જાણો કેવી છે ફિલ્મ 'બાહુબલી ૨ : ધ કન્કલુઝન'

યુદ્ધ, રોમૅન્સ અને ઇમોશનની મહાગાથા : કલ્પનાઓનું વિરાટ સ્વરૂપ દેખાડનારી આ ફિલ્મ અવશ્ય થિયેટરમાં જોવા જેવી છે


bahubali

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

રાજમાતા શિવગામીદેવી દર ૨૬ વર્ષે કરવામાં આવતો યજ્ઞ કરી રહી છે. માથા પર અગ્નિ મૂકીને મંદિરને પ્રદક્ષિણા કરવામાં ક્યાંય પગ અટકવા ન જોઈએ નહીંતર યજ્ઞ ફળે નહીં. ત્યાં જ બે હાથી તોફાને ચડે છે. રાજમાતાને અડફેટે લે એ પહેલાં જ અમરેન્દ્ર બાહુબલી એન્ટ્રી લે છે. એક વિરાટકાય રથને પોતાના હાથ વડે ખેંચીને રાજમાતાને માતેલા હાથીઓથી બચાવી લે છે એટલું જ નહીં, હાથીને વશમાં કરીને એની સૂંઢ પર પગ મૂકીને હાથી પર ચડે છે. હાથી પોતાની સૂંઢથી મોટું ધનુષ પકડે છે અને બાહુબલી એમાં તીર ચડાવીને રાવણદહન જેવું રાક્ષસના પૂતળાનું દહન કરે છે.

જો આગળ-પાછળના એકેય રેફરન્સ ખબર ન હોય તોય માત્ર આ એક જ નાનકડું દૃશ્ય જોઈએ ત્યાં જ ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની કલ્પનાનું ફલક કેવું વિરાટ છે એનો ખ્યાલ આવી જાય (અને ત્યાં સુધીમાં તમારાં રુંવાડાં પણ ઊભાં થઈ ગયાં હોય). પરંતુ આપણે આ વિશ્વથી પરિચિત છીએ. છેલ્લાં બે વર્ષથી કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? એ પૂછી-પૂછીને આખો દેશ ગાંડો થયો છે. એ સવાલનો જવાબ તો આ દિલધડક સીક્વલમાં છે જ સાથોસાથ આપણી આંખો આંજી નાખે એવું બીજું એટલુંબધું અહીં ભર્યું છે કે એક ભરચક ગુજરાતી થાળી જમ્યા હોઈએ એવો સંતોષનો ઓડકાર આવે.

માહિષ્મતિનું હસ્તિનાપુર

જલપર્બત ચડીને માહિષ્મતિમાં કેદ થયેલી દેવસેના (અનુષ્કા શેટ્ટી)ને છોડાવી આવેલા શિવા યાને કે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ને કટપ્પા (સત્યરાજ) તેના પિતાની ગાથા સંભળાવી રહ્યો છે. માહિષ્મતિની ગાદી પર છળકપટથી મહેન્દ્ર બાહુબલીનો ક્રૂર કાકો ભલ્લાલદેવ (રાણા દગુબટ્ટી) ચડી બેઠો છે. કઈ રીતે? એની પાછળ વધુ એક લાંબો ફ્લૅશબૅક છે; જેમાં સત્તાનો સ્વાર્થ, રાજકીય કાવાદાવા, દગો, એક બોલ પર મરી ફીટવાની અને મારી નાખવાની ભાવના બધું જ પડેલું છે. હવે મહેન્દ્ર બાહુબલીની સામે એક જ લક્ષ્ય છે, માહિષ્મતિની ગાદી પરથી ક્રૂર ભલ્લાલદેવને પદભ્રષ્ટ કરીને ત્યાં ધર્મનું રાજ્ય સ્થાપવું. આ રીતે તેના પિતાના મોતનો બદલો પણ લેવાશે અને કટપ્પા પર લાગેલું કલંક પણ ધોવાશે.

માત્ર ફિલ્મ નહીં, મહાગાથા

બે વર્ષ પહેલાં આદરેલી પોતાની ગાથાને યોગ્ય અંત આપવા માટે ડિરેક્ટર રાજામૌલીએ ક્યાંય પોતાની કલ્પનાની પાંખો કાપી નથી. આ વાત ફિલ્મના પહેલા જ શૉટમાં વિરાટ સાઇઝમાં ૨ લખેલું દેખાય છે ત્યારે જ સમજાઈ જાય છે. ગઈ ફિલ્મનો રિકૅપ કહેવા અને પોતે સર્જેલાં પાત્રો લાર્જર ધૅન લાઇફ છે એ કહી આપવા માટે રાજામૌલીએ બાહુબલી ૧ની મુખ્ય ઘટનાઓના પોઝમાં એનાં પાત્રોને મૂર્તિ સ્વરૂપે ફ્રીઝ કરી દીધાં છે. શિલ્પોનો આવો ઇનોવેટિવ ઉપયોગ ભાગ્યે જ જોવા મળ્યો છે.

આમ જુઓ તો બાહુબલી ફિલ્મો રામાયણ અને મહાભારતની કથાઓનું ડિરેક્ટર રાજામૌલી વર્ઝન છે. ઈવન ગયા પાર્ટના મહાપ્રશ્નનો ઉત્તર પણ ઇન્દ્રાણી કોને વરેલી હોય એ પૌરાણિક કથામાં જ સમાયેલો છે. બાહુબલી એક મર્યાદાપુરુષોત્તમ સુપરહીરો છે. અપાર શક્તિ, કુશાગ્ર બુદ્ધિ, સોનાના હૃદયનો માલિક છે. અસીમિત સામર્થ્ય ધરાવતો યોદ્ધો છે, ગરીબો-દુર્બળનો બેલી છે, ખરેખરો મિત્ર છે, ઉત્કટ પ્રેમી છે, રામરાજ્ય સ્થાપી શકે એવો આદર્શ રાજા છે. તે ધર્મને ખાતર રાજપાટ પણ છોડી શકે અને જરૂર પડ્યે નિર્બળમાં પણ જોમ-જુસ્સો ફૂંકી શકે. રાજામૌલીએ બાહુબલી તરીકે સફળતાપૂર્વક આવો પર્ફેક્ટ હીરો સરજી બતાવ્યો છે. પડછંદ કાયા અને સૌમ્ય ચહેરો ધરાવતા પ્રભાસમાં આ તમામ ગુણ શેડ કાર્ડની જેમ વન બાય વન જોઈ શકાય છે. એ માટે તેને જરાય પ્રયાસ કરવાની જરૂર પડતી નથી.

અલબત્ત, સુપરહીરોની સામે રાજામૌલી અને રાઇટર કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે ભલ્લાલદેવ તરીકે ખૂંખાર વિલન સરજ્યો છે, પણ સત્તાપ્રાપ્તિ માટે દુર્યોધનની જેમ કોઈ પણ હદ સુધી જવા સિવાય ખાસ વિટંબણા તેના પાત્રમાં જોવા મળતી નથી. જેમ કે કટપ્પા માહિષ્મતિ સિંહાસન પ્રત્યેની પોતાની વફાદારી અને બાહુબલી પ્રત્યેના પ્રેમ વચ્ચે વહેંચાયેલો છે. શિવગામીદેવી એક રાજમાતા અને બે સંતાનોની માતાની વચ્ચે તથા ધર્મ અને મમતા વચ્ચે ફસાયેલી છે. રાજકુમારી દેવસેના સીતાજીની જેમ પ્રત્યેક ડગલે પતિનો સાથ આપે છે, પણ ગમે તેવી સ્થિતિમાંય સાચું કહેતાં અને માન-રક્ષણ ખાતર હથિયાર ઉઠાવતાં ખચકાતી નથી. આ બન્ને સ્ત્રીપાત્રો એટલાં પાવરફુલ છે કે એક ઘડીએ સૌમ્ય લાગતાં હોય તો બીજી જ ક્ષણે નજરોથી બાળી મૂકે એવાં રૌદ્ર લાગે.

લગભગ પોણાત્રણ કલાકની બાહુબલી ૨ની શરૂઆતમાં બાહુબલી-દેવસેનાની લવ-સ્ટોરીએ ખાસ્સો સમય લીધો છે. પરંતુ એમાં રહેલા કટપ્પા-બાહુબલીના કૉમિક એલિમેન્ટને કારણે આ લંબાઈનો ભાર વર્તાતો નથી. માત્ર કારણ વગર ટપકી પડતાં અતિશય કંગાળ ગીતોએ દાટ વાળ્યો છે. આ લવ-સ્ટોરીને નિરાંતે કહેવામાં સેકન્ડ હાફને સીધો ચોથા ગિયરથી જ શરૂ કરવો પડ્યો છે. હસ્તિનાપુરની ગાદી માટે ખેલાયેલા મહાભારતને જાણતા આપણા માટે આ ફિલ્મની સ્ટોરીની પ્રોગ્રેસ કળવાનું ખાસ અઘરું નથી. પરંતુ અહીં સ્ટોરી કરતાં રાજામૌલી એને જે રીતે કહે છે એમાં વધારે મજા છે. અહીં એક ધનુષમાંથી એકસાથે ત્રણ તીર છૂટે છે, રાજકુમારી તરફ છૂટેલાં હોવા છતાં એમાંથી બે તીર તેના બન્ને ઝૂમકાંને ચુંબન કરીને પસાર થઈ જાય છે, એક ભાલો સળંગ ત્રણ-ચારને વીંધી શકે છે, નાળિયેરી જેવું વૃક્ષ માનવગોફણ બની શકે છે, એક મુક્કો મસમોટા સ્તંભને કે ગંજાવર પ્રતિમાને તોડી શકે છે, નદીમાં તરતું જહાજ એકઝાટકે હેલિકૉપ્ટરની જેમ હવામાં ઊડવા લાગે છે, મિજાગરામાંથી ખેંચી કાઢેલો હડિમદસ્તા જેવો દરવાજો કે મૂળમાંથી ઉખાડેલું તોતિંગ વૃક્ષ હથિયાર બની જાય છે, જેને બાથ ભીડવા માટે હાથ પણ ટૂંકા પડે એટલી જાડી સાંકળોને હથોડાના ઘાથી તોડી પડાય છે, ભલ્લાલદેવની તોતિંગ પ્રતિમા શુદ્ધ સોનાની હોય કે તે સોનાની જનોઈ પહેરે ત્યાંથી લઈને રોજ પહેરે તોય એક વર્ષ સુધી વારો ન આવે એટલાં ઘરેણાં ભેટ અપાય કે પછી રાજાનું સિંહાસન ડોલી ઊઠવું કોને કહેવાય વગેરે બધું જ અતિશયોક્તિની બાઉન્ડરીની પણ પેલે પારનું છે. છતાં બધું જ તદ્દન સ્વાભાવિક અને બિલીવેબલ લાગે છે એ રાજામૌલીના સિનેમૅજિકની કમાલ છે.

રાઇટિંગ, એડિટિંગ અને ડિરેક્શનની સહિયારી કમાલ એવી છે કે એક તો દર થોડી વારે ચિયરવર્ધી મોમેન્ટ્સ, ડાયલૉગ્સ કે ઍક્શન-સીક્વન્સ આવીને ઊભી રહે છે. બીજું, તેના રાઇટિંગની કમાલ એવી છે કે પર્ફેક્ટ જિગ્સૉ પઝલની જેમ અગાઉના તમામ લૂઝ એન્ડ્સને અહીં સજ્જડ રીતે જોડી દેવાય છે. ફિલ્મમાં આપણો એક પણ પ્રશ્ન અનુત્તર રહેતો નથી.

અલબત્ત, નબળાં સૉન્ગ્સ અને તોતિંગ લંબાઈ ઉપરાંત આટઆટલી સ્પેશ્યલ ઇફેક્ટ્સ કંપનીઓને કામે લગાડ્યા પછીય ફિલ્મની કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી સાચકલી લાગવાને બદલે કૅન્વસ પર દોરી હોય એવી નકલી ભાસે છે. રાજામૌલીની પ્રેરણાસ્ત્રોત એવી અમર ચિત્રકથામાંથી પાનાં ફાડીને જ સીધાં ચોંટાડી દીધાં હોય એવી જ લાગે છે એટલું જ નહીં, એક અત્યંત મહત્વની સીક્વન્સમાં સરળ લૉજિકને બદલે સગવડિયું બિહેવિયર નાખી દેવાયું છે. તેમ છતાં બાહુબલી-પ્રભાસની બોલવા-ચાલવા-લડવા અને ઈવન મરવાની સ્ટાઇલ પર, દેવસેના-અનુષ્કા શેટ્ટીનાં સૌંદર્ય-સામર્થ્ય, શિવગામી-રામ્યા ક્રિષ્નાની તેજસ્વી આંખો અને પડછંદ અવાજ, કટપ્પાની વફાદારી, નિ:સહાયતા, હાજરજવાબી, કૉમિક અને યુદ્ધ ટાઇમિંગ, બાહુબલી સાથેનું તેનું કૉમ્બેટ કો-ઓર્ડિનેશન અને સુપર વિલન ભલ્લાલદેવ-રાણા દગુબટ્ટીની ક્લાઇમૅક્સની ક્રૂરતા જોઈને એક સેકન્ડ માટે પણ તમારી આંખો સ્ક્રીન પરથી નહીં હટે. અફસોસ કે ગઈ ફિલ્મની મુખ્ય હિરોઇન તમન્નાના ભાગે આ વખતે એક વાક્ય પણ નથી આવ્યું. ઉદૂર્ શબ્દોના નહીંવત્ ઉપયોગ છતાં રાઇટર મનોજ મુન્તશિરે કેવા પાવરફુલ સંવાદો સરજ્યા છે એ ખાસ માર્ક કરજો.

શુભસ્ય સિનેમા શીઘ્રમ

બાહુબલી લૅપટૉપ કે મોબાઇલમાં નહીં બલકે થિયેટરના વિશાળ પડદે સમગ્ર પરિવાર સાથે જોવાની ફિલ્મ છે. પ્રીક્વલના જરાય ભાર વિના બનેલી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી શ્રેષ્ઠ સીક્વલ ફિલ્મ છે એમાં મીનમેખ નથી. ફિલ્મ પૂરી થયા પછી રોલિંગ ક્રેડિટ્સ સ્ટાર્ટ થાય ત્યાં સુધી શાંતિથી બેસી રહેશો તો આવનારા ભવિષ્યનો એક મસ્ત અણસાર પણ મળશે. હા, કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો એ સીક્રેટ કોઈને કહેશો નહીં અને જો તમને કોઈએ કહી દીધું હોય તો પણ તમારી ફિલ્મની મજામાં એક ટકોય ઘટાડો નહીં થાય એની ગૅરન્ટી છે. જય માહિષ્મતિ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK