ફિલ્મ-રિવ્યુ : ઍરલિફ્ટ

દેશભક્તિ, હીરોભક્તિ, ફિલ્મીપંતી :જો આપણા ટિપિકલ ફિલ્મી મસાલા નાખવાની લાલચ ન રાખી હોત તો આ ફિલ્મ બેજોડ થ્રિલર-ફિલ્મ બની શકી હોત

airlift


જયેશ અધ્યારુ

ફિલ્મોનું એક મહત્વનું કામ એ પણ છે કે દેશ જેને વીસરી ગયો હોય, જેના પર સમયની ધૂળ લાગી ગઈ હોય તેવા સાચા હીરોની ગાથાઓ શોધી કાઢીને આપણી સમક્ષ મૂકવી. ‘ઍરલિફ્ટ’ આવા જ એક બેમિસાલ પરાક્રમની દાસ્તાન છે. આજે પણ જેના વિશે જાણીએ તો વિશ્વાસ ન આવે એવું અશક્યવત્ મિશન આપણા દેશના જાંબાઝોએ અઢી દાયકા પહેલાં પાર પાડેલું. પરંતુ શરત એ છે કે એની વાત કરવા બેસીએ તો સાચા હીરો પર ફિલ્મી પડદાનો હીરો હાવી ન થવો જોઈએ અને એ પરાક્રમ સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થવો જોઈએ. અક્ષયકુમારને ચમકાવતી ‘ઍરલિફ્ટ’માં જાણ્યે-અજાણ્યે ક્યાંક એવું થઈ ગયું છે.

યે જો દેશ હૈ તેરા

૧ ઑગસ્ટ, ૧૯૯૦. સદ્દામ હુસૈનની ઇરાકી સેના અચાનક પાડોશી દેશ કુવૈત પર ચડી આવી અને એને ખેદાનમેદાન કરવાનું શરૂ કરી દીધું. કુવૈતીઓને વીણી-વીણીને મારવાનું શરૂ કર્યું, પરંતુ જૂની દોસ્તીનો લિહાજ રાખીને ત્યાં વસતા ભારતીયો પર થોડી દયા ખાધી. પરંતુ ગઈ કાલ સુધી પોતાને કુવૈતી માનતા ભારતીયો રાતોરાત રેફ્યુજી બનીને રસ્તા પર આવી ગયા. એમાં ત્યાંનો એક બિલ્યનેર બિલ્ડર રંજિત કટ્યાલ (અક્ષયકુમાર) પણ અંટાઈ ગયો. કુવૈતમાં તે પત્ની અમિþતા (નિમ્રત કૌર) અને એક મીઠડી દીકરી સાથે જલસાથી રહે. કુવૈતનાં મોટાં માથાં સાથે પાર્ટીઓમાં મહાલતા કટ્યાલને રાતોરાત આઇડેન્ટિટી ક્રાઇસિસ ઊભી થઈ ગઈ કે તે પોતે કુવૈતી છે કે ભારતીય? જેમ-જેમ કુવૈત પર સદ્દામનો કબ્જો મજબૂત બનતો ગયો તેમ-તેમ કટ્યાલ પરિવાર અને તેમના જેવા બીજા હજારો ભારતીયો પાસે કુવૈત છોડવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન રહ્યો. પરંતુ નીકળવું કેવી રીતે? આખરે કટ્યાલે દિલ્હીમાં ભારતના વિદેશખાતાનો સંપર્ક સાધીને મદદ માગી અને નક્કી કર્યું કે પોતાની શરણમાં આવેલા સેંકડો ભારતીયોને સલામત સ્વદેશ પહોંચાડ્યા વિના કુવૈત છોડવું નહીં.

ઇતિહાસ ગવાહ છે કે બે મહિનાની અંદર ભારત ઍર ઇન્ડિયાની ૪૮૮ જેટલી ફ્લાઇટો ઉડાડીને ૧.૧૦ લાખથી ૧.૭૦ લાખ જેટલા લોકોને હેમખેમ સ્વદેશ પાછા લાવેલું. ગિનેસ વલ્ર્ડ રેકૉડ્ર્સમાં નોંધાયેલું ઇતિહાસનું આ સૌથી મોટું રેસ્ક્યુ ઑપરેશન હતું. એની ફિલ્મી દાસ્તાન એટલે ‘ઍરલિફ્ટ’ની બાકીની સ્ટોરી.

ફટા બમ, નિકલા હીરો

સત્યઘટના પરથી બનેલી રેસ્ક્યુ-થ્રિલર પ્રકારની ફિલ્મોનો પોતાનો આગવો ચાર્મ હોય છે. ઈ. સ. ૧૯૭૯-૮૦માં ઈરાનની હોસ્ટેજ ક્રાઇસિસ પરથી બનેલી ઑસ્કર-વિનિંગ હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’ કે આફ્રિકન દેશ રવાન્ડામાં ચાલેલા ખૂની જીનોસાઇડમાં સેંકડો લોકોને બચાવનારા હોટેલ-મૅનેજરની સાચી દાસ્તાન પરથી બનેલી સુપર્બ ફિલ્મ ‘હોટેલ રવાન્ડા’ એનાં બેસ્ટ એક્ઝામ્પલ છે. આપણી પાસે આ બન્ને ઘટનાઓને પણ વટી જાય એવી અને માનવ-ઇતિહાસે ક્યારેય ન જોયા હોય એવા અભૂતપૂવર્‍ રેસ્ક્યુ-ઑપરેશનની સ્ટોરી હતી. અફસોસ કે આપણે એ અપ્રતિમ સાહસને પૂરતો ન્યાય આપી શક્યા નથી.

માત્ર બે કલાક લાંબી ‘ઍરલિફ્ટ’ ફિલ્મનો ઇરાદો નેક છે. ફિલ્મની શરૂઆતમાં ઇરાકી આર્મી માતેલા સાંઢની જેમ કુવૈતમાં ધસી આવે અને નિર્દોષ લોકોને મસળવા માંડે એ દૃશ્યો કાળજું કંપાવી દે એવાં છે. એ વખતે પોતાને કુવૈતી ગણાવતા અને ભારતનું મ્યુઝિક સાંભળવું પણ પસંદ ન કરતા મેલ-શોવિનિસ્ટ ઉદ્યોગપતિ પાસે તમે હીરોગીરીની અપેક્ષા રાખી શકો? પરંતુ આસપાસ બની રહેલી ઘટનાઓ તેનું રાતોરાત હૃદયપરિવર્તન કરી નાખે છે. કદાચ એમાંથી જ તેનામાં એક ઍક્સિડેન્ટલ હીરો પેદા થઈ જાય છે. રાતોરાત મૂળસોતા ઊખડી જવાની પીડા અને માથા પર કોઈ દેશનું છત્ર ન હોય એવી ભયાવહ સ્થિતિ ફિલ્મના પહેલા અડધા કલાકમાં જ અનુભવી શકાય છે. ઉપરથી મસ્ત એરિયલ શૉટ્સવાળી અફલાતૂન સિનેમૅટોગ્રાફી પ્લસ ફિલ્મને વિન્ટેજ લુક આપતો કલર-ટોન ‘ઍરલિફ્ટ’ને એક ડૉક્યુડ્રામાની ફીલ આપે છે. ફિલ્મમાં ‘તેઝાબ’ ફિલ્મનું એક દો તીન ગીત ચાલતું હોય, પાકિસ્તાની આર્ટિસ્ટ ખાલેદના હિટ સૉન્ગ દીદીની તર્જ પર બનેલું હિન્દી ગીત હોય (જોકે દીદી ગીત ૧૯૯૧માં બહાર પડેલું, ‘ઍરલિફ્ટ’ના ઘટનાક્રમ પછી) કે પછી ટીવી પર બૅકગ્રાઉન્ડમાં સચિન તેન્ડુલકર નામના નવા છોકરાને ટીમમાં લેવાના મુદ્દે વાત ચાલતી હોય, એ બધું જ આપણને એક વીતેલા જમાનામાં લઈ જાય છે.

પરંતુ પ્રૉબ્લેમ ત્યાર પછી શરૂ થાય છે. જે ફિલ્મમાં એક પણ ગીતની જરૂર ન હોય ત્યાં અહીં પાંચેક ગીતો છે, જે બે કલાકની ફિલ્મની વીસેક મિનિટ ખાઈ જાય છે. પરંતુ એનો મોટો ગુનો એ છે કે એ ફિલ્મની થ્રિલને કિલ કરી નાખે છે. એક તબક્કે શહેરમાં અંધાધૂંધી ચાલતી હોય અને થોડા સમય પછી એ બધું જ આપણી આંખ સામેથી ગાયબ.

ફિલ્મના અંતે ખબર પડે છે કે રિયલ લાઇફની બે વ્યક્તિઓ પરથી અક્ષયકુમારનું પાત્ર બનાવવામાં આવ્યું છે; પરંતુ ફિલ્મનો કેટલો બધો સમય અક્ષયકુમાર કેવો મહાન લીડર છે, કેટલો સારો નેગોશિએટર છે, કેટલો ઉમદા ઇન્સાન છે એ બતાવવામાં જ વેડફાઈ ગયો છે. જે બાબતો આપણને ઑલરેડી પડદા પર દેખાય છે એને મેલોડ્રામેટિક રીતે બોલી-બોલીને કહેવામાં આવી છે. અક્ષયના પાત્રની આ હીરોગીરી પર એટલુંબધું ફોકસ કરાયું છે કે ફિલ્મના બીજા ઈક્વલ હીરો એવી આપણી સરકાર, ઍર ઇન્ડિયા, આપણું સૈન્ય એમના ભાગે કશું જ આવ્યું નથી; જ્યારે હકીકતમાં ઍર ઇન્ડિયાએ જીવસટોસટની કામગીરી ન બજાવી હોત તો મોટા ભાગના લોકોનું ભવિષ્ય અંધકારમય હતું. વળી આપણી સરકારને દેશના લોકોની કશી પડી જ નહોતી એ ફીલ પણ અહીં ફાંસની જેમ વાગે છે. પ્રકાશ બેલાવાડી જેવા ઉમદા ઍક્ટરનું અત્યંત ઇરિટેટિંગ પાત્ર ફિલ્મનો મહત્વનો હિસ્સો ખાઈ જાય છે, જેને કારણે દોજખમાંથી હેમખેમ બહાર નીકળ્યાનો કોઈ જ સંતોષ અનુભવાતો નથી. ઈવન અક્ષયકુમારે ખરેખર કેટલા લોકોને બચાવેલા અને બાકીના લોકો કઈ રીતે આવ્યા એ પણ આ ફિલ્મમાંથી જાણવા મળતું નથી.

પડદાના હીરો


આપણે ભુલાવી દીધેલી ગૌરવપ્રદ દાસ્તાન ફરી પાછી બહાર લાવવા બદલ ડિરેક્ટર રાજા ક્રિષ્ન મેનન અને ફિલ્મના જથ્થાબંધ પ્રોડ્યુસરોને અભિનંદન આપવાં ઘટે. એકમાત્ર બિનજરૂરી ફાઇટ સીનને બાદ કરતાં અક્ષયકુમાર પર્ફેક્ટ્લી કન્વિન્સિંગ છે. એવી જ કન્વિન્સિંગ ક્યુટ કુડી નિમ્રત કૌર છે (ખાલી એ સમજાયું નહીં કે ધડ ઉપર માથું ન હોય એવી સ્થિતિમાં પણ તે પોતાનો પર્ફેક્ટ્લી ટચઅપ થયેલો મેકઅપ કેવી રીતે જાળવી શકી હશે?) પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું દિલ્હીમાં વિદેશખાતામાં બેસીને પોતાની ફરજ બજાવનારા બાબુ સંજીવ કોહલીના પાત્રમાં કુમુદ મિશ્રાએ. તેમણે મિનિમમ ડાયલૉગ્સથી પણ પોતાની અસરકારકતા બતાવી દીધી છે. ફિલ્મનું જો સૌથી મોટું અને ખોટું કાસ્ટિંગ હોય તો એ છે ઇરાકી મેજર બનતા ઇનામુલ હકનું. ફિલ્મીસ્તાનવાળા ઇનામુલ ભયાનકને બદલે કૉમિક લાગે છે. ઍક્ટર પૂરબ કોહલીનું કૅરૅક્ટર નાનું છે, પણ હૃદયસ્પર્શી છે. સુરેન્દ્ર પાલ અને નિનાદ કામત બહુ દહાડે દેખાયા છે તો અવતાર ગિલ ‘વઝીર’ પછી ફરી પાછા હાઉકલી કરીને જતા રહ્યા છે.

હિન્દુસ્તાન ઝિન્દાબાદ

ઘણા માઇનસ પૉઇન્ટ્સ છતાં ‘ઍરલિફ્ટ’માં બહુ બધી થ્રિલિંગ મોમેન્ટ્સ છે. તિરંગો ઊંચો થતો જોઈને રૂંવાડાં ઊભાં થાય એવી દેશભક્તિની ક્ષણો પણ છે. ભલે બિનજરૂરી પણ સાંભળવું ગમે એવું એકદમ સોલફુલ મ્યુઝિક પણ છે. પરંતુ અંતે આ એક વાસ્તવિક ઘટનાનું ફિલ્મી વર્ઝન છે. એના પરથી ઍક્ચ્યુઅલ ઘટનાક્રમનો તાગ મેળવવાની અપેક્ષા રાખવી નહીં. આપણે પણ કંઈ કમ બહાદુર નથી એ દેશભક્તિની ફીલિંગ મળે તો પણ ભયો-ભયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK