જાય એની પૂરી શક્યતા છે.

એમ તો સ્લિમ-ટ્રિમ લાગતો ગઠ્ઠાદાર સિક્સ-પૅક ઍબ્સવાળો હૃતિક ડાન્સ પણ મસ્ત કરે છે. કૅટરિના થોડી ચબ્બી ચીક્સવાળી લાગે છે, પરંતુ તેના હિન્દીમાં વર્તાતી અંગ્રેજી છાંટ (હંમેશની જેમ) ઇર્રિટેટ કરે છે. મ્યુઝિક પરથી યાદ આવ્યું કે વિશાલ-શેખરે પણ કંગાળ મ્યુઝિક બનાવવામાં યથાશક્તિ પ્રદાન કર્યું છે. તોય ભૂલથી ‘તૂ મેરી...’ સૉન્ગ સારું બની ગયું છે. આ ફિલ્મમાં ગીતોનું કામ ફિલ્મને આડા પાટે ચડાવવા સિવાય કશું જ નથી.

ડૅની ડેન્ઝોન્ગ્પા, જાવેદ જાફરી, પવન મલ્હોત્રા, વિક્રમ ગોખલે, દીપ્તિ નવલ, કંવલજિત સિંહ વગેરે બધાંને વેડફાવાની પૂરી તક અપાઈ છે. ફિલ્મની શરૂઆતમાં જિમી શેરગિલ આવે છે, પરંતુ લોકો હજી પોતાની સીટ પર ગોઠવાતા હોય ત્યાં તો એ સ્ક્રીન પરથી અલોપ થઈ જાય છે.

અપની અક્કલ લગાઓ

‘બૅન્ગ બૅન્ગ’ ફિલ્મની ખાસ્સી હાઇપ ઊભી થઈ છે, પરંતુ હાઇપ દર વખતે સાચી જ હોય એ જરૂરી નથી. જો તમે હૃતિક કે કૅટરિનાના લોખંડી ફૅન નહીં હો અને મનોરંજનની તલાશમાં જતા એક નિષ્પક્ષ પ્રેક્ષક હશો તો આ ફિલ્મ તમને ઘોર નિરાશ કરશે, એટલે મોંઘવારીને ધ્યાનમાં રાખીને તમારા હિસાબે ને જોખમે નિર્ણય કરજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK