ફિલ્મ-રિવ્યુ - અય દિલ હૈ મુશ્કિલ

બિગ બજેટ ક્લિશે કી કીમત તુમ ક્યા જાનો, રાજબાબુ? ઍક્ચ્યુઅલી આ ફિલ્મ નથી, ચ્યુઇંગ ગમ છે. શરૂઆતમાં મીઠી, પછીથી એકદમ મોળી અને આપણે દાયકાઓથી ચાવતા આવ્યા છીએ એ જ ફ્લેવરવાળીજયેશ અધ્યારુ

કરણ જોહર જો કેમિસ્ટ્રીનો શિક્ષક હોત તો તે પોતાના વિદ્યાર્થીઓને ચેઇન રીઍક્શન કંઈક આ રીતે શીખવતો હોત : કેમિકલ RK કેમિકલ ASને પ્રેમ કરે છે, પરંતુ કેમિકલ AS ત્રીજા એક પાકિસ્તાની કેમિકલ FKના પ્રેમમાં છે. AS સાથે પાકો બૉન્ડ ન બંધાતાં RK એક થોડા મોટી સાઇઝના બ્યુટિફુલ કેમિકલ AS સાથે નવો બૉન્ડ બાંધે છે, પરંતુ એમાં પેલા AR જેવી મજા નથી. અધૂરામાં પૂરું, એ બ્યુટિફુલ કેમિકલ ARનું પણ એક કેમિકલ S સાથે જૂનું બૉન્ડિંગ છે. હવે આ સમગ્ર રસાયણોને બૉલીવુડના બિકરમાં નાખીને ૧૫૭ મિનિટ સુધી દેશભક્તિના ઉદ્દીપકની સાક્ષીએ ઉકાળીએ તો જે નવું રસાયણ તૈયાર થાય એને ‘અય દિલ હૈ મુશ્કિલ’ એટલે કે ‘ADHM’ નામ આપી શકાય.

પ્રેમનો પકડદાવ

આપણા બૉલીવુડમાં પ્રેમના જેટલા પ્રકાર જોવા મળે છે એટલા તો ખુદ કામદેવની ટેક્સ્ટ બુકમાં પણ નહીં હોય, પરંતુ એમાંય સૌથી કૉન્ક્રીટ પક્કાવાલા પ્રેમ હોય તો એ છે સચ્ચા પ્યાર. બાકી કરણ જોહર અત્યાર સુધીમાં એશિયન પેઇન્ટ્સના શેડકાર્ડમાં હોય છે એટલા બધા ટાઇપના પ્રેમ પોતાની ફિલ્મોમાં અજમાવી ચૂક્યો છે. જેમ કે દોસ્તો વચ્ચેનો પ્રેમ, ભાઈ-ભાંડુ-માતાપિતા સાથેનો પ્રેમ, મરતા દોસ્ત દ્વારા કુરબાન કરવામાં આવતો પ્રેમ, પારકાનાં પતિ-પત્નીને કરાતો પ્રેમ, પ્રેમિકાના આગલા ઘરના દીકરાને કરાતો પ્રેમ અને હવે આ દિવાળીનો લેટેસ્ટ પ્રેમ છે ફ્રેન્ડ-ઝોન પ્રેમ. મતલબ કે જ્યારે છોકરી છોકરાના પ્રેમના પ્રસ્તાવના જવાબમાં એવું કહી દે કે આઇ લવ યુ, બટ ઍઝ અ ફ્રેન્ડ, પછી પેલા વૅલેન્ટાઇન્સ ડેમાંથી ફ્રેન્ડશિપ ડેમાં આવી પડેલા મજનૂની જે હાલત થાય એ થયો ફ્રેન્ડ-ઝોન પ્રેમ. એ રીતે જોઈએ તો કરણ જોહરે ફ્રેન્ડ-ઝોનમાં આવી પડેલા કરોડો પ્રેમીઓની પીડાને વાચા આપી છે.

‘ADHM’માં રણબીર કપૂરની હાલત એ જ થઈ છે. બચાડો આશિક-ઝોનમાંથી ફ્રેન્ડ-ઝોનમાં આવી ગયો છે, પરંતુ એવી તેને ખબર પડે એ પહેલાં તે અને અનુષ્કા બન્ને જબ્બર ધમાલ કરે છે. હવે કરણ જોહરની ફિલ્મ છે એટલે તેનાં પાત્રો માટે ગરીબી રેખા એટલે ‘ફૉબ્સર્‍’ મૅગેઝિનના લિસ્ટમાં ન આવવું એ. અહીં અયાન બનતો રણબીર એવો અમીર છે જે લંડનમાં MBA કરે છે, દિલ તૂટે તો સાંધવા માટે પૅરિસના દરજી પાસે જાય છે અને એ પણ પપ્પાના પ્રાઇવેટ જેટમાં બેસીને, સચ્ચી. MBA તો તે ફક્ત સ્ટાઇલ મારવા માટે જ કરે છે, બાકી તેનું અસલી પૅશન તો છે સિન્ગિંગ. જોકે તેને હજી રૉકસ્ટારનો નશો ઊતર્યો નથી એટલે અવાજમાં દર્દ લાવવા માટે દિલ તૂટવાની રાહ જોઈને બેઠો છે.


એકાદ ખુફિયા ટ્વિસ્ટને બાદ કરતાં ‘ADHM’ એવા ચવાયેલા બૉલીવુડિયન ટ્રૅક પરથી પસાર થાય છે જેને તમે બે વખત શાંતિથી ટ્રેલર જોઈને પણ કળી શકો. જે બાબત ખુફિયા રખાઈ છે એ પણ હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો જેટલી જ પુરાણી છે. પરમેશ્વર ગોદરેજને તથા દેશદ્રોહનું પાપ ધોવા માટે સૈનિકોને અંજલિ આપવાથી શરૂ થતી આ ફિલ્મને જોકે સાવ માળિયે ચડાવી દેવા જેવી તો નથી જ. અનુષ્કા શર્મા અને રણબીર કપૂરની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી અનુષ્કા-વિરાટની ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી કરતાં પણ, ઓકે ચલો એના જેટલી જ નૅચરલ લાગે છે. એ બન્નેએ સાથે મળીને જે ધમાલ કરી છે એ ફિલ્મનો સૌથી એન્ટરટેઇનિંગ પાર્ટ છે. રણબીરના પપ્પા રિશી કપૂરના ‘ચાંદની’ના ગીત પર બન્નેનો ડાન્સ, ‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ’, ‘તોહફા’નું ટાઇટલ-સૉન્ગ અને એનાં મ્યુઝિક, દોસ્તી મેં નો સૉરી નો થૅન્ક યુ કે પછી ‘કુછ કુછ હોતા હૈ’ના તુમ નહીં સમઝોગી ટાઇપના પોતાની અને બૉલીવુડની ફિલ્મોને સેલિબ્રેટ કરતી સીક્વન્સિસ પ્લસ ડાયલૉગ્સ અંદરથી એકદમ નૉસ્ટેલ્જિક કરી મૂકે છે. કોઈ ફિલ્મી રોમૅન્ટિક કૉમેડી નૉવેલ વાંચતા હોઈએ એ રીતે લડકા-લડકી મિલે, પ્રેમના ફણગા ફૂટે, ટિપિકલ બૉલીવુડિયા શાદી આવે અને ફિલ્મ ફટાફટ આગળ વધતી રહે. એ બધું જ ટિપિકલ ફિલ્મી ક્લિશે હોવા છતાં જોવાની મજા પડે. એમાં મધર તો ઇન્ડિયા હોતી હૈ, તુમ્હારી તો મિલ્ખા નિકલી, રાયતા હૂં, ફૈલ રહી હૂં જેવાં ક્રીએટિવ વનલાઇનર્સ પણ આવી જાય. મજાના આ મોજે દરિયામાં ઓટ ઇન્ટરવલની થોડી મિનિટો પછી આવવાનું શરૂ થાય છે.

પરંતુ એ પહેલાં એન્ટ્રી થાય છે મોહતરમા ઐશ્વર્યા રાય બચ્ચનની. જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે સ્વર્ગની કોઈ અપ્સરાનું ગૂગલ-મૅપ્સ ખોટકાઈ ગયું હોય અને અહીં ભૂલી પડી ગઈ હોય એવી ગજબનાક ખૂબસૂરત લાગે છે. આમ તો તેની અને રણબીરની જોડી મે-ડિસેમ્બર જેવી ઓડ છે, પરંતુ અહીં કોને પરવા છે? ઐશ્વર્યા પરથી નજર હટે તો બીજું કંઈ સૂઝેને? પાછી તો તે શાયરા છે, મતલબ કે કવયિત્રી. એ પણ જેવીતેવી શાયરા નહીં, ઑસ્ટ્રિયાના વિયેનામાં રહેતી અને પ્લેનના બિઝનેસ-ક્લાસમાં સફર કરતી શાયરા. તેનું ઘર પણ ક્રિકેટ રમી શકાય એવડું મોટું. તે સવારે બ્રશ કરતાં પહેલાં પણ ગુફ્તગૂ બેઝાર લોગોં કી આદત હોતી હૈ, મૈં કિસી કી ઝરૂરત નહીં ખ્વાહિશ બનના ચાહતી હૂં, ખૂબસૂરતી તો ઢલ જાતી હૈ, પર્સનાલિટી ઝિંદા રહતી હૈ જેવી લાઇનો છુટ્ટી ફેંકતી રહે છે. જોકે ઐશ્વર્યાના ઘરે બેબી કજિયા કરતી હોવાથી તે વહેલાં બિસ્તરા-પોટલાં પૅક કરી લે છે અને ફિલ્મને કપાયેલા પતંગની જેમ લૂઢકતી છોડીને જતી રહે છે. પડદા પર ચાલતા આ મલ્ટિસ્ટારર નાટકનો ત્રીજો અંક એટલી હદે ક્લિશે એટલે કે ચવાયેલો છે કે સિરિયલો જોઈને રડી પડતા લોકોને પણ એ સ્પર્શી ન શકે.

આ ફિલ્મમાં મુખ્ય કલાકારો એટલાબધા છે કે સપોર્ટિંગ સ્ટાર્સની જરૂર જ નથી. એમ છતાં જોહરભાઈની ફિલ્મ હોય એટલે ગુડલક શૉટ આપવા માટે પણ વડ્ડે વડ્ડે સ્ટાર આંટો મારી જાય ખરા. અચ્છા, આ રાજભાઉ ઠાકરેએ નાહકની ચિલ્લમચિલ્લી કરી નાખી. જો તેમણે કકળાટ ન કર્યો હોત તોય કોઈ ફવાદને ઓળખવાનું નહોતું એવો ખસખસના દાણા જેટલો નાનો રોલ છે તેનો. હા, આ ફિલ્મ માટે જેણે ‘આજ જાને કી ઝિદ ના કરો’નું પાર્ટી-વર્ઝન બનાવ્યું છે એના પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા જેવી ખરી. બાકીનાં બધાં ગીતો પ્રીતમે સરસ રીતે ઉઠાવ્યાં, સૉરી, બનાવ્યાં છે. અરિજિત આણિ મંડળીએ ગાયાં પણ દિલથી છે, તાનપુરે કી કસમ.

દોસ્તી ઔર પ્યાર મેં સબ ક્લિશે જાયઝ હૈ?

કોઈ નાનું બચ્ચું પણ કહી શકે કે મોટા બજેટનો ઉપયોગ માત્ર મોટા સ્ટાર, ફૉરેન લોકેશન્સ અને મોંઘાં કપડાં પાછળ જ કરાયો છે. બાકી સ્ટોરીના નામે તો એની એ જ જૂની હિન્દી-ઇંગ્લિશની ભેળપૂરી પીરસવામાં આવી છે. લીડ સ્ટાર્સના ચાર્મ, સાંભળવાની મજા પડે એવાં ગીતો અને તહેવારની સીઝનને લીધે ચાલી જાય, બાકી આ જ ફિલ્મ જો જાણીતા ચહેરા વિના બીજા કોઈ સમયે રિલીઝ કરાઈ હોય તો ઘૂંટડો પાણી પણ માગ્યા વિના સિધાવી જાય. હા, અંદરખાને એકતરફા પ્યારની પોટલી લઈને ફરતા નિષ્ફળ પ્રેમીઓને આ ફિલ્મ ખૂણેખાંચરે ટચ કરી જાય તો કહેવાય નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK