ફિલ્મ-રિવ્યુ : અલોન

એકબીજા સાથે જોડાયેલાં શરીરવાળાં (કૉન્જૉઇન્ડ ટ્વિન્સ) બાળકોને લઈને હૉરર ફિલ્મ બનાવવાનો વિચાર અત્યંત રોમાંચક છે.જયેશ અધ્યારુ

આ વિચાર પરથી ડિરેક્ટર ભૂષણ પટેલે બિપાશા બાસુને લઈને ફિલ્મ બનાવી ‘અલોન’. પરંતુ આ વિચાર તેમનો નથી. આઠ વર્ષ પહેલાં થાઇલૅન્ડમાં આ જ વાર્તા સાથે બનેલી આ જ નામની ફિલ્મનું હિન્દી રૂપાંતરણ માત્ર છે, પણ જો વિચાર કરવાથી જ ધાર્યું પરિણામ મળી જતું હોત તો ભારત દેશ ક્યારનોય સુપરપાવર બની ગયો હોત. એક લીટીની વાર્તાને બાદ કરતાં આ ફિલ્મનું એક્ઝિક્યુશન એટલું નબળું છે કે ફિલ્મમાં ગણીને ૬ જ ડરામણી મોમેન્ટ્સ છે અને એ પણ ટાંકણીના ટોપકા જેવડી. એમાંય એ ભયને બદલે હસવું આવે.

શરીર બે, આત્મા (ભટકતો) એક

સંજના અને અંજના (બિપાશા બાસુ) પેટથી જોડાયેલી સિયામીઝ ટ્વિન્સ બહેનો છે. બન્ને બહેનોને એક જ યુવાન કબીર (નવોદિત કરણસિંહ ગ્રોવર) સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ કબીરને માત્ર સંજનામાં જ રસ પડે છે. એટલે બન્ને બહેનો વચ્ચે તડ પડે છે અને ધડ છૂટાં પાડવાનું ઑપરેશન થાય છે. આ ઑપરેશનમાં એક બહેન અંજના શ્રીજીચરણ પામે છે. હવે ૭ વર્ષ પછી અંજના ભૂત બનીને કેરળની માલીપા કાળો કેર વર્તાવવા આવી પહોંચે છે.

કન્સેપ્ટના ફુલ માર્ક્સ

ફાંટાબાજ કુદરતની કારીગરીથી ધડથી જોડાયેલાં બાળકો જન્મે. ભલે તેમનાં શરીર જોડાયેલાં હોય, પણ લાગણીઓ તો નોખી હોયને. કંઈક આવી જ લાગણીઓની વાત કહેતું દિશા વાકાણી ઉર્ફે દયા ટપુ કે પાપા ગડાને લઈને એક સુપરહિટ ગુજરાતી નાટક પણ બનેલું. પરંતુ કૉન્જૉઇન્ડ ટ્વિન્સના લવ-ટ્રાયેન્ગલને હૉરરનો ટ્વિસ્ટ આપી દઈએ તો? આ વિચાર માટે પેલી થાઇલૅન્ડની ફિલ્મના સર્જકોને વિથ ડિસ્ટિન્ક્શન પાસ કરવા પડે, પરંતુ થાઈથી લઈને કોઈ પણ વાનગી ભારતમાં આવે એટલે એનું એવું વરવું ભારતીયકરણ થઈ જાય કે ખુદ ઓરિજિનલના સર્જકો પણ એને ઓળખી ન શકે એટલું જ નહીં, એક દિશામાં જતી આ વાર્તામાં છેલ્લી ૧૦ મિનિટમાં સારોએવો રોમાંચક ટ્વિસ્ટ આવે છે, જેનાથી આખી વાર્તા ર્શીષાસન કરતી હોય એમ અવળી થઈ જાય છે.દર્શકોની આંખે વસે એવો બીજો પ્લસ-પૉઇન્ટ છે કેરળના બૅકવૉટર્સનાં નયનરમ્ય લોકેશન્સ. આ અગાઉ ચારેકોર પાણી, નારિયેળી, લાંબી હોડીઓ અને હાઉસબોટોથી ભરચક આવાં લોકેશનોનો ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મમાં ઉપયોગ થયો છે. લેકિન અફસોસ, પ્લસ પૉઇન્ટની નૌકા અહીં જ અટકી જાય છે.

વાસી કઢી જેવી ટ્રીટમેન્ટ

ભૂતપ્રેતની ફિલ્મ હોય એટલે આપણને અંદાજ હોય જ કે હમણાં અંધારી રાત, કિચૂડાટ કરતા દરવાજા, કારણ વિના ભસ્યે રાખતાં કૂતરાં, મચ્છરની જેમ આખી રાત જ્યાંત્યાં ભટકતો રહેતો આત્મા અને મચ્છર અગરબત્તીના ધુમાડાથી મચ્છરો ભાગે એમ ભગવાનની છબિ જોઈને દૂર ભાગી જતું ભૂતડું, જાણે પીત્ઝા પર વિવિધ પ્રકારનાં ટૉપિંગ્સ કયાર઼્ હોય એવાં ચિત્રવિચિત્ર મેકઅપવાળી ચુડેલ, એ ભૂત કરતાં વધારે ડરામણો લાગતો તાંત્રિક, ડૉક્ટર હોવા છતાં આત્મા-તાંત્રિકની વાતો કરતો તબીબ... આ બધું એટલું ચવાઈ ગયેલું છે કે હવે ક્લિશેની કૅટેગરીમાં આવે છે. વળી, લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે પરાણે નાખવામાં આવતા બેડરૂમ-સીન અને જાણે અંત:વસ્ત્રોની જાહેરખબર કરતી હોય એમ ટૂંકાં કપડાં પહેરીને ફર્યે રાખતી હિરોઇન. આ બધો વાસી મસાલો ફિલ્મના સરસ કન્સેપ્ટને બેરહેમીથી રહેંસી નાખે છે. વળી, ડિરેક્ટરને પોતાની ફિલ્મની વાર્તામાં વિશ્વાસ ન હોય એમ લોકોને ડરાવવા માટે જમાનાજૂની શૉક-થેરપી જ અજમાવે છે. અચાનક ક્યાંકથી ભૂત દેખાઈ જાય અને લાઉડ મ્યુઝિક સાથે આપણે આંચકો ખાઈ જઈએ એવી ડરામણી મોમેન્ટ્સ પણ આખી ફિલ્મમાં કુલ મળીને ૬ જ છે.કોઈ ફિલ્મ પરથી પ્રેરણા લઈએ એટલે એની બેઠ્ઠી નકલ કરવી એવો નિયમ જરાય નથી. આ ફિલ્મમાં બિપાશા બાસુ કૉન્જૉઇન્ડ ટ્વિન્સ છે એ વાતને ફિલ્મના ટ્રેલરમાં જ કહી દેવાને બદલે અડધી ફિલ્મ સુધી સસ્પેન્સ રાખ્યું હોત તો આ ‘અલોન’ પાથબ્રેકિંગ ફિલ્મ બની શકી હોત.

ભૂતિયા ડિપાર્ટમેન્ટ

એક પછી એક હૉરર ફિલ્મોમાં દેખાતી જતી બિપાશા બાસુ અત્યારના સમયની લેડી હેમંત બિરજે કે દીપક પરાશર બની જાય તો નવાઈ નહીં, પરંતુ એનાથી તેની કૃત્રિમ ઍક્ટિંગ ઢંકાઈ જતી નથી. આ ફિલ્મથી ટીવી-સિરિયલોનો જાણીતો ચહેરો કરણસિંહ ગ્રોવર ફિલ્મોમાં પ્રવેશ્યો છે, પરંતુ તેની ઍક્ટિંગ પણ નાયલૉનની ફૅક્ટરીના સિન્થેટિક કાપડ જેટલી જ કૃત્રિમ લાગે છે. આપણા પર થોડી દયા ખાવા માટે ફિલ્મમાં ઝાકિર હુસેન જેવા મજબૂત ઍક્ટરને લીધા છે એટલું સારું છે. એમ તો નીના ગુપ્તા પણ એક જમાના પછી ફિલ્મોમાં દેખાયાં છે, પરંતુ અફસોસ, પ્રજાનાં નાણાંની જેમ તેમનોય સદંતર વેડફાટ થયો છે.

જમવામાં સ્વીટ-ડિશની જેમ ફિલ્મમાં જરૂર હોય કે ન હોય તોય ગીતો નાખવાં એવું માનતા આપણા ફિલ્મમેકરો ગીતને કારણે ફિલ્મની ગતિની ઘોર ખોદી નાખે છે એના પર કેમ ધ્યાન નહીં આપતા હોય? આ ફિલ્મમાં ભલે અંકિત તિવારી, મિથુન અને જીત ગાંગુલી જેવા ત્રણ સંગીતકારોને લીધા છે; પરંતુ એકેય ગીતમાં કશો ભલીવાર નથી અને ફિલ્મની ઑલરેડી બેસ્વાદ દાળમાં પાણી રેડવાનું જ કામ કરે છે.જેમ ૭ વર્ષ સુધી કોઈ મૃતદેહ ગંધ માર્યા વિના રહી શકે નહીં એવું લૉજિક અહીં તદ્દન ગેરહાજર છે, એ જ રીતે ફિલ્મના ડબિંગમાં પણ લોચા દેખાઈ આવે છે. ઘણાં દૃશ્યોમાં હોઠ ચીનમાં ફફડતા હોય અને ડાયલૉગ જપાનમાં બોલાતા હોય એવું લાગ્યા કરે છે.

એકલા ન ચાલો રે

હૉરર ફિલ્મો જોઈને પોતાનાં રૂંવાડાં ઊભાં કરનારો મોટો વર્ગ આપણે ત્યાં છે. તેમના લાભાર્થે એટલું કહી શકાય કે ક્યાંકથી ખાંખાખોળા કરીને આ જ નામની થાઈ ફિલ્મ અથવા તો થોડાં અઠવાડિયાં અગાઉ આવેલી હૉલીવુડ ફિલ્મ ‘જેઝબેલ’ જોઈ લો. આ ફિલ્મ જોઈને ‘અલોન’ જેટલી નિરાશા તો નહીં જ થાય. બાકી આપણી ‘અલોન’ જોવા જઈને થિયેટરમાં અલોન એટલે કે એકલા બેસીને બગાસાં ખાવાં એના કરતાં એની DVD બહાર પડે એની રાહ જુઓ.

*ફાલતુ

**ઠીકઠીક

***ટાઈમપાસ

**** વસૂલ

***** ફાઇનComments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK