ફિલ્મ રિવ્યુ : વિજયી અગ્નિપથ

જૂના જમાનાનો ઘણો ડ્રામા હોવા છતાં પણ દરેક કલાકાર ને ડિરેક્ટરના જબરદસ્ત પફોર્ર્મન્સને કારણે આ ફિલ્મ રીમેક તરીકે ઉદાહરણસ્વરૂપ

કરણ જોહરનું આ સ્વરૂપ અને કરણ મલ્હોત્રા નામનો જિનીયસ ડિરેક્ટર અત્યાર સુધી ક્યાં છુપાયેલાં હતાં? આ પ્રશ્ન ગુરુવારે રિલીઝ થયેલી ‘અગ્નિપથ’ની પહેલી વીસ મિનિટ જોતાં જ થાય. ૧૯૯૦માં ફ્લૉપ થઈ હોવા છતાં આજે બૉલીવુડની સારી ફિલ્મોમાં ગણવામાં આવતી ‘અગ્નિપથ’ની રીમેક બનાવવી અને એમાં જે સારી બાબતો હતી એને ધ્યાનમાં રાખીને પોતાની રીતે અમુક ફેરફારો કરી દર્શકોને સફળતાથી ફિલ્મનું નવું સ્વરૂપ આપવું એ કોઈ નાની જવાબદારી નથી. મૂળ ફિલ્મ જે કારણોસર ઘણી વાહવાહી મેળવી શકી છે એને પૂરતું માન આપીને આ ફિલ્મને અલગ રીતે દર્શકો સુધી લાવવામાં આવી છે, જેની દરેક રીમેક પાસેથી હંમેશાં આશા રાખવામાં આવતી હોય છે.

માંડવા નામના ગામમાં ડ્રગ્સનો ધંધો કરવા માગતા કાંચા ચીના (સંજય દત્ત)ના રસ્તામાં ગામનો એકમાત્ર પ્રામાણિક અને સૈદ્ધાંતિક વ્યક્તિ માસ્ટર દીનાનાથ ચૌહાણ (ચેતન પંડિત) આવે છે. કાંચા આ માસ્ટર વિરુદ્ધ ગામની વ્યક્તિઓને ભડકાવી તેની હત્યા કરે છે. પોતાના પિતાની હત્યાનો બદલો તેના દીકરા વિજય (હૃતિક રોશન)નું એકમાત્ર ધ્યેય હોય છે. માંડવાથી મુંબઈ આવ્યા બાદ તે ગૅન્ગસ્ટર રઉફ લાલા (રિશી કપૂર)નો આશરો લે છે અને પોતાના ધ્યેયને પૂરું કરવાની કોશિશ શરૂ કરે છે.

આ ફિલ્મ પાવરફુલ પફોર્ર્મન્સિસનો એક સંપૂર્ણ સમન્વય છે. મૂળ ફિલ્મની રિલીઝના બાવીસ વર્ષ બાદ જ્યારે રીમેક બની હોય ત્યારે સેટ અને કૅમેરા-વર્કમાં મોટા ફેરફારો હોવા સ્વાભાવિક છે. દીવમાં બનાવવામાં આવેલા સેટ માટે જાણીતો સેટ-ડિઝાઇનર સાબુ સિરિલ કાંચા ચીનાની ઇફેક્ટમાં વધારો જ કરે છે. ફિલ્મની સિનેમૅટોગ્રાફી મહત્વના ભાગોમાં આહ્લાદક છે. જોકે આ ફિલ્મનો બૅકબોન તો ડિરેક્ટર કરણ મલ્હોત્રા જ છે. તેણે ફિલ્મને જોવામાં તો રસપ્રદ બનાવી જ છે, પણ સાથોસાથ કલાકારોના પફોર્ર્મન્સને પણ એકસરખું મહત્વ આપ્યું છે. મુકુલ આનંદે મૂળ ફિલ્મમાં જે રીતે અમુક ભાગોને એ રીતે મૂક્યા હતા જેથી એ હાઇલાઇટ બની શકે એ ભાગોનો કરણ મલ્હોત્રાએ ખૂબ જ સ્માર્ટ્લી ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત રઉફ-વિજય અને ક્લાઇમૅક્સની ફાઇટ્સ તથા સ્ટોરી પહેલાંથી ખબર હોવા છતાં આપવામાં આવેલી અમુક સરપ્રાઇઝ આ ફિલ્મનો અનુભવ એવો બનાવે છે જે આજના ફિલ્મમેકર્સ ભાગ્યે જ દર્શકો સામે મૂકી શકે.

કાદર ખાને ઓરિજિનલ ‘અગ્નિપથ’ના ડાયલૉગ્સને ખૂબ જ સહજ અને ઇફેક્ટિવ રીતે લખ્યા હતા જ્યારે રીમેકમાં પીયૂષ મિશ્રાએ લખેલા ડાયલૉગ્સ સાવ જ અલગ છે, પણ ત્રણેય પાત્રોને સરખું મહત્વ આપી તેમણે એવું લખ્યું છે જે તાળીઓને હકદાર હશે. કાંચા ચીનાને ક્રૂર બનાવવાના કારણથી ‘વિજય દીનાનાથ ચૌહાણ પૂરા નામ...’ના ડાયલૉગને જે સ્થાને ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખરેખર સુખદ સરપ્રાઇઝ આપશે. ‘ચિકની ચમેલી...’એ આ ફિલ્મને જોવા માટેનું એક કારણ ઉમેર્યું છે અને આ ગીત નિરાશ નહીં કરે. જે સ્થાને એનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ કરણ મલ્હોત્રાના વિઝનનું ઉદાહરણ છે. બાકીનું સંગીત ઍવરેજ છે, પણ અજય-અતુલનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અમુક સ્થાનોએ બે વેંત ઊંચું ચાલે છે અને માત્ર એ સંગીતથી જ રૂંવાડાં ઊભાં થશે.

જોકે ભાઈ-બહેન અને ત્યાગ તથા બલિદાનની જૂની વાર્તાઓ ફરી ફિલ્મમાં રજૂ કરવાનો કોઈ અર્થ નથી. કદાચ આ બાબતોને મૂળ ફિલ્મની જેમ જ ટૂંકમાં બતાવવામાં આવી હોત તો આ ફિલ્મની અસર વધુ રહી શકી હોત. મૂળ ફિલ્મમાં જે રીતે મા-દીકરાના સંબંધની આંટીઘૂંટીને બતાવવામાં આવી છે એમાં રીમેક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે અને એ સૌથી મોટો માઇનસ પૉઇન્ટ ગણી શકાય. ગૅન્ગવૉર મૂળ ફિલ્મમાં ઘણી સારી રીતે બતાવવામાં આવી હતી, પણ કાંચા-રઉફને એકબીજાના દુશ્મન  બતાવવામાં આવ્યા છે એ માત્ર ડાયલૉગ્સથી જાણ થાય છે. આ બાબતે થોડું કામ કરવાની જરૂર હતી. મૂળ ફિલ્મમાં જેટલી હિંસા હતી એના કરતાં ઘણી વધુ આ ફિલ્મમાં છે અને એને પણ અમુક દર્શકો પસંદ નહીં કરે. આ ઉપરાંત સંપૂર્ણપણે ફિલ્મને સિરિયસ બનાવવામાં આવી છે અને ત્યાં જ મૂળ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીએ કરેલા ક્રિષ્નન અય્યરના પાત્રની યાદ આવી જાય અને ઘણા લોકોને લાગશે કે એ બાબતે ફિલ્મમાં ભૂલ કરવામાં આવી છે.

જે રોલે અમિતાભ બચ્ચનને કરીઅરમાં બેસ્ટ ઍક્ટરનો પહેલો નૅશનલ અવૉર્ડ અપાવ્યો હતો એ કામને ફરી જીવંત કરવાનું આવે ત્યારે જ કોઈ પણ કલાકાર અ માટે આનાકાની કરે. ખુદ હૃતિકે પણ એ કર્યા પછી આ ફિલ્મમાં વિજયનું પાત્ર અલગ ખરું, પણ સ્ક્રિપ્ટને બંધ બેસે એ રીતે નિભાવ્યું છે. એક કૉમ્પ્લેક્સ પાત્ર હોવા છતાં તેના દરેક એક્સપ્રેશન અને બૉડી-લૅન્ગ્વેજ સાબિત કરે છે કે ફિલ્મમાં તેની પસંદગી જરાપણ ખોટી નથી. મૂળ ફિલ્મમાં બિગ બીનું પાત્ર એ રીતે લખવામાં આવ્યું હતું કે દરેક સીનમાં તેમની આંખોમાંથી અંગારા નીકળતા હોય એ દેખાઈ આવે. આ ફિલ્મમાં વિજયને ઘણો સંવેદનશીલ બતાવવામાં આવ્યો છે અને હૃતિકનું પર્ફેક્શન એને પૂરેપૂરો ન્યાય આપે છે. સંજય દત્તની કરીઅરમાં તેણે ઘણા યાદગાર રોલ કર્યા છે, પણ કાંચા ચીના એક હાઇટ છે; જેના પર ક્યારેય તે પોતે ફરી પહોંચી શકશે કે નહીં એની શંકા છે. ડૅની ડેન્ઝોન્ગ્પાએ જો આ રોલને યાદગાર બનાવ્યો હતો, તો સંજુબાબાએ કાંચા ચીનાને અમર બનાવ્યો છે.

જોકે આ ફિલ્મ સૌથી વધુ રિશી કપૂરને લીધે યાદગાર રહેશે. તેમણે કરેલા રઉફ લાલાના પાત્રને નવું લખવામાં આવ્યું છે અને એમાં તેમણે જે જાન રેડ્યો છે એ સાબિત કરે છે કે આ ઍક્ટર બૉલીવુડમાં હજી ઘણી લાંબી ઇનિંગ્સ રમશે. ઘણાં દૃશ્યોમાં તેમનું કામ હૃતિકને પણ ઝાંખો પાડી દેશે. પ્રિયંકા ચોપડાનો રોલ નાનો છે અને ચાર્મ સિવાય તે ફિલ્મને કંઈ આપી નથી શકી.

વિજયના બાળપણના પાત્રમાં આરિશ ભિવંડીવાલા બાળકલાકારોમાં એક નવી શોધ છે અને તેને વધુ ફિલ્મો મળવી જોઈએ. ઓમ પુરી પોતાનો રોલ પર્ફેક્શનથી કરે છે. ઝરીના વહાબનો રોલ વધુ સારો બની શક્યો હોત.જીવંત અને જલદ એવા રીમેક બનાવવાના ‘અગ્નિપથ’ને કરણ મલ્હોત્રા અને કરણ જોહરે સફળતાથી પાર પાડ્યો છે એ ચોક્કસ કહી શકાય.

પહેલા દિવસે ઉડાન, બીજા દિવસે થપાટ

ગુરુવારે જાહેર રજાને કારણે રેકૉર્ડબ્રેકિંગ શરૂઆત મેળવ્યા પછી ‘અગ્નિપથ’ના બિઝનેસમાં શુક્રવારે પચાસ ટકા જેટલો ઘટાડો


કરણ જોહરના પ્રોડક્શન અને કરણ મલ્હોત્રાના દિગ્દર્શન હેઠળની ‘અગ્નિપથ’ને મળેલું બમ્પર ઓપનિંગ માત્ર એક દિવસ પૂરતું રહ્યું છે. ફિલ્મને પહેલા દિવસે થયેલા લગભગ પચીસ કરોડ રૂપિયા સુધીના બિઝનેસને કારણે ફસ્ર્ટ-ડે અને સિંગલ-ડે કલેક્શનના ફિલ્મે બૉક્સઑફિસ રેકૉર્ડ્સ તોડ્યા છે. જોકે એની પાછળનું મોટું કારણ ૨૬ જાન્યુઆરીની જાહેર રજાના દિવસે ફિલ્મને રિલીઝ કરવાના નિર્ણયને કહી શકાય. જોકે શુક્રવાર સામાન્ય દિવસ હોવાને કારણે ફિલ્મના બિઝનેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના બિઝનેસમાં સાર્વત્રિક ચાલીસથી પચાસ ટકાના ઘટાડા બાદ ફિલ્મે શુક્રવારે લગભગ ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જાહેર રજાના દિવસે રિલીઝ થયેલી ફિલ્મને સારું ઓપનિંગ મળવાનું જ હોય એ ધારણા ‘અગ્નિપથ’માં સાચી પડી હતી. જોકે આટલી જબરદસ્ત કમાણી થશે એવી આશા જાણકારોને નહોતી. બીજા દિવસ માટે પણ કંઈક આવું જ થયું છે. વર્કિંગ-ડે હોવાને કારણે બિઝનેસમાં ઘટાડો જોવા મળશે એ તો ચોક્કસ ગણવામાં આવતું હતું, જોકે જે ઘટાડો જોવા મળ્યો છે એની કોઈએ આશા નહોતી રાખી. પહેલા દિવસ કરતાં ચાલીસથી પચાસ ટકાના ઘટાડા સાથેનો બિઝનેસ ઘણો શૉકિંગ માનવામાં આવી રહ્યો છે.

જોકે ટ્રેડ સાથે સંકળાયેલા લોકો માને છે કે આ કોઈ ખતરાની ઘંટડી ન ગણી શકાય અને બાકીની ફિલ્મોની સરખામણીમાં એક જ દિવસમાં બાર કરોડ રૂપિયાનો બિઝનેસ સારો જ ગણાય, પણ જે ઓપનિંગ મળ્યું હતું એનાથી આશા વધી ગઈ હતી.

ટ્રેડ-વિશેષજ્ઞોને વિશ્વાસ છે કે ચાર દિવસમાં ફિલ્મ ૬૫થી ૭૦ કરોડ રૂપિયાની કમાણી તો આસાનીથી કરી લેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK