ફિલ્મ રિવ્યુ : બાર બાર દેખો

પૂર્ણ બોરિંગ ભવિષ્યકાળ, અઢી મિનિટના ટ્રેલરમાં કહેવાઈ ગયેલી જમાનાજૂની વાતને પરાણે આ અઢી કલાકની ફિલ્મમાં ખેંચવામાં આવી છે

baar baar dekho


ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ


આપણે ત્યાં છોકરાંવ હજી તો નોકરી-ધંધે ન ચડ્યાં હોય ત્યાં તેમને પૈણવા ઊપડે છે. પરંતુ એકમાત્ર બૉલીવુડના હીરોલોગની પ્રજાતિ જ એવી છે જેમને યુગો-યુગોથી કમિટમેન્ટ  ફોબિયા સતાવતો આવ્યો છે. આ અઠવાડિયાની ફિલ્મ ‘બાર બાર દેખો’નો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા એવું જ પ્રાણી છે. ઘરે લગનનાં ગીતો-ફટાણાં ગાવાનું શરૂ થઈ ગયું છે અને છેક છેલ્લી ઘડીએ ભાઈ ગ્રહણ ટાણે સાપ કાઢે છે કે જાઓ, મારે નથી પૈણવું. પહેલી વાર જેમણે ડિરેક્ટર તરીકેનું સળગતું પકડ્યું છે એવાં ડિરેક્ટર બાનુ નિત્યા મેહરાની આ ફિલ્મમાં દિમાગમાં ન ઊતરે એવું ઘણુંબધું બન્યા કરે છે.

સંતાપ તેનો સવારે-સવારે


જય વર્મા (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને દિયા કપૂર (કૅટરિના કૈફ) કિન્ડરગાર્ટનમાં હતાં ત્યારથી જ ફ્રેન્ડશિપ ડે મનાવતાં આવ્યાં છે. મોટાં થયાં પછી વૅલેન્ટાઇન્સ ડે મનાવ્યો. ભવિષ્યમાં ઍનિવર્સરી મનાવી શકે એ માટે જ્યારે લગ્નનો વારો આવ્યો ત્યારે અચાનક હીરોને થયું કે આ તો હાળું હલવાઈ ગયા. આમ તો બૈરી-છોકરાંમાં જ જિંદગી નીકળી જશે અને કરીઅર અભેરાઈ પર ચડી જશે. લગ્નની આગલી સાંજે પાણીમાં બેસી ગયા બાદ બીજા દિવસે તે જાગ્યો તો તેણે જોયું કે તેનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને પોતે થાઇલૅન્ડમાં હનીમૂન મનાવી રહ્યો છે. ત્રીજા દિવસે સવારે તેની પત્ની એક બાળકને જન્મ આપી રહી છે. ચોથા દિવસે તેનાં બચ્ચાં સ્કૂલ જવા માંડ્યાં છે. પાંચમા દિવસે તેને ધોળાં આવી ગયાં છે અને પત્ની... પરંતુ આવું શાને થાય છે? આ ટાઇમટ્રાવેલ છે કે પછી વધુપડતા છાંટોપાણીની અસર? કે પછી ત્રીજું જ કોઈ ફૅક્ટર છે?

દિમાગ કી બત્તી બુઝા દે


વિચાર કરો વર્માઆન્ટી (સારિકા)નો એકનો એક દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં મૅથેમૅટિક્સનો પ્રોફેસર છે. થોડા સમયમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેનું પ્લેસમેન્ટ થઈ જવાનું છે. વળી હૅન્ડસમ તો એવો કે ક્લાસની બધી છોડીયું તેનું લેક્ચર ભરવા માટે ફેવિકૉલ લગાવીને બેસી જ રહે (ઇન્ડિયાના જોન્સની જેમ). ઉપરથી પોણું ઇન્ડિયા અદેખાઈથી બળી મરે એવી તેની સ્ટેડી ગર્લફ્રેન્ડ તરીકે કૅટરિના કૈફ છે. હીરોના જીવનમાં એવી કોઈ મોટી ક્રાઇસિસ નથી જે તેના મગજમાં સ્ટ્રેસના ફટાકડા ફોડે. તોય આ છોકરાને કમિટમેન્ટ ફોબિયા હેરાન કરે છે. શું કામ? ડિરેક્ટર સાહેબા જાણે. વળી હીરો-હિરોઇન તો ચાઇલ્ડહુડ સ્વીટહાટ્ર્સ છે. તો બન્ને વચ્ચે એટલીય અન્ડરસ્ટૅન્ડિંગ ન હોય કે થોડું ડિસ્કશન કરીને વાતનો નિવેડો લાવે? લેકિન નો. આ ફિલ્મના રાઇટરોની ટોળકીએ આપણા દિમાગની તમામ નસોની મજબૂતી ચેક કરવાનું નક્કી કર્યું છે. એટલે જ તો આપણો હીરો કોઈ જ કારણ વિના બોરીવલી-ચર્ચગેટની ફાસ્ટ ટ્રેનમાં બેસતો હોય એનાથીય ઝડપથી ટાઇમટ્રાવેલ પર નીકળી પડે છે. હૉલીવુડ હોય તો આ માટે કોઈક મશીન બનાવે, સંશોધન કરે; પરંતુ આપણા સંસ્કારી દેશનો હીરો છે એટલે તે કાંડે નાડાછડી બાંધે અને સાંજે છાંટોપાણી કરે એટલે તેની ટાઇમટ્રાવેલ સ્ટાર્ટ.

મજાની નહીં, પરંતુ સજાની વાત એ છે કે આ ફિલ્મના ટ્રેલરમાં જે કંઈ બતાવી દીધેલું એની બહારનું આખી ફિલ્મમાં કશું જ કહેતાં કશું જ નથી. બસ, હીરો રોજ સવારે ઊઠે અને સાસ-બહૂની સિરિયલની જેમ વાર્તાએ થોડાં વર્ષનો જમ્પ લઈ લીધો હોય. છેક છ દાયકા આગળ ગયા બાદ તેને સમજાય છે કે ખરેખરી મજા તો પ્રેઝન્ટ ટેન્સમાં આવતા લાખો છોટે-છોટે પલનો આનંદ માણવામાં જ હતી. બટ વેઇટ, આ વાત તો આજથી સાડાચાર દાયકા પહેલાં જ હૃષીકેશ મુખરજીના આનંદ અને બાવર્ચી પણ કહી ગયા છે. ભવિષ્યમાં છ દાયકાની કન્ડક્ટેડ ટૂર કર્યા પછીય આ સિવાયનું આપણો હીરો કશું જ નવું શીખતો નથી.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં સમય જમ્પ કર્યા કરે અને હીરો ઍસિડિટીના પેશન્ટની જેમ નિમાણો થઈને ફર્યા કરે. એ સિવાય કોઈ નવી વાત કે લાઇફની કોઈ નવી ફિલોસૉફી પણ બહાર ન આવે. ઈવન કોઈ દમદાર વનલાઇનર્સ પણ કાને પડતી નથી. દરઅસલ ફ્યુચરિસ્ટિક ફૅન્ટસી ફિલ્મ બનાવવા માટે હટકે ક્રીએટિવિટી જોઈએ, જ્યારે અહીં તો આઇડિયા એવો કે જ્યાં-ત્યાં હાઇટેક સ્ક્રીન મૂકી દો એટલે ફ્યુચર આવી ગયું. બસ-કારની બારીમાં સ્ક્રીન, ઘરની દીવાલમાં સ્ક્રીન, ક્લાસના ર્બોડ પર સ્ક્રીન, મોબાઇલ ફોનની બહાર હવામાં સ્ક્રીન. ગૂગલવાળા અત્યારે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ટેસ્ટ કરે છે, જ્યારે આપણી ફિલ્મોવાળા છ દાયકા પછીય પોતાની કાર જાતે જ ઢસડે છે. દોઢ દાયકા પહેલાં હૉલીવુડમાં ‘અ બ્યુટિફુલ માઇન્ડ’ ફિલ્મમાં ગણિતના પ્રોફેસરે બારીના કાચ પર ગણિતનાં ચિતરામણાં કરેલાં. આપણા હીરો હજી એ જ સ્ટાઇલમાં બારીઓ બગાડે છે.

ભવિષ્યમાં ડોકિયું કરીને વર્તમાન સુધારવાનો આ ફિલ્મનો પાયાનો વિચાર હૉલીવુડની ‘ઇન્સેપ્શન’ ફિલ્મની જેમ જાયન્ટ સપનું હતો કે પછી કોઈ ચમત્કાર હતો એની કોઈ જ ચોખવટ કરાઈ નથી. બની શકે કે ફિલ્મની ડિરેક્ટર આ ‘ઇન્સેપ્શન’ અને હૉલીવુડની જ ‘ક્લિક’ નામની બીજી કૉમેડી ફિલ્મ જોતાં-જોતાં ઊંઘી ગઈ હોય અને તેને આ ફિલ્મ સપનામાં આવી હોય. જો એવું હોય તોય આ ફિલ્મ એક કમિટમેન્ટ ફોબિક યુવાનના ફૉલ્ટી ફેમિનિસ્ટ ચિત્રણ સિવાય કશું જ નથી.

જોકે આ ફિલ્મ પરથી એટલું જાણવા મળે છે કે છ દાયકા પછીય કૅટરિનાના ચહેરા પર કોઈ એક્સપ્રેશન્સ આવવાનાં નથી કે નથી તેની ઍક્ટિંગ સુધરવાની. સિદ્ધાર્થ મલ્હોત્રા કાયમ આવો જ ક્યુટ અને ક્લુલેસ દેખાવાનો છે. એકદમ ચકાચક પૅકિંગમાં પેશ થયેલી ‘બાર બાર દેખો’ સારિકા, રામ કપૂર, રજિત કપૂર, સયાની ગુપ્તા જેવા દમદાર કલાકારોનો અક્ષમ્ય વેડફાટ છે.

દેડકાની જેમ કૂદાકૂદ કરવા છતાં ગોકળગાયની ગતિએ ચાલતી આ ફિલ્મનું એકમાત્ર પૉઝિટિવ પાસું છે એનું મ્યુઝિક. પાંચ રસોઇયા એટલે કે સંગીતકારોએ મળીને એવું મસ્ત મ્યુઝિક આપ્યું છે કે આખું આલબમ ગમે ત્યારે, ગમે તેટલી વાર સાંભળવાની મજા પડે એવું બન્યું છે. પરંતુ એના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થવાય. એમ તો ફિલ્મનું હોમ વિડિયો સ્ટાઇલનું ક્યુટ સ્ટાર્ટિંગ અને ઓવરઑલ પૈસાદાર ફીલ પણ બે ઘડી ફસ્ર્ટ વર્લ્ડ કન્ટ્રીમાં બેઠા હોઈએ એવી અનુભૂતિ કરાવે છે.

એક બાર ભી ક્યૂં દેખો?


વક્રતા છે કે આ ફિલ્મમાં હીરોની લાઇફ ફાસ્ટ ફૉર્વર્ડમાં ચાલે છે, પણ ફિલ્મ તદ્દન સ્લો મોશનમાં જ ચાલ્યા કરે છે. જો કૅટરિના-સિદ્ધાર્થના ફૅન હો, પૈસાદાર હો અથવા તદ્દન નવરા હો અને આ ફિલ્મમાં જાગતા બેસી રહ્યા હો તો તમને સતત ઇચ્છા થશે કે કાશ આપણેય આ હીરોની જેમ ટાઇમટ્રાવેલ કરીને આ ફિલ્મ જોવાનો આઇડિયા કૅન્સલ કરી નાખીએ તો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK