ફિલ્મ-રિવ્યુ : ઑલ ઇઝ વેલ

ઓહ નો, માય ગૉડ!, આ ફિલ્મ જોઈને બહાર નીકળ્યા પછી એક જ ઉદ્ગાર નીકળે, આ એ જ ડિરેક્ટરની ફિલ્મ છે જેણે ઓહ માય ગૉડ બનાવેલી?

all is well

જયેશ અધ્યારુ


જે બૅટ્સમૅને ગઈ મૅચમાં ઝન્નાટેદાર સેન્ચુરી ફટકારી હોય તેની પાસે તમે સાવ મીંડીમાં આઉટ થવાની તો અપેક્ષા ન જ રાખોને? આપણા ગુજરાતી ફિલ્મમેકર ઉમેશ શુક્લની ‘ઑલ ઇઝ વેલ’માં એવું જ થયું છે. તમારી પાસે દમખમવાળી સ્ટારકાસ્ટ હોય તોય તેમની વચ્ચે કેમિસ્ટ્રી જામે નહીં. ચચ્ચાર સંગીતકારો હોય, પણ એકેય ગીતમાં ભલી વાર ન હોય. ચાઇનીઝ માંજા જેવા ધારદાર રાઇટર્સ હોય, પણ આખી ફિલ્મનું રાઇટિંગ જ હવા નીકળેલા ફુગ્ગાની જેમ ફ્લૅટ જતું હોય. અને છેક સુધી ખબર ન પડે કે આપણે કોઈ સંવેદનશીલ પારિવારિક ફિલ્મ જોવા આવ્યા છીએ કે ટાઇમપાસિયું ગુજરાતી પ્રહસન? નતીજા? ઓહ માય ગૉડ, યે ક્યા હો રહા હૈ?

છોટા પરિવાર દુ:ખી પરિવાર

ભજનલાલ ભલ્લા (ઋષિ કપૂર) હિમાચલ પ્રદેશના કસોલ ગામમાં બેકરી ચલાવે છે. પરંતુ તેમની બેકરીમાં ગ્રાહકો કરતાં માખીઓ વધારે આવે છે એટલે બિચારા ચીડિયા સ્વભાવના થઈ ગયા છે. તેમના આ નૉનસ્ટૉપ કકળાટથી કંટાળીને દીકરો ઇન્દર (અભિષેક બચ્ચન) બૅન્ગકૉક ભાગી જઈને ત્યાં ગિટાર વગાડવા માંડે છે. ત્રાસી ગયેલી તેમની પત્ની પમ્મી (સુપ્રિયા પાઠક)ને કોઈ મહાવ્યાધિ લાગુ પડી જાય છે. અધૂરામાં પૂરું ભજનલાલનો એકેક વાળ દેવામાં ડૂબેલો છે. ઉધારીના આ જ ચક્કરમાં ગામનો એક માથાભારે વકીલ-કમ-ગુંડો કરતાર સિંહ ચીમા (મોહમ્મદ ઝીશાન અય્યુબ) વાસ્કો દ ગામાના જમાનાની બંદૂક લઈને પાછળ પડી ગયો છે કે મારી પાસેથી લીધેલા પૈસા પાછા આપો બાકી તમારી દુકાન હું ખાઈ જવાનો. આ પકડાપકડીમાં બચાડી રૂપાળી નિમ્મી (અસિન) પણ જોતરાય છે. તેને આ એક્સપ્રેશન્સ વિનાના ઇન્દર સાથે લગન કરવાં છે, પણ મમ્મી-પપ્પાના ઝઘડા જોઈને ઇન્દરિયાને લગનનું નામ સાંભળીને ટાઢિયો તાવ આવે છે. હવે જોવાનું એ છે કે ઘીના ઠામમાં ઘી પડે છે કે કેમ.

મામલા ગડબડ હૈ


શબ્દો ચોર્યા વિના કહીએ તો આ ફિલ્મનો સૌથી મોટો વિલન એનું નબળું રાઇટિંગ છે. મોટા ભાગના જોક્સ અહીં તદ્દન ફ્લૅટ જાય છે. ખરું પૂછો તો બાલિશ લાગે છે. લગભગ પહેલા જ દૃશ્યથી ફિલ્મમાં એવી બોલાચાલી શરૂ થઈ જાય છે કે જાણે આપણે કોઈ લાઉડ ઍક્ટિંગવાળું સોશ્યલ નાટક જોવા આવ્યા હોઈએ એવી ફીલ આવવા માંડે છે. ત્યાં જ ફિલ્મમાં દેવના દીધેલ જેવા મિસ્ટર ડિપેન્ડેબલ મોહમ્મદ ઝીશાન અય્યુબની એન્ટ્રી થાય છે અને અચાનક ફિલ્મ ટ્રૅક ચેન્જ કરીને સ્ટાર પ્લસમાંથી સબ ટીવી થઈ જાય છે. મતલબ કે ડ્રામામાંથી કૉમેડી. એ કૉમેડીયે પાછી કેવી? તો કહે એકદમ સ્થૂળ, બાલિશ અને દેકારાવાળી. જેમ કે એક માણસ સીડી પરથી નીચે ખાબકે, દરવાજામાં માથું ઘુસાડી દે, ટાણે બંદૂકડી ફૂટે નહીં અને ફૂટે ત્યારે માથા પર ધૂળ પડે, કોકની ગાડી કોક ઉપાડી જાય વગેરે. આવી જાડી કૉમેડીના હેવી ડોઝમાં એક નિષ્ફળ ગયેલા પિતાનું પત્ની અને બાળક પર ઊતરતું ફ્રસ્ટ્રેશન, એને કારણે ઉદ્દંડ અને મોટો થઈને કમિટમેન્ટ ફોબિક બની ગયેલો દીકરો, એ બન્ને વચ્ચે પીડાતી માતાની પીડા, સતત ભાગતા-ફરતા પ્રેમીથી નાસીપાસ થયેલી પ્રેમિકા... આમાંનું કશું જ આપણને એકેય તબક્કે સ્પર્શી શકતું નથી. નબળી બોલિંગમાં જેમ ક્રિસ ગેઇલ જેવો ફટકાબાજ આવીને સટાસટી બોલાવી દે એ જ રીતે ફિલ્મ પૂરી થયા પછી આપણને મારફાડિયો મોહમ્મદ ઝીશાન અય્યુબ જ યાદ રહી જાય છે.

આ ફિલ્મ ફૂવડ કૉમેડી છે કે સંવેદનશીલ પારિવારિક એ સવાલ સતત હેલિકૉપ્ટરની જેમ માથે ઘૂમરાતો રહે છે, કેમ કે આડકતરી રીતે આપણને એવો મેસેજ મળે છે કે સંવેદના આપણે માત્ર અભિષેકના પરિવાર પ્રત્યે જ રાખવાની છે બાકીનાં પાત્રો તો ઠીક મારા ભૈ. જેમ કે ફિલ્મમાં જ સિનિયર અભિનેત્રી સીમા પાહવાના પતિનું મૃત્યુ થાય તો એને સાવ વાહિયાત કૉમેડી બનાવી દેવામાં આવે; જેમાં પતિનું મોત જોઈને પત્ની કહે, ઓયે, ઇસકા તો ધી એન્ડ હો ગયા. ઘરમાં લાશ પડી હોય અને બહાર બધા મીઠાઈઓ ખાતા હોય, સ્મશાનયાત્રામાં લાશ દડો કૅચ કરે, લોકો નનામીના ફોટો પાડે... આઇ મીન, યે ક્યા હો રહા હૈ?

અને જો આપણે અભિષેકના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ જ રાખવાની હોય તો ઑલ્ઝાઇમર્સ જેવી ગંભીર બીમારીના દરદીને અહીં લબડધક્કે કેમ લેવામાં આવે છે? રિશી કપૂરની બૅકસ્ટોરી સાવ મનઘડંત અને અવાસ્તવિક કેમ લાગે છે? જો અભિષેકનું પાત્ર કમિટમેન્ટ ફોબિક હોય તો એમાં તેને પોતાની મિત્ર અસિન સાથે સતત ઉદ્ધતાઈથી વર્તવાની ક્યાં જરૂર છે? રાધર, અભિષેકે સતત જૂની કબજિયાતથી પીડાતા દરદીની જેમ કરડું ડાચું રાખીને ફરવાની પણ ક્યાં જરૂર છે?

આ આખી ફિલ્મને જાણે પરાણે બનાવી હોય એવી વાસ આવ્યા કરે છે. મોહમ્મદ ઝીશાનની બંદૂકડી, મૂછો તદ્દન નકલી લાગે છે. અભિષેકનું પાત્ર ગિટારિસ્ટ છે, પણ ગિટાર પર સરખી આંગળીઓ ફેરવતાં પણ તેને આળસ આવે છે. આપણને હસાવવાના મરણિયા પ્રયાસરૂપે પંજાબીઓનું સાવ મૂર્ખ તરીકે ક્લિશે ચિત્રણ કરવામાં આવ્યું છે. અભિષેક પોતાની જ જૂની ફિલ્મ ‘બ્લફ માસ્ટર’નો ડાન્સ કરે છે અને બરફીની સ્ટાઇલ કરીને સ્માઇલ કરવાનું કહે છે. ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં હૉલીવુડની ક્લાસિક ‘ધ ગુડ, ધ બૅડ ઍન્ડ ધ અગ્લી’ની જગજાહેર ટ્યુન વાગે છે. કેનેથ દેસાઈ જેવા દમદાર ઍક્ટર માત્ર એક તદ્દન ફૂવડ સીનમાં આવીને જતા રહે છે, જેમાં તે પોતાના પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે વરરાજાનો સેહરો પહેરીને પ્રવચન કરે છે; તમે માનશો?

ઉપરથી ઢગલાબંધ વણજોઈતા ટ્રૅક આખી ફિલ્મને ઓર નબળી પાડે છે. જેમ કે અક્કલ વિનાની ચેઝ સીક્વન્સિસ માટે જ આ ફિલ્મને રોડ-મૂવી કહેવાઈ હશે? (જેમાં પોલીસની ગાડી લઈને ભાગતી વ્યક્તિ સાઇરન પણ ચાલુ રાખે?) અભિનેત્રી સીમા પાહવા (‘આંખો દેખી’ ફિલ્મનાં અમ્મા)ના ટ્રૅકની પણ ફિલ્મમાં કશી જ જરૂર નહોતી. એવું જ ગીતોનું છે. જેમ લગ્નના જમણવારમાં પરાણે આગ્રહ કરીને મીઠાઈઓ મોઢામાં ઠૂંસવામાં આવે એ જ રીતે અહીં ઘૂસેલાં નકામાં ગીતોમાં વચ્ચે સોનાક્ષી સિંહા પણ આવીને ઢેકા ઉલાળી જાય છે. એકદમ સિરિયસ સિચુએશનમાં લૉજિકની ઐસીતૈસી કરીને અભિષેક પણ પોતાના જૂના સ્ટેપ પર ડાન્સ કરી લે છે. ઉપરથી સમ ખાવા પૂરતું એકેય ગીત સારું નથી. એકમાત્ર ‘એ મેરે હમસફર..’ને બાદ કરતાં. પરંતુ એ તો ‘કયામત સે કયામત તક’માંથી લેવાયું છે.

૧૨૫ મિનિટની આ ઘોંઘાટિયા ફિલ્મમાં એકમાત્ર મોહમ્મદ ઝીશાન અય્યુબ મજા કરાવે છે. તેનું કૉમિક ટાઇમિંગ એટલું પર્ફેક્ટ છે કે પન્ચ વિનાના સીનમાં પણ તે લોકોને હસાવી દે છે. ચોમાસાની તાજી લીલોતરી જેવી ખૂબસૂરત અસિનને આ ફિલ્મમાં વેડફાતી જોઈને આપણું બશ્શેર લોહી બળી જાય. અભિષેકના પાત્રને તેના પ્રત્યે પ્રેમ તો દૂર, એક ટકો સહાનુભૂતિ હોય એવો રોકડો એકેય સીન નથી. તેમ છતાં તે આવા કાચકાગળ જેવા બરછટ માણસની પ્રાણીસંગ્રહાલય જેવી ફૅમિલીમાં પોતાનાં લગ્ન છોડીને શું કામ ઠેબે ચડે છે એ જ સમજાય નહીં. એ જ રીતે ટીકુ તલસાણિયા, સીમા પાહવા, ટૅલેન્ટેડ સુમીત વ્યાસ અને અબવ ઑલ સુપ્રિયા પાઠક જેવા મસ્ત કલાકારો દેશની સંપત્તિની જેમ વેડફાઈ ગયા છે. ફારુક શેખની ‘લિસન અમાયા’ અને મણિરત્નમની ‘ઓકે કન્મની’ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ઑલ્ઝાઇમર્સથી પીડાતી વ્યક્તિની સ્થિતિ કેવી હોય. અહીં સુપ્રિયાઆન્ટીની ઍક્ટિંગમાં એ જરાય દેખાતું નથી. રિશી કપૂર અને અભિષેકને જોવા ગમે છે, પણ આપણે ક્યાંય તેમની સાથે કનેક્ટ થઈ શકતા નથી નહીંતર આ જ રિશી કપૂર આવા જ ગેટઅપમાં ‘દો દૂની ચાર’ ફિલ્મમાં કેવો સંવેદનશીલ અભિનય કરી ગયેલા. અને અભિષેકના પપ્પાએ તો દીકરાના ગ્રહો જોવડાવવાની જરૂર છે.

મેસેજ સારો, ફિલ્મ નહીં


આટલા કકળાટ પછી એ તો સમજાઈ જ ગયું હશે કે ભલે આપણા ગુજ્જુભાઈની એકદમ પારિવારિક હોય, પણ આ ફિલ્મ થિયેટર સુધી લાંબા થવા જેવી નથી. પરિવાર પ્રત્યેના પ્રેમ અને જવાબદારીનો મેસેજ સારો છે, પણ એ દોડાદોડીમાં ક્યાંક ખોવાઈ ગયો છે. ઉમેશભાઈ, આ ક્યાંય તમારી ફિલ્મ લાગતી નથી. સો બેટર લક નેક્સ્ટ ટાઇમ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK