ફિલ્મ-રિવ્યુ : ઍવેન્જર્સ : એજ ઑફ અલ્ટ્રૉન

ચાલો, દુનિયાને બચાવવા, એક ટિકિટમાં એક ડઝન સુપરહીરોનો જલસો કરાવતી આ ફિલ્મ પર્ફેક્ટ વેકેશન એન્ટરટેઇનર છેavengersજયેશ અધ્યારુ


હૉલીવુડના એકદમ કસાયેલા સર્જકોને નવા-નવા સુપરહીરો સર્જવામાં અને કૉમિક્સમાંથી તેમને ફિલ્મના પડદે લાવવામાં જબરદસ્ત માસ્ટરી છે. એમાંય માર્વલ કૉમિક્સ પાસે તો સુપરહીરોની ખાણ છે. એમાંથી છ જેટલા સુપરહીરોને ત્રણ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘ઍવેન્જર્સ’માં ભેગા કરેલા. એ ફિલ્મ આપણી ‘લગાન’ જેવી હતી. એમાં અલગ-અલગ શક્તિઓ ધરાવતા સુપરહીરોને દુનિયાના વિવિધ ખૂણેથી ચૂંટીને ભેગા કરવાનું કામ શીલ્ડ નામની કાલ્પનિક સંસ્થાના વડા નિક ફ્યુરી (અદાકાર સૅમ્યુઅલ એલ. જૅક્સન)એ કરેલું. હવે આ અઠવાડિયે એની સીક્વલ રિલીઝ થઈ છે અને યકીન માનો, એક પર્ફે‍ક્ટ સુપરહીરો ફિલ્મને છાજે એવા તમામ મરીમસાલાથી આ ફિલ્મ ભરપૂર છે.

વિશ્વરક્ષક

હજી તો આપણે સીટો શોધવામાં અને થ્રી ડાઇમેન્શનલ (3D) ચશ્માં ચેક કરવામાં પડ્યા હોઈએ ત્યાં જ પોણો ડઝન સુપરહીરોઝ હાઇડ્રા નામની આતંકવાદી સંસ્થાના ઠિકાના પર હલ્લાબોલ કરી દે છે. ત્યાં ખબર પડે છે કે એ વિલનલોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કંઈક મોટી ભાંગફોડ કરવાની ફિરાકમાં છે. વળી બે દુભાયેલાં સુપરહીરો ભાઈ-બહેન ક્વિક સિલ્વર અને સ્કારલેટ વિચ પણ તેમની સાથે મળી ગયાં છે. તેમના ઘાતક પ્રયોગના બીજ જેવું એક હથિયાર લઈને આયર્નમૅન (રૉબર્ટ ડૉની જુનિયર) પોતાની પ્રયોગશાળામાં આવે છે. ત્યાં તે બીજા માથાભારે સુપરહીરો હલ્ક (માર્ક રફાલો) સાથે મળીને આખી પૃથ્વીને બચાવી શકાય એવું શીલ્ડ બનાવવાના અલ્ટ્રૉન નામના પ્રોગ્રામમાં એ હથિયારના બીજને આરોપી દે છે, પરંતુ પરિણામ ઊંધું આવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામ અલ્ટ્રૉન પેલા રજનીકાન્તના રોબોટની જેમ આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જાય છે અને પોતાના જેવા જ હજારો ભાંગફોડિયા રોબો બનાવવા માંડે છે એટલું જ નહીં, એનું લક્ષ્ય છે દુનિયા કી તબાહી. એટલે પૃથ્વીને બચાવવા માટે આ સુપરહીરોની ટીમને સાથે મળીને દો-દો હાથ કર્યા સિવાય છૂટકો નથી.

ઍવેન્જર્સની ઓળખાણ

ઍવેન્જર્સ ફિલ્મ-સિરીઝમાં બતાવેલા સુપરહીરોઝ વિશે જેમને ખબર નથી તેમના માટે ક્વિક ઇન્ટ્રોડક્શન : બિલ્યનેર બિઝનેસમૅન ટોની સ્ટાર્ક એક સંશોધક છે, જે અનોખો એક્ઝોસ્કેલેટન સૂટ પહેરીને આયર્નમૅન બની જાય છે. હાથમાં ઢાલવાળો કૅપ્ટન અમેરિકાનો પહેલો સુપરહીરો છે, જેની ઉંમર ક્યારેય વધતી નથી. જિનીયસ સાયન્ટિસ્ટ બ્રુસ બૅનર ગુસ્સે થાય ત્યારે લીલા રંગનો દૈત્ય હલ્ક બની જાય છે. બીજા વિશ્વમાંથી આવેલા થોર પાસે એવો હથોડો છે જે ભલભલાને ક્લીન બોલ્ડ કરી શકે છે. બ્લૅક વિડો એકદમ સ્ફૂર્તિલી જાસૂસ (બ્યુટિફુલ સ્કારલેટ યોહાનસન) છે, જ્યારે આપણા મહાભારતના અજુર્‍ન જેવો બાણાવળી છે હૉકઆઇ (ઍક્ટર જેરેમી રેનર). આ બધાની ટીમ એટલે ઍવેન્જર્સ.

ઍક્શન-ઇમોશનનું રોલર-કોસ્ટર

આમ તો સુપરહીરોની ફિલ્મો એટલે ગુડ વર્સસ ઇવિલનો જંગ, પરંતુ હૉલીવુડના લખવૈયાઓ આ સિમ્પલ વાતમાં પણ દર વખતે એવું-નવું નક્શીકામ કરે કે આપણે હોંશે-હોંશે થિયેટરોમાં હડી કાઢીએ. વળી જ્યાં સુધી સુપરવિલન સામે ન હોય ત્યાં સુધી સુપરહીરોનોય કોણ ભાવ પૂછે? અહીં ઇલેક્ટ્રૉનિક દૈત્ય જે લેવલની ભાંગફોડ કરીને જોખમ ઊભું કરે છે ત્યાં આપણા સુપરહીરો પણ વામણા લાગવા માંડે. ત્યાં જ આપણી જૂની કહેવત એકલી લાકડી તૂટે, પરંતુ લાકડીનો ભારો ન તૂટે કામે લાગે છે. ‘ઍવેન્જર્સ ૧’ આપણી ટિપિકલ ફિલ્મો જેવી હતી. હીરો ભેગા થાય અને વિલનની છુટ્ટી કરી નાખે, પરંતુ એની આ નવી સીક્વલ રોલર-કોસ્ટર રાઇડ જેવી છે. પહેલા જ સીનમાં નખ ચાવી જાઓ એવી થિþલિંગ ફાઇટ બતાવ્યા પછી ફિલ્મ એકદમ નીચે જાય અને આપણને સુપરહીરોઝના મગજના એક ખૂણામાં પડેલા દૂઝતા ઘા જેવા ભૂતકાળની સફરે લઈ જાય છે. ત્યારે ખબર પડે કે આ સુપરહીરો તો આપણા જેવા જ માણસો છે અને ખાસ્સું બલિદાન આપ્યા પછી સુપરહીરો બન્યા છે.

યંગસ્ટર્સને જલસા પડે એવું અહીં બધું જ છે : હાઇ-ટેક હૉલોગ્રાફિક કમ્પ્યુટરો, લેટેસ્ટ ગૅજેટ્સ, માઇન્ડ-બ્લોઇંગ ઍક્શન સીક્વન્સિસ, 3D ચશ્માંમાંથી પણ આપણી આંખો બહાર લટકી પડે એવી સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને તમે સીટીઓ મારી બેસો એવો સતત વહેતો કૉમિક રસ. ઍક્ચ્યુઅલી, બધા સુપરહીરોલોગ વચ્ચે સતત હળવી તૂતૂ-મૈંમૈં ચાલ્યા કરે છે જે આ બધાં જ પાત્રો આપણા પણ દોસ્તાર હોય એવું ડાયરેક્ટ દિલ કા કનેક્શન જોડી આપે છે. એમાંય સૌથી વધુ લાફ્ટર ઉઘરાવી જાય છે હલ્ક. જ્યાં છળ કે કળ એકેયથી કામ ન ચાલે ત્યાં અચાનક જ ક્યાંકથી હલ્ક ટપકી પડે છે અને પોતાના બળથી એકઝાટકે ખેલ ખલ્લાસ કરી નાખે. આપણો સની દેઓલ સમજી લોને. આ બધાની કેમિસ્ટ્રી એટલીબધી પાવરફુલ છે કે ઈવન દરેક આયર્નમૅન ફિલ્મમાં માત્ર એક અવાજ તરીકે સંભળાતા કમ્પ્યુટર-પ્રોગ્રામ જાર્વિસ સાથે પણ આપણને આત્મીયતા બંધાઈ જાય (એના વિશેનું એક સરપ્રાઇઝ પણ છે ફિલ્મમાં).

ફિલ્મના રાઇટર-ડિરેક્ટર જૉસ વ્હીડન બડી ચતુરાઈથી દરેક ફિલ્મમાં નવા-નવા સુપરહીરોઝ ઉમેરતા રહે છે. આ વખતે પણ તેજલિસોટાની જેમ દોડી શકતા ક્વિક સિલ્વર તથા લોકોના દિમાગ સાથે રમી શકતી અને હાઈ એનર્જી‍ શૉક વેવ્સ ફેંકી શકતી તેની જુડવા બહેન સ્કારલેટ વિચનો પણ ઉમેરો કર્યો છે. જોકે હિન્દીમાં આ ફિલ્મ જોનારા આ બન્ને પાત્રોને હરિયાણવી શૈલીમાં ડાયલૉગ્સ બોલતાં જોઈને કપાળ કૂટશે (મૈં થારે સે સાડેદસ્સ મિણટ બડા હૂં, બૈણા!). બધા જ કલાકારોની પર્ફે‍ક્ટ ઍક્ટિંગ, તેમનું કૉમિક ટાઇમિંગ, એકદમ મૅચ્યોર રાઇટિંગ, કાન પર હાવી ન થાય પણ રોમાંચથી રૂંવાડાં ઊભાં કરી દે એવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને દર વખતે આપણી કલ્પના કરતાં કશુંક વધારે-કશુંક નવું આપતી ઍક્શન સીક્વન્સિસ... આ બધાનું પર્ફે‍ક્ટ કૉમ્બિનેશન છે અહીં. સાથોસાથ એકતા, મશીનો કરતાં માણસ-પરિવાર-દોસ્તો વધારે મહત્વનાં છે, પૃથ્વીને બચાવવા માટે અંગત પ્રેમનો ભોગ આપવો પડે એવા હાર્ટવૉર્મિંગ મેસેજ પણ ખરા.

ફાસન યૉર સીટબેલ્ટ્સ

આ સીક્વલ જોઈને એ ચર્ચા ચાલશે કે એનો પહેલો ભાગ સારો હતો કે બીજો? પરંતુ એક વાત ચોક્કસ છે, જો તમને સુપરહીરો મૂવીઝમાં મજા પડતી હોય તો આ ફિલ્મ તમને એકદમ પૈસાવસૂલ જલસો કરાવશે. હવે પછીના ત્રીજા ભાગમાં બીજા ચાર નવા સુપરહીરો એન્ટર થવાના છે (આમેય માર્વલ કૉમિક્સને તો સુપરહીરોની ઘરની જ ખેતી છે). દુ:ખ ખાલી એ જ વાતનું છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ હવે છેક ત્રણ વર્ષ પછી ૨૦૧૮માં આવશે. અને હા, ફિલ્મની એન્ડ ક્રેડિટ્સ શરૂ થઈ જાય ત્યાર પછી પણ રોકાજો, ત્રીજી ફિલ્મમાં ઍવેન્જર્સને કેવા દૈત્યનો સામનો કરવો પડશે એની ઝલક ચૂકશો નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK