ફિલ્મ રિવ્યુ : બાજીરાવ મસ્તાની

સલામ-એ-ઇશ્ક - સંજય લીલા ભણસાલીની વધુ એક લાર્જર ધૅન લાઇફ લવસ્ટોરી અપેક્ષા પ્રમાણેનો જ જલસો કરાવે છે

bajirao mastaniજયેશ અધ્યારુ

અંગ્રેજીમાં સ્ટારક્રૉસ્ડ લવર્સ નામનો એક શબ્દપ્રયોગ છે. રોમિયો-જુલિયટ ટાઇપનાં એવાં પ્રેમીઓ એક ન થાય એટલા માટે આખી દુનિયા તેમની પાછળ આદું ખાઈને પડી ગઈ હોય. વિશ્વમાં એવી વાર્તાઓની કમી નથી. ખુદ સંજયભાઈએ જ પોતાની મોટા ભાગની ફિલ્મો એ જ થીમ પર બનાવી છે. તેમની આ નવી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ડિટ્ટો એ જ વાત કરે છે, પણ ભણસાલી-સ્ટાઇલમાં. એયને આંખો પહોળી થઈ જાય એવા જાયન્ટ સેટ, ‘હિસ્ટરી’ ચૅનલમાં ઘૂસી ગયા હોઈએ એવા પહેરવેશ, નજર પહોંચે ત્યાં સુધી પથરાઈને બાખડતું સૈન્ય, સામસામી તલવારબાજી જેવા વાક્યે-વાક્યે આવતા ધારદાર સંવાદો અને દરેક લાગણીનો ઉત્સવ મનાવવામાં આવતો હોય એવાં જાજરમાન ગીતો. ‘બાજીરાવ મસ્તાની’માં આ બધાં જ એલિમેન્ટ પીરસવામાં સંજયભાઈ બરાબરના ખીલ્યા છે.

ચિત્તે કી ચાલ, બાઝ કી નઝર ઔર બાજીરાવ કી તલવાર

૧૮મી સદીની શરૂઆતનો સમય છે. પુણેના પેશવા બાજીરાવ (રણવીર સિંહ) ભારે પરાક્રમી શાસક છે. એક પછી એક યુદ્ધ જીતતા જાય છે અને મરાઠા સામ્રાજ્યનો ભગવો ધ્વજ લહેરાવતા જાય છે. તેમની પત્ની કાશીબાઈ (પ્રિયંકા ચોપડા) સાથે તે સુખી છે. એક યુદ્ધમેદાનમાં અચાનક બુંદેલખંડની રાજકુમારી મસ્તાની (દીપિકા પાદુકોણ) દુશ્મનો સામે બાજીરાવની મદદ માગે છે અને બાજીરાવ કરે પણ છે. બસ, આ યુદ્ધ પછી બાજીરાવ અને મસ્તાની વચ્ચે કટારની ધાર પર પ્રેમ પાંગરે છે, પરંતુ મસ્તાની તો હિન્દુ રાજા છત્રસાલની મુસ્લિમ નર્તક-પત્ની રૂહાની બાઈની દીકરી. બીજી બાજુ બાજીરાવ પણ બચરવાળ રાજા; છતાં બાજીરાવ પરિવાર, રિવાજ ને સમગ્ર રાજ્યની વિરુદ્ધ જઈને મસ્તાનીને પત્ની જાહેર કરે છે. દુશ્મનો સામે સતત અજેય રહેલા બાજીરાવના આ પ્રેમની આડે સતત તેમના પરિવારના જ લોકો અંતરાય ઊભો કરે છે.

પ્યાર, પૅશન ને પરિવાર

શરૂઆતમાં કહ્યું એમ સંજય ભણસાલી એકની એક વાર્તા જ ફરી-ફરીને કહેતા રહે છે. પછી એ સમીર-નંદિની હોય કે દેવદાસ-પારો હોય કે પછી રામ-લીલા હોય. બે પ્રેમી આ ભવે ભેળાં થાય તો ધરતી રસાતળ જાય. ઈવન ‘ગુઝારિશ’માં પણ હૃતિક-ઐશ્વર્યાની આડે બીમારીનો અંતરાય હતો. એમ છતાં ભણસાલી એવા પૅશનથી વાર્તા કહે કે તેમની ફિલ્મની એકેક ફ્રેમમાંથી આપણને એ ઝનૂન ટપકતું દેખાય.

‘રામ-લીલા’માં વિરોધનો સામનો કરી ચૂકેલા સંજયભાઈએ આ વખતે ફિલ્મની શરૂઆતમાં જ મિચ્છા મિ દુક્કડં પ્રકારની લાંબી ચોખવટ કરીને કહ્યું છે કે ‘જુઓ, અમે આ ફિલ્મ નાગનાથ ઇનામદાર નામના મરાઠી લેખકની નવલકથા ‘રાઉ’ પરથી બનાવી છે. ઐતિહાસિક તથ્યોનું ધ્યાન રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, એમ છતાં ભૂલચૂક લેવીદેવી.’ એટલે એ રીતે જોતાં આ ફિલ્મને આપણે પણ ઐતિહાસિક દસ્તાવેજને બદલે પેશવા બાજીરાવ પહેલાના ફિક્શનલાઇઝ્ડ વર્ઝન તરીકે જ જોવી જોઈએ.

૧૫૮ મિનિટની આ ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે દમદાર ઍક્ટર ઇરફાન ખાનનો વૉઇસ-ઓવર. એ પછી તરત જ પેશવા બનવા માટે પોતાની દાવેદારી નોંધાવતા બાજીરાવ યાનિ કે રણવીર સિંહની એન્ટ્રી પડે અને આપણે તેની એનર્જીના મૅગ્નેટિક ફીલ્ડમાં કેદ થઈ જઈએ. આ ઍક્ટર રિયલ લાઇફમાં જેટલા ગાંડા કાઢે છે એનાથી તદ્દન વિપરીત તેનો દમદાર પર્ફોર્મન્સ છે. પૂરેપૂરો બાજીરાવના બીબામાં ઢળી ગયેલો રણવીર પાત્ર પ્રમાણે લાઉડ થાય છે, પણ તેનામાં ક્યાંય ઓવરઍક્ટિંગ નથી દેખાતી. તેની હાજરીમાત્રથી સ્ક્રીન ભરચક લાગે છે અને ધીમી પડતી ફિલ્મ પણ કંટાળાજનક નથી લાગતી.

ફિલ્મમાં સતત જલસો કરાવતા રહે છે પ્રકાશ કાપડિયાએ લખેલા બાજીરાવની તલવાર જેવા જ ધારદાર સંવાદો. ‘બાજીરાવને મસ્તાની સે મોહબ્બત કી હૈ, ઐયાશી નહીં’; ‘જબ દીવારોં સે ઝ્યાદા દૂરી દિલોં મેં આ જાએ તો છત નહીં ટીકતી’; ‘યોદ્ધા હૂં, ઠોકર પથ્થર સે ભી લગે તો હાથ તલવાર પર હી જાતા હૈ’ જેવા સીટીબજાઉ ડાયલૉગ્સ દર બીજી મિનિટે આવતા રહે છે. માત્ર ડાયલૉગ માણવા માટે પણ તમે અલગથી ફિલ્મ જોઈ શકો. સારી વાત એ છે કે આ ડાયલૉગ કૃત્રિમ કે નાટકીય નથી લાગતા, બલ્કે ફિલ્મની ઓવરઑલ ઇમ્પૅક્ટમાં વધારો કરે છે.

ભણસાલીની તમામ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પાત્રો એકદમ સશક્ત અને અલગ તરી આવે એવાં પાવરપૅક્ડ હોય છે. અહીં પ્રિયંકા અને દીપિકા બન્નેની તદ્દન વિરોધાભાસી પર્સનાલિટી સફળતાપૂર્વક એસ્ટાબ્લિશ થઈ શકી છે. પ્રિયંકા જેટલી ઠસ્સાદાર અને જાજરમાન છતાં ગભરુ મરાઠી મુલગી લાગે છે, તો સામા પક્ષે દીપિકા પણ જેના રૂપ અને કૌવતને બાજીરાવ જેવો જ કોઈ વીર ઝીલી શકે એવી ફેમ-ફૅટલ લાગે છે. આ ભણસાલીનો જ કમાલ છે કે આ બે દમદાર અભિનેત્રીઓ હોવા છતાં ફિલ્મમાં બાજીરાવનાં માતા બનતાં તન્વી આઝમી પણ એટલાં જ પ્રભાવશાળી લાગે છે.

આજે નહીં તો કાલે, પણ આ ફિલ્મને સારું પ્રોજેક્શન ધરાવતા થિયેટરમાં જ જોવાની મજા પડે એવું પાસું છે એની અફલાતૂન સેટ ડિઝાઇન અને કૅમેરાવર્ક. ‘બાહુબલી’ની યાદ અપાવે એવાં જાયન્ટ મહેલો-કિલ્લા-મેદાન, વિરાટ સૈન્ય, એક જ ફ્રેમમાં સહેજે સો-બસો લોકો દેખાય એવું લાર્જ કૅન્વસ અને આ બધાને પક્ષીની જેમ હવામાં તરીને કેદ કરતો કૅમેરા. અરે, ઘણાં દૃશ્યો તો જાણે આપણે રાજા રવિ વર્માએ દોરેલું કોઈ પેઇન્ટિંગ જોતાં હોઈએ એવી જ ફીલ આપે છે. એક રિચ પિરિયડ ડ્રામાની ભરચક ફીલિંગ આપવા માટે આટલું પૂરતું છે.

જોકે બાજીરાવ મસ્તાની પર આપણે આખું મુંબઈ-પુણે ઓવારી જઈએ એવી મહાન ફિલ્મ તો નથી જ. છેલ્લા લગભગ દોઢ દાયકાથી સંજય ભણસાલી આ ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ મેળ પડ્યો નહીં અને વચ્ચે તેમણે ‘દેવદાસ’થી લઈને ‘રામ-લીલા’ બનાવી કાઢી. કદાચ એટલે જ આ ફિલ્મમાં ‘પિંગા’ કે ‘મોહે રંગ દો લાલ’ જેવાં ગીતો પર ‘દેવદાસ’ની, મલ્હારી પર ‘રામ-લીલા’ના ‘તતડ-તતડ’ની અને રણવીરનાં ડ્રામૅટિક મૉનોલૉગ્સમાં ‘રામ-લીલા’નું સ્પક્ટ રિપીટેશન દેખાય છે. ઈવન એક તબક્કા પછી બિનજરૂરી રીતે ખેંચાઈ જતી આ ફિલ્મ ધડ દઈને ‘દેવદાસ’ના ખાનામાં જઈ પડે છે. વિરોધનો ભય હોય કે કેમ પણ બાજીરાવ અને મસ્તાનીનો રોમૅન્સ જોઈએ એવો ખીલ્યો નથી. સાબિતી વગર સ્વીકારી લેવાના પ્રમેયની જેમ આપણે બન્નેને પ્રેમમાં પડેલાં સ્વીકારી લેવાનાં રહે છે. ઈવન આ ડ્રામૅટિક ફિલ્મનો ક્લાઇમૅક્સ પણ કોઈ આર્ટ-ફિલ્મ જેવો લાગે છે જે તડ ને ફડવાળા દર્શકોને પૂરેપૂરો ગળે ન પણ ઊતરે.

‘સાંવરિયા’ અને ‘રામ-લીલા’ની જેમ અહીં પણ મ્યુઝિક-ડિપાર્ટમેન્ટ ખુદ ભણસાલીએ જ સંભાળ્યો છે. આખું આલબમ ગ્રેટ તો નથી, પણ લૉન્ગ ડ્રાઇવ પર જતાં કારમાં સાંભળવાની મજા પડે એવું તો છે જ. કૅરૅક્ટર-ઍક્ટર યતીન કાર્યેકરનો કદાચ આ સૌથી દમદાર રોલ હશે. ફિલ્મમાં મિલિંદ સોમણ, મહેશ માંજરેકર, બેન્જામિન ગિલાની, રઝા મુરાદ અને બે સીન પૂરતો આદિત્ય પંચોલી છે એ જસ્ટ જનરલ નૉલેજ ખાતર.

બાજીરાવનો જય હો

લાગણીઓને રેડિયોઍક્ટિવ તત્વની શિદ્દતથી વ્યક્ત કરવામાં સંજય લીલા ભણસાલીનો જોટો જડે એમ નથી. તમને જો તેમની આ પ્રકારની પિરિયડ ડ્રામા ફિલ્મ ગમતી હશે તો ‘બાજીરાવ મસ્તાની’ તમારા માટે છે. હવે આશા રાખીએ કે સંજયભાઈ આ પ્રકારના સ્ટારક્રૉસ્ડ લવર્સની વાર્તાઓમાંથી બહાર આવીને કશુંક સાવ નવું પીરસે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK